ચેન્જિંગ રૂમના હિડન કૅમેરાથી તમે કઈ રીતે બચી શકો?

    • લેેખક, ગુરપ્રીત સૈની
    • પદ, બીબીસી સંવાદદાતા

દિલ્હીની એક મહિલા જ્યારે રેસ્ટોરાંના બાથરૂમમાં ગઈ તો ત્યાં ફોન જોઈને ચોંકી ઊઠી.

આ ફોન બાથરૂમમાં છુપાવીને મૂક્યો હતો. ફોનનો કૅમેરો ઑન હતો અને રેકર્ડિંગ ચાલુ હતું. ફોનમાં જોયું તો ખબર પડી કે એમાં અન્ય મહિલાઓનાં વીડિયો પણ હતા. આ વીડિયો વૉટ્સઍપ પર શેર પણ કર્યા હતા.

બાથરૂમમાંથી બહાર આવીને મહિલાએ રેસ્ટોરાંના મૅનેજમૅન્ટને ફરિયાદ કરી. પછી ખબર પડી કે એ ફોન હાઉસકીપિંગનું કામ કરતા એક શખ્સનો હતો.

સમયાંતરે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં બાથરૂમ, ચેન્જિંગ રૂમ અને હોટલના રૂમમાં હિડન કૅમેરા પકડાય છે.

2015માં કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ફરિયાદ કરી હતી કે એક સ્ટોરમાં સીસીટીવી કૅમેરા ચેન્જિંગ રૂમ તરફ ગોઠવાયેલા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

આ પ્રકારની ઘટનાઓના કારણે મહિલાઓના મનમાં ડર રહે છે.

પબ્લિક ટૉઇલેટ, ચેન્જિંગ રૂમ કે હોટલ જવાનું બંધ તો કરી ન શકાય, પણ સતર્ક રહીને આ પ્રકારના કૅમેરાના શિકાર થવાથી બચી શકીએ છીએ.

ક્યાં છૂપાવાય છે?

સૌથી પહેલા એ જાણી લો કે કૅમેરા ક્યાંક્યાં છુપાવેલા હોઈ શકે?

હિડન કૅમેરા ઘણા નાના હોય છે, પણ તે તમારી તમામ ગતિવિધિઓને રેકર્ડ કરી શકે છે. પછી તમે બાથરૂમમાં હો, કોઈ સ્ટોરના ચેન્જિંગ રૂમમાં કપડાં બદલતાં હો કે હોટલના રૂમમાં પોતાના પાર્ટનર સાથે હો.

આ કૅમેરાને કોઈ પણ જગ્યાએ સરળતાથી છુપાવી શકાય છે. જેમ કે -

  • અરીસા પાછળ
  • દરવાજામાં
  • દીવાલના કોઈ ખૂણામાં
  • છત પર
  • લૅમ્પમાં
  • ફોટો ફ્રેમમાં
  • ટિસ્યૂ પેપરના ડબ્બામાં
  • કોઈ ગુલદસ્તામાં
  • સ્મૉક ડિટેક્ટરમાં

ખબર કેવી રીતે પડે?

પહેલાં તપાસી લો : સાઇબર ઍક્સ્પર્ટ કહે છે કે સૌથી પહેલાં તો તમે સતર્ક રહો. જ્યારે પણ તમે પબ્લિક ટૉઇલેટ, એન્જિંગ રૂમ કે હોટલના કોઈ રૂમમાં પહોંચો તો ચારેય બાજુ સારી રીતે જોઈ લો. આસપાસ મૂકેલા સામાનને જોઈ લો. છતના ખૂણામાં પણ જોઈ લો.

કોઈ છિદ્ર તો નથી ને : ક્યાંક કોઈ છિદ્ર દેખાય તો એમાં નજર કરીને જોઈ લેવું જોઈએ કે એમાં કંઈ લાગેલું નથી ને. કૅમેરાને કાચ પાછળ, ફોટો ફ્રેમમાં કે બેક ડોર જેવી જગ્યાઓએ લાગવી દેવાય છે. થોડા સતર્ક રહીએ તો તેને શોધી કાઢવો શક્ય છે.

કોઈ વાયર દેખાય છે કે નહીં? : એ પણ જુઓ કે ક્યાંક ઍક્સ્ટ્રા વાયર જતો દેખાતો નથી ને. જો કોઈ વાયર દેખાય તો જાણવાનો પ્રયત્ન કરો કે વાયર ક્યાં લાગેલો છે. શક્ય છે કે એ વાયર કૅમેરા સાથે જોડાયેલો હોય. કેટલાક કૅમેરા વાયરલેસ હોય છે. તે બૅટરી દ્વારા ચાલે છે અને મૅગ્નેટની જેમ કશે પણ ચોટી જાય છે.

લાઇ બંધ કરીને જોઈ લો : જો તમે ચેન્જિંગ રૂમ કે હોટલના કોઈ રૂમમાં છો તો એક વખત લાઇટ બંધ કરીને ચારેય તરફ જોઈ લો.

જો ક્યાંય એલઈડીનો પ્રકાશ દેખાય તો શક્ય છે કે ત્યાં કૅમેરો હોય. કેટલાક નાઇટ વિઝન કૅમેરા પણ હોય છે, જે અંધારામાં થતી ગતિવિધિને પણ રેકર્ડ કરી લે છે.

આ કૅમેરામાં એલઈડી લાઇટ લાગેલી હોય છે. અંધારામાં તેને શોધી શકાય છે.

મિરર ટેસ્ટ : ચેન્જિંગ રૂમ અને બાથરૂમમાં કાચ અને અરીસા લાગેલા હોય છે. જેની સામે તમે કપડાં બદલો છો.

હોટલના રૂમમાં પણ મોટા અરીસા હોય છે. એટલે એવું શક્ય છે કે અરીસાની બીજી બાજુથી કોઈ તમને જોઈ રહ્યું હોય અથવા કૅમેરો લાગ્યો હોય જેમાં બધું જ રેકર્ડ થતું હોય.

એવી સ્થિતિમાં અરીસાની તપાસ કરવી પણ જરૂરી છે. એ માટે કાચ પર આંગળી રાખો અને જુઓ. જો તમારી આંગળી અને કાચ પર બનતી છાપ વચ્ચે થોડી ગૅપ દેખાય તો અરીસો બરાબર છે.

પણ જો તમારી આંગળી અને ઇમેજમાં ગૅપ ન દેખાય તો સમજવું કે કોઈ ગડબડ છે.

ફ્લૅશ ઑન કરીને જોઈ લો : લાઇટ બંધ કરીને મોબાઇલનો ફ્લૅશ ઑન કરો અને ચારેય તરફ જોઈ લો. જો ક્યાંકથી રિફ્લેક્શન આવે તો ત્યાં કૅમેરો હોવાની શક્યતા છે.

એ દિશામાં જઈને જોઈ લો કે કોઈ હિડન કૅમેરા તો નથી ને.

ઍપ અને ડિટેક્ટર : ઘણી એવી ઍપ છે કે જેના દ્વારા તમે હિડન કૅમેરા વિશે જાણી શકો, પણ સાયબર ઍક્સપર્ટના કહેવા પ્રમાણે, કેટલીક ઍપ પણ ફેક હોઈ શકે છે. જે સાચું બતાવવાના બદલે તમારા ફોનમાં જ વાઇરસ ઘૂસાડી દેશે.

એ સિવાય માર્કેટમાં કેટલાક ડિટેક્ટર ડિવાઇસ પણ ઉપલબ્ધ છે. જે તમે ખરીદી શકો છો. પણ તે મોંઘા હોઈ શકે છે, જેને ખરીદવા તમામ લોકો માટે શક્ય નથી. સામાન્ય રીતે પોલીસ પોતાની પાસે રાખે છે.

કૅમેરા દેખાય તો શું કરવું?

જો તમને હિડન કૅમેરા દેખાઈ જાય તો ડરવું નહીં, પણ તરત જ પોલીસનો સંપર્ક કરવો. કૅમેરાને સ્પર્શ ન કરવો. પોલીસના આગમન સુધી એ જગ્યા ન છોડવી.

સાયબર ઍક્સપર્ટ કર્ણિકા કહે છે, "કોઈ મહિલાની સંમતિ વગર ફોટો લેવો કે વીડિયો રેકર્ડ કરીને બીજાને મોકલવા એ ગુનો છે.

"આવું કૃત્ય કરવા બદલ આઈટી એક્ટની કલમ 67 એ અને 66 ઈ (પ્રાઇવસીનો ભંગ), આઈપીસી (ભારતીય દંડ સંહિતા)ની કલમ 354 સી અંતર્ગત ગુનો નોંધાઈ શકે છે. એના માટે ત્રણ વર્ષની કેદની સજા અને દંડ થઈ શકે છે."

કર્ણિકાના કહેવા પ્રમાણે, ફિશિંગ હૅકિંગ પછી સૌથી વધારે આ અંગેના જ ગુના સામે આવે છે.

એનસીઆરબી (નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો)ના આંકડા પ્રમાણે, 2016માં સાયબર ક્રાઇમમા આશરે 11 હજાર લોકોની ધરપકડ કરાઈ હતી.

એમાંથી અડધઆ લોકોની આ પ્રકારના વીડિયો બનાવવા માટે ધરપકડ કરાઈ હતી.

વીડિયોનું શું કરે છે?

અન્ય એક સાયબર એકસ્પર્ટ વિનીત કુમાર કહે છે, "એક પ્રકારના લોકો પોતાના જોવા માટે વીડિયો બનાવે છે. બીજું આનું એક મોટું માર્કેટ પણ છે.

"આ વીડિયોને વેચવામાં આવે છે. વીડિયોને વેબસાઇટ્સ પર અપલોડ કરવામાં આવે છે. આ પ્રકારના વીડિયો ઘણા લોકો જોતા હોય છે.

"ઘણી વખત છોકરીઓ કે યુવતીઓ આ અંગે ફરિયાદ કરતી નથી. તેમને એવું લાગે છે કે તેઓ કોઈને કહી દેશે તો તેમની બદનામી થશે.

"કેટલીક યુવતીઓને તો આત્મહત્યાનો પણ વિચાર આવે છે, પણ તેમણે ડરવું ન જોઈએ, પોલીસનો સંપર્ક કરીને મદદ માગવી જોઈએ."

વિનીત ઉમેરે છે, "ભારત સરકારની વેબસાઇટ cybercrime.gov.in પર હાલમાં બાળકો સાથે સંકળાયેલા કેસ નોંધવામાં આવે છે, પણ ટૂંક સમયમાં એના પર મહિલાઓ સાથે જોડાયેલા કેસ પણ નોંધી શકાશે.

"એ સિવાય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સાયબર સેલમાં પમ ફરિયાદ કરી શકાય છે."

છુપાયેલા કૅમેરા વિશે જાણવા માટે સાઇબર એકસ્પર્ટ્સે ઘણી તરકીબો જણાવી છે, પણ તેઓ સતર્ક રહેવા પર સૌથી વધારે ભાર મૂકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો