રાહુલ-અખિલેશને આમંત્રણ આપી સંઘ પોતાની છબી સુધારવા માગે છે?

    • લેેખક, સ્વાતિ ચતુર્વેદી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી હિન્દી માટે

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ(આર.એસ.એસ.)એ નાગપુરમાં આયોજીત એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આમંત્રણ આપ્યું હતું.

આ સંઘનો પ્રાથમિક પ્રયોગ હતો જે અત્યારે નાગપુરથી નીકળી દિલ્હી સુધી પહોંચી ગયો છે.

દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આર.એસ.એસ.નું ત્રણ દિવસનું મંથન ચાલી રહ્યું છે જેમાં સંઘના લોકો દેશના ભવિષ્ય પર ચર્ચા કરી રહ્યા છે.

ચર્ચાનો વિષય છે "ભારતનું ભવિષ્ય: રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનો દૃષ્ટિકોણ". કાર્યક્રમના પહેલાં દિવસે એટલે કે સોમવારે સંઘના વડા મોહન ભાગવતે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

આ ત્રણ દિવસની ચર્ચામાં સંઘના ઘણા એજન્ડાનો સમાવેશ કરાયો છે. સંઘ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે આર.એસ.એસ. હવે અટક્યા વગર દેશને મોકળા મને સંદેશ આપવા માગે છે કે તે વિચારધારાના કેન્દ્રમાં છે.

તે એ પણ જણાવવા માગે છે કે તે ભાજપના રાજકારણ અને નીતિઓ પર આધિપત્ય ધરાવે છે.

રાહુલ, ભાજપ અને સંઘ

આર.એસ.એસ.એ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ અને અન્ય વિપક્ષના નેતાઓને પોતાના આયોજનમાં આમંત્રણ આપી એ લોકોને કડક સંદેશ પહોંચાડ્યો છે જેઓ આર.એસ.એસ.ને એક 'ઍક્સક્લૂઝિવ' સંગઠન ગણાવે છે.

જે લોકો પર સંગઠને માનહાનિનો કેસ દાખલ કર્યો છે તેમને આમંત્રણ આપીને સંઘ એક ચતુર રાજકારણ રમવા માંગે છે.

રાહુલ ગાંધી, ભાજપ અને સંઘ પર નફરતનું રાજકારણ કરવાનો આરોપ મૂકતા રહ્યા છે. રાહુલ ગાંધી એ પણ કહેતા આવ્યા છે કે તેઓ એમની નફરતનો જવાબ પ્યારથી આપશે.

તેમણે સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગળે વળગી લોકોને અચંબામાં મૂકી આ સંદેશ પૂરો પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો.

સંઘે રાહુલની એ જ વાતને ચકાસવા માટે મોહન ભાગવતને સાંભળવાનો પડકાર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો.

મોદી અને શાહને પણ સંદેશ

કોંગ્રેસ પાર્ટીએ આર.એસ.એસ.નાં આમંત્રણ અંગે મૌન ધારણ કર્યું છે. એમનું કહેવું છે કે જો રાહુલ ગાંધીને બોલવાની તક આપવામાં આવતી હોત તો તેઓ ત્યાં જરૂર જતા. પણ જેનો તેઓ વિરોધ કરે છે તેવી વિચારધારાને સાંભળવા માટે તેઓ ત્યાં કેમ હાજર રહે?

તેમનું આ બહાનું ગળે ઊતરી શકે તેમ નથી.

વળી, અખિલેશ યાદવનું કહેવું છે કે તેઓ આરએસએસને ઝાઝું ઓળખતા નથી. એમને તો બસ એટલી જ ખબર છે કે સરદાર પટેલે સંઘ પર પ્રતિબંધ લગાડ્યો હતો અને તેઓ પોતે પણ એનાથી દૂર રહેવા માંગતા હતા.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આર.એસ.એસ.ના ગઢ નાગપુરમાં ભાષણ આપ્યા બાદ, કોંગ્રેસે એમની દીકરી શર્મિષ્ઠા મુખર્જીને મેદાનમાં ઊતારી હતી અને કહ્યું કે ભાષણ તો લોકો ભુલી જશે પણ ફોટોને તો યાદ રાખશે.

વિજ્ઞાન ભવનમાં ચાલી રહેલી ચર્ચા એક નિર્ધારિત યોજનાનું બીજું પાસું છે. પહેલાનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું હતું, જેમાં સંઘના વડા મોહન ભાગવતે ભાષણ આપ્યું હતું.

સંઘ માત્ર દેશ અને વિરોધીઓને જ નહીં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને પણ એ જણાવવા માગે છે કે સંસ્થાની તાકાત કેટલી વધારે છે.

આ અગાઉ મોહન ભાગવતે અમિત શાહના 'કોંગ્રેસ મુક્ત ભારત' સુત્ર પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ રાજકારણના સુત્રો છે અને સંઘની ભાષાનો ભાગ નથી.

આરએસએસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પણ નારાજગી દાખવી હતી જ્યારે એમને સંઘના વડા મોહન ભાગવતની મુરલી મનોહર જોષીને રાષ્ટ્રપતિ બનાવવાની ઇચ્છાને અવગણી હતી.

ધારણા બદલવાનો પ્રયાસ કરતો સંઘ

આર.એસ.એસ. ધીરે ધીરે પોતાને બદલવાનો પ્રયાસ કરી રહ્યો છે. હાલમાં જ સંગઠને પોતાના પહેરવેશમાં પરિવર્તન કર્યું છે.

સંઘનાં એક મોટા નેતાનું કહેવું છે કે ભાગવત વારંવાર એ જ વાતનું પુનરાવર્તન કરે છે કે, ''જે ભારતને પોતાની માતૃભૂમિ માને છે તેઓ સૌ આપણા છે. અમે સ્પષ્ટપણે હિંસાનો વિરોધ કરીએ છીએ.''

સંઘ ઇચ્છે છે કે લોકોને આ વાતની ખબર પડે પણ શું આરએસએસ આ સંદેશ પહોંચાડવામાં સફળ થશે?

મોહન ભાગવત હાલમાં જ વિશ્વ હિંદુ સંમેલનના કાર્યક્રમમાં ભાગ લેવા શિકાગો ગયા હતા, જ્યાં એમણે કહ્યું હતું કે '' જંગલી કૂતરાઓ એક સિંહ પર હુમલો કરી રહ્યા છે''. તેમણા આ નિવેદનની ટીકા કરવામાં આવી હતી.

ભાજપની કેન્દ્રમાં સરકાર છે અને તે દેશનાં 22 રાજ્યોમાં શાસન કરી રહ્યો છે.

ભાજપના એક અગ્રણી નેતા, જે આરએસએસ સાથે જોડાયેલા હતા, જણાવે છે, ''અમારી વાસ્તવિક સફળતા તો એ છે કે અમે લોકો સુધી એ સંદેશ પહોંચાડી શકીએ કે દેશ પર રાજ એ જ કરી શકે કે જે બહુમતીના રાજકારણમાં માનતું હોય.

અમે લોકોની વિચારધારા બદલી છે. ભારત એક હિંદુ પ્રધાન દેશ છે.''

હવે 2019 જ નક્કી કરશે કે દેશ ભીમરાવ આંબેડકરના દર્શન વડે આગળ વધે છે કે પછી આરએસએસના હિંદુ દર્શન વડે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો