કિમ જોંગ-ઉન આ વિશિષ્ટ ટ્રેનમાં જ કેમ મુસાફરી કરે છે?

સેટેલાઇટ તસવીરોમાં ઉત્તર કોરિયાના વોનસન શહેરમાં વિશેષ ટ્રેન જોવા મળી રહી છે. જેના કારણે એવી અટકળો વહેતી થઈ છે કે દેશના શાસક કિમ જોંગ-ઉન હાલમાં ત્યાં છે.

તેમની તબિયત અંગે છેલ્લા કેટલાક દિવસોથી અટકળો વહેતી થઈ હતી અને રિસોર્ટ ટાઉનમાં તેમના દેખાવાથી આ અટકળોને વેગ મળ્યો છે.

વર્ષ 2011માં શાસનની ધૂરા સંભાળ્યા બાદ વર્ષ 2018માં તેમણે પ્રથમ વિદેશપ્રવાસ ચીનનો ખેડ્યો હતો, ત્યારે તેમણે આ ટ્રેનનો ઉપયોગ કર્યો હતો.

આ સિવાય તેઓ સિંગાપોરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ મળ્યા હતા.

જોંગ-ઉનની ટ્રેન લીલા રંગની છે. જોકે, આ વાત પર આશ્ચર્ય થઈ શકે છે કે સમય બચાવવા માટે દુનિયાના મોટા ભાગના નેતા વિમાન તેમજ હેલિકૉપ્ટરમાં પ્રવાસ કરે છે, તો પછી ઉત્તર કોરિયાના નેતા ટ્રેન કેમ પસંદ કરે છે અને તેની ખાસિયતો શું છે?

વિમાનમાં મુસાફરી કરવાનો ડર કેમ?

કિમ જોંગના પિતા કિમ જોંગ ઇલ પણ હવાઈ મુસાફરીને નાપસંદ કરતા હતા.

જોંગ ઇલ વર્ષ 2002માં ત્રણ અઠવાડિયા માટે રશિયાના પ્રવાસ પર ગયા હતા, ત્યારે તેમની સાથે મુસાફરી કરનારા એક રશિયન અધિકારીએ તેમને આ ટ્રેન વિશે જણાવ્યું હતું.

આ ટ્રેનમાં દુનિયામાં સૌથી મોંઘી વાઇન મળતી હતી અને બારબેક્યૂની વ્યવસ્થા પણ હતી. ટ્રેનમાં ભવ્ય પાર્ટીઓ થતી.

કિમ જોંગ-ઇલે આ રેલગાડીમાં આશરે 10થી 12 વખત વિદેશ પ્રવાસ ખેડ્યો હતો. મોટાભાગે તેમણે ચીનનો પ્રવાસ કર્યો હતો.

સિનિયર કિમ લાંબી મુસાફરી માટે પણ ટ્રેનનો જ ઉપયોગ કરતા હતા. વર્ષ 1984માં તેઓ આ જ ટ્રેનમાં પૂર્વી યૂરોપ પણ ગયા હતા.

તેમનું મૃત્યુ પણ ટ્રેનમાં હૃદયરોગના હુમલાના કારણે થયું હતું.

પરંતુ જે ટ્રેનમાં કિમ જોંગ-ઉન મુસાફરી કરે છે, તે કોઈ સાધારણ ટ્રેન નથી.

કેમ ખાસ છે આ રેલગાડી?

'ન્યૂ યૉર્ક ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, બીજિંગમાં દેખાયેલી આ રેલગાડીમાં 11 ડબ્બા હતા અને દરેક ડબ્બાનો રંગ લીલો હતો.

ટ્રેનની બારીઓ પર ટિન્ટેડ ગ્લાસ હતા, જેથી બહારથી કોઈ એ ન જોઈ શકે કે ટ્રેનમાં કોણ સવાર છે.

આ રેલગાડી વિશે જે કંઈ જાણકારી છે તે ગુપ્ત રિપોર્ટ, ટ્રેનમાં સવાર થઈ ચૂકેલા અધિકારીઓના નિવેદન અને મીડિયાના દુર્લભ કવરેજ પર આધારિત છે.

દક્ષિણ કોરિયાની વર્ષ 2009ના ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે, જોંગ-ઉન માટે હાઈ સિક્યૉરિટી ધરાવતા આશરે 90 કોચ તૈયાર રહે છે.

રિપોર્ટના આધારે, કિમના પિતા કિમ જોંગ ઇલના જમાનામાં તેઓ ગમે ત્યારે મુસાફરી કરતા, તો ત્રણ ટ્રેન એક જ ટ્રેક પર દોડતી.

તેમાં એક એડવાન્સ્ડ સિક્યુરિટી ટ્રેન, કિમની ટ્રેન અને ત્રીજી ટ્રેનમાં અતિરિક્ત બૉડીગાર્ડ અને સપ્લાયની રહેતી.

સુરક્ષા માટે બુલેટપ્રૂફ કોચ

ટ્રેનમાં દરેક ડબ્બો બુલેટપ્રૂફ હોય છે. તે સામાન્ય રેલ કોચની સરખામણીએ ખૂબ વધારે ભારે હોય છે.

વધારે વજન હોવાને કારણે તેની ઝડપ પણ ઓછી હોય છે. એક અનુમાન પ્રમાણે, ટ્રેનની ગતિ વધારેમાં વધારે આશરે 59 કિલોમીટર પ્રતિકલાકની છે.

2009ના રિપોર્ટ પ્રમાણે, કિમ જોંગ ઇલના જમાનામાં 100 સુરક્ષા અધિકારી ઍડવાન્સ્ડ ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને તેમની જવાબદારી હતી સ્ટેશનની તપાસ કરવી.

આ સિવાય વધારે સુરક્ષા પ્રદાન કરવા માટે ટ્રેનની ઉપર સૈન્ય હેલિકૉપ્ટર તેમજ વિમાન ઉડાન ભરતા હતા.

વધુ એક ચોંકવનારી વાત એ છે કે ઉત્તર કોરિયામાં અલગઅલગ બાવીસ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યા છે, જે માત્ર અને માત્ર કિમ જોંગ-ઉનના વ્યક્તિગત ઉપયોગમાં લેવાય છે.

ટ્રેનની તસવીરો અને વીડિયો

ઉત્તર કોરિયાની સરકારી મીડિયા ક્યારેક ટ્રેનની અંદર સવાર પોતાના સર્વોચ્ચ નેતાની તસવીરો તેમજ વીડિયો જાહેર કરે છે.

વર્ષ 2015માં આ જ ટ્રેનના એક કોચમાં કિમ જોંગ-ઉન એક લાંબા સફેદ ટેબલ પર બેઠેલા જોવા મળ્યા હતા. આ દૃશ્ય કૉન્ફરન્સ રૂમ જેવું હતું.

વર્ષ 2011માં જાહેર થયેલા આ જ પ્રકારના વીડિયોમાં તેમના પિતા પણ આ જ રીતે બેઠેલા અને વાત કરતા જોવા મળ્યા હતા.

જૂના વીડિયોમાં ફ્લેટ સ્ક્રીન ટેલીવિઝન જોવા મળ્યું હતું અને નવા વીડિયોમાં લેપટોપ પણ જોવા મળ્યું હતું.

કિમ જોંગ-ઉન અંગે નવેમ્બર-2015માં રોજ બ્રિટિશ દૈનિક 'ધ ગાર્ડિયન'માં રિપોર્ટ પ્રકાશિત થયો હતો કે જ્યારે તેઓ દેશની અંદર પણ પ્રવાસ પર હોય છે તો કાફલામાં એક મોબાઇલ ટૉઇલેટ હોય છે.

શા માટે ડર રહે છે?

શું કિમ જોંગ-ઉન પોતાના જીવને લઇને આટલી હદે ડરેલા રહે છે?

ઉત્તર કોરિયામાં 1997થી 1999 સુધી ભારતના રાજદૂત રહી ચૂકેલા જગજીત સિંહ સપરાએ તેનો જવાબ આપ્યો હતો, "ડર તો છે. કિમ જોંગ-ઉન જ નહીં, પરંતુ તેમના પિતા અને દાદા પણ સુરક્ષાની બાબતમાં ખૂબ સતર્ક રહેતા હતા.

"કિમ જોંગ-ઉનના પિતા કિમ જોંગ- ઇલ જ્યારે પણ મોસ્કો અને બીજિંગ ગયા તો પ્લેન નહીં, પણ ટ્રેનમાં જ જતા."

સપરાએ કહ્યું, "કોઈ પણ દેશના શાસક વિમાનના બદલે ટ્રેનથી વિદેશ પ્રવાસ કરે, તેનાથી જ આપણે સમજી શકીએ છીએ કે તેઓ પોતાની સુરક્ષા મામલે કેટલા સતર્ક હતા.

"ઉત્તર કોરિયાનો હવાઈ સંપર્ક માત્ર ચીન સાથે છે."

"બીજિંગથી પ્યોંગયાંગ અઠવાડિયામાં માત્ર બે ફ્લાઇટ આવે છે. જો તમારે ઉત્તર કોરિયા જવું હોય તો પહેલાં બીજિંગ જવું પડે."

સપરાએ કહ્યું કે કિમ જોંગ ઉનના દાદા કિમ ઇલ-સૂંગે માત્ર એક વખત વિમાનથી ઇન્ડોનેશિયાનો પ્રવાસ કર્યો હતો.

તેમણે કહ્યું, "સમગ્ર દેશ તો ઍલર્ટ પર રહે છે. ઉત્તર કોરિયા અને કોઈ દેશ વચ્ચે પીસ ઍગ્રીમેન્ટ (શાંતિના કરાર) નથી.

"આથી, તેઓ પોતાની સુરક્ષા મામલે ડરેલા રહે છે. અત્યારે એ દેશમાં જેટલો હોબાળો છે, તેનો સંબંધ અસુરક્ષા સાથે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો