'જેહાદી હજામો'ની આ વાઇરલ તસવીરનું સત્ય : ફૅક્ટ ચેક

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

સોશિયલ મીડિયામાં બે છોકરાની આ તસવીર એવા દાવા સાથે શૅર કરાઈ રહી છે કે મુંબઈ પોલીસે તેમની હિંદુ છોકરાઓમાં એઇડ્સ ફેલાવવાના આરોપસર ધરપકડ કરી છે.

આ તસવીર સાથેની મોટા ભાગની પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે, "જેહાદ માટે આ હૅર-ડ્રેસર છોકરાઓને એઇડ્સવાળી બ્લેડ આપવામાં આવી હતી અને તેમને હિંદુ ગ્રાહકોમાં ચીરો પાડવાનું શીખવવામાં આવ્યું હતું."

છેલ્લા કેટલાક દિવસમાં ફેસબુક અને ટ્વિટર પર વીસ હજારથી વધુ વાર આ તસવીરને શૅર કરવામાં આવી છે.

આ તસવીર સાથે એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે "આ બે છોકરાએ પોલીસ સામે કબૂલ કર્યું છે કે તેમને જેહાદ માટે મસ્જિદો તરફથી પૈસા મળતા હતા."

ઘણાં દક્ષિણપંથી વલણવાળાં ફેસબુક ગ્રૂપમાં લોકોએ આ તસવીર શૅર કરી છે અને લખ્યું છે કે 'હિંદુઓએ આ સમાચારથી સતર્ક રહેવું જોઈએ અને મુસ્લિમ હજામોનો બહિષ્કાર કરવો જોઈએ.'

બીબીસીને સોથી વધુ વાચકોએ આ તસવીર વૉટ્સઍપના માધ્યમથી મોકલી છે અને તેની ખરાઈ જાણવા માગી છે.

આ તસવીરની તપાસ કરતા અમને એ જાણવા મળ્યું કે વાઇરલ તસવીરમાં દેખાઈ રહેલા છોકરા હૅર-ડ્રેસર નથી.

કોઈએ જૂની તસવીરને ખોટી રીતે દર્શાવીને અફવા ફેલાવી છે, જેની અસર મુસ્લિમ હજામોના રોજગાર પર પડી શકે છે.

તસવીરનું સત્ય

વાઇરલ તસવીરમાં બે છોકરા દેખાઈ રહ્યા છે જેને પોલીસે પકડી રાખ્યા છે.

આ તસવીર પર ટીવી ન્યૂઝચેનલ 'ઇન્ડિયા ટીવી'નો લોગો દેખાઈ રહ્યો છે, જેને જોઈને લાગે કે આ અહેવાલ ટીવી પર પ્રસારિત થયો હશે.

પરંતુ રિવર્સ ઇમેજ સર્ચના માધ્યમથી અમને જાણવા મળ્યું છે કે આ મામલો વર્ષ 2013નો છે. આ બંને છોકરાની છ વર્ષ પહેલાં બિહારના છપરા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી.

મુંબઈ પોલીસે 11 જુલાઈ, 2013માં બિહારની એક કોર્ટમાં હાજર કર્યા પછી આ બંનેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા.

મુંબઈ પોલીસ અનુસાર આ બંને પર મુંબઈના એક વેપારીના ઘરમાંથી ચોરી કરવાનો આરોપ હતો.

બાદમાં 17 જુલાઈ, 2013માં મુંબઈ પોલીસે પ્રેસ-કૉન્ફરન્સ કરીને આ બંને પર આરોપ મૂક્યો હતો કે તેમણે ઘરેણાં, 30થી વધુ ક્રૅડિટ-કાર્ડ અને 17 ચેકબુક ચોરી હતી.

આ સમાચાર એ જ દિવસે ટીવી ચેનલ 'ઇન્ડિયા ટીવી' સહિત કેટલીક ટીવી ન્યૂઝચેનલોમાં પ્રસારિત થયા હતા.

આ સમાચારે બધાને ચોંકાવી દીધા હતા, કેમ કે વાઇરલ તસવીરમાં લીલા રંગની ટી-શર્ટ પહેરેલ જે શખ્સ છે એ ભોજપુરી કલાકાર ઇરફાન ખાન છે. તેમણે બે ભોજપુરી ફિલ્મમાં ઍક્ટિંગ કરી હતી.

ઇરફાન ખાન સાથે તેમના મિત્ર સંજય યાદવની પણ મુંબઈ પોલીસે ચોરીના આ કેસમાં ધરપકડ કરી હતી.

ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સક્રિય લોકોએ જણાવ્યું કે ઇરફાન ખાન હવે ફિલ્મી દુનિયામાં સક્રિય નથી.

સોશિયલ મીડિયામાં જે દાવો કરાઈ રહ્યો છે, તો શું ખરેખર મુંબઈ પોલીસે આવા મુસ્લિમ હજામોની ધરપકડ કરી છે?

આ વિશે જ્યારે અમે બાંદ્રા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સાથે વાત કરી તો તેમણે આ વાતને ખોટી ગણાવી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો