ત્રિપલ તલાકના વટહુકમથી મુસ્લિમ મહિલાઓને શું મળશે?

    • લેેખક, ફ્લેવિયા એગ્નિસ
    • પદ, વકીલ, મહિલા અધિકાર

19 સપ્ટેમ્બર 2018ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રની કૅબિનેટ બેઠકમાં ત્રિપલ તલાક વિશેનો વટહુકમ પસાર કરાયો હતો.

ત્રણ વાર તલાક બોલીને તલાક આપવાની બાબતને ગુનો ગણીને તેના માટે ત્રણ વર્ષની કેદની સજાની જોગવાઈ વટહુકમમાં છે.

કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે સરકારના નિર્ણયની જાહેરાત કરવા માટે પત્રકાર પરિષદ બોલાવી હતી અને તેમાં વટહુકમની જોગવાઈને સમજાવવા કોશિશ કરી હતી.

ડિસેમ્બર 2017માં લોકસભામાં જે દિવસે આ ખરડો દાખલ કરાયો તે દિવસે જ ઉતાવળે તેને પસાર કરી દેવાયો હતો, તેનું થોડું સુધારેલું સ્વરૂપ આ વટહુકમમાં છે.

મૂળ ખરડામાં એવી જોગવાઈ હતી કે બિલકુલ ત્રાહિત વ્યક્તિ પણ મુસ્લિમ પતિ સામે પોલીસમાં ફરિયાદ કરી શકે. પત્નીની ઇચ્છા વિરુદ્ધ પણ પતિ સામે ફરિયાદ કરી શકે.

તમે આ વાંચ્યું કે નહીં?

જેને પગલે બ્લૅકમેઇલ કરવાની, ગુનાહિત ધાકધમકી આપવાની કે કે ખોટી ફરિયાદ દાખલ કરવાની શક્યતા ઊભઈ થઈ હતી.

ગૌમાંસ હોવાની શંકાના કારણે મુસ્લિમો પર ટોળાનો હુમલો થતો હોય અને મૉબ લિન્ચિંગ થતું હોય, તેવા સંજોગોમાં આવી જોગવાઈ આમ જનતાના હાથમાં આવે તે બહુ જોખમી લાગતી હતી.

રાજ્યસભામાં આના પર ઉગ્ર ચર્ચા થયા પછી સરકારે તે જોગવાઈને હળવી કરવાનું નક્કી કર્યું હતું.

તેથી સુધારા પછીના નવા વટહુકમમાં હવે મુસ્લિમ પતિ સામે ફરિયાદ કરવાનો હક માત્ર પત્નીને અને પત્નીના નીકટના સગાને જ આપવામાં આવ્યો છે.

આ ગુનાને બિનજામીનપાત્ર રખાયો હતો, તેનો પણ ભારે વિરોધ થયો હતો. આમ છતાં વટહુકમમાં તેને બિનજામીનપાત્ર જ રખાયો છે, જેનો અર્થ એ થયો કે પોલીસ આરોપીને જામીન પર છોડી શકશે નહીં.

જામીન આપવાનો અધિકાર મૅજિસ્ટ્રેટને રહેશે, પણ પત્નીને સાંભળ્યા બાદ જ તેઓ જામીન આપી શકશે.

ત્રીજો સુધારો એ કરાયો કે જો દંપતી વચ્ચે સમાધાન થાય અથવા પત્ની મૅજિસ્ટ્રેટનો સંપર્ક સાધીને ગુનો રદ કરવા કહે તો ગુનો રદ કરી શકાય.

જાન્યુઆરી 2018માં રાજ્યસભામાં આ બાબતે ઉગ્ર દલીલો અને વિરોધ થયા બાદ આ સુધારા થયા છે.

વિપક્ષે માગણી કરી હતી કે આ ખરડાને સંસદની વિશેષ સમિતિમાં મોકલવામાં આવે, જેથી તેની જોગવાઈઓનો અભ્યાસ થઈ શકે.

જોકે, સરકારે તે વાત સ્વીકારી નહોતી અને વટહુકમ લાવવા માટે મક્કમ હતી.

દરેકના મનમાં હવે એ જ સવાલ છે કે સરકારે શા માટે આ ખરડાને વટહુકમથી અમલમાં લાવવા માટે આટલી ઉતાવળ કરી?

ખરડો પસાર કરવાના બદલે વટહુકમ લાવવાની જોગવાઈ માત્ર રાષ્ટ્રીય હિતની કોઈ કટોકટી ઊભી થાય ત્યારે જ અમલમાં મૂકવાની હોય છે.

લોકશાહીમાં વહીવટી સત્તાનો ઉપયોગ સંસદની કાયદો ઘડવાની સત્તાની ઉપરવટ જવા માટે કરી શકાય નહીં. તેને વહીવટી પાંખ દ્વારા સત્તાનો દુરુપયોગ એમ જ કહેવું પડે.

એવી કઈ રાજકીય મજબૂરી ઊભી થઈ હતી કે સરકારે આ પગલું લેવું પડ્યું? કેટલાકને લાગે છે કે આ પગલાં પાછળ રાજકીય હેતુ છે.

ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારને 2019ની લોકસભાની ચૂંટણીમાં તેનાથી ફાયદો થશે એમ મનાય છે.

મુસ્લિમ નારીઓ નરેન્દ્ર મોદીને પોતાના બચાવમાં ઉતરેલા નેતા તરીકે સ્વીકારતી થશે અને તેના કારણે મુસ્લિમોના વિશાળ સમુદાયમાં તેમના વિરુદ્ધ પ્રવર્તતી લાગણીને દૂર કરી શકાશે એમ મનાય છે.

આવી ધારણાઓ સાચી પડશે કે કેમ તે વિશે મારા મનમાં શંકાઓ છે. મુસ્લિમ મહિલાઓ શા માટે પોતાના સમાજમાં પ્રવર્તતા માહોલની વિરુદ્ધ જાય? શા માટે તે એવા પક્ષને મત આપે, જેને સામાન્ય રીતે મુસ્લિમવિરોધી પક્ષ ગણવામાં આવતો હોય?

પતિ જ જેલમાં હશે તો ભરણપોષણના માટે પૈસા કોણ આપશે?

માત્ર દેખાડા ખાતરના આવા પ્રયાસો અને પ્રચાર પાછળ નક્કર કોઈ ફાયદો મુસ્લિમ નારીઓને ના દેખાતો હોય ત્યાં સુધી શા માટે તેઓ આવું પગલું લે?

તેથી જ હવે એ સવાલ અગત્યનો બની જાય છે કે આ વટહુકમથી મુસ્લિમ મહિલાઓને શું મળશે?

અન્ય કાયદાઓના આધારે તેમને જે મળે છે, તેનાથી વિશેષ શું ફાયદો થશે?

શું તેના કારણે મુસ્લિમ નારીનું લગ્નજીવન બચાવી શકાશે? તેમના આર્થિક હિતોની જાળવણી થશે? તેમને માથે છાપરું મળી રહેશે અને વર્તમાન કાયદાઓ અનુસાર તેમને જે મળવું જોઈએ તેનાથી વધારે કશુંક મળી શકશે?

શું આ કોઈ જાદુઈ લાકડી સાબિત થશે ખરી કે જેનાથી તલાક પામેલી મુસ્લિમ મહિલાનો ઉદ્ધાર થઈ જાય?

તેનાથી કદાચ ઉલટું થઈ શકે છે. મુસ્લિમ નારીઓ વધારે નિરાધાર થશે. કેમ કે પતિને તલાક તલાક તલાક બોલવા બદલ જેલમાં મોકલી દેવામાં આવે ત્યારે તે પત્ની અને બાળકોનું ભરણપોષણ આપી શકશે નહીં.

એટલું જ નહીં, આ કાયદાથી તેનું લગ્નજીવન પણ બચી જવાનું નથી. લગ્નજીવનમાં તિરાડ પડી હોય ત્યારે મુસ્લિમ નારીનું લક્ષ્ય શું હોઈ શકે - પતિને જેલમાં મોકલવાનું કે પોતાના આર્થિક હકોને સુરક્ષિત કરવાનું? મને લાગે છે કે સરકારે ગણતરી કરવામાં ભૂલ કરી છે.

શું મુસ્લિમ મહિલાઓ આ જ ઇચ્છે છે?

ગરીબ અને નિરક્ષર મુસ્લિમ મહિલા, જેનો આશરો છીનવાઈ ગયો હોય અને ભરણપોષણનું કોઈ સાધન ના હોય ત્યારે તે કઈ રીતે લાંબી કાનૂની પ્રક્રીયા અને કોર્ટના ધક્કા ખાઈ શકશે?

તે કઈ રીતે પોતાના પતિ સામે ગુનો સાબિત કરી શકશે? તેનાથી પણ અગત્યનો સવાલ એ છે કે ગુનો સાબિત થશે તો પણ તેનાથી મુસ્લિમ મહિલાને શું મળશે?

પતિને ત્રણ, સાત કે દસ વર્ષ માટે જેલમાં મોકલી દેવાથી મુસ્લિમ મહિલાને અને તેના સંતાનોને જીવન નિર્વાહ કરવા માટેનો આધાર મળવાનો નથી.

બાળકોનું ભરણપોષણ અને તેમને ભણાવવા-ગણાવવા એ માત્ર મુસ્લિમ મહિલાની જ નહીં, દરેક મહિલાનીની મુખ્ય ચિંતા હોય છે.

જો મુસ્લિમ નારીનું અંતિમ લક્ષ્ય તલાક નહીં, પણ પોતાની શાદીને ટકાવી રાખવાનું હોય તથા તેને આશરો અને ભરણપોષણ જેવા મૂળભૂત હકો મેળવવાનું હોય, તો પછી ત્રિપલ તલાકને ગુનાહિત કૃત્ય ગણવું તે ઉકેલ નથી.

ઘરેલું હિંસા વિરોધી કાયદાનો ઉપયોગ થઈ શકે છે. તેમજ સાયરા બાનો વિરુદ્ધ ભારત સરકારના કેસમાં સુપ્રીમ કોર્ટે હાલમાં આપેલા ચુકાદા પ્રમાણે ત્રિપલ તલાકને પડકારી શકાય છે.

આ બંને ઉપાયોથી મુસ્લિમ નારીને વધારે સારી રીતે આશરો અને ભરણપોષણ મળી શકે છે.

સુપ્રીમ કોર્ટે સ્વંય એકપક્ષી રીતે ત્રિપલ તલાકને નકારી કાઢ્યો છે. તેથી ત્રિપલ તલાક હવે માન્ય જ નથી, ત્યારે તેને ગુનો કેવી રીતે ગણી શકાય તે વિશે પણ ધારાશાસ્ત્રીઓ ચર્ચા કરી રહ્યા છે.

શું કાનૂની કાર્યવાહીમાં આ જોગવાઈ ટકી શકે ખરી?

ઉત્તર ભારતના લગભગ દરેક રાજ્યમાં ગૌરક્ષકો દ્વારા મુસ્લિમો પર હુમલાના બનાવો વધી રહ્યા છે અને તે વિશે વડા પ્રધાન તદ્દન મૌન ધરીને બેઠા છે.

હિંદુ યુવતી સાથે મુસ્લિમ શાદી કરે ત્યારે લવ જિહાદની ઝુંબેશ ચલાવનારા પણ મુસ્લિમ પુરુષની હત્યા કરવા પર ઉતરી આવે છે.

આ ઉપરાંત લાંબા સમયથી ત્રાસવાદી પ્રવૃત્તિઓની શંકાને કારણે મુસ્લિમો પર શંકાના વાદળો ઘેરાયેલા જ રહે છે, ત્યારે આ પ્રકારના વટહુકમથી વાત વણસશે એમ ઘણાને લાગે છે.

આવી જોગવાઈને કારણે સ્થાનિક ગુંડાતત્ત્વો તથા પોલીસના હાથમાં વધુ એક હથિયાર આવી જશે, જેનાથી મુસ્લિમ પુરુષને ભયભીત કરી શકાય છે.

(ફ્લવિયા એગ્નિસ મુંબઈના જાણીતા કાયદાવિદ અને મહિલા અધિકાર માટે લડતા વકીલ છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો