મોદી-શાહ : શું એકજૂટ વિપક્ષ ભાજપને 2019માં હરાવી શકશે?

    • લેેખક, ભરત શર્મા
    • પદ, બીબીસી સંવાદદાતા

વર્ષ 2014ની લોકસભા ચૂંટણીની બાજી નરેન્દ્ર મોદીએ એકલા હાથે પલટી દીધી હતી. ભાજપના ઘણાં નેતાઓએ ચૂંટણી પ્રચારમાં જોર અજમાવ્યું હતું, પણ જે નરેન્દ્ર મોદીએ કર્યું તે કોઈ નહોતું કરી શકતું.

રાજકીય રીતે દેશની રાજનીતિમાં સૌથી મહત્ત્વપૂર્ણ ગણાતા ઉત્તર પ્રદેશમાં પણ મોદી મેજીક કામ કર્યું, સાથેસાથે જ ધ્રુવિકરણની અસર પણ જોવા મળી.

સમાજવાદી પાર્ટીની મુસલમાન-યાદવ વોટબેન્ક હોય અથવા બહુજન સમાજ પાર્ટીનો દલિતોવાળો દાવ હોય, પણ હિંદુ-મુસલમાનની બાજી સામે બધા જ હારી ગયા.

પરિણામે ઉત્તરપ્રદેશની 80માંથી 73 બેઠકો ભાજપે જીતી હતી.

આપને આ પણ વાંચવું ગમશે

ધ્રુવિકરણમાં વધુ ભૂમિકા પશ્ચિમ ઉત્તરપ્રદેશ ખાસ કરીને કૈરાનાએ નિભાવી.

વર્ષ 2013માં આ વિસ્તાર ભંયકર રમખાણોનું સાક્ષી બન્યું હતું, પણ દોઢ વર્ષ બાદ સત્તા પલટી.

એક બીજાને દુશ્મન માનતા લોકોએ હાથ મિલાવી લીધા અને મોટા દુશ્મનોને હરાવી દીધા.

પરિણામે ભાજપના નેતા હુકુમ સિંહે જે કૈરાનાને અઢી લાખ વોટથી જીત્યું હતું, તે જ કૈરાના ભાજપ સામે વિપક્ષી દળો એકજૂટ થતા બદલાઈ ગયું અને હુકુમ સિંહના પુત્રી મૃગાંકાની હાર થઈ.

કઈ રીતે આખું ચિત્ર બદલાયું?

ભાજપ સામે રાષ્ટ્રીય લોક દળની તબસ્સુમ હસન હતાં, પરંતુ વિજયનું કારણ માત્ર અજિતસિંહ અથવા તેમનો પક્ષ ન હતો.

વિજય મળ્યો કેમ કે આરએલડીની સાથે સાથે સ.પા, બસપા, કોંગ્રેસ ઊભા હતા.

કર્ણાટક બાદ વિપક્ષી દળોની મિત્રતા અને તેમની એકતાને કારણે ભાજપ વિજય ન મેળવી શક્યો તેનું તાજેતરનું બીજું ઉદાહરણ હતું.

આવી નાનીનાની લડાઈએ મોટીમોટી લડાઈ માટે વિપક્ષી દળોને એકજૂટ થવા અને ભાજપને ચિંતા કરાવવાનું મોટું કારણ આપ્યું છે.

હવે દરેક ચૂંટણી પરિણામને 2019ની લોકસભાની ચૂંટણી સાથે જોડી દેવામાં આવે છે.

આથી હવે આગળ શું થશે તે વાત મહત્ત્વની છે. શું વિપક્ષ તેમની એકજૂટ થઈને બનેલી મિત્રતા કાયમ રાખીને 2019માં ભાજપને ટક્કર આપી શકશે?

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક નીરજા ચૌધરીએ બીબીસીને જણાવ્યું કે વિપક્ષનું ગઠબંધન, ઘરેઘરે મતદાતા સુધી પહોંચવું અને જાતિગત સમીકરણ આમ ત્રણ વસ્તુઓએ ભાજપને હરાવી દીધો.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમણે કહ્યું,"વિપક્ષી દળોને લાગી રહ્યું છે કે આવું કરીને જીત સુધી પહોંચી શકાય છે. આથી તેઓ હજુ વધુ એકજૂટ થશે અને હાલ ભાજપ શું કરશે તે સમજાઈ નથી રહ્યું."

કૈરાના માટે શું બહાનું?

નીરજા ઉમેરે છે, "માત્ર કૈરાનામાં જ શેરડીના ખેડૂતોની 800 કરોડની ચૂકવણી બાકી હતી, ત્યારે સરકારે પહેલ ન કરી તે ચોંકાવનારું છે. તે એક પ્રકારે માનસિકતા દર્શાવે છે.

"પહેલાં આવું નહોતું થતું, આવું કંઈક થવા પર તરત જ મોદી-શાહની જોડી સક્રિય થઈ જતી હતી. સરકાર પણ ઝડપથી પગલાં લેતી હતી.

"પણ કૈરાનામાં આવું ન થયું. શું ઇચ્છાશક્તિ નથી? બિહાર, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઝારખંડ આમ આ રાજ્યોમાં કુલમળીને 182 બેઠકો છે.

"એવામાં જો વિપક્ષ એકજૂટ થઈ જાય તો ભાજપ માટે ઘણી મુશ્કેલી થઈ જશે."

નીરજાએ કહ્યું,"ભાજપ મોદીના વ્યક્તિત્વ, તેમના નેતૃત્વનું બ્રાન્ડિંગ કરશે. બીજી તરફ કોઈ ચહેરો નથી દેખાતો. વળી લોકસભામાં એક રાષ્ટ્રીય સ્તરનો ચહેરો બતાડવો પડે છે."

તેમણે વધુમાં કહ્યું, "મોદી સરકાર અને ભાજપને કંઈક કરવું હોય તો આગામી ચાર મહિનામાં કરવું પડશે કેમ કે 2019 ઝડપથી નજીક આવી રહ્યું છે."

પણ વિપક્ષની એકતા તોડવા માટે ભાજપ શું શું કરી શકે છે? શું ખરેખર તે આ રણનીતિનો અમલ થશે?

રાજકીય વિશ્લેષક રાશિદ કિદવઈ અનુસાર ભાજપે જો જીતવું હોય તો વિપક્ષની એકતા તોડવી પડશે.

તેમણે કહ્યું, "કોંગ્રેસ પક્ષ જો નબળો રહેશે તો એકતા જળવાઈ રહેશે.

"ક્ષત્રિયોને લાગે છે કે જ્યાં સુધી કોંગ્રેસ કમજોર રહેશે, તેમનું સમર્થન કરતી રહેશે.

"મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં જો ભાજપ હારી જશે, તો કોંગ્રેસ મજબૂત થશે.

"જો આમ થાય, તો તમે જોશો કે મોદી વિરોધી જૂથમાં ફાટફૂટ થવાની ચાલુ થઈ જશે.

"આ તમામ દળો ભાજપને હરાવવા એટલા માટે એકજૂટ નથી થયા કે તેઓ કોંગ્રેસને સત્તા અપાવી શકે, પણ આ પક્ષો કોંગ્રેસના દમ પર ખુદ સત્તા સુધી પહોંચવા માગે છે."

ભાજપ પાસે શું તક છે?

આ મામલે કિદવઈએ કહ્યું, "વર્ષ 2014માં મોદીની જીત માટે ઘણાં કારણો જવાબદાર હતાં. લોકોને યુપીએ સરકાર પસંદ નહોતી.

"મોદીએ આશા જગાવી. ભ્રષ્ટાચાર મામલે પ્રહાર કર્યો, પણ આ વખતે આ બધું મુશ્કેલ હશે કેમ કે હવે તેમણે ખુદ જવાબ આપવા પડશે."

તેમણે કહ્યું, "એ વાત પણ સાચી છે કે કોંગ્રેસે વર્ષ 2014થી અત્યાર સુધી કોઈ ચૂંટણી જીતી નથી. કોઈ પણ પક્ષ રાહુલ ગાંધી અથવા કોંગ્રેસને વડાપ્રધાન પદ આપવા નહીં ઇચ્છે."

કેટલાંક જાણકારોનું એવું પણ કહેવું છે કે પેટા-ચૂંટણીઓને 2019-લોકસભા ચૂંટણી સાથે જોડવી યોગ્ય નથી.

વરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંહે કહ્યું કે વિપક્ષી દળોનું ઉત્તરપ્રદેશની બહાર કોઈ સમીકરણ બને એવું લાગતું નથી.

માની લો કે જો આવું થાય છે તો ચન્દ્રાબાબુ નાયડુ પશ્ચિમ બંગાળમાં જઈને શું કરશે અને મમતા બેનર્જી આન્ધ્ર પ્રદેશમાં જઈને શું કરશે?

એટલું આસાન નહીં રહે 2019?

સિંહે કહ્યું, "ઉત્તરપ્રદેશ એકમાત્ર એવું રાજ્ય છે, જ્યાં સપા-બસપા એક સાથે આવીને અંકગણિત અને કેમિસ્ટ્રી બદલાતી જોવા મળી રહી છે. ભાજપ માટે આ ચિંતાનો વિષય છે."

તેમ છતાં પેટા-ચૂંટણીઓ અલગ હોય છે અને લોકસભા ચૂંટણી અલગ. જ્યારે 80 બેઠકો પર ચૂંટણી થશે ત્યારે એ સંભવ નહીં હોય.

તેમણે કહ્યું,"સપા-બસપા-કોંગ્રેસ-આરએલડીમાં બસપા એકમાત્ર એવો પક્ષ છે જે તેમના મત ટ્રાન્સફર કરી શકે છે.

"શું સપા તેમની વોટબેન્ક, બસપાના ખાતામાં કરી શકશે. એ બાબતની પરીક્ષા હજુ બાકી છે."

શું દાવ રમશે અમિત શાહ?

પ્રદીપસિંહ ઉમેરે છે, "અખિલેશ મુસલમાન-યાદવોના નેતા છે. વળી એકદમ પછાત વર્ગ ભાજપ તરફ જતો રહ્યો છે.

"આ વોટબેન્કને જોઈને જ યોગી આદિત્યનાથે 17 અતિ પછાત જાતિઓને અનૂસુચિત જાતિમાં સમાવિષ્ટ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે.

"આ સિવાય યુપી-કેન્દ્ર સરકાર પછાત વર્ગના 27 ટકા આરક્ષણ હેઠળ અતિ-પછાત માટે ક્વોટા આપવાની તૈયારી કરી રહી છે.

"કેટલાંક જાણકાર માને છે કે મોદી વિરુદ્ધ આ વિપક્ષનું એકજૂટ થવું મોદી માટે ફાયદાકારક છે."

તેમણે કહ્યું, "જે રીતે વર્ષ 1971માં ઇન્દિરા ગાંધીને ફાયદો થયો હતો, તેવો જ ફાયદો મોદીને પણ થઈ શકે છે."

પરંતુ જો ભાજપને બહુમત માટે બેઠકો નહીં મળી તો શું થશે?

આ અંગે પ્રદીપ સિંહે કહ્યું, "આવી સ્થિતિમાં દક્ષિણ ભારતના પક્ષો ભાજપના સમર્થનમાં આવી શકે છે.

"અમિત શાહને ખબર છે કે તેમની સાથે જોડાનારા પક્ષની કમી નહીં હોય. આથી તેઓ 50 ટકા વોટ શેરની વાત કરતા હતા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો