સલમાન ખાનને ‘લવરાત્રિ’નું નામ ‘લવયાત્રી’ કેમ કરવું પડ્યું?

સલમાન ખાન તેમના જીજાજી આયુષ શર્માને 'લવરાત્રિ' ફિલ્મ મારફત લૉન્ચ કરી રહ્યા છે, પરંતુ બોલિવુડમાં પરિવારવાદ અને ફિલ્મ મારફતે બનેવીને લૉન્ચ કરવાના આ સમાચાર જૂના છે.

આ ફિલ્મ સાથે જોડાયેલા તાજા સમાચાર ખુદ સલમાન ખાને ટ્વીટ કરીને આપ્યા હતા.

સલમાને મંગળવારે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે 'લવરાત્રિ'નું નામ બદલીને 'લવયાત્રી' કરવામાં આવ્યું છે.

આ બાબતે મજાક કરતા સલમાને એવું પણ લખ્યું હતું કે 'આ સ્પેલિંગ મિસ્ટેક નથી.'

સલમાન ખાનની ધોલાઈ માટે ઈનામ

વિશ્વ હિન્દુ પરિષદના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવીણ તોગડિયાના નવા સંગઠન 'હિંદુ હી આગે'ના આગરા એકમના પ્રમુખ ગોવિંગ પરાશરે સલમાન ખાનની ધોલાઈ કરનારને ઈનામ તરીકે બે લાખ રૂપિયા આપવાની જાહેરાત 31 મેએ કરી હતી.

ગોવિંગ પરાશરે આક્ષેપ કર્યો હતો કે સલમાન ખાને તેની ફિલ્મનું નામ 'લવરાત્રિ' રાખીને હિન્દુઓની લાગણી દૂભાવી છે.

તેમણે જણાવ્યું હતું કે આ ફિલ્મની રિલીઝ માટે જાણીજોઈને હિંદુ તહેવાર નવરાત્રિની પસંદગી કરવામાં આવી છે.

કોઈએ લીધેલા વાંધાને કારણે ફિલ્મનું નામ બદલવામાં આવ્યું હોય તેવી આ પહેલી ઘટના નથી. અનેક હિન્દી ફિલ્મોનાં નામ આ કારણસર બદલવામાં આવ્યાં છે.

'પદ્માવતી' બની 'પદ્માવત'

'પદ્માવત' ફિલ્મ બાબતે જોરદાર વિવાદ સર્જાયો હતો. આ ફિલ્મ પદ્માવતી નામના એક સાહિત્યિક પાત્ર વિશેની છે, પણ દંતકથાઓમાં પદ્માવતીને વીરાંગના રાજપૂત રાણી ગણવામાં આવે છે.

રાજપૂતોનું સંગઠન હોવાનો દાવો કરતી કરણી સેનાએ આ ફિલ્મનો વિરોધ કર્યો હતો અને ફિલ્મના સર્જક સંજય લીલા ભણસાલીને નમતું જોખવું પડ્યું હતું.

'જાફના' બની 'મદ્રાસ કેફે'

2013માં પ્રદર્શિત કરવામાં આવેલી જોન અબ્રાહમની ફિલ્મ 'મદ્રાસ કેફે'નું મૂળ નામ 'જાફના' હતું.

તમિલ લોકોના એક જૂથે ફિલ્મના નામ સામે વાંધો લીધો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ ફિલ્મમાં એલટીટીઈને એક આતંકવાદી સંગઠન ગણાવવામાં આવ્યું છે.

શ્રીલંકાનું એક શહેર છે જાફના અને ત્યાં શ્રીલંકાના સૈન્ય તથા એલટીટીઈ વચ્ચે થયેલા ગૃહયુદ્ધ બાદ તમિલ સમુદાયને વિસ્થાપિત કરવામાં આવ્યો હતો.

'બિલ્લુ બાર્બર' બની 'બિલ્લુ'

2009માં રજૂ થયેલી શાહરુખ ખાન, લારા દત્તા અને ઈરફાન ખાનની ફિલ્મ 'બિલ્લુ બાર્બર'નું નામ બદલીને 'બિલ્લુ' કરવું પડ્યું હતું.

તેનું કારણ એ હતું કે 'સલૂન ઍન્ડ બ્યૂટી પાર્લર ઍસોસિયેશન'એ વાળંદો માટે 'બાર્બર' શબ્દના ઉપયોગનો વિરોધ કર્યો હતો. તેમણે આ શબ્દને અપમાનજનક ગણાવ્યો હતો.

'રામલીલા' બની 'ગોલિયોંકી રાસલીલા..રામલીલા'

2013માં રજૂ થયેલી રણવીર સિંહ અને દીપિકા પદુકોણની આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ દિલ્હીની ડિસ્ટ્રીક્ટ કોર્ટે આપ્યો હતો.

આ ફિલ્મના નામ તથા ચિત્રણ સામે શ્રીરામ સેનાએ જોરદાર વિરોધ કર્યો હતો.

'અમનકી આશા' બની 'ટોટલ સિયાપા'

2014માં પ્રદર્શિત કરવામાં આવેલી યામી ગૌતમ તથા અલી ઝાફરની ફિલ્મ 'ટોટલ સિયાપા'નું મૂળ નામ 'અમનકી આશા' હતું.

એક પાકિસ્તાની અને એક ભારતીય મીડિયા ગ્રુપે મૂળ નામનો વિરોધ કર્યો હતો. એ બન્ને મીડિયા ગ્રુપે 'અમનકી આશા' નામ સાથે ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિ અભિયાન શરૂ કર્યું હતું.

હોલિવૂડ ફિલ્મો પણ સપાટામાં

માત્ર હિન્દી જ નહીં, પણ હોલિવૂડની ફિલ્મોનાં નામોએ પણ આવી તાવણીમાંથી પસાર થવું પડ્યું હતું.

ડિઝનીની કાર્ટૂન ફિલ્મ 'મોઆના' 2016માં સમગ્ર વિશ્વમાં રજૂ થઈ હતી, પણ ઈટલીમાં તેનું નામ બદલીને 'વિયાના' કરવું પડ્યું હતું, કારણ કે ઈટલીમાં 'મોઆના' નામનાં એક પોર્નસ્ટાર વિખ્યાત છે.

'સ્ટિન પાવર્સ'નું શું થયું હતું?

જે રૉચ દિગ્દર્શિત 1999ની ફિલ્મ 'ઑસ્ટિન પાવર્સઃ ધ સ્પાય હૂ શૅગ્ડ મી'નું નામ બદલીને 'ઓસ્ટિન પાવર્સઃ ધ ઈન્ટરનેશનલ મૅન ઑફ મિસ્ટ્રી' કરવામાં આવ્યું તેની કથા અલગ છે.

યુનાઈટેડ કિંગ્ડમમાં 'શેગ્ડ મી' શબ્દોનો અર્થ ખોટા સંદર્ભમાં થાય છે. તેથી ફિલ્મના નામમાંથી એ શબ્દ કાઢીને 'ધ ઈન્ટરનેશનલ મૅન ઑફ મિસ્ટ્રી'નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો