ઇઝરાયલે જાપાનના વડાપ્રધાન શિંઝો એબેને ‘જૂતા’માં ભોજન પીરસ્યું પણ જાપાનના ગળે ઊતર્યું નહીં

    • લેેખક, મોનિટરિંગ
    • પદ, બીબીસી

જ્યારે જાપાનના વડાપ્રધાન શિંઝો એબે અને તેમના પત્ની ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને તેમના પત્ની સાથે બીજી મેના રોજ ઇઝરાયલના વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને ડિનર માટે ગયા ત્યારે તેમને ડેઝર્ટ 'જૂતા'માં પીરસવામાં આવ્યું.

ઇઝરાયેલના સેલિબ્રિટી શેફ મોશે સેગેવ વડાપ્રધાનના અંગત શેફ પણ છે. પીએમના શાનદાર ડિનર બાદ તેમણે ધાતુના બનેલાં 'જૂતા'માં ડેઝર્ટ તરીકે કેટલીક ચોકલેટ મૂકી હતી.

જાપાની સંસ્કૃતિમાં જૂતાને અતિ અપમાનજનક માનવામાં આવે છે.

એબે તો વિના ખચકાટ આ ડેઝર્ટ ખાઈ ગયા. પરંતુ જાપાની અને ઇઝરાયેલી રાજદ્વારીઓને આ વાત ગળે ઊતરી નથી.

જાપાન પર નજર રાખનારા નિષ્ણાતો પણ ચોંકી ગયા કે જાપાની પીએમને જૂતામાં પીરસવામાં આવ્યું.

જાપાની સંસ્કૃતિમાં 'જૂતાં'

જાપાનમાં રહેતા એક વરિષ્ઠ રાજદૂતે ઇઝરાયેલી અખબાર યેદિયોત અહરાનોતે કહ્યું, "આ એક સંવેદનશીલ અને મૂર્ખ નિર્ણય હતો."

તેમણે કહ્યું, "જાપાનની સંસ્કૃતિમાં જૂતા જેવું તુચ્છ કંઈ નથી. જાપાનીઓ પોતાના ઘરોમાં જ નહીં, ઑફિસમાં પણ જૂતા પહેરીને જતા નથી.

"વડાપ્રધાન અને અન્ય મંત્રીઓ અને સાંસદો પણ તેમની કચેરીમાં બૂટ પહેરતા નથી. આ એવું છે કે યહૂદી મહેમાનને ડુક્કરના ચહેરામાં ભોજન પિરસવું."

તમે આ વાંચ્યું કે નહીં?

એક જાપાની રાજદૂતે યેદિઓતને કહ્યું, "કોઈપણ સંસ્કૃતિ ટેબલ પર જૂતા રાખતી નથી. તે શેફના મનમાં શું ચાલી રહ્યું હતું? જો આ મજાક હોય તો અમને ગમી નથી. અમારા વડાપ્રધાન સાથેના આ વ્યવહારથી અમે નારાજ છીએ."

શેફ સેગેવે તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર ડિનરના ફોટો પોસ્ટ કર્યા હતા. જેમાં જૂતામાં રજૂ કરવામાં આવેલા ડેઝર્ટનો પણ સમાવેશ થાય છે.

એક યૂઝરે આ તસવીર પર કૉમેન્ટ કરી, "તમે સૌથી મોટી ભૂલ કરી છે."

અન્ય યૂઝરે લખ્યું, "દેશ આ વાત ક્યારેય ભૂલશે નહીં. સેગેવ, હું તમને ઘણો પ્રેમ કરું છું પરંતુ તમે અમને શરમાવ્યા છે."

ઘણા પુરસ્કારો જીતેલા શેફ સેગેવ ઇઝરાયેલના અગ્રણી રેસ્ટોરાંના માલિક છે. તેમણે અનેક પુસ્તકો લખ્યા છે અને તેઓ ટીવી સેલિબ્રિટી છે. તો 'EIAI' એરલાઇન્સના મુખ્ય શેફ પણ છે.

2015માં પહેલીવાર શિંઝો એબે ઇઝરાયલ આવ્યા, ત્યારે ઇઝરાયલની મુલાકાતે જનાર જાપાનના પ્રથમ વડાપ્રધાન હતા.

શિંઝોને ગુજરાતી રસથાળ

જાપાનના વડાપ્રધાન શિંઝો એબે અને તેમના પત્ની અકી એબે જ્યારે 2017માં ગુજરાત આવ્યા હતા ત્યારે તેમના સ્વાગતમાં કોઈ કસર બાકી ન રહે તેની સંપૂર્ણ તકેદારી રખાઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ શિંઝો એબેએ અમદાવાદના સાયન્સ સિટીમાં શાહી ભોજન લીધું હતું. આ પહેલાં તેમણે હોટલ અગાશિયેમાં પણ સાથે ડિનર કર્યું હતું.

ડિનરમાં જાપાની પીએમને રીંગણાનો ઓળો, ખાંડવી, થેપલા, ટીંડોળાનું શાક સહિત લિજ્જતદાર ગુજરાતી અને જાપાની વાનગીઓ પીરસાઈ હતી. એ ભોજન થાળીમાં પીરસવામાં આવ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો