ફેસબુક : જાણો કઈ ઍપ્લિકેશન દ્વારા ફેસબુક યૂઝર્સનો ડેટા લીક થયો

ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે અમેરિકી સેનેટર્સ સમક્ષ ફેસબુક યૂઝર્સનો ડેટા લીક થવા બદલ માફી માગી છે. પણ દરેક ફેસબુક યૂઝરને સવાલ છે કે આ મામલો તેમના માટે કેમ ચિંતાનો વિષય છે.

અમેરિકી સેનેટ સમક્ષ માર્ક ઝકરબર્ગે ખુદ પોતાનો પણ ડેટા લીક થયો હોવાની કબૂલાત કરી છે અને 87 મિલિયન યૂઝર્સના ડેટા લીક થયા તે બદલ માફી માગી.

કૅમ્ર્બિજ ઍનલિટિકાએ ફેસબુકના યૂઝર્સનો અંગત ડેટા તેમની મંજૂરી વગર જ પ્રાપ્ત કરી લેતા 87 મિલિયન યૂઝર્સની 'પ્રાઇવસી'ને અસર થઈ છે.

આથી ફેસબુક યૂઝરે તેનો ડેટા લીક થયો છે કે નહીં તે જાણવું જરૂરી છે.

કેમકે, ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગનો અંગત ડેટા પણ તેમાં સામેલ છે. જેની કબૂલાત માર્કે જાતે કરી હતી.

કઈ રીતે ડેટા લીક થયો?

કૅમ્ર્બિજ ઍનલિટિકાએ ફેસબુક પર એક ઍપ્લિકેશન દ્વારા યૂઝર્સની માહિતી એકત્ર કરી.

આ માહિતીના આધારે વ્યક્તિગત પ્રોફાઇલ તૈયાર કરવામાં આવી.

આમ આ પ્રોફાઇલના એકાઉન્ટના ઉપયોગથી ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના અભિયાનને લાભ પહોંચાડવાની કથિત કોશિશ કરવામાં આવી.

કઈ ઍપ્લિકેશન દ્વારા ડેટા એકત્ર કરાયો?

'ધીસ ઇઝ યૉર ડિજિટલ લાઇફ ' નામની ઍપ્લિકેશન દ્વારા યૂઝરની માહિતી એકત્ર કરવામાં આવી હતી.

આ એક ઓનલાઇન ગેમ છે. જેના દ્વારા પ્રોફાઇલ ધારકનો ડેટા મેળવવામાં આવ્યો.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમાં એક ટેસ્ટ અંતર્ગત યૂઝરની તમામ પ્રકારની ખાનગી માહિતી જેવી કે જન્મદિવસ, ઇમેલ, યૂઝરના મિત્રોના નામ અને તેમની રૂચિની વિગતો મેળવી લેવાય છે.

આ તમામ પ્રકારની માહિતીના આધારે મોટા ડેટાબેઝ ઊભો કરવામાં આવ્યો હતો.

વધુમાં આ ડેટાબેઝ પરથી મનોવૈજ્ઞાનિક પ્રોફાઇલ્સ તૈયાર કરાઈ હતી.

તમારો ડેટા લીક થયો છે કે નહીં? આ રીતે જાણો

ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગનો ખુદનો ડેટા લીક થયો હોવાની વાત ગંભીર છે.

આથી દરેક સામાન્ય યૂઝરના મનમાં સવાલ હોય કે તેની પ્રોફાઇલમાંથી આવો કોઈ અંગત ડેટા લીક થયો છે કે નહીં.

આ સવાલના જવાબ આપવા માટે ફેસબુકે પગલાં લીધા છે. જેમાં હવે ઉપરોક્ત ગેમિંગ ઍપ્લિકેશનને બ્લૉક કરી દેવામાં આવી છે.

વધુમાં ફેસબુક જેટલા પણ યૂઝર્સને અસર થઈ છે તેમને મૅસેજ મોકલી રહી છે.

તમને પણ શંકા હોય કે તમારો ડેટા લીક થયો છે કે નહીં, તો તમે આ લિંક પર ક્લિક કરીને જાણી શકો છો.

(એક્સટર્નલ પેજના કન્ટેન્ટ માટે બીબીસી જવાબદાર નથી.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો