કતારમાં ફીફા વર્લ્ડ કપ નિર્માણ પ્રોજેક્ટ્સ અંગે શંકા વ્યક્ત કરાઈ

    • લેેખક, ડૅન રોઆન
    • પદ, બીબીસી સ્પોર્ટ્સ એડિટર

મેનેજમેન્ટ કન્સલટન્ટ્સ કોર્નરસ્ટોન ગ્લોબલ દ્વારા આપવામાં આવેલા ગુપ્ત અહેવાલ પ્રમાણે, "વર્ષ 2022માં કતાર ફૂટબોલ વર્લ્ડ કપ યોજી શકશે કે કેમ તેના પર રાજકીય જોખમ તોળાઈ રહ્યું છે."

બીબીસીને મળેલા દસ્તાવેજોમાં જણાવાયું છે કે કતાર અને પાડોશી રાષ્ટ્રો વચ્ચેના કૂતનીતિક તણાવને કારણે કતાર વર્લ્ડકપ નહીં યોજી શકે.

કતારમાં 200 અબજ ડૉલર (અંદાજે એક લાખ 31 હજાર કરોડના) માળખાકીય વિકાસના કામોમાં લાગેલી કન્સ્ટ્રક્શન કંપનીઓને ચેતવતાં 'ખૂબ જ જોખમી પ્રોજેક્ટ્સ' હોવાનું જણાવ્યું છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે, "ટુર્નામેન્ટની અંદરની વાતો જાણનારાંઓ તથા આ ક્ષેત્રના નિષ્ણાતોના કહેવા પ્રમાણે: કતાર ખરેખર ટુર્નામેન્ટ યોજી શકે, તેની શક્યતા બહુ ઓછી છે."

તમને આ પણ વાંચવું ગમશે

દરમિયાન કતારમાં વર્લ્ડ કપ આયોજન માટેની સર્વોચ્ચ કમિટીના કહેવા પ્રમાણે, "મધ્યપૂર્વમાં પ્રથમ વર્લ્ડ કપ યોજાશે જ અને તેની ઉપર કોઈ જ જોખમ નથી."

કમિટીએ ભારપૂર્વક જણાવ્યું, "કતાર પરની નાકાબંધી ગેરકાયદેસર છે. તેના કારણે તૈયારીઓ પર કોઈ અસર નહીં થાય," સાથે જ રિપોર્ટના ઇરાદા પર પણ સવાલ ઉઠાવ્યા છે.

પૃષ્ઠભૂમિ

વર્ષ 2010માં ફીફાએ વિવાદાસ્પદ રીતે વર્ષ 2022ના વર્લ્ડ કપનું યજમાનપદ કતારને સોંપ્યું હતું.

ભારે ગરમીને કારણે આયોજનને ઉનાળાથી ખસેડીને શિયાળામાં નક્કી કરવામાં આવ્યું હતું.

આયોજકોએ આ આયોજનને પ્રાદેશિક એકતાના પ્રતીકરૂપ જણાવ્યું હતું.

ચાલુ વર્ષે જૂન મહિનામાં સાઉદી અરેબિયા, બહરીન, ઇજિપ્ત અને સંયુક્ત આરબ અમિરાતે કતાર સાથે સંબંધો તોડી નાખ્યા.

આ રાષ્ટ્રોનો આરોપ છે કે કતાર ઉગ્રવાદને પ્રોત્સાહન આપે છે અને મધ્યપૂર્વમાં અસ્થિરતા ઊભી કરે છે.

કતારે આ આરોપોને નકાર્યા છે અને તેની ઉપર લાદવામાં આવેલા પ્રતિબંધોને વખોડ્યાં છે.

સાઉદી અરેબિયાએ કતાર સાથેની જમીની સરહદ બંધ કરી દીધી છે.

ઉપરાંત ચારેય રાષ્ટ્રોએ કતાર સાથેના હવાઈ તથા દરિયાઈ પરિવહન સંબંધો તોડી નાખ્યા છે.

કોર્નરસ્ટોનનો દાવો છે કે તે ક્લાયન્ટ્સને "જટિલ અને પડકારજનક સ્થિતિમાં વ્યાપાર કરવાની સ્થિતિમાં વિસ્તારપૂર્વક ઊંડી માહિતી" આપે છે.

રિપોર્ટને 'કતાર ઇન ફોકસ : શું ફીફા વિશ્વ કપ 2022 જોખમમાં છે?' એવું શિર્ષક આપવામાં આવ્યું છે.

શું છે રિપોર્ટમાં?

  • પશ્ચિમી રાજદૂતોએ ખાનગીમાં જણાવ્યું કે આયોજનપૂર્વક ટુર્નામેન્ટ યોજાશે કે નહીં તે અંગે શંકા વ્યક્ત કરે છે.
  • તેની પાછળ અનેક કારણો છે. જેમાં માળખાકીય વિકાસ તથા હરાજી પ્રક્રિયામાં ભ્રષ્ટાચારના આરોપોનો સમાવેશ થાય છે.
  • ટુર્નામેન્ટના આયોજન અંગે કતાર પર ભારે દબાણ છે. વર્તમાન રાજકીય સંકટને કારણે કતારમાં વિરોધ થશે અથવા તો વિરોધની શક્યતા છે.
  • આનો મતલબ છે કે 2022ના વર્લ્ડ કપના માળખાકીય પ્રોજેક્ટ્સ પર કામ કરી રહેલા કોન્ટ્રાક્ટર્સ તથા આ પ્રોજેક્ટ્સ મેળવવા માંગતા કોન્ટ્રાક્ટર્સ પર જોખમ વધી જશે.
  • જેમાં નાણાં નહીં મળવાનું જોખમ તથા કાયદાકીય કરારના અમલની વાસ્તવિક ક્ષમતાનાં જોખમનો સમાવેશ થાય છે.
  • વર્તમાન રાજકીય સ્થિતિમાં...એવી શક્યતા છે કે કતારમાં ટુર્નામેન્ટનું આયોજન નહીં થાય.
  • કતાર 2022 વર્લ્ડ કપ અચાનક જ રદ કરી દેશે તો તેની સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટર્સને જોખમી સ્થિતિમાં મૂકી દેશે, જે સહેલાઈથી ઉકેલાશે નહીં.
  • કન્સ્ટ્રક્શન ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, વર્લ્ડ કપ સાથે સંકળાયેલી કંપનીઓ હજુ ચિંતા નથી અનુભવી રહી.
  • પરંતુ નિયંત્રણોની અસર દેખાવા લાગી છે. સરહદો બંધ થવાને કારણે માલનું પરિવહન મોંઘું બની ગયું છે. તેનું ફરી આયોજન કરવાની જરૂર ઊભી થઈ છે.
  • નિર્માણ કાર્ય સાથે જોડાયેલી નાના કદની બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથે સંકળાયેલા પાંચ પ્રોજેક્ટ મેનેજર્સના જૂથે જુલાઈ 2017માં કહ્યું કે માલસામાનના પરિવહનની સમસ્યાને કારણે તેમનું ખર્ચ 20 થી 25 ટકા વધી ગયું છે.
  • વરિષ્ઠ અધિકારીઓ દ્વારા વધુ પડતાં દખલ તથા ભ્રષ્ટાચારના આરોપોને કારણે કતાર 2022નું સર્વોચ્ચ સમિતિના અનેક સભ્યોએ રાજીનામા આપી દેવાની ધમકી આપી છે.

કતારની પ્રતિક્રિયા

આયોજન સાથે સંકળાયેલી સુપ્રીમ કમિટી ફોર ડિલિવરી એન્ડ લેગસીએ તેના નિવેદનમાં બીબીસીને જણાવ્યું, "વર્તમાન રાજકીય સ્થિતિના પરિપેક્ષ્યમાં જે સંગઠને આ રિપોર્ટ આપ્યો, તેના ઇરાદા પર શંકા ઉપજે છે. "

"કતારની ઉપર નાકાબંધી કરનારા રાષ્ટ્રો સાથે આ સંગઠનનાં સંબંધો સાર્વજનિક છે. તેમણે મીડિયા રિપોર્ટ્સ તથા અજ્ઞાત સૂત્રોના આધારે રિપોર્ટ તૈયાર કર્યો છે."

"ટુર્નામેન્ટના આયોજન અંગે શંકા ઊભી કરવાના ઇરાદા તેના પ્રયાસ, કતારના નાગરિકોમાં આક્રોશ પેદા કરવાના પ્રયાસ, તથા વિદેશી વેપારી સંસ્થાઓ તથા વિદેશીઓમાં ચિંતા પેદા કરવાના પ્રયાસો દેખાય આવે છે."

"આવા પ્રયાસો હાસ્યાસ્પદ છે."

"મધ્યપૂર્વમાં પ્રથમ વર્લ્ડ કપ યોજાશે જ. તેની ઉપર બિલકુલ કોઈ જ જોખમ નથી."

કોર્નર સ્ટોનું કહેવું છે કે તેમનો અહેવાલ, "વ્યાપક સંશોધનનાં આધારે વ્યવસાયિક દૃષ્ટિકોણથી તૈયાર કરવામાં આવ્યો હતો."

આ પ્રોજેક્ટ માટે કોઈ સરકાર કે કંપનીએ નાણાં આપ્યાં નથી.

પ્રસારણ અંગે ચિંતા

દરમિયાન, ફૂટબૉલ વર્લ્ડ કપનું આયોજન કરનારી સંસ્થા ફીફાએ બીબીસી સ્પોર્ટને જણાવ્યું કે ડિસેમ્બરમાં યુએઈમાં યોજાનારા ક્લબ વર્લ્ડ કપના પ્રસારણ અંગે તે કતારની ખેલ પ્રસારણકર્તા બેઇન સ્પોર્ટ્સ (beIN Sports)ના સંપર્કમાં છે.

ઇવેન્ટના પ્રસારણના અધિકાર આ ટીવી નેટવર્ક પાસે છે.

એવું માનવામાં આવે છે કે કૂટનીતિક સંકટને કારણે પ્રસારણ સાથે સંકળાયેલી સામગ્રી, તથા પ્રસારણ સાથે સંકળાયેલા લોકોની અવરજવરને અટકાવવામાં આવશે અથવા તેમાં અડચણ ઊભી કરવામાં આવશે.

ફીફાનું કહેવું છે કે તે સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.