દૃષ્ટિકોણ : શું સંઘ ભારતીય જનતા પાર્ટીથી અંતર રાખી રહ્યો છે?

    • લેેખક, નીરજા ચૌધરી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની દિલ્હીમાં ત્રણ દિવસની વિચારમંથન શિબિર બુધવારે પૂરી થઈ. આ ત્રણ દિવસોમાં સંઘના વડા મોહન ભાગવતે જેના પર સવાલો ઉઠતા રહ્યા છે, એ તમામ પાસાં પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો.

એમણે જણાવ્યું કે સંઘ ગૌરક્ષામાં માને છે પણ હિંસાને કોઈ પણ ભોગે સમર્થન આપી ના શકે. તેઓ ભારતના બંધારણમાં માને છે, ધર્મ નિરપેક્ષતામાં માને છે, રાજનીતિમાં વિપક્ષની ભૂમિકાનું સમર્થન કરે છે અને બધાને સાથે લઈને આગળ વધવાની વાતને ટેકો આપે છે.

તેમણે એમ કહ્યું કે તેઓ ભારતીય જનતા પક્ષની કોંગ્રેસ મુક્ત ભારતની વાતને સમર્થન આપતા નથી. તેઓ સહયોગી કે વિરોધી બધાને પોતાના માને છે.

એમ લાગે છે કે સંઘ પોતાને મુખ્યધારામાં લાવવા માગે છે અને પોતાની છબી સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છે.

સંઘ આવું કેમ કરી રહ્યો છે અને અત્યારે જ કેમ કરી રહ્યો છે એવા અલગ-અલગ સવાલ ઊઠી શકે છે અને તેના પર ચર્ચા કરી શકાય તેમ છે.

એમણે કહ્યું કે હિંદુસ્તાનમાં રહેનારા તમામ લોકો હિંદુ છે. આ પ્રથા પહેલાંથી જ ચાલતી આવી છે અને સંઘ એમ કહેતો આવ્યો છે કે મુસલમાન પણ હિંદુ છે.

ભારતમાં લોકો હિંદુ શબ્દને એક ધર્મ તરીકે ગણે છે, આવી સ્થિતિમાં સંઘે મુસલમાનોને હિંદુ કહેવાને બદલે ભારતીય કહેવું જોઈતું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

મુસલમાન પણ હિંદુ શબ્દને એક ધર્મ તરીકે ગણે છે. એવામાં મોહન ભાગવતે કરેલું આ શબ્દનું ઉચ્ચારણ એમના જૂના વલણને દર્શાવે છે.

જોકે, થોડા દિવસ અગાઉ આકરી ભાષાનો પ્રયોગ કરનારા મોહન ભાગવતની બોલી અત્યારે અચાનક બદલાયેલી જણાય છે.

બીજી ધ્યાન આપવાની વાત તો એ છે કે આ બધું કહેવા માટે આ જ સમયની પસંદગી કેમ કરવામાં આવી.

આ બન્ને વાતો પર ઊંડો વિચાર કરીએ તો લાગે છે કે સંઘની નજર અત્યારે લિબરલ હિંદુ પર છે. તે ઇચ્છે છે કે લિબરલ વિચારધારા ધરાવતા હિંદુઓને પોતાના પક્ષમાં ખેંચી શકે.

આ લિબરલ હિંદુ કેટલાક સમયથી નારાજ છે પછી તે લીંચિંગની વાત હોય કે પછી લવ જિહાદની. ભાજપના કોંગ્રેસ મુક્તભારત જેવી વાતોથી આ લોકો સહમત નથી.

તેમને લાગે છે કે લોકતંત્રમાં એમની જરૂરિયાત છે અને દેશમાં એક પાર્ટીના શાસનમાં એમને પૂરતો ભરોસો નથી.

મોહન ભાગવતે પોતાના ભાષણથી આ બધા લોકોને સંદેશ પૂરો પાડ્યો છે કે તેઓ આધુનિકતા, ધર્મનિરપેક્ષતા અને લોકતંત્રમાં વિશ્વાસ રાખે છે.

બીજો એ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે સંઘ ભાજપના નેતૃત્વથી અંતર રાખી રહ્યો છે. સંઘ એ પણ જણાવવાનો પ્રયાસ કરી રહ્યો છે કે હાલની સરકારથી તે ખુશ નથી.

એમણે કહ્યું કે સંઘના સ્વયંસેવકો કોઈ પણ પાર્ટીને મત આપી શકે છે. જોકે એ બધા જ જાણે છે કે સંઘ ,ભાજપ માટે રાજકારણની પૃષ્ઠભૂમિ તૈયાર કરતો રહ્યો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સંઘ ભાજપથી અંતર રાખી રહ્યો છે.

આ બીજા દૃષ્ટિકોણથી વિચારીએ તો ભાજપના સમાનાર્થી બની ચૂકેલા વડાપ્રધાન મોદીને તેઓ એ સંદેશ આપવા માંગે છે કે એમના પીઠબળ વગર પક્ષ કાંઈ જ કરી શકે તેમ નથી.

એ સવાલ પણ ઊભો થઈ રહ્યો છે કે શું સંઘ દરેક સફળતાને નરેન્દ્ર મોદીની સફળતા ગણાવવાથી નારાજ છે?

મોહન ભાગવતે સમલૈંગિકતા પર વાત કહી છે. એમણે કહ્યું કે એમને પણ જીવવવાનો અધિકાર છે. આ બધો લિબરલ દેખાવવાનો પ્રયાસ છે.

આ બધાથી દરેક પ્રકારના હિંદુ પછી તે સવર્ણ હોય કે લિબરલ વિચારધારા ધરાવતા હોય, સૌને એક છત્ર હેઠળ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

એવું પણ બની શકે કે તેઓ આવનારી ચૂંટણીઓને કારણે આમ બોલી રહ્યા હોય. કારણ કે 2014માં ભાજપને જે પ્રકારનું સમર્થન પ્રાપ્ત હતું તેમાં અત્યારે ઊણપ વર્તાતી જણાઈ રહી છે.

હવે એ જોવાનું રહેશે કે મોહન ભાગવતની નમ્રતા અને ઉદારતા બાદ બજરંગ દળ જેવા સંગઠનોનું વર્તન આવનારા દિવસોમાં કેવું રહેશે?

(બીબીસી સંવાદદાતા નવીન નેગી સાથે થયેલી વાતચીતના આધારે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો