વર્લ્ડ કપની એક સુપર ઓવરમાં જ જાણે કે એક વર્ષ મોટા થઈ ગયા - ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાને જોક માર્યો

ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જૅસિંડા અર્ડર્ને ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં પોતાના દેશ ન્યૂઝીલૅન્ડને મળેલી ઇંગ્લૅન્ડ સામેની હાર બાદ જોક્સ મારતાં કહ્યું કે આ હાર માનસિક રીતે આઘાતજનક હતી.

પરંતુ તેમણે ન્યૂઝ આઉટલેટ આરએનઝેડ સાથેની વાતચીતમાં કહ્યું કે તેમને તેમની ટીમ પર "માન્યામાં ન આવે તેવો ગર્વ" છે.

સોશિયલ મીડિયા પર ઘણા લોકો કહે છે કે ન્યૂઝીલૅન્ડની ટીમ ભલે મૅચ હારી ગઈ હોય, પરંતુ તેણે લોકોનાં દિલ જીતી લીધાં છે.

ન્યૂઝીલૅન્ડ ટેકનિકલ રીતે બાઉન્ડરીના નિયમને કારણે હારી ગયું અને તેણે ઇંગ્લૅન્ડને પહેલી વાર વર્લ્ડ કપ જીતવાની તક આપી.

મિસ અર્ડર્ને રેડિયો ન્યૂઝીલૅન્ડને કહ્યું, "મને લાગે છે કે ન્યૂઝીલૅન્ડના અનેક લોકોની જેમ મને પણ ઘણો માનસિક રીતે આઘાત લાગ્યો છે."

"પરંતુ કોઈ પણ પ્રકારના છેવટના પરિણામની આશા રાખ્યા વિના મને મારી ટીમ પર આશ્વર્યજનક રીતે ગર્વ છે. અને મને આશા છે કે ન્યૂઝીલૅન્ડના તમામ લોકો પણ યાદ રાખશે કે તેઓ યાદગાર ક્રિકેટ રમ્યા છે."

ઇન્સ્ટાગ્રામની પોસ્ટમાં મિસ અર્ડર્ને ઇંગ્લૅન્ડને અભિનંદન આપતાં કહ્યું કે 'મને લાગે છે આપણે એક સુપર ઓવરમાં વર્ષ મોટા થઈ ગયા.'

રૉયલ પરિવારના ટ્વિટર એકાઉન્ટે રાણીના શબ્દો ટાંકીને કહ્યું, 'ન્યૂઝીલૅન્ડે આખી ટુર્નામેન્ટમાં પ્રશંસાપાત્ર રમત રમી છે.'

ગત રવિવારે (14 જુલાઈ) રમાયેલી મૅચમાં ન્યૂઝીલૅન્ડને બીજી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં હાર મળી. આ પહેલાં ઑસ્ટ્રેલિયા સામે 2015માં હાર મળી હતી.

તેમની હાર છતાં પણ અનેક લોકો તેમની 'સ્પૉર્ટ્સમૅન સ્પિરિટ'ની પ્રશંસા કરી રહ્યા છે.

ન્યૂઝીલૅન્ડના ખેલાડી જિમ્મી નીશામે મૅચ પૂર્ણ થયા પછી ટ્વીટ કરીને જોક્સ મારતાં બાળકોને સલાહ આપી કે બાળકોએ ક્રિકેટ રમવું ન જોઈએ.

તેમણે ન્યૂઝીલૅન્ડના દર્શકોની માફી પણ માગી અને કહ્યું, 'તમે અત્યંત ઉત્કટતાથી જે ઇચ્છતા હતા તે અમે આપી શક્યા નથી.'

તેમના સાથી ખેલાડી રોસ ટેલરે પોતાની હસતી દીકરી અને રડતાં દીકરાનો ફોટો મૂકીને કહ્યું, "આ પ્રકારની ગેમ પછી જોવા મળેલું લાગણીઓનું મિશ્રણ"

મિસ અર્ડર્ને સ્થાનિક મીડિયામાં થઈ રહેલી ચર્ચામાં કહ્યું કે પરત ફરી રહેલા ખેલાડીઓનું સ્વાગત કરવાનો યોગ્ય માર્ગ છે.

તેણીએ કહ્યું કે, "તેમનું હીરો જેવું સ્વાગત થવું જોઈએ. તેઓ તેના હકદાર છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો