You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘બંધારણ પર પુનર્વિચાર આરએસએસનો ‘હિડન એજન્ડા’ છે’
- લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
- પદ, બીબીસી સંવાદદાતા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે ભારતીય બંધારણમાં ફેરફારો કરીને તેને ભારતીય સમાજના નૈતિક મૂલ્યોને અનુરૂપ નવેસરથી ઘડવું જોઈએ.
આરએસએસ પ્રમુખ ભાગવતે હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં કહ્યું કે બંધારણનો મોટો હિસ્સો વિદેશી વિચારધારા પર આધારિત છે અને સ્વતંત્રતાના 70 વર્ષ પછી તેના પર ધ્યાન આપવું જોઇએ.
RSSનો 'હિડન એજન્ડા'
કેટલાક લોકો આરએસએસ પ્રમુખના નિવેદનને બંધારણ પર હિંદુત્વ વિચારધારા લાદવાના પ્રયાસ તરીકે જૂએ છે.
માર્કસ્વાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા સીતારામ યેચુરીએ જણાવ્યું કે "સ્થાપના કાળથી જ આરએસએસનો બંધારણ બદલી નાંખવાનો એજન્ડા રહ્યો છે."
યેચુરીના કહેવા પ્રમાણે ભાગવતના ભાષણનો 'હિડન એજન્ડા' આ જ છે. "RSS ઇચ્છે છે કે આપણો દેશ એક ધર્મનિરપેક્ષ દેશને બદલે એક હિંદુ રાષ્ટ્રમાં ફેરવાઈ જાય."
જો કે હિન્દુત્વવાદી વિચારધારા ધરાવતી પત્રિકા 'ઑર્ગેનાઇઝર' અને 'પાંચજન્ય'ના ગ્રૂપ એડિટર જગદીશ ઉપાસને કહે છે કે "આરએસએસ પૂરી રીતે ભારતીય બંધારણમાં વિશ્વાસ ધરાવે છે. સરસંઘચાલકના નિવેદનનો અર્થ એ છે કે કાયદા અને નૈતિક મૂલ્યોમાં ઘર્ષણ ન થાય અને તે રીતે બંધારણમાં ફેરફાર કરવા જોઈએ."
ઉપાસનેનું કહેવું છે કે આરએસએસ પ્રમુખે આ વાત કહી છે એટલે રાજકીય પક્ષો તેને પોતપોતાની રીતે જોશે. "તેમણે ભારતીયતાની વાત કરી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિંદુત્વના પરિપ્રેક્ષ્યમાં ભારતીયતા
એવા સવાલો થઇ રહ્યા છે કે આરએસએસ ભારતીયતાને માત્ર હિંદુ દૃષ્ટિકોણથી જુએ છે. આલોચકો કહે છે કે આરએસએસના આ દૃષ્ટિકોણમાં ભારતની વિવિધતા અને જીવનશૈલી માટે કોઈ જગ્યા નથી.
ડાબેરી નેતા યેચુરી કહે છે, "દેશ સામે અત્યારે સવાલ એ છે કે ભૂતકાળમાં જીવવું કે જ્યાં સંઘ લઇ જવા માંગે છે તે તરફ કે પછી વધુ સારા અને ઉજ્જવળ ભવિષ્ય તરફ જવું છે. સંઘ ભારતને પાછળ ધકેલવાની કોશિશમાં છે."
કોંગ્રેસ નેતા શકીલ અહમદનું કહેવું છે કે "જ્યારે ભાગવત બંધારણને ભારતીય મૂલ્યો પર આધારિત ન માનવાની વાત કરે છે ત્યારે તેઓ ખુદ બંધારણનું અપમાન કરી રહ્યા છે."
ભારતીય બંધારણનો સ્રોત વિદેશી વિચારધારા હોવાની ભાગવતની વાત પર સીતારામ યેચુરી પૂછે છે "જમ્મહૂર્રિયત એટલે કે લોકશાહી પણ વિદેશી વિચાર છે તો શું ભાગવત તેને પણ ખતમ કરી દેશે?"
નૈતિક્તા અને કાયદામાં અંતર
આરએસએસ પ્રમુખે એ પણ કહ્યું છે કે જે કાયદેસર રીતે સાચું છે એ નૈતિક રુપે સાચું જ હોય એ જરૂરી નથી. આના પર પણ વિચાર કરવો જરૂરી છે.
ભાગવતની આ વાત પર બંધારણના જાણકાર સૂરત સિંહ કહે છે કે "કાયદો અને નૈતિકતા વચ્ચેના અંતરને સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે."
"નૈતિક્તા એ છે કે દરેકને પ્રેમ કરો, પાડોશીને પ્રેમ કરો. પરંતુ પાડોશીને મારો નહીં એ કાયદો છે. કારણ કે જો આમ કરશો તો સજા થશે. એકને કાયદો લાગૂ કરો અને બીજાને નહીં તેવી પરિસ્થિતિ કદી ચાલી શકે નહીં."
સૂરત સિંહ કહે છે કે ભારતીય બંધારણનો મોટો ભાગ 'ભારત સરકારના કાયદાઓ 1935'માંથી લેવામાં આવ્યો છે અને તેમાં ફેરફારની જરૂર છે. પરંતુ બંધારણના મૂળ માળખામાં કદી ફેરફાર ન કરી શકાય.
તેમનું કહેવું છે કે "1973માં સુપ્રીમ કોર્ટના 13 ન્યાયમૂર્તિઓની બેન્ચે પોતાના એક નિર્ણયમાં ચોખ્ખું કહ્યું હતું કે બંધારણમાં સંશોધન થઈ શકે છે પરંતુ તેની મૂળ ભાવનામાં ફેરફાર ન થઈ શકે."
(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)