You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાડોશીઓ કહે છે, 'તું મુસ્લિમ છોકરી છે, શા માટે નવરાત્રી રમવા જાય છે?'
- લેેખક, સમિના શેખ
- પદ, બીબીસી ગુજરાતી
નવરાત્રી આજથી શરૂ થઈ રહી છે અને ગરબાનો ગુંજારવ સંભળાવા લાગ્યો છે. સામાન્યપણે માન્યતા એવી છે કે માત્ર હિંદુ ધર્મના લોકો જ આ ઉત્સવ મનાવે હોય છે અને ગરબા રમે છે.
પણ જો કોઈ અન્ય ધર્મનાં લોકો ગરબા રમે તો એમનો અનુભવ કેવો હોય?
આ અંગે બીબીસી ગુજરાતીએ ગરબા રમવાં જતી મુસ્લિમ યુવતીઓ સાથે વાતચીત કરી.
અમદાવાદના ચાંદખેડાનાં ઝેબાએ બીબીસીને આ મામલે તેમના અનુભવ જણાવતાં કહ્યું, "મારા પિતાની નોકરી કલોલમાં હોવાથી અમારે ચાંદખેડામાં રહેવું પડ્યું હતું. ત્યાં મુસ્લિમોની વસતિનું પ્રમાણ ઓછું હતું."
"અમદાવાદના માહોલમાં માતાપિતાને ફાવટ ન આવી એટલે તેઓ લખનૌ જતાં રહ્યાં, પરંતુ મને અમદાવાદમાં રહેવાનું પસંદ આવી ગયું, આથી હું અહીં જ રોકાઈ ગઈ."
તમે આ વાંચ્યું કે નહીં?
"મને હિંદુ રીતરિવાજોની જાણકારી છે. મારાં મિત્રવર્તુળમાં મારાં સિવાય કોઈ પણ મુસ્લિમ યુવતી નથી. તેમ છતાં હું તેમનાથી જરાય અલગ તરી આવતી નથી."
"મારા ગરબાપ્રેમ વિશે જાણીને પહેલાં તેમને આશ્ચર્ય તો થયું પણ પછીથી તેઓને ખુશ થઈ ગયાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધર્મો વચ્ચે વધી રહેલાં અંતર અંગે વાત કરતાં ઝેબા જણાવે છે, ''ટેકનૉલૉજી મારફતે બે ધર્મો વચ્ચેનું અંતર જેટલું છે એના કરતાં વધુ બતાવાય છે.''
''જેને પગલે અલગઅલગ ધર્મના લોકો વચ્ચે લાગણીઓનાં આદાનપ્રદાનમાં ક્યાંકને ક્યાંક અવરોધ પણ ઊભો થાય છે.''
ઝેબાના જણાવ્યાં અનુસાર, ''નવી પેઢીએ આ અંતર દૂર કરવું જોઈએ.''
ઝેબાના મતે એકબીજાના તહેવારમાં ભાગ લેવાથી ધર્મો વચ્ચેનું અંતર ઘટાડી શકાય છે.
'અમારાં ઘરમાં બન્ને ધર્મના તહેવાર ઊજવાય છે'
હિંદુ યુવતી હેમા તારીફ મંધરાએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યું છે.
હેમાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, ''અમારા ઘરમાં 'મીની ઇન્ડિયા' વસે છે. તેઓ બધા જ તહેવારો ઊજવે છે. ઈદ હોય કે દિવાળી કે નવરાત્રી કે પછી મોહરમ હોય.''
હેમા ઉમેરે છે, "હું જ્યારે ગર્ભવતી હતી એ વખતે જ ગરબા નહોતી રમી શકી. એ સિવાય દર વર્ષે હું ગરબા રમું છું."
"શરૂઆતમાં બન્ને પરિવાર વિરોધ કરતા હતા. પાંચ વર્ષ સુધી અમે અલગ પણ રહ્યાં, પણ હવે તો મારાં મુસ્લિમ દેરાણી અને જેઠાણી પણ મારી સાથે ગરબા રમવા આવે છે."
"બીજી તરફ, હું પણ તેમની જેમ બિરયાની અને શીર ખુરમા બનાવતી થઈ ગઈ છું."
હેમાને તમામ તહેવાર ઊજવવાનો શોખ છે.
હેમા જણાવે કે જે લોકો તમારી સાથે લાગણીના સંબંધોથી જોડાયેલા હોય તેઓ હંમેશાં તમારાં પડખે ઊભા રહે છે.
એક કિસ્સો યાદ કરતાં હેમા કહે છે, "એક દિવસ મારાં બાળકે આવીને મને પૂછ્યું કે આપણે હિંદુ છીએ કે મુસ્લિમ?''
''મેં તેને જવાબ આપ્યો કે આપણે બન્ને છીએ. તારે કહી દેવાનું કે તું પપ્પા સાથે દરગાહ પર જાય છે અને મમ્મી સાથે ભગવાનની પૂજા કરે છે."
પરંતુ એક આખો સમાજ જ્યારે આવો સવાલ કરે છે ત્યારે?
આ અંગે વાત કરતાં હેમા જણાવે છે, ''હું સૌરાષ્ટ્રમાં રહું છું જે ગુજરાતમાં સૌથી શાંત વિસ્તારોમાંનો એક છે.''
"આથી મારે અહીં આવી કોઈ સ્થિતિનો સામનો કરવો પડ્યો નથી."
'ગરબા રમવાં ન જવાય એવું લોકો સમજાવે છે'
અમદાવાદમાં રહેતાં બુશરા સૈયદ સાયન્સનાં વિદ્યાર્થિની અને રિસર્ચ આસિસ્ટંટ પણ છે. તેઓ પણ નવરાત્રીમાં ગરબા રમવાં જાય છે.
તેમના અનુભવ વિશે જણાવતાં બુશરા કહે છે, "ગરબા રમવાં જવાની પરવાનગી લેતાં પહેલાં ડર લાગતો હોય છે, પણ હવે પરવાનગી મળી જાય છે."
"પરિવારના લોકો એવું સમજાવે છે કે આપણે ગરબા રમવાં માટે ન જવું જોઈએ. કૉલેજ દરમિયાન હું મિત્રો સાથે ગરબા રમવાં જતી હતી. "
"જોકે, પરિવાર કરતાં પાડોશીઓ વધારે સવાલ કરે છે કે 'તું શા માટે જાય છે? આપણે ન જવું જોઈએ, વગેરે.'"
પણ, પોતાનાં માતાને ટાંકતા તેઓ જણાવે છે કે બહાર ભણવાને કારણે સરળતાથી સંસ્કૃતિની આપ-લે થતી રહે છે.
પણ, નવરાત્રીમાં ગરબા રમવાં જતી વખતે કોઈ સવાલ કરે તો?
તેઓ જણાવે છે, "હું સહજ જવાબ આપું છું કે ગરબા રમવાની ઇચ્છા થાય તો જઉં છું."
"મને તહેવારોની ઉજવણીનો બહુ શોખ નથી. પરંતુ મારા ઘણા મિત્રો ગરબા રમવાં જતાં હોય છે.''
ગરબા રમવાની બાબત વિશે વધુ જણાવતાં બુશરા કહે છે, "હું માત્ર ત્રણ વખત જ ગરબા રમવાં ગઈ છું. પરંતુ આ તહેવાર સાથે વર્ષોથી જોડાયેલી છું."
આનું કારણ જણાવતાં તેઓ ઉમેરે છે, "મારી બહેનપણીઓ મારી પાસેથી નવા ટ્રૅન્ડને લગતાં કપડાં અને ઘરેણાં લઈ જતી હોય છે."
તેમના મતે તેઓ જ્યારે શાળામાં અભ્યાસ કરતાં હતાં ત્યારે અન્ય ધર્મો અંગે ખાસ પરિચયમાં નહોતાં આવ્યાં.
જોકે, વધુ અભ્યાસ માટે મોટા શહેરમાં આવતાં જ વિવિધ ધર્મો અને તેમની પરંપરાઓના સંપર્કમાં તેઓ આવી શક્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો