લાહોર ત્યારે આવું દેખાતું હતું એમ તમે માની નહીં શકો

    • લેેખક, આમના મુફ્તી
    • પદ, લેખિકા

લાહોર શહેરે છેલ્લા 70 વર્ષોમાં સામાજિક રીતે ઘણી ગુલાંટો ખાધી છે. 50ના દાયકામાં લાહોરના રસ્તા પર મહિલાઓ સાઇકલ ચલાવતી હતી અને રસ્તા પર ચાલતા લોકો તેમને આંખો પહોળી કરી કરીને જોતા પણ નહીં.

બાર-ડિસ્કો હતા. દારૂ પણ ગેરકાયદેસર ન હતો. ઘરોમાં ડ્રૉઇંગરૂમ હતા, મહિલાઓ અને પુરુષોના અલગઅલગ રૂમ હતા. એવા કાર્યક્રમ આયોજિત થતા કે જેમાં મહિલા-પુરુષ સાથે આવી શકતા હતા અને વિશુદ્ધ રૂપે મહિલાઓ માટે મીના બજાર પણ હતી.

સાંજે ક્લબ જવું, ટેનિસ રમવું ઘણા ઘરોમાં સામાન્ય હતું. રેડિયો વગાડવો, ગીત સાંભળવા, પત્તા, લૂડો, કેરમ રમવું સામાન્ય શોખ હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

માત્ર કોઈ લગ્નમાં જ સાડી પહેરો એવું નહોતું. ઘણી મહિલાઓ દરરોજ સાડી પહેરતી હતી.

પડદામાં રહેતી મહિલાઓ મોટાભાગે સાધારણ ટોપી બુરખા ઓઢતી હતી. લોકોના ઘરોમાં કાર હોય કે ન હોય, ભેંસ તો હોય જ.

મોટાભાગની મહિલાઓ બહાર કામ કરતી નહોતી. જે મહિલાઓ ઘરોમાં રહેતી તેમની અંદર કોઈ પણ પ્રકારની હીનભાવના ન હતી અને બહાર કામ કરતી મહિલાઓને કોઈ પ્રકારનો ઘમંડ નહોતો.

પંજાબની બધી જ નદીઓ વહે છે, પણ રાવી નદીમાં તો પૂર પણ આવી જતું હતું.

રસ્તાના કિનારે કેરી અને જાંબુના ઝાડ હતાં. લોકોમાં દેશભક્તિની અલગ ભાવના જોવા મળતી હતી અને ઘણી વખત કારણ વગર પાકિસ્તાન ઝિંદાબાદના સૂત્રોચ્ચાર થતા હતા.

સ્કૂટર પર પરિવાર

મોટરસાઇકલ ક્યારેક જ જોવા મળતી અને ત્યારે સ્કૂટર હતા જેના પર આખો પરિવાર સવાર થઈને ફરતો હતો. બસોની સાથે કાર પણ જોવા મળતી હતી.

સાહિત્ય અને લેખક જીવંત હતાં. ટી હાઉસ અને બેકરીની રોનક ત્યારે ઝાંખી પડી ન હતી. સાચા લેખક અને શાયર રસ્તા પર ચાલતા ફરતા જોવા મળતા હતા. તેમની સાથે વાત કરી શકાતી હતી અને લોકો મળી પણ શકતા હતા.

સૂબે ખાન, બરકત અલી, બૉમ્બે ક્લૉથ હાઉસની ઓળખ હતી. ઘરોમાં શિયાળો આવવાની જાણકારી ઊનની વણાટથી મળી જતી હતી. ઘરોમાં દર બે દિવસે માંસ બનાવવામાં આવતું હતું.

કેટલાક પકવાનને છોડીને કેટલાક પકવાન ખાસ હતા.

પછી જાણે કોઈ જાદુઈ હાથે અમારા સામાજિક પાયા એકદમ શાંતિથી ખસેડી લીધા અને આખી ઇમારત ઢગલાની જેમ તૂટી પડી.

સાઇકલ છોડો, ગાડી ચલાવતી મહિલાઓને એટલા આશ્ચર્ય સાથે આંખો ફાડીને જોવામાં આવે છે કે વારંવાર સાફ કરવા છતાં ગાડીનો કાચ ખરાબ થઈ જાય છે.

બુરખામાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે અને તેણે હિજાબ તેમજ લાંબા ગાઉનનું રૂપ ધારણ કરી લીધું છે. તેમાંથી બહાર જોતા ગોળમટોળ ચહેરા અને કાજળભરી આંખોને બસ જોતા જ રહેવાનું મન થયા કરે છે.

દરજીઓનું કામ હજુ પણ ચાલી રહ્યું છે પરંતુ અસલી કામ ડિઝાઇનરનું છે. તે ઇચ્છે ત્યારે પાલવને કોલર સાથે જોડી દે છે.

આ જ લાહોરમાં જ્યાં કોઈ રસ્તા પર ચાલતા વ્યક્તિના સ્વેટરનો નમૂનો જોઈને અમારી એક મિત્રએ ત્યાંથી જ ઊન ખરીદ્યું અને એ સાહેબનો પીછો કરતા કરતા નમૂનો તૈયાર કરી લીધો.

આ લાહોરમાં હવે કોઈ હાથથી બનાવેલાં સ્વેટર પહેરતાં જ નથી અને કોઈને વણાટની ડિઝાઇન બનાવતા આવડતી નથી.

ઘણી વાનગીઓ છે, ઘણી ચેનલો દિવસ-રાત મહિલાઓને ભોજન બનાવતા શીખવે છે. ડિલીવરી બૉય ઘરે ઘરે જમવાનું પણ પહોંચાડી દે છે, પણ ભોજનમાં સ્વાદ જ રહ્યો નથી.

ભેંસ શહેરમાંથી ગુમ થઈ ગઈ છે. રાવી નદી સુકાઈ ગઈ છે. ઘોડા હવે રેસકૉર્સ અને ગ્રાઉન્ડમાં જોવા મળે છે.

લાહોરની સાંજમાં હજુ પણ મોગરા અને રાતરાણીની સુગંધ હોય છે પરંતુ એક વાત આપણે ભૂલી ગયા છીએ કે લાહોરનું ભૂ-જળસ્તર ઝડપથી સમાપ્ત થઈ રહ્યું છે.

વિચારો પાણી વગર લાહોર કેવું હશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો