ગુજરાતના ઇતિહાસમાંથી મુસ્લિમોની બાદબાકી કરવામાં આવી રહી છે?

    • લેેખક, શારિક લાલીવાલા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે હાલના સમયમાં નિવેદનો આપ્યાં કે તેઓ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની કોશિશ કરશે.

તેમનાં આ નિવેદનોના હાર્દમાં મુસ્લિમ ધિક્કાર રહેલો છે.

અમદાવાદની પહેલાં અહીં કર્ણાવતી નામે નગર હતું કે કેમ તેવા દાવા સામે સવાલ થઈ શકે છે.

બહુ-બહુ તો એવો દાવો થઈ શકે કે અહીં એક નાનકડો કસબો હતો, જે અહમદ શાહે 1411માં કિલ્લો બંધાવ્યો તેની બહારના વિસ્તારમાં હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

આ અસ્પષ્ટ ઇતિહાસથી સરકારને કશો ફરક નથી પડતો, કેમ કે તેનો ઇરાદો યેનકેન પ્રકારે મુસ્લિમોને ખરાબ દેખાડવાનો છે. હિન્દુત્વ ચળવળના કેન્દ્ર સ્થાને આ જ યોજના રહેલી છે.

ગુજરાતના ઇતિહાસમાં મુસ્લિમોની અસરનો નકાર કે તેને નગણ્ય ગણવાની કોશિશોનો યોગ્ય રીતે અભ્યાસ થયો નથી.

કોમી રમખાણો, રાજ્યનો પક્ષપાત, સામાજિક-આર્થિક રીતે કોરાણે કરી દેવા અને વસવાટના મુદ્દે ભેદભાવના કારણે ગુજરાતના મુસ્લિમોએ ઘેટ્ટો બનાવીને રહેવું પડે છે તે સ્થિતિના અભ્યાસો થયા છે. જોકે, આ બાબતમાં અભ્યાસો થયા નથી.

ભૂતકાળનો નકાર

કોમી રમખાણો વખતે જોવા મળેલું મુખ્ય તત્ત્વ હતું ધાર્મિક સ્થાનોનો વિનાશ.

હત્યાઓ થાય અને વેપાર ધંધાને નુકસાન થાય તેનાથી જુદા પ્રકારનો સંદેશ આવા વિનાશથી થાય છે.

તે છે મુસ્લિમોને તેમના ભૂતકાળનો નકાર, તેમની આ ભૂમિ સાથે જોડાયેલા હોવાની લાગણી અને તેમનાં સંસ્મરણોનો નકાર.

દાખલા તરીકે ગુજરાતનાં 1969ના રમખાણોની તપાસ માટે નિમાયેલા જસ્ટિસ જગમોહન રેડ્ડી તપાસ પંચે જણાવ્યું હતું કે મસ્જિદ, કબ્રસ્તાન, દરગાહ સહિતના 100 જેટલાં મુસ્લિમ ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યાં હતાં.

1980ના દાયકામાં થયેલા અને 1992માં થયેલા રખમાણોમાં પણ આવા બનાવો બનતા રહ્યા હતા.

2002માં તે સૌથી વધુ થયા હતા અને મુસ્લિમોની 500થી વધુ ધાર્મિક મિલકતોને નુકસાન કરાયું હતું કે તોડી પડાઈ હતી.

ધાર્મિક મિલકતોને થયેલા નુકસાનમાં ગુજરાત સરકાર વધુમાં વધુ 50,000 રૂપિયાનું વળતર આપવામાં આપી શકે તે મતલબનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આપ્યો હતો.

તે ચુકાદાને 2017માં સુપ્રીમ કોર્ટે ફેરવી તોળ્યા હતો.

આ બાબતમાં જાણીતું ઉદાહરણ છે (વલી ગુજરાતી તરીકે જાણીતા થયેલા) વલી મહમંદ વલીની કબર તોડી પડાઈ તેનું.

શાહીબાગ વિસ્તારમાં પોલીસ કમિશનરની કચેરીની નજીક આવેલી કબરને 2002નાં તોફાનો વખતે તોડી પડાઈ હતી.

નુકસાન પામેલી કબરનું સમારકામ કરવાના બદલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને તેના પર ઉપર પાકો રસ્તો બનાવી દીધો હતો.

ઉર્દૂમાં ગઝલને લાવવાનો શ્રેય વલી ગુજરાતીને જાય છે. એટલું જ નહીં, તેઓ ગુજરાતની ઓળખ ઊભી કરનારા પ્રારંભિક વિચારકોમાંના એક હતા.

દાખલા તરીકે તેમણે લાગણીસભર નઝમ દર-ફિરાક-એ-ગુજરાત (ગુજરાતથી જુદા થવાની વાત) લખી છે.

તેમાં ગુજરાત છોડવું પડ્યું તે પછી ગુજરાત સાથે જોડાયેલી યાદો કઈ રીતે પોતાના આત્મા અને દિલમાં છવાયેલી છે તેનું વર્ણન તેમણે કર્યું છે.

હાલમાં એમનેસ્ટી ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આકાર પટેલે ભૂતકાળમાં નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમને કહ્યું હતું કે કબર ફરીથી બનાવવી જોઈએ.

ત્યારે તેમણે જવાબમાં કહ્યું હતું કે આ કબર વલીની જ હતી, તેના કોઈ પાકા પુરાવા નથી.

અન્ય સમયે પણ ઇસ્લામી વારસાના ઇતિહાસને તોડીમરોડીને રજૂ કરવાની કોશિશો થયેલી છે.

એવું વારંવાર કહેવામાં આવે છે કે કાંકરિયા તળાવ (અગાઉ હૌઝ-એ-કુતુબ તરીકે તે જાણીતું હતું) એ કર્ણસાગર હતું અને તેને ચૌલુક્ય સમ્રાટ કર્ણદેવ સોલંકીએ બંધાવ્યું હતું. આની સાબિત આપતા કોઈ નક્કર પુરાવા નથી.

કૉંગ્રેસે પણ 'સૉફ્ટ હિન્દુત્વ' અપનાવ્યું

ફક્ત એક સ્રોતમાંથી એવી માહિતી મળે છે કે કર્ણસાગર તળાવ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના ચાણસ્મામાં આવેલું હતું.

ઇતિહાસને ખોટી રીતે રજૂ કરવા સાથે ઇસ્લામિક વારસાની સંભાળ લેવામાં પણ બેદરકારી દાખવવામાં આવે છે.

દાખલા તરીકે સરખેઝ રોજા, જેને અમદાવાનું એક્રોપોલિક કહેવામાં આવે છે, તેની યોગ્ય કાળજી લેવાતી નથી.

આ સ્થળ એક સમયે અમદાવાદનો છેડો જ્યાં હતો ત્યાં મકરબામાં આવેલું છે.

તેની નજીક જ તળાવ આવેલું છે, જેમાં હવે પાણી ભરાતું નથી અને ખુલ્લા મેદાનમાં આસપાસના છોકરાઓ ક્રિકેટ રમવા આવે છે.

ગુજરાતમાં મુસ્લિમોની રાજકીય નેતાગીરીનો અભાવ છે તેના કારણે તેઓ અન્યાય સામે અવાજ ઉઠાવી શકતા નથી તે સ્પષ્ટ છે.

ભારતીય જનતા પક્ષે સતત મુસ્લિમોની ઉપેક્ષા કરી છે અને આજ સુધીમાં તેમણે એક પણ મુસ્લિમને જીતાડીને વિધાનસભામાં મોકલ્યો નથી.

ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણી વખતે કૉંગ્રેસે પણ 'સૉફ્ટ હિન્દુત્વ' અપનાવ્યું હતું અને રાહુલ ગાંધીએ એક પણ મુસ્લિમ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું ટાળ્યું તેના કારણે આ અન્યાયનો ઘા વકર્યો જ છે.

'ઇસ્લામી વારસા તરફ ભાજપનું બેવડું વલણ'

કર્ણાવતી ખરેખર ક્યાં આવેલી હતી તેના કોઈ ઐતિહાસિક પુરાવા નથી, તેના કારણે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવું શક્ય લાગતું નથી.

એટલું જ નહીં યુનેસ્કો તરફથી વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે દરજ્જો મળ્યો છે તે પણ સરકારે જતો કરવો પડે, કેમ કે નામ બદલવા માટેની દરખાસ્તને યુનેસ્કોની પણ મંજૂરી મળવી જરૂરી છે.

ઇસ્લામી વારસા તરફ ભાજપનું બેવડું વલણ છે તે વાતની અવગણના થઈ શકે તેમ નથીઃ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો લેવા અને ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સલ્તનત વખતે બનેલા સ્મારકોનો સહારો લેવાયો ખરો, પણ રાજકીય હિત ખાતર અસ્પષ્ટ ઇતિહાસને સ્વીકારવા તૈયાર છે.

ઇસ્લામી વારસાનો આ રીતે ઉપયોગ કરી લેવાની તેમની રીત એ વાત સ્પષ્ટ કરી આપે છે કે 2019ની ચૂંટણી પહેલાં મુસ્લિમના વારસાને ઇતિહાસમાંથી ભૂંસી નાખીને તેઓ વાતાવરણને ડહોળી નાખવા માગે છે.

(શારિક લાલીવાલા અશોકા યુનિવર્સિટીના ત્રિવેદી સેન્ટર ફોર પોલિટિકલ ડેટા સાથે જોડાયેલા છે. તેમનું ટ્વીટર એકાઉન્ટ છે @sharik19.)

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો