ચીન શા માટે ઉછેરી રહ્યું છે કરોડો વંદાઓ?

વંદા નામ સાંભળીને કોઈને ચિતરી ચઢે કે કોઈ ડરી જાય છે, પરંતુ ચીનના લોકો માટે, આ કમાણીનો મોટો સ્ત્રોત છે.

વંદામાં એક ખાસ પ્રકારના સંભવિત ઔષધીય ગુણધર્મોને કારણે ચીની ઉદ્યોગ જગતમાં વેપારીઓ તેમાં બિઝનેસની નવી તકો જોઈ રહ્યાં છે.

ચીન સહિત ઘણા એશિયાઈ દેશોમાં વંદાને તળીને ખાવામાં આવે છે. પરંતુ હવે તેનો મોટા પ્રમાણમાં ઉછેર કરવામાં આવે છે.

ચીનના શિચાંગ શહેરમાં ફાર્માસ્યુટિકલ કંપની દર વર્ષે 60 કરોડ વંદાઓનો ઉછેર કરે છે.

કઈ રીતે કરોડો વંદાનો ઉછેર થાય છે?

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના એક અહેવાલ મુજબ વંદાઓનો ઉછેર એક મકાનમાં કરવામાં આવે છે. આ ઇમારત બે રમતનાં મેદાન જેટલી વિશાળ છે.

ઇમારતમાં કબાટ બનાવવામાં આવ્યા છે. આ કબાટોની પાતળી કિનારીઓની વચ્ચે વંદા પેદા કરવામાં આવે છે.

તેમના માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

અંદર એકદમ અંધારુ હોય છે. અંદરનું વાતાવરણ ગરમી અને ભેજવાળું રાખવામાં આવે છે.

ત્યાં વંદાઓને સ્વતંત્રતાથી ફરવાની પ્રજનનની આઝાદી આપવામાં આવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ વંદાઓને સૂર્યપ્રકાશથી દૂર રાખવામાં આવે છે. એવી વ્યવસ્થા કરવામાં આવે છે કે તે ઇમારતની બહાર ન જઈ શકે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ દ્વારા વંદાઓના ઉછેર પર નજર રાખવામાં આવે છે.

આ દ્વારા જ મકાનની અંદરના તાપમાન, ખોરાક અને ભેજનું ધ્યાન રાખવામાં આવે છે.

ઓછામાં ઓછા સમયમાં જેટલા વધારે બની શકે એટલા વંદાઓનો ઉછેર કરવાનું લક્ષ્ય હોય છે.

પરંતુ શા માટે કરાય છે વંદાનો ઉછેર?

જ્યારે વંદાઓ પુખ્ત વયના થાય છે, ત્યારે તેમને મારીને તેમાંથી શરબત બનાવવામાં આવે છે.

ચીનના લોકો તેને પરંપરાગત દવા માને છે અને તેનો ઉપયોગ કરે છે.

તેનો ઉપયોગ ઝાડા, ઉલટી, પેટના અલ્સર, શ્વાસની સમસ્યાઓ અને અન્ય રોગની સારવારમાં થાય છે.

શેનડોંગ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પ્રોફેસર લિયૂ યૂશેંગે ધ ટેલિગ્રાફ અખબારને જણાવ્યું, "વંદામાંથી બનતી આ દવા ખરેખર ચમત્કારિક છે."

"વંદા ઘણા રોગોનો ઉપચાર કરી શકે છે અને તે અન્ય દવાઓ કરતાં ખૂબ જ ઝડપથી કામ કરે છે."

સસ્તી દવા

પ્રોફેસર લિયૂ કહે છે, "ચીનમાં વૃદ્ધોની વધી રહેલી સંખ્યાને કારણે ઘણી મુશ્કેલીઓ થઈ રહી છે. અમે નવી દવાઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને તે પશ્ચિમી દેશોમાં ઉપલબ્ધ દવાઓ કરતાં સસ્તી હશે."

દવાઓ માટે વંદાઓનો ઉછેર સરકારી યોજનાઓનો એક ભાગ છે. તેની દવાઓનો ઉપયોગ હોસ્પિટલોમાં થાય છે.

જોકે, આ રીતે બનાવવામાં આવતી દવા અંગે કેટલાક લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

બેઇજિંગની ચાઇનીઝ એકેડમી ઑફ મેડિકલ સાયન્સના એક સંશોધકે 'સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ'ને તેમનું નામ ન આપવાની શરતે કહ્યું, "વંદાનો શરબત રોગો માટે રામબાણ ઇલાજ નથી. એ બધા જ રોગો પર ચમત્કારિક અસર કરતા નથી."

''આ પ્રકારના જંતુઓને બંધ સ્થળે ઉછેરવા અને તેમની સંખ્યા વધારવી ખતરનાક બની શકે છે.''

ચીનની એકેડેમી ઑફ સાયન્સના પ્રોફેસર ઝુ કેયોડૉંગ કહે છે, "આટલી મોટી સંખ્યામાં વંદાઓ માણસોની લાપરવાહી અથવા તો કુદરતી દુર્ઘટનાઓને કારણે ઇમારતમાંથી બહાર આવી જશે તો તે વિનાશક સાબિત થઈ શકે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો