વૉટ્સઍપ પેમેન્ટ સિસ્ટમથી પેટીએમ સહિતના પેમેન્ટ પ્લેટફોર્મને શું અસર થશે?

    • લેેખક, ડેવિના ગુપ્તા
    • પદ, બીબીસી સંવાદદાતા

હવે વૉટ્સઍપ પર તમે ફક્ત કૉલ અને મૅસેજ જ નહીં પણ નાણાકીય લેવડદેવડ પણ કરી શકશો. વૉટ્સઍપ આગામી મહિને ભારતમાં તેનું પેમેન્ટ ફીચર લૉન્ચ કરશે.

એક લાખ ગ્રાહકો સાથે આ ફીચરનું બીટા વર્ઝન ટેસ્ટ થઈ રહ્યું છે.

આ ફીચર લૉન્ચ થઈ જતાં તેના 20 કરોડ યુઝર્સ તેમના વૉટ્સઍપ એકાઉન્ટથી નાણાં મોકલી અને પ્રાપ્ત કરી શકશે.

પણ ઑનલાઇન પેમેન્ટના ક્ષેત્રમાં એક મોટી અગ્રણી કંપની પેટીએમ માટે આ બાબત પડકારરૂપ છે. પેટીએમે તેની સામે મોરચો માંડી દીધો છે.

પેટીએમના સંસ્થાપક વિજય શેખર શર્માએ પહેલા દાવો કર્યો હતો કે વૉટ્સઍપ એક મહત્ત્વપૂર્ણ પેમેન્ટ નિયમને તોડી રહી છે, પણ સરકારે આ મામલે ઇન્કાર કરી દીધો છે.

ફ્રી બેઝિક્સ

હવે પેટીએમ વૉટ્સઍપની મૂળ કંપની ફેસબુક પર 'ફ્રી બેઝિક્સ'નું પુનરાવર્તન કરવાનો આરોપ લગાવી રહી છે.

બે વર્ષ પહેલા ફેસબુકે તેના ફ્રી બેઝિક્સ પ્લેટફોર્મ માટે કેટલીક ઇન્ટરનેટ સેવાઓ માટે એક ઇકોસિસ્ટમ બનાવવાની કોશિશ કરી હતી.

પણ આ આઇડિયાનો મોટાપાયે વિરોધ થતા તેને પડતી મૂકવામાં આવ્યો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

પેટીએમના સિનિયર વાઇસ પ્રૅસિડેન્ટ દીપક એબૉટે બીબીસી સાથેની વાતચીતમાં દાવો કર્યો કે ફેસબુકની માલિકીવાળું વૉટ્સઍપ એક આ પ્રકારનો મોબાઇલ પેમેન્ટ ઇકોસિસ્ટમ બનાવવાની કોશિશ કરી રહ્યું છે.

તેમણે કહ્યું, "ફેસબુક માર્કેટ પર પ્રભુત્વ સ્થાપવા પ્રયાસ કરી રહ્યું છે. ફેસબુક માને છે કે માર્કેટ તૈયાર કરવા માટે આ એક સારી રીત છે."

"તેઓ માને છે કે, યૂઝર્સને તેમની સિસ્ટમમાં જકડી રાખવા એક સારો યૂઝર અનુભવ આપે છે. ફ્રી બેઝિક્સ પણ આવું જ હતું."

"પણ અમને લાગે છે કે ખરેખર આ બાબત યૂઝરને સંપૂર્ણ અનુભવ નથી આપતી. પેટીએમમાં તમારી પાસે વિકલ્પ છે કે તમે કોઈ પણ વ્યક્તિને નાણાં મોકલી શકો છો."

"સામેવાળી વ્યક્તિ પાસે પેટીએમની ઍપ હોય કે ન હોય તમે નાણાં મોકલી શકો છો. અમે આ વિકલ્પ ઉપલબ્ધ જ રાખીશું."

પેટીએમે વર્ષ 2010માં ભારતના બજારમાં પ્રવેશ કર્યો હતો અને નોટબંધી દરમિયાન તેના યૂઝર્સની સંખ્યામાં ખૂબ જ વધારો નોંધાયો હતો.

પેટીએમે 30 કરોડ યૂઝર્સ સાથે મોબીક્વિક, ફ્રીચાર્જ અને ફોનઍપ જેવી પેમેન્ટ ઍપ્સને પછડાટ આપી હતી.

ચીન અને જાપાનના રોકાણકારોના સહયોગથી પેટીએમે તેનું માર્કેટ બજેટ ઊંચું રાખ્યું અને તેના બિઝનેસ નેટવર્કનો ઝડપથી વિસ્તાર કર્યો.

પેટીએમે બૅન્કિંગ સેવા પણ શરૂ કરી અને ભવિષ્યમાં વીમા ક્ષેત્રમાં પણ હાથ અજમાવી શકે છે.

પણ હવે રમતના નિયમો બદલાઈ ચૂક્યા છે. ફેસબુક પાસે બે મોટી તાકત છે.

તેની પાસે ભંડોળની અછત નથી અને તેની ચેટઍપ પાસે પહેલાથી જ 23 કરોડ યુઝર્સ છે.વળી તેની બીટા વર્ઝનની તપાસ દર્શાવે છે કે યૂઝર્સ માટે તેનો ઉપયોગ પણ ઘણો સરળ હશે.

વૉટ્સઍપ તેની પહેલા બનેલી સિસ્ટમમાં જ પેમેન્ટની સુવિધા આપવાની હોવાથી તેને ફાયદો થઈ શકે છે.

મોબાઇલ પેમેન્ટ પ્લેટફોર્મ ફ્રીચાર્જના સંસ્થાપક કુણાલ શાહે ટ્વિટ કર્યું, "જેટલી કંપનીઓને વૉટ્સઍપ પેમેન્ટનો ભય છે તે તેને રાષ્ટ્રદ્રોહી ઠેરવવા અને નિષ્ફળ બનાવવા કોશિશ કરશે.

"કેમ કે, પોતાની વિશેષતાઓના આધારે વૉટ્સઍપના પ્રભાવ સામે જીતવું મુશ્કેલ છે.

"આ જ રણનીતિ પંતજલિના કેસમાં કારગત નીવડી હતી અને તે પેમેન્ટ કંપનીઓ માટે પણ લાગુ થઈ શકે છે."

પેટીએમે ડરવું જોઈએ?

ચીનના બજારનું ઉદાહરણ લઈએ તો, પેટીએમ માટે ઉપરોક્ત બાબત ચિંતાનું કારણ બની શકે છે.

ચીનની એક મોટી ઇ-કોમર્સ કંપની અલીબાબાએ વર્ષ 2009માં તેની મોબાઇલ પેમેન્ટ સેવા અલીપે શરૂ કરી હતી.

કંપની એ ઝડપથી 80 ટકા બજાર પર કબજો જમાવી લીધો હતો.

પણ ત્યારે એક ગેમિંગ કંપની ટેંસેન્ટને તેની ચેટીંગઍપ સાથે મોબાઇલ પેમેન્ટ સિસ્ટમ જોડવાથી લાભ થવાનો વિચાર આવ્યો.

આથી કંપનીએ વર્ષ 2013માં પેમેન્ટ સર્વિસ ટેનપેને વીચેટ ઍપ સાથે જોડી દીધી અને તેને વીચેટ-પે નામ આપ્યું.

હવે અલીબાબાના સ્થાપક જૈક માએ તેને અલીપે પર 'પર્લ હાર્બર ઍટેક' ગણાવી હતી.

એક સંશોધન કંપનીના વિશ્લેષણ અનુસાર વર્શ 2007માં બજારમાં અલીપેનો હિસ્સો 54 ટકા સુધી તૂટી ગયો હતો અને વીચેટ બીજા ક્રમે આવી ગઈ હતી.

રસપ્રદ વાત એ છે કે ચીનની અલીબાબા કંપનીએ પેટીએમમાં પણ રોકાણ કર્યું છે.

વૉટ્સઍપ પેમેન્ટમાં શું મળશે?

સૌથી મહત્વની વાત એ છે કે તમારે તમારા વૉલેટમાં નાણાં રાખવાની જરૂર નહીં પડે.

ભવિષ્યમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ અથવા યુપીઆઈની જેમ વાપરવામાં આવનારું વૉટ્સઍપ બીટા વર્ઝન અનુસાર નાણાં મોકલનાર વ્યક્તિના બૅન્ક ખાતામાંથી નાણાં સીધા પ્રાપ્ત કરનારના બૅન્ક ખાતામાં જશે.

યુઝર્સે તેમનું બૅન્ક એકાઉન્ટ ઍપ સાથે જોડવું પડશે પણ બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે કે વૉટ્સઍપ પેમેન્ટની સુવિધા માત્ર વૉટ્સઍપ વાપરનારને જ મળશે.

જેનો અર્થ કે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં જે વ્યક્તિ હોય અને જેની પાસે વૉટ્યઍપ હોય તેને જ તમે નાણાં મોકલી શકશો.

વૉટ્સઍપ માટે આ છે પડકાર

જોકે, વૉટ્સઍપ પેમેન્ટ માટે ફિલ્મ, ટ્રાવેલ, ખાણીપીણી તથા અન્ય સેવાઓને સામેલ કરવું પડકારજનક બની રહેશે.

ફેસબુકે આ મામલે હજી કોઈ ટિપ્પણી નથી કરી, પણ પેટીએમનું કહેવું છે કે તે આ માટે તૈયાર છે.

દીપક એબૉટ કહે છે, "અમે વૉટ્સઍફને એક પ્રતિસ્પર્ધી તરીકે ગણી લઈશું. ગુગલ આવી અને તેણે માર્કેટનું વિસ્તરણ કર્યું."

"હજી લાંબો રસ્તો કાપવાનો છે. 90 ટકા યૂઝર્સ યુપીઆઈ સાથે નથી જોડાયેલા."

"મને વિશ્વાસ છે કે વૉટ્સઍપ લૉન્ચ કર્યા બાદ તેઓ બજાર પર કબજો જમાવવાનું વિચારશે.

"અમે પણ સ્પર્ધામાં છીએ. આ એક મોટું માર્કેટ છે. તમારી પાસે સારી પ્રોડક્ટ છે, તો તમે ખેલાડી બની શકો છો.

"આથી માર્કેટમાં બે-ત્રણ મોટા ખેલાડી હોવાથી એમને ખુશી થશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો