કોણ છે એક કરોડથી વધુ રૂપિયાનો પગાર મેળવનારાં મધુમિતા કુમાર?

    • લેેખક, મનીષ શાંડિલ્ય
    • પદ, પટણાથી બીબીસી ગુજરાતી માટે

ઉંમર-25 વર્ષ, માસિક પગાર-નવ લાખ રૂપિયા. તમને આ વાત ભલે સાચી ન લાગે પણ મધુમિતા કુમાર માટે આટલો પગાર કોઈ સપનું નહીં, હકીકત છે.

વિશ્વની સૌથી મોટી ઈન્ટરનેટ સર્ચ કંપનીઓ પૈકીની એક ગૂગલે મધુમિતાને એક કરોડ, આઠ લાખ રૂપિયાના વાર્ષિક પેકેજ સાથે નોકરી આપી છે.

બિહારનાં વતની મધુમિતાએ ગૂગલની સ્વિત્ઝર્લેન્ડ સ્થિત ઓફિસમાં ટેક્નિકલ સોલ્યુશન એન્જિનિયર તરીકે સોમવારથી કામ કરવાનું શરૂ કરી દીધું છે.

ગૂગલમાં જોડાતાં પહેલાં મધુમિતા બેંગલુરુમાં એપીજી કંપનીમાં કામ કરતાં હતાં.

તેમના પિતાના જણાવ્યા અનુસાર, મધુમિતાને એમેઝોન, માઈક્રોસોફ્ટ અને મર્સિડીઝ જેવી કંપનીઓ તરફથી પણ ઓફર મળી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

સફળતાની જવણી

મધુમિતાના પિતા સુરેન્દ્રકુમાર શર્મા દીકરીની સફળતાની ઉજવણી કરી રહ્યા છે. સુરેન્દ્રકુમાર સોનપુરમાં રેલવે સુરક્ષા બલમાં સહાયક સુરક્ષા આયુક્ત તરીકે ફરજ બજાવે છે.

પટણા નજીકના ખગૌલ વિસ્તારમાં આજકાલ મધુમિતાના પરિવાર વિશે ચર્ચા થઈ રહી છે, પણ એક એવો સમય હતો જ્યારે મધુમિતાને એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવવા સુરેન્દ્રકુમાર તૈયાર નહોતા.

એ દિવસોને યાદ કરતાં સુરેન્દ્રકુમાર શર્મા કહે છે, "એન્જિનિયરિંગનું ક્ષેત્ર છોકરીઓ માટે નથી એવું મેં શરૂઆતમાં કહ્યું હતું, પણ પછી મેં જોયું કે આ ક્ષેત્રમાં છોકરીઓ મોટા પ્રમાણમાં આવી રહી છે."

"એ પછી મેં મધુમિતાને કહ્યું હતું કે એન્જિનિયરિંગમાં એડમિશન લઈ લો."

મધુમિતાએ જયપુરની આર્યા કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાંથી 2010થી 2014 દરમ્યાન કમ્પ્યુટર સાયન્સ વિષયમાં એન્જિનિયરિંગ કર્યું છે.

મધુમિતાએ બારમા ધોરણ સુધીનો અભ્યાસ પટણાની ડીએવી વાલ્મી સ્કૂલમાં કર્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

ડો. અબ્દુલ કલામ બન્યા પ્રેરણાસ્રોત

શર્મા પરિવાર કે ખાનદાનમાંથી વિદેશ જનારાં સભ્યોમાં મધુમિતા પ્રથમ છે . તેઓ આ વર્ષે ફેબ્રુઆરીમાં પહેલીવાર અમેરિકા ગયાં હતાં.

મધુમિતાની પહેલી વિદેશયાત્રાને યાદ કરતાં સુરેન્દ્રકુમારે કહ્યું હતું, "અન્ય પરિવારોની માફક અમારે ત્યાં પણ પરિવારની કોઈ વ્યક્તિનું વિદેશ જવું એ મોટી સિદ્ધિ છે."

"મધુમિતા અમેરિકા ગઈ તો બધાને એવું લાગ્યું હતું કે ચાલો, પરિવારમાંથી કોઈક તો વિદેશ જઈ આવ્યું."

પોતાની દીકરીએ ઘરથી હજ્જારો માઈલ દૂર સતત એકલાં રહેવું પડશે એ વાતનો અનુભવ હવે તેમને થઈ રહ્યો છે.

આ સિદ્ધિ મેળવવામાં મધુમિતાની મહેનત અને લગન ઉપરાંત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ તથા વિજ્ઞાની એપીજે અબ્દુલ કલામની ભૂમિકા મહત્ત્વની રહી છે.

સુરેન્દ્રકુમાર શર્મા કહે છે, "એપીજે અબ્દુલ કલામ મધુમિતાના સૌથી મોટા પ્રેરણાસ્રોત છે. તેમનાં પુસ્તકો અને આત્મકથા મધુમિતા હંમેશા વાંચતી હતી. તેમના વિચારોમાંથી મધુમિતાએ પ્રેરણા લીધી છે."

આઈએએસ ઓફિસર બનવાની ચ્છા

સ્કૂલમાં અભ્યાસના દિવસોમાં મધુમિતાને મેથ્સ, ફિઝિક્સ અને ભૌતિકશાસ્ત્રના વિષય વધારે પસંદ હતા. તેઓ ડિબેટ સ્પર્ધાઓમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લેતાં હતાં.

પ્રારંભે તેઓ આઈએએસ ઓફિસર બનવા ઇચ્છતાં હતાં, પણ પછી તેમણે એન્જિનિયરિંગમાં આગળ વધવાનો નિર્ણય કર્યો હતો.

2010માં બારમા ધોરણની પરીક્ષા પાસ કર્યા પછી મધુમિતાએ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું હતું.

સુરેન્દ્રકુમાર શર્મા કહે છે, "મધુમિતાને બારમા ધોરણમાં 86 ટકા મળ્યા હતા. દેશની સારી કોલેજોમાં એડમિશન માટે આટલા પર્સન્ટેજ સરેરાશ ગણાય."

"તેથી મધુમિતાની સફળતા વધુ એકવાર સાબિત કરે છે કે બોર્ડ એક્ઝામમાં બહુ સારા માર્ક્સ ન આવ્યા હોય તો પણ સફળતાનો માર્ગ બંધ થતો નથી."

મધુમિતાનો પરિવાર

સુરેન્દ્રકુમાર શર્માનાં મોટાં પુત્રી રશ્મિ હાલ ઇન્દોરની અરવિંદો મેડિકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યાં છે.

શર્મા પરિવારનો સૌથી નાનો પુત્ર હિમાંશુ શેખર બેંગલુરુની આરવી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં મિકેનિકલ એન્જિનિયરિંગના અંતિમ વર્ષના વિદ્યાર્થી છે.

મધુમિતા પહેલાં બિહારના જ વાત્સલ્ય સિંહને માઈક્રોસોફ્ટમાં વાર્ષિક 1.20 કરોડ રૂપિયાના પગારની નોકરી મળી હતી.

વાત્સલ્ય સિંહ બે વર્ષ પહેલાં આઈઆઈટી, ખડગપુરમાં છેલ્લા વર્ષના વિદ્યાર્થી હતા ત્યારે તેમને આ ઓફર મળી હતી.

વાત્સલ્યસિંહ ખગડિયા જિલ્લાના સન્હોલી ગામના રહેવાસી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો