You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્લોગઃ ...તો પાકિસ્તાનમાં અસલી સત્તા કોની પાસે છે
- લેેખક, વુસઅતુલ્લાહ ખાન
- પદ, વરિષ્ઠ પત્રકાર, પાકિસ્તાનથી બીબીસી ગુજરાતી માટે
લોકતંત્રનો તંબુ બે પાયા પર ઊભો હોય છે- પક્ષ અને વિપક્ષ. પણ હાલના દિવસોમાં કંઈ સમજ પડી રહી નથી કે કઈ શાખા પર કોણ બેઠું છે.
પાકિસ્તાનમાં સત્તારૂઢ સરકાર મુસ્લિમ લીગ (નવાઝ શરીફ)ની છે, પરંતુ વિરોધી પક્ષ પણ મુસ્લિમ લીગ (નવાઝ શરીફ)નો છે.
વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસી દરેક જગ્યાએ કહી રહ્યા છે, “હું ભલે દેશનો વડાપ્રધાન છું, પણ મારા વડાપ્રધાન તો નવાઝ શરીફ જ છે.”
ગત અઠવાડિયે વડાપ્રધાન અબ્બાસીએ કહ્યું કે આગામી ચૂંટણી, ચૂંટણી પંચ નહીં પણ ખલાઈ મખલૂક એટલે કે એલિયંસ (પરગ્રહવાસીઓ) કરાવશે.
એ વાત વિરોધી જૂથના કોઈ નેતા કહેતા તો એવું લાગતું કે, વિરોધીઓનું તો કામ જ દરેક વસ્તુમાં ખોટ કાઢવાનું હોય છે, પણ કોઈ વડાપ્રધાનનું એવું કહેવું કે આગામી ચૂંટણી એલિયંસ કરાવશે, એ સરકારની લાચારી દર્શાવે છે.
બૉસ પણ વડાપ્રધાન જ છે...
વડાપ્રધાનનો ઇશારો સ્પષ્ટ છે કે આ નિવેદન કેટલીક ગુપ્તચર સંસ્થાઓ તરફ છે. પણ સમસ્યા એ છે કે આ ગુપ્તચર સંસ્થાઓના બૉસ પણ વડાપ્રધાન જ છે, ભલે કાગળ પર જ.
પણ કદાચ આ ગુપ્તચર સંસ્થાઓ એટલી શક્તિશાળી છે કે તેમના બૉસ પોતે એટલે કે વડાપ્રધાન કોઈ સતી- સાવિત્રીની જેમ આ સંસ્થાઓનું નામ લેવાના બદલે ઘૂંઘટ કાઢીને બસ એ જ કહી શકે છે- મુન્નાના પપ્પા, સાંભળો છો...!
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવા સીબીઆઈ જેવી પાકિસ્તાનની સંસ્થા પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમના પરિવારોની મિલકત અંગે તપાસ કરી રહી છે.
તેના પર પણ વડાપ્રધાન અબ્બાસીએ આરોપ લગાવ્યો છે કે આ સંસ્થા બીજા કોઈના ઇશારા પર કામ કરે છે.
વડાપ્રધાન અબ્બાસની પાર્ટી
સ્પષ્ટ છે કે આ ઇશારો પણ મુન્નાના પપ્પા તરફ જ છે. તેના કરતા પણ વધારે રસપ્રદ વલણ વડાપ્રધાન અબ્બાસીની પાર્ટી મુસ્લિમ લીગ (એન)ના સભ્ય શાહબાઝ શરીફનું છે.
તેઓ દરેક જગ્યાએ કહેતા ફરે છે કે જો તેમની પાર્ટી સત્તામાં આવી ગઈ તો તેઓ કરાચીને ન્યૂયોર્ક બનાવી દેશે. આખા દેશમાં મોડર્ન હાઈ વેની જાળ પાથરી દેશે.
સિંધ, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વાનો પણ પંજાબ જેવો વિકાસ કરવામાં આવશે, વગેરે વગેરે.
કોઈ પણ વ્યક્તિમાં એવી હિંમત નથી કે શાહબાઝ શરીફને જણાવી શકે કે ભાઈ સાહેબ, જરા બેસો, તમારા માથા પર ઠંડા પાણીની ડોલ નાખી દઉં જેથી તમને ભાન આવે.
નવ વર્ષથી સરકાર ચલાવનારી...
તમે વિરોધપક્ષમાં નથી. સરકાર, તમે પોતે જ સરકાર છો. કંઈક આવું જ વલણ સિંધમાં છેલ્લા નવ વર્ષથી સરકાર ચલાવતી પીપલ્સ પાર્ટીનું પણ છે.
મહામંત્રી દરેક પ્રસંગ પર કહી રહ્યા છે કે જો જનતાએ તેમને અવસર આપ્યો તો સિંધમાં એટલો વિકાસ કરશે કે સિંધે વિચાર્યું પણ નહીં હોય.
લાગે છે કે ગરમીએ બધાનું મગજ ખરાબ કરી દીધું છે.
મહામંત્રીની આવી વાતો બાદ હવે સિંધી જનતા એ વિચારી રહી છે કે 'મહા'ની સાથે હવે બીજા કયા કયા શબ્દો જોડાઈ શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો