You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકા સંધિમાંથી ખસી જતાં ઈરાને ફરી સક્રિય કર્યો પરમાણુ કાર્યક્રમ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓબામાના કાર્યકાળ દરમિયાન ઈરાન સાથે થયેલા પરમાણુ સોદાને બેકાર ગણાવી અમેરિકાને સંધિમાંથી અલગ કરી નાખ્યું છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે વર્ષ 2015માં ઈરાન સાથે કરાર કર્યા પછી આર્થિક પ્રતિબંધોમાં જે છૂટછાટો આપવામાં આવી હતી તેને પાછી ખેંચી લેવામાં આવશે.
ટ્રમ્પનું આ પગલું તેમના યુરોપિયન સાથીઓ અને કેટલાક લશ્કરી સલાહકારોના સૂચનની વિરુદ્ધનું છે.
અમેરિકાએ કહ્યું છે કે ઈરાન પર કોઈ તાત્કાલિક આર્થિક પ્રતિબંધો નહીં આવે, પરંતુ તેના માટે 90 દિવસથી વધુ રાહ જોવાશે.
અમેરિકાએ જણાવ્યું છે કે તે એ જ ઉદ્યોગો પર પ્રતિબંધિત લગાવશે, જેના અંગે 2015ની સંધિમાં ચર્ચા કરવામાં આવી હતી.
તેમાં ઈરાનના ઓઇલ સેક્ટર, એરક્રાફ્ટની નિકાસ, કિંમતી ધાતુઓનો વેપાર અને ઈરાનની સરકાર દ્વારા અમેરિકન ડોલર ખરીદવાના પ્રયાસોનો સમાવેશ થાય છે.
ઈરાને કરી ટીકા
ઈરાની રાષ્ટ્રપતિ રુહાનીએ ટ્રમ્પના નિર્ણયની ટીકા કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાના આ પગલાની પ્રતિક્રિયામાં ઈરાને જણાવ્યું હતું કે તે યુરેનિયમ સંવર્ધનનું કામ ફરી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, જે પરમાણુ ઊર્જા અને શસ્ત્રો બંને માટે જરૂરી છે.
ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ જણાવ્યું, "અમેરિકાએ બતાવી દીધું કે તે પોતાના વાયદાનો આદર કરતું નથી.
"મેં ઈરાનના મોલેક્યુલર એનર્જી ઑર્ગેનાઇઝેશનને ઔદ્યોગિક સ્તરે યુરેનિયમનું સંવર્ધનનું કામ શરૂ કરવાનો આદેશ આપી દીધો છે."
તેમણે કહ્યું હતું કે તેઓ સંધિમાં સામેલ અન્ય દેશો અને પોતાના સહયોગીઓ સાથે વાતચીત કરવા થોડા અઠવાડિયા સુધી જ રાહ જોશે.
તમે આ વાંચ્યું કે નહીં?
વૈશ્વિક પ્રતિક્રિયા
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે તેઓ અમેરિકાના ઈરાન સાથેની સંધિમાંથી ખસી જવાના નિર્ણયનું દૃઢ સમર્થન કરે છે.
જ્યારે કે ઈરાન સાથેના પરમાણુ સંધિમાં સામેલ ફ્રાન્સ, જર્મની અને બ્રિટને અમેરિકાના આ નિર્ણય પર દિલગીરી વ્યક્ત કરી છે.
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈક્રૉંએ જણાવ્યું કે અમેરિકાના આ નિર્ણયથી પરમાણુ અપ્રસારના ભાવિ પર પણ પ્રશ્ન ઊભો થયો છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ ઈરાન સાથે સંકળાયેલા વ્યાપક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે.
જેમાં ઈરાનના હથિયાર કાર્યક્રમ અને મધ્ય-પૂર્વમાં સ્થિરતા સંબંધિત વાટાઘાટોનો સમાવેશ થાય છે.
યુરોપિયન સંઘના વિદેશી મામલાના પ્રમુખ ફેડેરિકા મોઘેરિનીએ જણાવ્યું હતું કે યુરોપિયન સંઘ પરમાણુ સોદાને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.
અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી અને તે સમયે સંધિની વાટાઘાટોમાં સામેલ જૉન કેરીએ ટ્વીટ કર્યું હતું કે કેટલાક વર્ષો પહેલાં વિશ્વ સામે જે પડકારો હતા, આ પગલાએ આપણને ત્યાં જ પહોંચાડ્યા છે.
શું છે સંધિ?
જુલાઈ 2015માં ઓબામા વહીવટીતંત્ર હેઠળ થયેલ સંધિમાં ઈરાન પર હથિયારોની ખરીદી પર પાંચ વર્ષ અને મિસાઇલ પર આઠ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
જેના બદલામાં ઈરાને તેનો મોટાભાગનો પરમાણુ કાર્યક્રમ બંધ કરી દીધો હતો.
આ સિવાય બાકીના ભાગને આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો હેઠળ મોનિટર કરાવવા તૈયાર થયું હતું.
બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે ટ્રમ્પને આ સંધિમાંથી નહીં હટવાની વિનંતી કરી હતી.
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈક્રૉંએ પણ તાજેતરની અમેરિકા મુલાકાત દરમિયાન કહ્યું હતું કે ઈરાન સાથેનો કરાર 'શ્રેષ્ઠ' ન હતો, પરંતુ તે સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નહોતો.
આ ત્રણેય દેશોએ એ પણ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ જે પણ નિર્ણય લે પણ તેઓ ઈરાન સાથેના ત્રણ વર્ષના કરાર પર યથાવત રહેશે.
ઈરાનના રાષ્ટ્રપતિ અગાઉ જ જણાવી ચૂક્યા છે કે જો રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન સાથેની સંધિ તોડી તો અમેરિકાને ઐતિહાસિક રીતે પસ્તાવું પડશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો