શું છે પાકિસ્તાનમાં ધમાલ મચાવી રહેલો વિવાદાસ્પદ ચૂંટણી કાયદો?

    • લેેખક, _______
    • પદ, બીબીસી મોનિટરિંગ

પાકિસ્તાનના હાંકી કાઢવામાં આવેલા વડાપ્રધાન નવાઝ શરીફને પાકિસ્તાન મુસ્લીમ લીગ (નવાઝ) (પીએમએલ-એન)નું પ્રમુખપદ ફરી સંભાળવાની તક જે નવા ચૂંટણી કાયદાને લીધે મળી એ કાયદા વિશે પાકિસ્તાનમાં વિવાદ ફાટી નિકળ્યો છે.

ગેરલાયક ઠરાવવામાં આવેલા રાજકારણીને પક્ષનું વડપણ સંભાળવાની છૂટ આપતી જોગવાઇ તાજેતરમાં મંજુરી પામેલા આ કાયદામાં કરવામાં આવી હતી.

એ બદલ વિરોધ પક્ષોના જોરદાર વિરોધનો સામનો પીએમએલ-એન કરી રહી છે.

દરમ્યાન, નવા કાયદામાંના 'ઈસ્લામવિરોધી' સુધારાનો વિરોધ પક્ષના અનેક નેતાઓ તથા મીડિયાએ વિરોધ કર્યો છે.

તેઓ કહે છે કે આ સુધારો મહમ્મદ પયગંબરને ખુદાના અંતિમ દૂત ગણતી તેમની શ્રદ્ધાનો વિરોધી છે.

શું થયું હતું?

વિરોધ પક્ષના સંસદસભ્યોના જોરદાર વિરોધ છતાં પાકિસ્તાની સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બ્લીમાં ચૂંટણી ખરડો-2017 બીજી ઓક્ટોબરે પસાર કરવામાં આવ્યો હતો અને રાષ્ટ્રપતિ મમનૂન હુસૈને તેના પર સહી કરીને તેના પર મહોર મારી હતી.

સેનેટે આ ખરડો સપ્ટેમ્બરમાં પસાર કર્યો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

નવા કાયદામાં એક એવી જોગવાઇ છે જે સરકારી કર્મચારીઓ સિવાયના તમામ પાકિસ્તાની નાગરિકોને કોઇ પણ રાજકીય પક્ષમાં પદ સંભાળવાની છૂટ આપે છે.

અગાઉના કાયદાની સરખામણીએ નવા કાયદાની કલમ ક્રમાંક 203ની પહેલી જોગવાઇમાં રાજકીય પક્ષના સભ્યપદ માટેના માપદંડને હળવો બનાવવામાં આવ્યો છે.

અગાઉના કાયદામાં એવી જોગવાઇ હતી કે સંસદના સભ્ય બનવા ગેરલાયક હોય એવી વ્યક્તિઓ જ રાજકીય પક્ષોમાં નેતાનું પદ સંભાળી શકશે.

સુધારાયેલી જોગવાઇના આધારે નવાઝ શરીફ ફરી પીએમએલ-એનના વડા બન્યા છે અને ઉપરોક્ત સુધારો ખાસ કરીને નવાઝ શરીફ માટે ચોક્કસ સૂચિતાર્થ ધરાવે છે.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પનામા પેપર્સ ભ્રષ્ટાચાર કેસમાં 28 જુલાઈએ આપેલા ચૂકાદામાં નવાઝ શરીફને જાહેર પદ સંભાળવા માટે ગેરલાયક ઠરાવ્યા હતા.

એ પછી નવાઝ શરીફે વડાપ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. નવાઝ શરીફ એન્ટી-કરપ્શન કોર્ટમાં કેસનો સામનો કરી રહ્યા છે.

નવા ખરડામાંના સુધારાને પગલે પીએમએલ-એનએ તેના પ્રમુખ તરીકે નવાઝ શરીફને ત્રીજી ઓક્ટોબરે યોજાયેલી બેઠકમાં ફરી ચૂંટી કાઢ્યા હતા.

શું ચાલી રહ્યું છે?

નવો કાયદો એક 'ભ્રષ્ટ' વ્યક્તિને ફાયદો કરાવવાના હેતુસરનો હોવાનું પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી જેવા અનેક વિરોધપક્ષોએ જણાવતાં વિવાદ શરૂ થયો હતો.

'ભ્રષ્ટ વ્યક્તિ' સંદર્ભે તેમનો આડકતરો ઈશારો નવાઝ શરીફ તરફ હતો.

વિરોધપક્ષો એવી દલીલ પણ કરી રહ્યા છે કે નવો કાયદો 'બંધારણની ભાવના' વિરુદ્ધનો છે.

એ કાયદાને તેના મૂળ સ્વરૂપમાં અમલી બનાવવાની માગણી તેમણે કરી છે.

દરમ્યાન, નવા કાયદાની એક અન્ય જોગવાઈમાં વાપરવામાં આવેલા શબ્દોનો પણ ઈસ્લામી પક્ષોએ જોરદાર વિરોધ કર્યો છે.

ઈસ્લામી પક્ષો કહે છે કે મહમ્મદ પયગંબરને ખુદાના છેલ્લા દૂત ગણતી પોતાની શ્રદ્ધા સંબંધે, ઉમેદવારો દ્વારા સુપરત કરવામાં આવતા સોગંદનામાના એક પેરાગ્રાફમાં પણ સરકારે સુધારો કર્યો છે.

એ નવું સોગંદનામું ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતી વખતે સુપરત કરવાનું હોય છે.

મીડિયાના અહેવાલો જણાવે છે કે નવા ફોર્મ-એમાં ''હું સોગંદ લઉં છું'' એવા શબ્દોના સ્થાને ''હું જાહેર કરું છું'' એવા શબ્દો મહમ્મદ પયગંબરને ખુદાના છેલ્લા દૂત ગણતી ઉમેદવારોની શ્રદ્ધા સંબંધી જોગવાઈમાં સામેલ કરવામાં આવ્યા છે.

નેશનલ એસેમ્બ્લીના સ્પીકર અયાઝ સાદિકે ચોથી ઓક્ટોબરે જણાવ્યું હતું કે ''ક્લેરિકલ ભૂલ''ને કારણે શબ્દોમાં ફેરફાર થઇ ગયો છે.

વિરોધ પક્ષોએ આકરી ટીકા કરી એ પછી નેશનલ એસેમ્બ્લીએ મહમ્મદ પયગંબર સંબંધી જોગવાઇ ફરી સામેલ કરવાનું ચોથી ઓક્ટોબરે સ્વીકાર્યું હતું.

શું છે પ્રતિભાવ ?

મીડિયાના અહેવાલો અનુસાર, વિરોધ પક્ષોના સંસદસભ્યો માને છે કે બંધારણની કલમ ક્રમાંક 62 અને 63 મુજબ નવાઝ શરીફને ગેરલાયક ઠરાવતા સુપ્રીમ કોર્ટના જુલાઇના ચુકાદાને ઉપ-બંધારણીય કાયદા મારફત પાછળ ધકેલી શકાય નહીં.

પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફના અધ્યક્ષ ઈમરાન ખાને નવા ચૂંટણી ખરડાને પાકિસ્તાનની લોકશાહી માટે ''કાળો દિવસ'' ગણાવ્યો હતો. બીજી ઓક્ટોબરે કરેલી એક ટ્વીટમાં ઈમરાન ખાને જણાવ્યું હતું કે ''નવાઝ શરીફને રાજકીય રીતે ઉગારવા માટે આજે બંધારણને મજાક બનાવી દેવામાં આવ્યું છે, પણ દેશ હવે ભ્રષ્ટ માફિયાઓને રાજ કરવા દેશે નહીં.''

મુત્તાહિદા કૌમી મૂવમેન્ટના એક સભ્ય ઈકબાલ કાદરીએ કહ્યું હતું કે ''203 નંબરની જોગવાઈને હટાવવામાં નહીં આવે તો ઈતિહાસ પીએમએલ-એનને ક્યારેય માફ નહીં કરે.''

નવાઝ શરીફનો ઉલ્લેખ કરતાં તેમણે સવાલ કર્યો હતો કે ''એક કૌભાંડી વ્યક્તિ રાજકીય પક્ષનો વડો કઇ રીતે બની શકે?''

''વિદેશી સત્તાઓ અને પશ્ચિમી દેશોને ખુશ કરવા'' પીએમએલ-એન અને સરકારે સોગંદનામાના શબ્દોમાં ફેરફાર કર્યો હોવાનો આક્ષેપ ઈસ્લામીઓ તરફી ઉર્દૂ દૈનિક 'ઉમ્મત'એ કર્યો હતો.

હવે શું થશે?

અંગ્રેજી ભાષાના રૂઢિચુસ્ત દૈનિક 'ધ નેશન'ના જણાવ્યા અનુસાર, નવાઝ શરીફના પીએમએલ-એનના વડા તરીકે ફરી ચૂંટાઇ આવવાથી ખાસ કોઇ ફરક નહીં પડે.

''નવાઝ શરીફ પરનો સરકારી પદ સંભાળવા સામેનો પ્રતિબંધ અમલમાં છે અને પ્રમુખના હોદ્દા વિના પણ તેઓ પીએમએલ-એનના વડા તો હતા જ,'' એવું જણાવતાં અખબારે ઉમેર્યું હતું કે પીએમએલ-એનનો ''વિજય ક્ષણજીવી'' નિવડશે.

દરમ્યાન, વિરોધ પક્ષ અવામી મુસ્લીમ લીગના વડા શેખ રાશિદ અહમદે નવાઝ શરીફની પુનઃચૂંટણીને ''ગેરબંધારણીય'' જાહેર કરવાની માગણી કરતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે.

નવાઝ શરીફ ભ્રષ્ટાચારના આરોપો સંબંધે કોર્ટ કેસનો સામનો કરી રહ્યા છે અને એ કેસની આગામી સુનાવણી 9 ઓક્ટોબરે થવાની છે.

બ્રિટનમાં કેન્સરની સારવાર લઈ રહેલાં પોતાનાં પત્ની સાથે લગભગ એક મહિનો ગાળ્યા બાદ નવાઝ શરીફ સપ્ટેમ્બરના અંત ભાગમાં પાકિસ્તાન પાછા ફર્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો