You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
RSSનો કાર્યક્રમ યોજવા પાછળ મોહન ભાગવતનો હેતુ શું છે?
- લેેખક, શેષાદ્રી ચારી
- પદ, રાજકીય નેતા અને વિચારક, બીબીસી ગુજરાતી માટે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) તેની સ્થાપનાના સમયથી ભારપૂર્વક માનતો રહ્યો છે કે રાજનીતિ અને રાજકીય ગતિવિધિ જ તેનું અંતિમ લક્ષ્યાંક નથી.
આરએસએસ કહેતો રહ્યો છે કે ભારતીય જનતા પક્ષ(ભાજપ) તેની રાજકીય પાંખ નથી.
જોકે, વિધિની વક્રતા એ છે કે જ્યાં ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર હોય કે જ્યાં ભાજપના પ્રભુત્વમાં વધારો થતો હોય એવાં જ ક્ષેત્રોમાં આરએસએસે તેનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
93 વર્ષ પહેલાં રચાયેલો આરએસએસ એવું પણ કહેતો રહ્યો છે કે 1980માં અસ્તિત્વમાં આવેલો ભાજપ તેનું રાજકીય સંગઠન નથી પણ બન્ને સંગઠનનું ભાગ્ય એકમેકની સાથે જોડાયેલું હોવાનું માનવામાં આવે છે.
આરએસએસ પરનો પ્રતિબંધ વિના શરતે ઉઠાવી લેવામાં આવ્યો ત્યારે 1949ની પહેલી ઑગસ્ટે તેણે તેનું બંધારણ અપનાવ્યું હતું.
એ બંધારણમાં જણાવવામાં આવ્યું છે કે આરએસએસ રાજકારણથી અલગ છે અને માત્ર સામાજિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રો સંબંધી ગતિવિધિઓને જ સમર્પિત છે.
તમે આ વાંચ્યું કે નહીં?
જોકે, આરએસએસના સ્વયંસેવકોને વિદેશી શક્તિઓ પ્રત્યે નિષ્ઠા ધરાવતા કે હિંસાનો આશરો લેતા કે પોતાનું લક્ષ્ય સાધવા માટે પ્રતિબંધિત સાધનોનો ઉપયોગ કરતા સંગઠનોને બાદ કરતાં કોઈ પણ રાજકીય પક્ષમાં સામેલ થવાની કે કોઈ પણ સંસ્થા સાથે કામ કરવાની છૂટ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દેશના દુઃખદ વિભાજન તરફ દોરી ગયેલી ઘટનાઓ પર નજર કરીએ તો ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, સામ્યવાદી અને દેશનાં બીજાં સંગઠનોએ 'ભાગલા પાડો ને રાજ કરો'ની બ્રિટિશ નીતિને સાર્થક ઠરાવી હતી.
આરએસએસે આવા તાર્કિક તથા સ્વાભાવિક લાગતાં સંગઠનો સાથે સંબંધ રાખવા સામે તેના સ્વયંસેવકો પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ કરી છે.
ડાબેરીઓની ઝેરીલી ઝુંબેશ
ભારતમાં ડાબેરી પક્ષો અને ડાબેરી આંદોલનો સાથે જોડાયેલા નેતાઓએ કોંગ્રેસ, મહાત્મા ગાંધી તથા તેમના સ્વાતંત્ર્ય સંગ્રામના ધાર્મિક વલણ પ્રત્યેની પોતાની નફરતને ક્યારેય છૂપાવી નથી.
ડાબેરી પક્ષે 1934માં 'ગાંધી બોયકોટ કમિટી' બનાવીને મહાત્મા ગાંધી વિરુદ્ધ આંદોલન ચલાવ્યું હતું.
એ પછી તેને 'લીગ અગેઇન્સ્ટ ગાંધીઇઝમ' નામના એક રાજકીય મોરચામાં પરિવર્તિત કરી નાખ્યું હતું.
અંગ્રેજો પ્રત્યે નરમ વલણ અપનાવવાનો આક્ષેપ ડાબેરીઓએ મહાત્મા ગાંધી પર કર્યો હતો.
મહાત્મા ગાંધી પર એવો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો કે તેમણે કામદાર તથા ખેડૂત વર્ગના હિત સાથે સમાધાન કર્યું હતું અને સામ્રાજ્યવાદીઓ વિરુદ્ધ આંદોલન ચલાવવામાં ધર્મનો ઉપયોગ કર્યો હતો.
ડાબેરીઓની અનૈતિકતા અને હિંસાની પરિભાષા બાબતે મહાત્મા ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું હતું.
તેમણે પત્રક્રમાંક 721માં લખ્યું હતું, "અનેક ઇમાનદાર કોંગ્રેસીઓ ઘણા પ્રાંતમાંથી મારી પાસે આવ્યા હતા કે તેમણે લખી જણાવ્યું હતું કે ડાબેરીઓ પાસે તેમના પક્ષને જીવંત રાખવા માટે કોઈ સિદ્ધાંત નથી અને તેઓ તેમના હાથમાં જે આવે તેના વડે તેમના વિરોધીઓને માર મારે છે."
"સામ્યવાદી પક્ષની કાર્યપદ્ધતિ અનૈતિક હોવાનું અને તેઓ હિંસાનો આશરો લેતા હોવા સુધીનું કોંગ્રેસીઓ મારફત મને લગભગ રોજ સાંભળવા મળે છે." (પી. સી. જોશીને 1945ની 21 ઓગસ્ટે લખેલો પત્ર. ક્રમાંક 658, કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી)
આરએસએસે અપનાવ્યા ગાંધીજીના વિચાર
આરએસએસે મહાત્મા ગાંધીના વિચારોમાંથી પ્રેરણા લઈને પોતાનું સંગઠન અહિંસાના સિદ્ધાંત પર રચ્યું છે અને હિંદુ સમાજની ધાર્મિક પ્રકૃતિને સ્વીકારી છે.
ગાંધીજીની માફક આરએસએસના સ્થાપક ડો. કે. બી. હેડગેવાર પણ માનતા હતા કે હિંદુઓએ જ્ઞાતિ અને બીજી ઓળખથી ઉપર ઉઠીને હિંદુના સ્વરૂપમાં એક થવું પડશે.
જ્ઞાતિ, ભાષા અને ક્ષેત્રીય ઓળખને પડકાર્યા વિના તેના સ્થાને 'હિંદુ ઓળખ'ને મહત્ત્વ આપવાનો નિર્ણય આરએસએસની ગતિવિધિમાં વ્યૂહાત્મક રીતે સામેલ કરવામાં આવ્યો હતો. એવી દૈનિક ગતિવિધિને જ શાખા નામ આપવામાં આવ્યું હતું.
આજે દેશમાં આરએસએસની 50,000થી વધુ દૈનિક સભાઓ (શાખા) યોજાય છે.
એ ઉપરાંત અન્ય સામૂહિક બેઠકો સિવાય 30,000 સાપ્તાહિક બેઠકો યોજાય છે.
એ બેઠકોમાં લગભગ દસ લાખ લોકો સામેલ થાય છે. એ લોકો એકસમાન વિચારો સાથે આરએસએસના એજન્ડાને આગળ વધારવા માટે કામ કરે છે.
આ બધા સિવાય આરએસએસે એવા હજ્જારો નાગરિકોને પ્રેરણા આપી છે, જેમણે ગ્રામ્ય, આદિવાસી, વિજ્ઞાન તથા ટેક્નૉલૉજીથી માંડીને લગભગ દરેક ક્ષેત્રમાં બિન-સરકારી સંગઠનો રચ્યાં છે.
તેઓ ભારપૂર્વક માને છે કે સમાજની દરેક સમસ્યાનું નિરાકરણ ઉપલબ્ધ છે અને પ્રત્યેક વ્યક્તિ પાસે કોઈને કોઈ નિરાકરણ છે.
આરએસએસે ભારત ઉપરાંત વિદેશમાં પણ તેનું નેટવર્ક વિસ્તાર્યું છે અને 100થી વધુ દેશોમાં એ કાર્યરત છે.
આરએસએસના ટોચના નેતાઓ એ દેશોની મુલાકાત લેતા રહે છે અને પ્રવાસી ભારતીયોની પરિસ્થિતિનો તાગ મેળવીને તેમને હકારાત્મક સ્વરૂપે, વેદ અનુસાર એ દેશની સાથે પોતાની માતૃભૂમિમાં સાચી ભાવનાથી યોગદાન આપવા પ્રેરિત કરતા રહે છે.
શું છે નવી દિલ્હીના કાર્યક્રમનો હેતુ?
ભરપૂર મિશનરી ઉત્સાહ, નિસ્વાર્થ તથા સમર્પિત કાર્યબળ, પરંપરા સાથે ગાઢ જોડાણ અને મૂલ્ય તથા સિદ્ધાંતો સાથેના શાખા જેવા સક્રીય તંત્રને ધ્યાનમાં લઈએ તો આરએસએસ એક એવી શક્તિ છે કે જેની મદદ વડે રાજકીય પક્ષ બહુમતી મેળવીને તેના ચૂંટણીઢંઢેરાને સાચો સાબિત કરી શકે છે.
આરએસએસે અત્યાર સુધી ખુદને કોઈ રાજકીય ગતિવિધિથી દૂર રાખ્યું છે પરંતુ સમાજમાં સારા કામમાં યોગદાન માટે કોઈ રાજકીય પક્ષ કે સંગઠન સાથે મળીને પોતાની શક્તિના ઉપયોગની વિરુદ્ધ નથી.
આરએસએસનું નેતૃત્વ સમાજના એક મોટા હિસ્સા સુધી પોતાના વિચાર તથા દૃષ્ટિકોણ પહોંચાડવા ઉપરાંત વિચારકો, કાર્યકરો તથા આરએસએસ વિરોધી તેમજ સમર્થક સંગઠનો સાથે બેઠકો યોજતું રહે છે.
આરએસએસના વર્તમાન સરસંઘચાલક સમાજના ચૂંટેલા વર્ગ સાથે ત્રણ દિવસના જાહેર વ્યાખ્યાનનું આયોજન આ સંદર્ભમાં કરી રહ્યા છે.
આ એ વર્ગ છે, જેમના વિચાર મહત્ત્વના છે એટલું જ નહીં પણ સમાજના કલ્યાણ માટે દૂરગામી પરિવર્તન લાવી શકે છે અને બહેતર પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે.
આરએસએસ સારી રીતે જાણે છે કે તેની શક્તિ માત્ર શાખાઓના વિસ્તાર અને તેમાં લોકોની હાજરી વધારવામાં લાગેલી છે.
આરએસએસે એક મોટા સમૂહ સુધી પહોંચવાનું હજુ બાકી છે. આ બેઠકોનો હેતુ આરએસએસ સંબંધે લોકોમાં જે ગેરસમજ છે તેને દૂર કરવાનો તથા પોતાનું સમર્થન વધારવાનો છે.
(લેખક આરએસએસના વરિષ્ઠ સભ્ય છે અને આરએસએસનાં અંગ્રેજી સાપ્તાહિક 'ઓર્ગેનાઈઝર'ના ભૂતપૂર્વ તંત્રી છે.)
(આ લેખમાં વ્યક્ત કરાયેલા વિચાર લેખકના અંગત વિચાર છે. તેમાં સામેલ તથ્ય તથા વિચાર બીબીસીના નથી અને બીબીસી તેની કોઈ જવાબદારી લેતું નથી.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો