બ્લોગઃ આ રાજકારણને સમજો નહીં તો ભગવત ભજન કરો

    • લેેખક, રાજેશ જોશી
    • પદ, રેડિયો એડિટર, બીબીસી હિંદી

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મોહમ્મદ અલી ઝીણાની તસવીર હટાવવા મુદ્દે હોબાળો થયો છે. ગુડ઼ગાંવમાં આશરે દસ જગ્યાઓ પર જુમ્માની નમાઝમાં ખલેલ પહોંચાડવામાં આવી.

દિલ્હીના સફદરગંજ એન્ક્લેવમાં તઘલગ કાળની એક કબરની ગુંબજ પર ભગવો રંગ લગાવીને તેને મંદિરમાં પરિવર્તિત કરી દીધી.

દિલ્હીની જ સેન્ટ સ્ટીફન્સ કૉલેજના ચર્ચની દિવાલો પર સૂત્ર લખેલુ મળ્યું - મંદિર અહીં જ બનશે.

અલગઅલગ સમયે અને અલગઅલગ સ્થળોએ ઘટેલી આ ઘટનાઓમાં જો આપણને કોઈ પરસ્પર સંબંધ દેખાતો નથી તો અમારા અને તમારા જેવા અસહાય મતદારોએ ભારતમાં લોકતંત્રના ભવિષ્યની ચિંતા છોડીને ભગવત ભજનમાં લીન થઈ જવું જોઈએ.

વધારે નહીં, થોડાં પાછળ ચાલો

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા તમને કહેવામાં આવ્યું કે દબંગ અને અપરાધી મુસ્લિમોના ડરથી પશ્ચિમી ઉત્તર પ્રદેશના કૈરાના વિસ્તારના હિંદુઓએ પોતાના ઘર છોડીને ભાગવું પડી રહ્યું છે.

કેટલાક ટીવી રિપોર્ટરોએ અમને જણાવ્યું હતું કે કૈરાના બીજું કાશ્મીર બની ગયું છે જ્યાંથી હિંદુઓ ફરી એક વખત પલાયન કરવા મજબૂર થઈ ગયા છે.

પણ એવું લાગે છે કે આજકાલ ત્યાંના હિંદુઓને દબંગ મુસ્લિમોનો કોઈ ડર નથી. હાલ હિંદુઓના પલાયનની વાત કોઈ કરી રહ્યું નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

ચાર વર્ષ પહેલા કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવતા જ આગ્રાથી લઇને ઘણા નાના- નાના વિસ્તારોમાં ખ્રિસ્તીઓ અને મુસ્લિમોની 'ઘર-વાપસી'ના નામે તેમની પાસે હવન-પૂજન કરાવવામાં આવ્યા.

પછી એવું લાગ્યું કે મુસ્લિમોએ હિંદુઓના વંશનો વિનાશ કરવા માટે 'લવ જેહાદ' નામનું સૌથી મોટું ષડ્યંત્ર રચી નાખ્યું છે.

આ વચ્ચે ક્યારેક ગૌમાંસ રાખવા, ક્યારેક ગૌવંશની તસ્કરી કરવી, ક્યારેક લવ-જેહાદની શંકા સાથે ઘણી જગ્યાએ મુસ્લિમો સાથે મારપીટ કરવામાં આવે છે અથવા તો તેમની હત્યા પણ કરી દેવામાં આવી છે.

આસનસોલથી માંડીને ઔરંગાબાદ સુધી

એ વીડિયો પણ તમે જોયો હશે જેમાં દાઢી અને ટોપીવાળા એક નિરિચ્છ, એકલા અને લાચાર દેખાતા પાતળા એવા ગરીબ વ્યક્તિને મોંઘી કારમાં બેઠેલા એક જાડા યુવાન ગાળો આપતા જબરદસ્તી જય શ્રી રામનો નારો બોલવા મજબૂર કરી રહ્યા છે.

આ બધા કામ છૂપાઈને નહીં પણ હાથમાં હિંદુત્વનો ભગવો ઝંડો- અને ક્યારેક ક્યારેક ત્રિરંગો પણ ઉઠાવીને કરવામાં આવે છે.

નવરાત્રી અને રામનવમીના તહેવાર ક્યારેક ભક્તિનો અવસર હતા, પરંતુ હવે તે તલવારો અને ત્રિશૂલોના ભયાનક પ્રદર્શનનું બહાનું બનીને રહી ગયા છે.

આ પ્રકારના તહેવારોમાં મોટરસાઇકલ સવાર 'રાષ્ટ્રભક્તો'ની ટોળકી મુસ્લિમ વિસ્તારમાં જઈને જય શ્રી રામ, પાકિસ્તાન મુર્દાબાદ, ભારત માતા કી જય જેવા સૂત્રોની સાથે સાથે 'ભારતમાં રહેવું હશે તો વંદે માતરમ્ કહેવું પડશે' જેવા અસાધારણ નારા લગાવે છે.

એટલું જ નહીં, આ ટોળકીઓ મુસ્લિમોને આ પ્રકારના સૂત્રોચ્ચાર કરવા મજબૂર પણ કરે છે.

પશ્ચિમ બંગાળના આસનસોલથી માંડીને બિહારના ઔરંગાબાદ સુધી રામનવમીના ઉગ્ર જૂલુસ વચ્ચે થોડી જ ક્ષણોમાં પથ્થરમારો અને આગચંપીના દૃશ્યો જોવા મળ્યા. લોકોનાં મૃત્યુ થયાં. કરોડોની સંપત્તિ ફૂંકી દેવાઈ.

આ બધું કોણ કરે છે?

ક્યારેય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતને જોઈને તમે કલ્પના પણ કરી શકો છો કે તેઓ પોતાના સ્વયંસેવકોને આ પ્રકારની હિંસા માટે ઉશ્કેરતા હશે?

તેઓ દર વિજયાદશમીના અવસર પર પ્રાચીન પરંપરાઓનો હવાલો આપતા હિંદુ દાર્શનિકતાથી છલોછલ ભરેલા વિભિન્ન પ્રકારના સુભાષિત વાક્યો જ તો કહેતા રહે છે.

હિંદુ સમાજને એક કરવા, તેને પ્રાચીન પરંપરાઓ સાથે જોડાઈને રહેવા પ્રેરિત કરવા, પોતાના તહેવાર મનાવવા, પોતાના દેવી-દેવતાઓની આરાધના કરવા અંગે લોકોને કહેવામાં શું અયોગ્ય છે?

સંઘ એક સાંસ્કૃતિક સંગઠન છે અને તેને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી. સંઘના મોટા મોટા અધિકારી વર્ષોથી આ વાત કહી રહ્યા છે.

તેઓ કહે છે કે સંઘ કોઈ પણ સંગઠનને કંઈ કરવા નિર્દેશ આપતું નથી. તે માત્ર પ્રેરણા આપે છે. પરંતુ આ રીતે પ્રેરણા આપવાનું કામ પોતાના ટીવી શોમાં ઝાકીર નાઇક પણ કરતા હતા, પરંતુ તેમને દેશમાં પ્રવેશ મેળવવા પરવાનગી નથી.

રામ જન્મભૂમિ આંદોલનમાં RSS સીધું ન જોડાયું. સંઘે વિશ્વ હિંદુ પરિષદને આ કામ સોંપ્યું.

હિંદુ ઉદ્દેશ માટે....

વિશ્વ હિંદુ પરિષદનું કહેવું છે કે અમારું કામ ધર્મનું કામ છે. અમે સાધુ-સંતોના આશીર્વાદથી હિંદુ ઉદ્દેશ માટે કામ કરીએ છીએ અને હિંસા સાથે અમારો કોઈ સંબંધ નથી.

'સુરક્ષા વગેરે'ના કામ માટે 1984માં વિશ્વ હિંદુ પરિષદે બજરંગ દળની રચના કરી.

બજરંગ દળ પોતાના સ્વયંસેવકોને 'આત્મરક્ષા'માં લાકડી, છુરા, ત્રિશૂલ અને બંદૂક ચલાવવા ટ્રેનિંગ આપે છે. અને આ ટ્રેનિંગ કેમ્પોમાં દુશ્મનની ભૂમિકા ભજવી રહેલા સ્વયંસેવકોને મુસ્લિમો જેવી દાઢી અને ટોપી પહેરેલા દેખાડવામાં આવે છે.

આ જ બજરંગ દળના બાબૂ બજરંગી જેવા નેતા અમદાવાદ પાસે મુસ્લિમોની વસાહત નરોડા પાટિયામાં પોલીસની હાજરીમાં સંગઠિત રૂપે હત્યા અને આગચંપીનો ખેલ ખુલ્લે આમ રમે છે. કોર્ટમાંથી તેમને સજા પણ મળે છે.

આ હત્યાઓનો કલંક બાબૂ બજરંગી પર તો લાગે છે, પણ બજરંગ દળ પર કેમ નહીં અને બજરંગ દળને પ્રેરણા આપતા વિશ્વ હિંદુ પરિષદ અને તેને પ્રેરણા આપતા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પર પણ કેમ નહીં?

બાબરી મસ્જિદ વિધ્વંસ

સંઘને હિંસાથી એવી ચીડ ક્યારેય રહી નથી જેવી મહાત્મા ગાંધીને હતી.

મહાત્મા ગાંધીએ અંગ્રેજો વિરુદ્ધ સમગ્ર દેશમાં ફેલાયેલા અસહયોગ આંદોલનને હિંસા બાદ તરત જ પાછું ખેંચી લીધું હતું.

પરંતુ સંઘને ક્યારેય એ વાતનો અફસોસ પણ થયો નથી કે તેમની પ્રેરણાથી ચાલી રહેલી ભાજપની સરકારોએ સુપ્રીમ કોર્ટને બાબરી મસ્જિદની સુરક્ષાનું વચન આપ્યું હતું, તે છતાં સ્વયંસેવકોએ જ બાબરી મસ્જિદ તોડી પાડી હતી.

અટલ બિહારી વાજપેયીએ તો કારસેવકોને એવો જ મીઠો ઝટકો આપ્યો હતો જેવો ઘરના લાડલા પણ તોફાની બાળકને આપવામાં આવે છે.

બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ વાજપેયીએ કારસેવકોને કહ્યું- અરે વાનરો, તમે તો મંદિર જ તોડી નાખ્યું!

હિંસા પ્રત્યે સંઘની પ્રશંસાનું ઉદાહરણ જ્યારે જ્યારે આપવામાં આવે છે ત્યારે ત્યારે સંઘ પોતાના સેવા પ્રકલ્પોનો ઉલ્લેખ કરવાનું ભૂલતું નથી.

પરવાહ જ કરતા નથી...

એ વાત સાચી પણ છે કે જ્યાં બજરંગ દળ પોતાના કાર્યકર્તાઓને બંદૂક ચલાવવા અને છુરાબાજીનું પ્રશિક્ષણ આપે છે, ત્યાં બીજી તરફ વનવાસી કલ્યાણ આશ્રમ જેવાં સંઘથી પ્રેરણા મેળવનારાં સંગઠનોમાં કામ કરનારા સ્વયંસેવકો વન-પ્રાંતો અને દૂરના વિસ્તારોમાં આવેલાં ગામોમાં જઈને સેવા પ્રકલ્પો કરે છે.

તેમાં ઊંડી પ્રતિબદ્ધતાવાળા આવા પ્રચારકો અને સ્વયંસેવકોની ખામી નથી કે જે એ વાતની પરવાહ જ નથી કરતા કે દિલ્હીમાં કોની સરકાર છે.

આવા જ સેવા પ્રકલ્પોથી સ્વામી અસીમાનંદ જેવા લોકો પણ નીકળ્યા છે, જેમના પર સમજૌતા એક્સપ્રેસ, અજમેર શરીફ અને મક્કા મસ્જિદમાં બૉમ્બ વિસ્ફોટ કરવાના આરોપ લાગ્યા અને હવે ઘણા મામલે તેઓ નિર્દોષ જાહેર પણ થઈ ગયા છે.

આ તરફ કોર્ટનો નિર્ણય આવ્યો અને બીજી તરફ કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર હિંદુ સંસ્કૃતિનો વિરોધ કરવાનો આરોપ લગાવ્યો અને તેમની પાસે હિંદુ સમાજની માફી માગવાની માગ કરી.

લોકતંત્રના ભવિષ્યની ચિંતા

પણ સ્વામી અસીમાનંદ અને અમિત શાહ કે નરેન્દ્ર મોદીનો ગુડ઼ગાંવના ભગવાધારી યુવકો સાથે શું સંબંધ છે કે જેઓ જુમ્માની નમાઝ પઢી રહેલા મુસ્લિમોની લાઇનમાં પહોંચી વંદેમાતરમ્ અને જય શ્રી રામનો સૂત્રોચ્ચાર કરી નમાઝમાં ખલેલ પહોંચાડે છે?

સ્પષ્ટ છે કે તેઓ નરેન્દ્ર મોદી, અમિત શાહ કે મોહન ભાગવત પાસેથી આદેશ લઇને તો નમાઝ પઢી રહેલા લોકોને ડરાવવા જતા નથી.

આ તો હિંદુ સંયુક્ત સંઘર્ષ સમિતિનો નિર્ણય હતો જેમાં બજરંગ દળ, વિશ્વ હિંદુ પરિષદ, શિવ સેના અને હિંદુ જાગરણ મંચના લોકો સામેલ છે.

પ્રિય વાચકો, અહીં હું મારી વાત સમાપ્ત કરું છું અને જો હજુ પણ તમને ઉપર ગણાવવામાં આવેલી ઘટનાઓ અને પાત્રો વચ્ચે કોઈ સંબંધ દેખાતો નથી તો ભારતીય લોકતંત્રના ભવિષ્યની ચિંતા છોડીને ખરેખર ભગવત ભજનમાં લીન થવાનો સમય આવી ગયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો