You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-પાકિસ્તાનના માછીમાર પરિવારોની વ્યથા
- લેેખક, રોક્સી ગાગડેકર છારા અને શુમાયલા જાફરી
- પદ, ગુજરાત અને સિંધ-પાકિસ્તાન
લૈલા અને અમૃત વચ્ચે વિશાળ અરેબિયન સમુદ્ર છે. અમૃત ભારતમાં અને લૈલા પાકિસ્તાનમાં રહે છે. જો કે તેમની વચ્ચેની ઘણી બાબતોમાં સામ્યતા છે.
તે બન્નેના પતિ એકબીજાના દેશની જેલમાં કેદ છે. લૈલા પાંચ બાળકોની માતા છે અને અમૃતને ચાર બાળકો છે.
લૈલાના પતિ ભારતની જેલમાં કેદ છે, જ્યારે અમૃતના પતિ પાકિસ્તાનની જેલમાં.
માછીમારી કરતી વખતે દરિયાઈ જળસીમા પાર કરી જતા - સરહદનું ઉલ્લંઘન કરતા તે બન્નેના પતિની ધરપકડ થઈ હતી.
પણ તેમનું કહેવું છે કે તેઓ નિર્દોષ છે અને તેમણે ઈરાદાપૂર્વક કે કોઈ બદઇરાદો પાર પાડવા દરિયાઈ સરહદનું ઉલ્લંઘન નહોતું કર્યું.
છતાં સુહાગે વિધવા?
વર્ષ 2016ના ડિસેમ્બરમાં દરિયાઈ જળસીમાનું રખોપું કરતા કોસ્ટ ગાર્ડે લૈલાના પરિવારના 16 સભ્યોની અટકાયત કરી હતી.
બીજી તરફ વર્ષ 2017ના જાન્યુઆરી મહિનામાં અમૃતના પતિ કાનજી અને અન્ય છ સભ્યોની પાકિસ્તાન કોસ્ટ ગાર્ડ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અત્રે નોંધવું રહ્યું કે જ્યારે પણ ઈસ્લામાબાદ અને નવી દિલ્હી વચ્ચેના સંબંધો બગડે છે ત્યારે તેની સૌથી પહેલી અસર દરિયો ખેડવા ગયેલા માછીમારો પર થાય છે.
તમને આ પણ વાંચવું ગમશે
લૈલા અને અમૃત બન્ને નાની બાળકીઓની માતા છે. આ બાળકીઓ તેમની માતાને એક જ સવાલ પૂછતી રહે છે કે, "મારા પિતા દરિયામાંથી ક્યારે પરત આવશે?"
પાકિસ્તાનના ઝાંગીસાર ગામમાં રહેતા લૈલાએ કહ્યું, "મારા બાળકો તેના પિતાને ખૂબ જ યાદ કરે છે. ખાસ કરીને મારી નાની બાળકી વધુ યાદ કરે છે."
"તે હંમેશા તેના પિતા વિશે જ પૂછ્યા કરે છે અને તેમના પરત આવવા અંગે સપનાં જોયા કરે છે."
ઝાંગીસાર ગામ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ઈન્ડસ ડેલ્ટા પાસે આવેલું છે જ્યાં માછીમારોનો નાનો સમુદાય રહે છે.
જો કે સામે છેડે દરિયા પાર પશ્ચિમ ભારતમાં દીવ નજીક આવેલા એક ગામમાં અમૃત તેના પરિવાર સાથે રહે છે.
અમૃત તેની તેર વર્ષની પુત્રી નમ્રતાને દિલાસો આપતી રહે છે કે તેના પિતા જલ્દી જ પાછા આવશે.
સંઘપ્રદેશ દીવમાં આવેલું વણાકબારા માછીમારોની બહુમતી વસતી ધરાવતું એક ગામ છે. જ્યાં મોટાભાગના લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
અમૃતે કહ્યું કે તેના પરિવારનું ભરણ-પોષણ કરવા તેણે વ્યાજે રૂપિયા ઉધાર લેવા પડ્યા હતા.
તેમણે ઉમેર્યું,"મેં નાણાં ધિરનાર વ્યક્તિને વચન આપ્યું હતું કે મારા પતિ પાકિસ્તાનની જેલમાંથી છૂટીને આવી જશે પછી હું તેમના પૈસા આપી દઈશ."
સરકારની નિષ્ક્રિયતા
પાકિસ્તાનના પ્રતિનિધિઓનું કહેવું છે કે આ માછીમારો નાની ક્રિકમાં થઈને રોજીરોટી માટે જાય છે અને કેટલીક વખત ખુલ્લા અફાટ દરિયામાં દિશાભાન રહેતું નથી.
આમ કરતાં તેઓ દરિયાઈ સરહદ ઓળંગી જતા તેમની ધરપકડ થાય છે અને પછી તેમને જેલમાં પૂરી દેવામાં આવે છે. ક્યારેક તેમને આજીવન કેદની સજા કરવામાં આવે છે.
જો દરિયાઈ સરહદનું ઉલ્લંઘન ગેરકાનૂની છે તો તેમને કાયદા પ્રમાણે માત્ર ત્રણ જ મહિનાની જેલ થવી જોઈએ.
ભારતમાં માછીમારોના પ્રતિનિધિઓનું પણ આમ જ કહેવું છે.
ગુજરાતમાં પોરબંદર ફિશીંગ બોટ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ મનીષ લોઢારી કહે છે કે જ્યારે જ્યારે પણ પાકિસ્તાનની મરીન સિક્યુરિટી એજન્સી ભારતીય માછીમારની ધરપકડ કરતી હોય છે ત્યારે અમારું સંગઠન કાનૂની મદદ માટે ભારત સરકારનો સંપર્ક કરે છે.
"આ એક લાંબી પ્રક્રિયા છે અને જો બધું ઝડપથી થાય તો પણ પાકિસ્તાનમાં ધરપકડ થયા બાદ પોતાના ઘરે પરત ફરવા માછીમારને એકંદરે એક મહિના જેટલો સમય લાગી જાય છે."
ભારત અને પાકિસ્તાન બન્નેએ આ મુદ્દે સમસ્યાના સમાધાન માટે પોતાના ન્યાયિક પંચો બનાવેલા છે.
તેમના દ્વારા એવી ભલામણ કરવામાં આવી હતી કે ન્યાયિક પંચે દર વર્ષે એક વાર એકબીજાના દેશમાં જેલમાં કેદ રખાયેલા માછીમારોની મુલાકાત લેવી.
તેમને ઉચ્ચ સ્તરનો કાઉન્સેલિંગ એક્સેસ મળે તે બાબતની દરકાર કરવી જોઈએ. ઉપરાંત તેમને જેલમાં સારું ભોજન અને તબીબી સહાય પણ મળવી જોઈએ.
જો કે ક્યારેય આ પ્રકારની ભલામણોનો અમલ નથી કરાયો.
વળી, બન્ને દેશોએ માછીમારોની ધરપકડ પર નિયંત્રણ મૂકતા આંતરરાષ્ટ્રીય કાયદા પર હસ્તાક્ષર કર્યા છે તેમ છતાં તેની અવગણના કરવામાં આવે છે.
માછીમારોના મુદ્દે નિરાકરણ લાવવા દર છ મહિને એક બેઠક થાય છે પણ તેમાં પ્રગતિ ઘણી જ ધીમી છે.
શાંતાબેનના પતિ કાનજીભાઈની જાન્યુઆરી મહિનામાં પાકિસ્તાની કોસ્ટ ગાર્ડના અધિકારીઓ દ્વારા ધરપકડ થઈ હતી.
મોટાભાગે બન્ને તરફની મહિલાઓ અશિક્ષિત હોવાથી તેમના પતિની ભાળ મેળવવાનું તેમના માટે કઠિન હોય છે.
શાંતા કહે છે, "મારા પતિને શોધવા કે તેમનો કેસ લડવા માટે અમને બોટના માલિક તરફથી પણ કોઈ આર્થિક કે કાયદાકીય સહાય નથી મળતી."
દુઃખ અને નુકસાન
દરમિયાન પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ઝાંગીસારમાં સલમા પણ ઘણી દુઃખી છે. તેમના પુત્રની ધરપકડ વિશે તેમને અખબારો - ટીવીના માધ્યમથી ખબર પડી હતી.
તેમણે કહ્યું, "મેં મારા પુત્રની તસવીર ઈન્ટરનેટ પર જોઈ અને મને તેની ધરપકડ વિશે જાણ થઈ. પાકિસ્તાને ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી અને તે અમારા પુત્રોને જેલના સળિયા પાછળ લઈ ગયા."
તેમણે વધુમાં ઉમેર્યું કે તેમના પતિ દીકરાની ધરપકડના સમાચાર જાણીને દુઃખી થતા એક મહિનામાં જ આ દુનિયા છોડી ગયા.
સલમાએ કહ્યું, "સરકારે અમને સહાય કરવી જોઈએ અને (પાકિસ્તાન) સરકારે (ભારતના) માછીમારોને મુક્ત કરી દેવા જોઈએ જેથી ભારત પણ અમારા બાળકોને મુક્ત કરી દે."
બીજી તરફ ભારતના દીવમાં રહેતા શાંતા કોળીપટેલ પણ આવો જ મત ધરાવે છે.
"આ પાકિસ્તાની મહિલાઓ પણ અમારી જેમ જ સમસ્યાનો કરી રહી છે. માછીમારોનું જીવન બન્ને દેશમાં એકસરખું જ છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો