'71નું યુદ્ધ લડનાર સૈનિક પાનબીડી વેચવા મજબૂર

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

આ છે રવાજી ઠાકોર જે આજે પણ જાડીયાળી ગામમાં જંગમાં ઊતરી રહેલા સૈનિકની માફક ગામમાં ફરે છે.

છાતી પર બે સંગ્રામ મેડલ લગાવી નીકળતા રવાજી પોતાના માથે હજુ પણ પોતાને લશ્કરમાંથી મળેલી ટોપી પહેરવાનું ચૂકતા નથી.

ખાખી શર્ટ અને બે મેડલ સાથે તેમની શરૂ થતી ચાલ ગામના પાનના ગલ્લે આવીને અટકી જાય છે.

વર્ષો સુધી હાથમાં બંદૂક લઈ સરહદની રક્ષા કરનાર આ ભૂતપૂર્વ સૈનિક હવે પાનબીડી વેચે છે.

બનાસકાંઠાના લાખણી તાલુકાના છેવાડાના ગામ જાડીયાળીમાં રહેતા રવાજી ઠાકોર ભૂતપૂર્વ સૈનિક છે.

જવાનીના દિવસોમાં દેશની રક્ષા કરવા માટે તેમણે નેમ લીધી હતી અને વર્ષ 1971માં લશ્કરમાં જોડાયા.

ભૂમિદળમાં જોડાયા ત્યારે તેમનું પોસ્ટિંગ રાજસ્થાનની સરહદ પર થયું હતું. સેનામાં ભૂમિદળમાં તેમના હાથમાં બંદૂક આવી ત્યારે તેમની છાતી ફૂલી ગઈ હતી.

લશ્કરમાં જોડાયાના થોડા સમયમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું અને રવાજીને આ યુદ્ધમાં ભાગ લેવાનો મોકો મળ્યો.

રવાજી એ દિવસોને યાદ કરતા કહે છે, "હું તો સામાન્ય સૈનિક હતો પરંતુ અચાનક યુદ્ધ શરૂ થઈ ચૂક્યું હતું. અમારે લડાઈ લડવાની હતી. મારી સાથેની ટુકડીમાં અમે પાકિસ્તાનના દાંત ખાટાં કરવા તૈયાર હતા.”

અંધારામાં પાકિસ્તાને કર્યો હુમલો

"એ ડિસેમ્બર મહિનો હતો અને ઠંડીના દિવસો ચાલતા હતા. પાકિસ્તાને દિવસે હુમલો કર્યો ન હતો. રાત્રે રોજ અંધારપટ રહેતો હતો અને આમેય રણમાં અંધારું હતું.”

“રાતે કોઈ અમારી તરફ આવી રહ્યું હોય એવું દેખાતું હતું. રાજસ્થાનના એ સમયના બાખાસર ગામના પગી બળદેવસિંઘે અમારા કમાન્ડરને માહિતી આપી કે રેતીમાં પડેલાં પગલાં પરથી કોઈ ભારતની સરહદમાં ઘુસી રહ્યા છે એવું લાગી રહ્યું છે."

"અમે પગલાંનો પીછો કર્યો તેને આધારે તે વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો. એ માંડ સરહદમાં દાખલ જ થયો હતો અને ઝડપાઈ ગયો. ત્યારબાદ અમારા અધિકારી તેની પૂછપરછ કરવા લાગ્યા.”

“પરંતુ ત્યાં તો અંધારામાં સામેથી લોકો આવતા હોય તેવું લાગ્યું. અમને આદેશ મળ્યો કે પાકિસ્તાની લશ્કરના લોકો આવી રહ્યા છે. અમે સરહદ પર મોરચો સંભાળ્યો. ત્યાં તો સામેથી ગોળી છૂટવા લાગી.”

આટલી વાત કરતા રવાજીની આંખમાં લોહી ધસી આવે છે.

'આદેશ મળતા જ ગોળીબાર શરૂ થયો'

રવાજી કહે છે કે તેમને માત્ર આદેશ મળ્યો કે હલ્લા બોલ, એટલે અમે તૂટી પડ્યા. સામસામેથી ગોળીબાર શરૂ થયો.

"અમને ખબર નહોતી કે અમે જીવતા રહીશું કે કેમ? ક્યાંથી ગોળી આવે છે તેની પણ જાણ નહોતી. એક પછી એક ગોળીઓ સામેથી આવતી હતી.”

“બે ગોળી મારા કાન પાસેથી નીકળી ગઈ અને મને લાગ્યું કે મોત મારી સામે છે. અમારી સાથે બિરજુ નામના એક સાથીને ગોળી વાગી પરંતુ તેનું શું થયું એ ખબર નહોતી.”

"તેને અમારા બીજા સાથી લઈ ગયા. પાકિસ્તાનીઓની હિમ્મત વધતી જતી હતી. અમે ક્રાવલીંગ [કોણીથી જમીન પર આગળ ખસતા] કરીને આગળ વધતા હતા.”

“મારી સાથે હરિયાણાનો બીજો સૈનિક બિરચંદ વધુ હિમ્મતવાળો હતો. તે આગળ વધ્યો, પરંતુ તે ઘૂંટણ પર બેસીને ફાયરિંગ કરવા ગયો અને તેને પગમાં ગોળી વાગી.

"ગોળી વાગ્યા પછી તેના મોઢામાંથી હળવો અવાજ આવ્યો. હું ચમકી ગયો કે તેને છાતી પર તો ગોળી નહીં વાગી હોય ને? મેં બિરચંદ સામે જોયું અને તેને કહ્યું પૈર મેં ગોલી લગી હૈ?"

"મને થોડી ધરપત થઈ. હું તેને કવર કરી ફાયરિંગ કરતો હતો, પરંતુ લગભગ પોણો કિલોમીટર જેટલું અમે પેટથી ઘસડાઈને કોણીના આધારે આગળ વધ્યા.”

“પેન્ટની સાથળ પાસેનો ભાગ ઘસાઈને ફાટી ગયો હતો. પેટ અને સાથળનો થોડો ભાગ સહેજ છોલાયો હતો. એટલામાં તો અમારા બીજા સાથી અમારી પાસે આવી ગયા"

"મને આદેશ મળ્યો કે બિરચંદને લઈ હું પરત જાઉં. બિરચંદ ચાલી શકે એમ નહોતો. એટલા માટે બીજા સાથીઓએ અમને કવર આપ્યું. હું બિરચંદને લઈને પરત જવા નીકળ્યો.”

“મારા પેટનો ભાગ અને સાથળનો ભાગ છોલાઈ ગયો હતો. મારે એને લઈ પરત જવાનું હતું. બિરચંદનું ખાસ્સું લોહી વહી ગયું હતું.”

"હું એને પરત લઈ જઈ રહ્યો હતો. તેનાં શરીરનો ભાર મારે મારા માથે લેવાનો હતો. હું બિરચંદને લઈ ઘસડાતો-ઘસડાતો આગળ વધ્યો. મારા પેટ અને સાથળના છોલાઈ ગયેલા ભાગમાં રેતી ઘૂસી રહી હતી જેનાથી અસહ્ય પીડા થઈ રહી હતી."

"મેં આ જંગમાં પાંચ સૈનિકોને ઢાળી દીધા હતા. હું બિરચંદને સલામત સ્થળે લઈ જઉં એ પહેલાં તે બેભાન થઈ ગયો. હું તેને ખેંચી મેડિકલ સારવાર મળે ત્યાં લઈ ગયો.”

“મારી તાકાતે જવાબ આપી દીધો હતો. શરીરમાં છોલાયેલા ભાગ પર રેતીના કારણે લ્હાય બળતી હતી અને શ્વાસ ફૂલી ગયો હતો."

"મારી છાતી ધમણની જેમ ચાલતી હતી. મારા શરીરમાંથી એટલું લોહી વહી ગયું હતું કે હું બેભાન થઈ ગયો. ભાનમાં આવ્યો ત્યારે મને ખબર પડી કે અમે જંગ જીતી ગયા હતા.”

“બિરચંદને સારવાર માટે દિલ્હી લઈ ગયા હતા. ભાનમાં આવ્યો ત્યારે મારા છોલાયેલા શરીરની પીડા હું ભારતની જીતના સમાચાર સાંભળી ભૂલી ગયો."

"સરકારે મારી કામગીરી જોઈ મને બે સમરાંગણ ચંદ્રક આપ્યા. હાલમાં હું રિટાયર્ડ થઈ ગયો છું.”

“મને ખબર પડી કે સૈનિકોને સારું કામ કરવા બદલ પાંચ એકર જમીન મળે છે. મેં અરજી કરી તો મને જમીન આપવાનો આદેશ થયો, પરંતુ મારી પાસે એ સમયના તલાટીએ 1500 રૂપિયા માંગ્યા હતા. મેં પૈસા આપવાની ના પાડી, અને દસ્તાવેજોમાં ગોલમાલ થઈ કે શું અને મને જમીનના મળી."

"મેં ફરી કલેક્ટરને અરજી કરી અને કલેક્ટરે મદદ કરી જમીન આપવાનો આદેશ કર્યો. તેમણે કહ્યું કે દેશ માટે જીવની બાજી લગાવનારને જમીન આપો અને ફરીથી ફાઈલ એક ટેબલથી બીજા ટેબલ પર ફરતી થઈ.”

“એવામાં કલેક્ટરની બદલી થઈ અને મારા પિતા બીમાર પડ્યા મારા પાસે જમીન આપવાનો કાગળ આવ્યો.”

"મારી સામે શરત મૂકી કે એક મહિનામાં 50 હજાર રૂપિયા જમા કરાવવાના રહેશે. મારી પાસે પૈસા હતા નહીં અને ફરી જમીન સરકારી ઓફિસમાં અટવાઈ ગઈ.”

“હું કોર્ટમાં ગયો અને ત્યાં કેસ જીતી ગયો. આમ છતાં મને હજુ જમીન મળી નથી. ના છૂટકે મારે ઘર ચલાવવા પાનનો ગલ્લો ચલાવવો પડે છે. કારણ કે ઘરની જવાબદારી છે.”

“જો જમીન મળી હોત તો ખેતી કરીને બે પૈસા કમાઈ પેટ નો ખાડો પૂરી શકત.”

મારો દીકરો કહે છે કે જો એ વખતે 1500 રૂપિયા લાંચ આપીને જમીન લીધી હોત તો આજે બીડી વેચવા વારો ના આવ્યો હોત. પરંતુ જે દેશ માટે અમે જીવની બાજી લગાવી હોય ત્યાં જ ખોટું કરવાનું?

રવાજી કહે છે કે તેઓ જવાનીમાં દેશના દુશ્મન પાકિસ્તાનીઓ સામે લડ્યા, હવે દેશના ભ્રષ્ટાચારીઓ સામે લડી રહ્યા છે.

રવાજી ઠાકોરના કેસ અંગે વાત કરતા ગુજરાતના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે બીબીસીને જણાવ્યું કે તેઓ આ ઘટના વિષે જાણતા નથી, પરંતુ એક દેશભક્ત સૈનિક સાથે આ થાય તે ખોટું છે.

આવનારા સમયમાં રવાજીનો કેસ હાથમાં લઈ તેમને તાત્કાલિક ન્યાય આપવાની ખાતરી આપતા તેમણે કહ્યું, "દેશ માટે જીવની બાજી લગાવનારને પાનનો ગલ્લો ચલાવવો પડે એ સ્થિતિ ઊભી કરનાર જવાબદાર સરકારી કર્મચારીઓ સામે પગલાં લેવાશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો