પાક સેના: ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શક્યતા નહીં

પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશનના ડાયરેક્ટર જનરલ (ડીજી) મેજર જનરલ આસિફ ગફૂરે સોમવારે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની કોઈ શક્યતા નથી.

રાવલપિંડી ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતા મેજર જનરલ ગફૂરે કહ્યું હતું કે બંને દેશો પરમાણુ શક્તિ ધરાવે છે.

તેમણે આરોપ મૂક્યો હતો કે 2017-18 દરમિયાન ભારત દ્વારા સૌથી વધુ વખત સંઘર્ષ વિરામનો ભંગ કરવામાં આવ્યો હતો, જેમાં નિર્દોષ નાગરિકો ભોગ બન્યા હતા.

ભારત દ્વારા સરહદ પર તણાવ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવામાં આવે છે.

મેજર જનરલ ગફૂરના કહેવા પ્રમાણે, 2017 દરમિયાન સરહદ પર સંઘર્ષ વિરામની ઘટનાઓમાં 52 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 254 લોકો ઘાયલ થયા હતા.

આપને આ પણ વાંચવું ગમશે

મેજર જનરલ ગફૂરે કહ્યું હતું કે, 2003માં થયેલા સંઘર્ષ વિરામ કરારનું ભારતે સન્માન કરવું જોઈએ.

તેમણે ઉમેર્યું, "બંને રાષ્ટ્રો અણુ હથિયાર સંપન્ન છે. યુદ્ધની કોઈ શક્યતા નથી."

"ભારતે નક્કી કરવાનું છેકે કઈ રીતે આગળ વધવું? પાકિસ્તાન શાંતિ ઇચ્છે છે, તેનો મતલબ એવો નથી કે તે નબળું છે."

"જો ભારત દ્વારા અમારા નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવશે, તો અમે પણ જવાબ આપીશું."

મેજર જનરલ ગફૂરે સ્વીકાર્યું હતું કે અમેરિકા સાથે પાકિસ્તાનના સંબંધ વણસ્યા છે, પરંતુ પાકિસ્તાન આતંકવાદ સામેનું અભિયાન ચાલુ રાખશે.

તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાને આતંકવાદ સામે જે કાંઈ કર્યું તે દુનિયાની કોઈ સેના ન કરી શકે અને પાકિસ્તાન પોતાનાં હિતો સાથે સમાધાન નહીં કરે.

સકારાત્મક પહેલ

સરહદ પર તણાવની વચ્ચે કેટલાક સકારાત્મક અહેવાલો પણ બહાર આવી રહ્યા છે.

ઇતિહાસમાં પહેલી વખત ઇસ્લામાબાદ ખાતેના ભારતીય દૂતાવાસમાં તહેનાત ડિફેન્સ ઍટેસે (attache)ને પાકિસ્તાન ડે પરેડમાં સામેલ થવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સપ્ટેમ્બર મહિનામાં રશિયા ખાતે સંયુક્ત યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 'શાંઘાઈ સહયોગ સંગઠન'નાં નેજા હેઠળ બંને રાષ્ટ્રો સંયુક્ત યુદ્ધાભ્યાસમાં સામેલ થવા તૈયાર થઈ ગયાં છે.

પરંતુ કાશ્મીરમાં ભારતે ઉગ્રવાદીઓનો સામનો કરવો પડે છે, જેના માટે તે પાકિસ્તાનને જવાબદાર ઠેરવે છે.

ગત કેટલાક મહિનાઓ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે લાઇન ઑફ કંટ્રોલ પર તણાવ વધ્યો છે.

ભારત અને પાકિસ્તાન એકબીજા પર ઉશ્કેરણીનો આરોપ મૂકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો