સરકારે અત્યારે ત્રણ તલાક પર વટહુકમ કેમ કર્યો?

    • લેેખક, કમલેશ
    • પદ, બીબીસી સંવાદદતા

છેલ્લાં એક વર્ષથી વિવાદિત ટ્રિપલ તલાક બિલ પર વટહુકમને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. આ અગાઉ કૅબિનેટે બુધવારે બપોરે જ આ વટહુકમને લીલી ઝંડી આપી દીધી હતી.

કૅબિનેટની મંજૂરી બાદ કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે એક પ્રેસ કૉન્ફરન્સ કરી અને આ વટહુકમને સમયની માગ જણાવ્યો.

તેમણે કહ્યું કે આ વટહુકમ દ્વારા ભાજપે, કોંગ્રેસ પર પણ નિશાન તાક્યું છે અને તેને મહિલા વિરોધી ગણાવ્યો છે.

આ આરોપોના જવાબમાં કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરેજવાલાએ પ્રેસ કૉન્ફરન્સ કરી ભાજપના મનસૂબા પર સવાલ ઉઠાવ્યા.

તેમણે આરોપ લગાવ્યા કે ભાજપને મહિલાઓના હિત સાથે કંઈ લાગતું વળગતું નથી, પણ તેઓ આ બિલને એક સતત રાજકારણનો મુદ્દો બનાવી રાખવા માંગે છે.

રણદીપ સુરેજવાલાએ જણાવ્યું, “ભાજપ માટે મુદ્દો મહિલાઓ માટે ન્યાયનો નથી, પણ રાજનીતિમાં એક ફૂટબૉલ જેવો છે.”

વિવાદોમાં બિલ

ઑગસ્ટ 2017માં સુપ્રીમ કોર્ટે ત્રણ તલાકને ગેરકાયદે ગણાવ્યા બાદ આ મુદ્દો કોંગ્રેસ અને ભાજપ માટે ચૂંટણીનો મુદ્દો બની ગયો છે.

સુપ્રીમ કોર્ટેના નિર્ણય બાદ સરકારે મુસ્લિમ મહિલાઓ (વિવાહ પર અધિકારોનું સંરક્ષણ) માટે બિલ, 2017 રજૂ કર્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

આ બિલ લોકસભામાં તો પસાર થઈ ગયું પણ રાજ્ય સભામાં લટકી પડ્યું. વિપક્ષે ત્રણ તલાક પર કેટલાક સુધારાની માગણી કરી હતી, જેના પર બન્ને પક્ષો વચ્ચે સહમતી સધાઈ શકી નહોતી.

હવે આ બિલને ડિસેમ્બરમાં આવનારા શિયાળું સત્રમાં રજૂ કરવાની ધારણા છે. પણ આ અગાઉ જ સરકાર વટહુકમ લાવી અને વિપક્ષને અચંબામાં મૂકી દીધો.

હવે એ સવાલો ઊભા થયા કે સરકાર વટહુકમ અત્યારે જ કેમ લાવી? આવનારી ચૂંટણી અને વિપક્ષની રાજનીતિ પર આની કેવી અસર પડશે?

આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર કલ્યાણી શંકર જણાવે છે, ''આ રાજકીય પગલું છે. આગામી કેટલાક મહિનાઓમાં ચાર-પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ થવાની છે. ભાજપ મુસ્લિમ મહિલાઓને એ સંદેશ આપવા માગે છે કે તે તેમની સાથે છે અને તેમના માટે લડી રહ્યો છે. આ મહિલાઓના મત એકઠા કરવાનો એક પ્રયાસ છે. ''

કલ્યાણી શંકર જણાવે છે કે આ હિંદુ વોટ બૅન્કને પણ એક કરવાનો પ્રયાસ છે. આ બિલ ચર્ચામાં આવવાની સાથે જ આખો મુદ્દો મુસ્લિમ વિરુદ્ધ હિંદુનો બની જાય છે જેનો ફાયદો ભાજપને મળી શકે છે.

તો વળી પત્રકાર પ્રદીપ સિંહનું કહેવું છે કે આ સમાજ માટે એક સારો નિર્ણય છે, છતાં તેઓ આનું રાજનૈતિક અર્થઘટન પણ કરે છે.

તેઓ જણાવે છે, ''રાજનૈતિક પાર્ટી કોઈ પણ પગલું ઉઠાવે તો તેની સાથે ચોક્કસપણે કોઈને કોઈ રાજનૈતિક હિત તો જોડાયેલું હોય છે. વાસ્તવમાં ભાજપને ચૂંટણીમાં મુસ્લિમ સમુદાયનું સમર્થન મળતું નથી.”

“તે છેલ્લાં કેટલાક સમયથી મુસ્લિમ સમુદાયમાં પોતાની વગ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેઓ આ પગલું ભરી મુસ્લિમ વોટ બૅન્ક પોતાની તરફેણમાં કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.''

શિયાળું સત્રમાં કેમ નહીં?

ભાજપ છેલ્લા બે સત્રોમાં ત્રણ તલાક બિલ લઈને આવ્યું હતું, પણ આ વખતે થોડાક મહિના બાદ જ આવનારા શિયાળું સત્રની રાહ જોયા વગર વટહુકમને મંજૂરી આપી દીધી છે.

ભાજપે પસંદ કરેલા વટહુકમના રસ્તા અંગે કલ્યાણી શંકર જણાવે છે કે તમામ રાજકીય પક્ષો અત્યારે ચૂંટણીના મૂડમાં છે. ચૂંટણીની તૈયારી અને પ્રચાર ચાલી રહ્યા છે. એટલે આવનારા સત્રમાં કોઈ ખાસ કામ થવાનું નથી.

તેમણે કહ્યું , ''આવામાં ભાજપ આ બીલ પસાર કરાવી નહીં શકે કારણ કે વિપક્ષ તેને પસંદગી સમિતિ પાસે મોકલવા માંગે છે જેથી સુધારાઓ પર વિચાર કરી શકાય. તો ભાજપ હવે સ્પષ્ટપણે કહી શકે છે કે અમે કાયદો ઘડી નાખ્યો છે પણ એને પસાર કરાવવાની વિપક્ષની ઇચ્છા નથી.

શિયાળું સત્ર બાદ જો તે આ વટહુકમ લાવે, તો આ જ વાત તે મક્કમતાથી કહી ના શકે.''

કોંગ્રેસ સામે પડકાર

કોંગ્રેસ ત્રણ તલાક બિલનો સંપૂર્ણપણે વિરોધ નથી કરતી. તેમણે કાયમ એમાં સુધારા કરવાની વાત કહી છે.

પણ વટહુકમ લાવ્યા બાદ કોંગ્રેસ, ભાજપને મળનારા રાજનૈતિક ફાયદા અને પોતાની મહિલા વિરોધી હોવાની છબી સામે કેવી રીતે પહોંચી વળશે?

જો બિલ સંસદમાં આવે છે, તો કોંગ્રેસનું સ્ટેન્ડ શું રહેશે?

કલ્યાણી શંકર જણાવે છે, ''કોંગ્રેસ માટે સ્થિતિ મુશ્કેલ બની ગઈ છે. ના તો તેઓ આ બિલનો સંપૂર્ણ રીતે વિરોધ કરે છે, ના તો તેનું સમર્થન. કારણ કે તેની સંપૂર્ણ ક્રેડિટ ભાજપને મળી જશે. એટલે વિપક્ષને હવે વચ્ચેનો રસ્તો શોધવાની જરૂર પડશે.''

''કોંગ્રેસ વટહુકમની જરૂરિયાત ઉપર સવાલ ઉઠાવી શકે છે અને સુધારાની માગ કરી શકે છે. આ રીતે બન્ને સત્રો પસાર થઈ જશે અને આ રાજનૈતિક મુદ્દો ચાલુ જ રહેવાનો. કોંગ્રેસે ખૂબ ધ્યાનથી ડગ માંડવા પડશે કારણ કે તેમને પણ મહિલા વોટ બૅન્ક સાધવાનો છે.''

હવે ત્રણ તલાક વટહુકમ શિયાળું સત્ર શરૂ થયા બાદ 6 અઠવાડિયા સુધી માન્ય રહેશે. સરકારે તેને રાજ્યસભામાં પસાર કરાવવાનો રહેશે નહીંતર તેનો પ્રભાવ સમાપ્ત થઈ જશે.

આવી સ્થિતિમાં ફરીથી કાયદો બનાવવા માટે સરકારે વટહુકમ લાવવાનો રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો