શું ફેસબુક ભારતીય મતદારોને પ્રભાવિત કરી શકે?

    • લેેખક, તૃષાર બારોટ
    • પદ, બીબીસીની ભારતીય ભાષાઓના ડિજિટલ એડિટર

ફેસબુક પર યૂઝર્સની અંગત માહિતીનો દુરુપયોગ થયો હોવાના વિવાદ વચ્ચે સૌથી મોટી સોશિયલ મીડિયા કંપનીના સ્થાપક માર્ક ઝકરબર્ગે અમેરિકાની સંસદમાં પોતાનો પક્ષ રજૂ કર્યો.

ભવિષ્યમાં અમેરિકા કે વિશ્વના અન્ય કોઈ દેશમાં મતદારોને ફેસબુક થકી પ્રભાવિત ના કરી શકાય એ માટે કેવાં પગલાં લેવાઈ રહ્યાં છે એ અંગે પણ ઝકરબર્ગે સંસદને માહિતી આપી.

ઝકરબર્ગે જણાવ્યું કે 'ભારત, બ્રાઝિલ, પાકિસ્તાન અને હંગેરીમાં દેશ માટે મહત્ત્વની કહી શકાય તેવી ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીઓની નિષ્પક્ષતા જળવાઈ રહે એ માટે અમે બનતું કરી છૂટવા માગીએ છીએ.' તેમણે એમ પણ ઉમેર્યું કે વર્ષ 2018માં તેમની પ્રાથમિકતામાં આ બાબત ટોચ પર રહેશે.

અમેરિકામાં વર્ષ 2016માં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી દરમિયાન રશિયનો દ્વારા અપાયેલી જાહેરાતોએ લાખો મતદારોને પ્રભાવિત કર્યા હતા. પણ, આવું ભારતની ચૂંટણીમાં ના થાય એ માટે ફેસબુક શું કરશે?

2019ની ચૂંટણી અને ફેસબુકનો ઉપયોગ

આ સપ્તાહે, ફેસબુકે એવા સાડા પાંચ લાખ ભારતીય યુઝર્સને નોટિફિકેશન્સ મોકલવાનું શરૂ કર્યું હતું કે જેમના ડેટાનો બ્રિટિશ પૉલિટિકલ કન્સલ્ટિંગ ફર્મ 'કૅમ્બ્રિજ ઍનાલિટિકા' દ્વારા દુરુપયોગ કરાયો હોવાની શંકા છે.

આ એ જ કંપની છે કે જેણે વર્ષ 2016 દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં 'મહત્ત્વનો ભાગ' ભજવ્યો હતો.

એવા અહેવાલો પણ છે કે આ કંપનીએ ભૂતકાળમાં ભાજપ અને કોંગ્રેસ, બન્ને માટે કામ કર્યું છે. જોકે, કોઈ ભારતીય યુઝરની અંગત માહિતીનો દુરુપયોગ કોઈ રાજકીય પક્ષના ફાયદા માટે કરાયો હોય એવા કોઈ પુરાવા મળ્યા નથી.

ભારતમાં 2019માં લોકસભાની ચૂંટણી યોજાશે. એ સમયે 50 કરોડ કરતાં વધુ ભારતીયો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હશે. તેઓ વેબસાઇટનો ઉપયોગ રાજકીય સંદેશા મોકલવા અને મતદારોને પ્રભાવિત કરવા કરી શકે છે.

અહીં એ વાત પણ મહત્ત્વની બને છે કે અમેરિકા કે વિશ્વના કોઈ અન્ય દેશ કરતાં ભારતમાં ફેસબુક યુઝર્સની સંખ્યા વધુ છે. એટલે જ, કંપની પર ભારે દબાણ છે કે અમેરિકામાં વર્ષ 2016માં ફેક એકાઉન્ટ્સ કે વિદેશી સંસ્થાઓ દ્વારા જે રીતે ફેસબુકનો દુરુપયોગ કરાયો હતો, એવું ભારતમાં ના થાય.

ભારતમાં ચૂંટણી પ્રચાર અને ફેસબુકનો ઉપયોગ

ફેસબુક દ્વારા લેવાઈ રહેલા અન્ય પગલાં અંગે ઝકરબર્ગે યુએસ સંસદમાં માહિતી આપતાં જણાવ્યું કે,

  • રાજકીય એકાઉન્ટસની ખરાઈ કરવા અને ફેક એકાઉન્ટ્સને દૂર કરવા માટે હજારો લોકોની ભરતી કરવામાં આવશે.
  • રાજકીય કે મુદ્દા આધારિત જાહેરાત કરવા માગતા પેજનું લોકેશન અને ઓળખની ચકાસણી કરાશે.
  • યૂઝરની ટાઇમલાઇન પર જે કોઈ રાજકીય જાહેરાત દર્શાવાશે એ માટેના નાણા કોણે ચૂકવ્યા છે એની માહિતી ટાઇમલાઇન પર રજૂ કરાશે.
  • ફેક એકાઉન્ટ્સ ઓળખવા માટે 'આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ'નો ઉપયોગ વધારાશે.
  • રશિયામાંથી ઑપરેટ થઈ રહેલા એવાં કેટલાય એકાઉન્ટ્સ દૂર કરી દેવાશે કે જે ફેક ન્યુઝ ફેલાવી રહ્યા છે અને રાજકીય જાહેરાતો આપી રહ્યા છે.

તો શું આનો એવો અર્થ કરી શકાય કે ભારતમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો ફેસબુક પર પોતાનો પ્રચાર નહીં કરી શકે? આ પ્રશ્નનો જવાબ 'ના'માં જ આવે છે.

ફેસબુકના પ્લેટફોર્મ પર જોવા મળી રહેલા વાઇરલ વીડિયોઝ અને મીમ સ્પષ્ટ રીતે સૂચવે છે કે તે એક કે બીજા રાજકીય પક્ષ દ્વારા બનાવાયા છે. દરેક પક્ષો પ્રચાર માટે ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા છે અને તે પણ કાયદાકીય રીતે.

તાજેતરમાં જ ફેસબુકે તેની ન્યૂઝ ફીડમાં કરેલો ફેરફાર પણ રાજકીય પક્ષો માટે ફાયદાકારક જ છે. કારણ કે, જે પોસ્ટ મોટા પ્રમાણમાં કૉમેન્ટ્સ કે શૅર મેળવે છે, તે યૂઝરની ટાઇમલાઇન પર વધુ પ્રમાણમાં જોવા મળે છે.

વૉટ્સઍપનું શું?

બીજી એક વાત એ પણ છે કે આ મામલે ફેસબુકની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. પણ, ફેસબુકની માલિકીની અન્ય કંપની વૉટ્સઍપનું શું? વૉટ્સઍપ પર વાયરલ વીડિયોનો સૉર્સ જાણવાની કોઈ જ રીત નથી.

અહીં ફેક ન્યૂઝ ફેલાવવા બીજા માધ્યમોની સરખામણીએ અત્યંત સરળ છે. તેને ઓળખવા, અટકાવવા કે તેના વિરુદ્ધ રિપોર્ટ કરવો લગભગ અશક્ય જ છે.

ભારતમાં એવી કેટલીય ઘટના બની ચૂકી છે કે જેમાં વોટ્સઍપથી ફેલાવાયેલા ખોટા સમાચારોએ કોમી હિંસા કે હિંસક ભીડનું રૂપ લીધું હોય.

આવા બનાવોને પગલે કંપની ભારે દબાણ હેઠળ છે. એટલે જ વોટ્સઍપ ભારતમાં તેના ઑપરેશન્સ હેડની ભરતી કરી રહી છે.

ઝકરબર્ગે એવું પણ જણાવ્યું કે ભવિષ્યમાં કોઈ પણ ચૂંટણી દરમિયાન રશિયા દ્વારા પ્લૅટફોર્મનો દુરુપયોગ ના કરાય એ માટે તમામ પ્રયાસ કરાઈ રહ્યા છે.

ત્યારે એક પ્રશ્ન એ પણ થાય છે કે જો રશિયા દ્વારા 2019માં ભારતની ચૂંટણીને પ્રભાવિત કરવામાં આવે તો તે કયા પક્ષને જીતાડવા માગે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો