You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતી માછીમારોની વ્યથા: 'ઘરમાં હું ને ચાર દીકરીઓ છીએ, અમે શું કરીએ?'
યમનના સોકોત્રા ટાપુ પર મેકેનૂ વાવાઝોડાના કારણે ફસાયેલા 38 ભારતીય માછીમારો બચાવી લેવાયા છે. ભારતીય નેવીએ ખાસ ઑપરેશન હાથ ધરીને આ ભારતીયોને બચાવી લીધા છે.
ઇન્ડિયન નેવીની પ્રેસ રિલીઝ અનુસાર, ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ઇન્ડિયન સેલિંગ ઍસોસિયેશન અને ડિરેક્ટરેટ જનરલ ઑફ શિપિંગ દ્વારા મદદ માગવામાં આવી હતી.
જેને પગલે નેવીએ ઑપરેશન 'નિસ્તર' હેઠળ બચાવ કામગીરી હાથ ધરી હતી અને સોકોત્રા ટાપુ પર ફસાયેલા ભારતીયોને બચાવી લીધા હતા.
જહાજ ડૂબ્યું, 12 ભારતીયો ગુમ
યમનમાં 24 મેના રોજ 'મેકેનુ' વાવાઝોડું ત્રાટક્યું હતું, જેમાં 38 ભારતીય ફસાઈ ગયા હતા. તો કેટલાંક ભારતીય જહાજોને નુકસાન પણ થયું હતું.
નેવીની પ્રેસ રિલીઝ જણાવે છે કે, તોફાનને કારણે બંદર પર લાંગરેલા ત્રણ ભારતીય ધાવ(દેશી બનાવટનું વહાણ)ને નુકસાન પહોંચ્યું હતું.
તો મેકૂને કારણે એમએસવી 'સફિના-અલ-ખિજર્' નામનું ભારતીય વહાણ ડૂબી ગયું હતું. એ જહાજમાં 12 ભારતીયો હોવાની પણ જાણકારી મળે છે. જોકે, હજુ સુધી એમના કોઈ સગડ મળ્યા નથી.
ઑપરેશન 'નિસ્તર'
ઇન્ડિયન સેલિંગ ઍસોસિયેશન અને ડિરેક્ટરેટ જનરલ ઑફ શિપિંગ દ્વારા મદદ માગવામાં આવતા નેવી દ્વારા બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
'આઈએનએસ સુનયના'એ ત્રીજી જૂને સોકોત્રાના કાઠે 'ઑપરેશન NISTAR' શરૂ કર્યું હતું અને ફસાયેલા ભારતીયોને બચાવી લેવાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બચાવી લેવાયેલા ભારતીયોને નેવી દ્વારા તબીબી સારવાર અને ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.
તો સાથે જ, પરિવારજનોને સાથે વાત કરવા માટે ટેલિફોનિક સુવિધાની પણ વ્યવસ્થા કરાઈ હતી.
જે વખતે આ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું એ વખતે આઈએનએસ સુનયના ઍડનના અખાતમાં ભારતીય નેવીના અભિયાન અંતર્ગત લાંગરાયેલું હતું.
આ ભારતીયોને હાલમાં નેવી દ્વારા પોરબંદર ખાતે લાવવામાં આવી રહ્યા છે.
'બાપદાદાનો ધંધો કેમ છોડી દેવો?'
બચાવી લેવાયેલા ભારતીયમાં સલાયાના સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ ઇસ્માઇલભાઈ પટેલના 24 વર્ષના ભત્રીજા બિલાલ ઇસાક પણ સામેલ છે.
ઇસ્માઇલભાઈએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, ''ખુદાની મહેરબાની કે એ લોકો બચી ગયા.
''એ લોકો જ્યારે દરિયો ખેડી રહ્યા હતા, ત્યારે જ તોફાનની આગાહી કરવામાં આવી હતી. પણ, સમય રહેતા કિનારે પહોંચી જવાશે એવું એમનું અનુમાન હતું.
''જોકે, આ અનુમાન ખોટું પડતા એ લોકો ફસાઈ ગયા હતા. એ લોકો હવાનું આંકલન યોગ્ય રીતે કરી ના શકાય અને તોફાને એમને ઘેરી લીધા.''
ભારતીય નેવીનો આભાર માનતા ઇસ્લાઇલભાઈ જણાવે છે કે ''નેવીનો ખૂબખૂબ આભાર કે એમણે અમારા લોકોને સહીસલામત બચાવી લીધા.''
પેઢીઓથી દરીયો ખેડતા ઇસ્માઇલભાઈ ઉમેરે છે, ''ખબર છે કે દરિયો ખેડવામાં મોતનું જોખમ છે. પણ શું કરીએ? બાપદાદાનો ધંધો છે. બાપદાદાનો ધંધો કેમ છોડી દેવો?''
'મારા પરિવારના ત્રણત્રણ લોકો ગુમ'
આ તોફાનમાં સલાયાના તાલેબ સાંગરનું 'અતા-એ-ખ્વાજા' નામનું વહાણ ગુમ થઈ ગયું છે. વહાણ સાથે તાલેબના ભાઈ અને બે ભત્રીજા એમ ત્રણત્રણ વ્યક્તિઓ ગુમ થઈ ગઈ છે.
બીબીસી સાથેની વાતચીતમાં તાલેબે જણાવ્યું, ''અમારા વહાણમાં 9 લોકો સામેલ હતાં. જેમાંથી પાંચને બચાવી લેવાયા છે.''
''પણ, ભાઈ અને બે ભત્રીજા એમ મારા પરિવારના ત્રણત્રણ લોકોની કોઈ ભાળ મળી શકી નથી. ''
દરીયો ખેડવાના તમામ જોખમ જાણતા હોવા છતાં તાલેબનો પરિવાર વહાણવટુ કરે છે.
બીજો કોઈ વ્યવસાય કરવા આર્થિક રીતે અક્ષમ હોવાનું જણાવતા તાલેબ ઉમેરે છે, ''અમારા બાપદાદાનો ધંધો જ વહાણવટાનો છે અને અમે એ જ કરતાં આવ્યા છીએ. ''
''દરિયો ખેડવામાં જીવનું જોખમ છે એ શું અમે નથી જાણતા? પણ, શું કરીએ? અમે કોઈ ભણેલાગણેલા નથી અને બીજો કોઈ ધંધો આવડતો નથી. પૈસા પણ નથી કે બીજું કંઈ કરી શકીએ.''
તાલેબનું કહેવું છે કે તેમના પરિવાર પાસે એક જ વહાણ હતું અને એ પણ ગુમ થઈ ગયું. એ વહાણ પર 50 લોકો નભતા હતા.
'મારો પતિ અને મારો દીકરો...'
તોફાન બાદ તાલેબભાઈના ભાઈ રઝાક સંગાર અને તેમના ભત્રીજા હાસમ સંગારના કોઈ જ સગડ મળી શક્યા નથી.
રઝાકના પત્ની શાયરાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, ''મારા પતિ અને મારા દીકરાની કોઈ ખબર નથી. ઘરમાં કમનારા એ જ હતા. ઘરમાં હું ને ચાર દીકરીઓ છીએ. અમે શું કરીએ?''
શાયરા ઉમેરે છે, ''એકનો એક દીકરો હતો. દરિયો ખેડવા માટે મોકલવાનો જીવ નહોતો ચાલતો પણ શું કરીએ? ખાધા વગર થોડું ચાલે? બાપદાદાનો આ જ ધંધો હતો ને આના સિવાય અમે કરી પણ શું શકીએ? ''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો