બ્લૉગ: વાજપેયીએ ‘હિંદુ હૃદય સમ્રાટ’ મોદી માટે આ રીતે તૈયાર કર્યો રસ્તો

    • લેેખક, રાજેશ પ્રિયદર્શી
    • પદ, ડિજિટલ એડિટર, બીબીસી હિન્દી

અટલ બિહારી વાજપેયીની ખાસિયત એ હતી કે તેમની આલોચના તેમના શત્રુઓ પણ નહોતા કરતા.

વાજપેયી માટે 'અજાતશત્રુ', 'સર્વપ્રિય' અને 'સર્વમાન્ય' આ વિશેષણોનો ઉપયોગ કરવામાં આવે છે.

વાજપેયીની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેઓ વ્યક્તિગત વ્યવહારમાં ખૂબ વિનમ્ર હતા. સાથે જ તેમનાથી વિપરીત વિચારવાળા લોકોને તેઓ શત્રુ નહોતા માનતા.

સાથે જ તેમની વાતમાં ચાતુર્ય પણ ગજબનું હતું. તેમની આવી છબી બની હતી કે બનાવવામાં આવી એ તો ઠીક પણ લોકોએ ભૂલી જ ગયા કે આખરે તેઓ એક રાજનેતા છે.

રાજનીતિમાં છાપથી મોટું કંઈ પણ નથી, પરંતુ આ છબીને જનસત્તાના પૂર્વ સંપાદક અને પ્રખ્યાત પત્રકાર પ્રભાષ જોશી 'સંઘનું મોહરું' લખે છે.

વાજપેયી આજીવન સંઘના પ્રચારક રહ્યા. રાજનૈતિક જીવનમાં તેઓ સતત સંઘના કાર્યકર તરીકે કામ કરતાં રહ્યાં.

વર્ષ 2001માં ન્યૂ યૉર્ક ખાતે પ્રવાસી ભારતીયોને સંબોધન કરતી વખતે વાજપેયીએ કહ્યું હતું, "હું આજે વડા પ્રધાન છું, કાલે નહીં હોઈશ, પરંતુ સંઘનો સ્વયંસેવક હતો અને રહીશ."

તેમની આ વાત તદ્દન સાચી હતી. વાજપેયી સંઘના સમર્પિત પ્રચારક હતા.

આરએસએસ દ્વારા તેમને જનસંઘમાં કામ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. તેઓ મોરારજી દેસાઈ સરકારમાં વિદેશ મંત્રી બન્યા અને અડવાણી સૂચના-પ્રસારણ મંત્રી.

વર્ષ 1977માં જનસંઘનું જનતા પાર્ટીમાં વિલીનીકરણ થઈ ગયું.

પરંતુ આગળ જતાં સમાજવાદી પક્ષના લોકોએ અને ખાસ કરીને જ્યોર્જ ફર્નાન્ડિસે એ મુદ્દો ઉઠાવ્યો કે કોઈ પણ વ્યક્તિ બે સદસ્યતા ન ધરાવતો હોવો જોઈએ.

સંઘ પ્રત્યે વાજપેયી અને અડવાણીનું સમર્પણ એટલું હતું કે તેમણે સરકાર છોડી દીધી, પરંતુ સંઘ ના છોડ્યો.

તમે આ વાંચ્યું કે નહીં?

ત્યારબાદ વર્ષ 1980માં જનસંઘ નવા સ્વરૂપે સામે આવ્યું અને નામ રાખ્યું ભારતીય જનતા પક્ષ.

એ વાત સમજવા જેવી છે કે વાજપેયી અને અડવાણી ભાજપના જન્મ પહેલાંથી રાજનીતિ કરી રહ્યાં છે.

એ વાત મહત્ત્વપૂર્ણ છે કે સંઘ એ સંગઠન છે કે જેનું ઘોષિત લક્ષ્ય ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનું છે.

સંઘ એવું સંગઠન છે જેનો વિશ્વાસ હિંદુ વર્ચસ્વવાદના મૉડલમાં છે. સંઘ કોઈ પ્રત્યે અને કોઈ પણ બાબતે ઉત્તરદાયી નથી, પરંતુ ભાજપમાંથી કોઈ લોકતાંત્રિક રીતે વડા પ્રધાન ચૂંટાઈ આવે, તો તેઓ સર સંઘચાલકના આદેશોનું પાલન કરે છે.

અટલ બિહારી વાજપેયીના નજીકના મિત્રોમાં જસવંત સિંહ સામેલ હતા. જ્યારે વર્ષ 1996માં વાજપેયી વડા પ્રધાન બન્યા, ત્યારે જસવંત સિંહને નાણા મંત્રી બનાવવામાં આવ્યા હતા.

વર્ષ 1998માં જ્યારે વાજપેયી તેમના મંત્રીઓની યાદી તૈયાર કરી ચૂક્યા હતા અને એ યાદીને રાષ્ટ્રપતિ ભવન મોકલવાની હતી, ત્યારે તત્કાલીન સર સંઘચાલક કે. સી. સુદર્શન અચાનક વાજપેયીને મળવા ગયા.

બન્ને વચ્ચે મુલાકાત બાદ જસવંત સિંહનું નામ આ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું.

પોતાનાં મંત્રીમંડળની પસંદગી કરવી એ વડા પ્રધાનનો વિશેષાધિકાર છે, પરંતુ પીએમનો સંબંધ સંઘથી હોય તો સર સંઘચાલક સામે તેમનો આ વિશેષાધિકાર નાનો સાબિત થાય છે.

એ સમયે જસવંત સિંહની જગ્યાએ યશવંત સિન્હાને નાણા મંત્રી બનાવવામાં આવ્યા, કારણ કે સંઘ જસવંત સિંહને નાણા મંત્રી રૂપે જોવા તૈયાર નહોતા.

મોદી સરકાર તો કાયદેસર રીતે તેમની સરકારનો પ્રોગેસ રિપોર્ટ સંઘ નેતૃત્વને સોંપી ચૂકી છે.

સંઘના મહત્ત્વપૂર્ણ બે ચહેરાઓ

80ના દાયકામાં અયોધ્યા આંદોલનની શરૂઆતથી લઈને 2004 સુધી, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને રામ મંદિર, હિંદુત્વ અને ગઠબંધન સરકાર બધાને એક સાથે લાવવા માટે બે ચહેરાઓની જરૂરિયાત જણાઈ હતી.

આ બે ચહેરાઓ એટલે વાજપેયી અને અડવાણી.

દરેક ઉગ્ર, કઠોર અને સાંપ્રદાયિક ધ્રુવીકરણ ધરાવતા કાર્યો લાલકૃષ્ણ અડવાણી કરી રહ્યા હતા, જ્યારે એનડીએને જોડવાનું અને શાંતિ સાથે સરકાર ચલાવવાની જવાબદારી વાજપેયીને માથે હતી.

બન્ને વચ્ચે મતભેદ અને સંઘર્ષની વાતને મોટાભાગે કોઈ પત્રકારે ગંભીરતાથી લીધી નહોતી. આ સંઘની કાર્ય કરવાની પદ્ધતિ હતી.

વાસ્તવિકતા એ છે કે અડવાણી અને વાજપેયી મળીને જે દિશામાં કાર્ય કરી રહ્યાં હતાં, તેને સંઘની ભાષામાં 'પરમ લક્ષ્ય' કહેવામાં આવે છે.

આ વિશુદ્ધ રીતે ઇમેજ મામલો છે. જાણી જોઈને એવી ધારણાને મહત્ત્વ આપવામાં આવ્યું કે વાજપેયી ઉદારવાદી છે અને અડવાણી કટ્ટરપંથી.

પરંતુ સમય અને જરૂરિયાત મુજબ બન્ને પોતપોતાની ભૂમિકા નિભાવતા રહ્યા.

બન્ને વચ્ચે ખાસ મતભેદ એવા માટે પણ ન બની શક્યા, કારણ કે સંઘમાં વૈચારિક મતભેદની ગુંજાઇશ ખૂબ જ ઓછી છે. મતલબ કે બંને સંઘની વિચારધારાથી વાકેફ હતા.

ઉદાહરણ તરીકે જો તમે માર્ક્સવાદમાં વિશ્વાસ ન ધરાવતા હોય તો કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં ના જોડાઈ શકો.

બિલકુલ એવી જ રીતે જો તમે હિંદુત્વવાદી ન હોવ તો સંઘમાં કેવી રીતે રહી શકો?

ઘણી એવી ઘટનાઓ છે જેનાથી તમે સમજી શકો કે વાજપેયીની છબી ભલે ગમે તે હોઈ, પરંતુ હિંદુત્વના મામલે તેઓ લોહપુરુષ કહેવાતા અડવાણીથી ઓછાં કટ્ટર નહોતા.

જ્યારે વર્ષ 2002માં ગુજરાતમાં સાંપ્રદાયિક હુલ્લડ ફાટી નીકળ્યાં, ત્યારે વાજપેયી વડા પ્રધાન હતા અને મોદી રાજ્યના મુખ્ય મંત્રી.

તે સમયે મોદીએ 'રાજધર્મ નિભાવવો જોઈએ' અને પોતાના 'નાગરિકોમાં ધર્મ કે જાતિને આધારે ભેદભાવ ન કરવો જોઈએ' વાળો જુમલો ખૂબ જ પ્રખ્યાત થયો હતો.

હંમેશાં સાચું બોલો, પોતાનું કામ મહેનતથી કરો અને કોઈનું દિલ ના દુભાવો જેવી સુંદર વાતો સિવાય વાજપેયીએ કંઈ ન કર્યું.

એટલું જ નહીં ગોવામાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં 12 એપ્રિલના રોજ વાજપેયીએ જે ભાષણ કર્યું હતું એ પરથી અંદાજ લગાવી શકાય કે મુસલમાનો પ્રત્યે આ 'ઉદાર' નેતાના વિચારો કેવા હતા.

તેમણે ગોવામાં કહ્યું હતું, "મુસલમાનો જ્યાં પણ છે, તેઓ બીજા સાથે સહ-અસ્તિત્વ પસંદ નથી કરતા. તેઓને બીજા સાથે મેળાપ પસંદ નથી. પોતાના વિચારોનો શાંતિથી પ્રચાર કરવાને બદલે મુસલમાનો તેમના ધર્મનો પ્રચાર આતંક અને ધમકીઓથી કરે છે."

અડવાણી, ઉમા ભારતી અને મુરલી મનોહર જોશી બાબરી મસ્જિદ વિધ્વંસનું નેતૃત્વ કરશે અને વાજપેયી આ બાબતથી દૂર રહેશે એવું પણ એક રણનીતિનો જ ભાગ હતો.

આવી રીતે એવો ભ્રમ ફેલાવવામાં આવ્યો કે વાજપેયી ઉદારવાદી વ્યક્તિ છે. એવું પણ પહેલાં જ નક્કી કરવામાં આવ્યું હતું કે, વિધ્વંસ સમયે વાજપેયી ત્યાં હાજર નહીં રહે.

પરંતુ આ ઘટના પહેલાં 5 ડિસેમ્બરના રોજ લખનઉમાં પોતાના ભાષણમાં વાજપેયીએ 'જમીન સમતલ' કરવાની વાત કહી હતી.

આવું જ એક જૂનું ઉદાહરણ આસામનું પણ છે, નલ્લીમાં ભયંકર જનસંહાર થયો હતો.

આજે સમગ્ર દેશમાં એનઆરસીનો મુદ્દો ચર્ચામાં છે, ત્યારે વર્ષ 1983માં અટલ બિહારી વાજપેયીએ કથિત રીતે વિવાદાસ્પદ અને ભડકાઉ ભાષણ આપ્યું હતું.

28 માર્ચ 1996ના રોજ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન તત્કાલિન ગૃહ મંત્રી ઇંદ્રજીત ગુપ્તએ વાજપેયીનાં ભાષણોના અમુક અંશ વાચીને સંભળાવ્યા, જેમાં કથિત બાંગ્લાદેશીઓને સહન ન કરવા અને તેમની સાથે હિંસક વ્યવહાર કરવાની વાત કરવામાં આવી હતી.

સતત પરમ લક્ષ્ય તરફ

હિંદુત્વની રાજનૈતિક યાત્રામાં વાજપેયીની સફર ઘણાં દાયકાઓ સુધી મહત્ત્વની રહી છે. ધીરે-ધીરે હિંદુત્વ માટે જમીન તૈયાર કરવી વાજપેયી વિના મુશ્કેલ હતું.

તેઓ વર્ષ 1996થી 2004 સુધીમાં ત્રણ વખત દેશના વડા પ્રધાન રહ્યા. તેઓ પ્રથમ એવા બિન-કોંગ્રેસી હતા, જેમણે કાર્યકાળ પૂર્ણ કર્યો હોય.

વાજપેયીને પક્ષની વફાદારીથી ઉપર દેશના કરોડો લોકોનો પ્રેમ હાસિલ હતો. લોકોએ એ ઉદાર, સરળ અને કોઈ વ્યક્તિ સાથે વેર ન રાખનાર નેતાને ખૂબ જ પ્રેમ આપ્યો.

વાજપેયીનું રાજનૈતિક કૌશલ્ય એવું હતું કે તેમણે અડવાણી સાથે મળીને બે બેઠકો ધરાવતા પક્ષને કોંગ્રેસનો વિકલ્પ બનાવી દીધો.

આ એવો સમય હતો કે જ્યારે સંઘને સત્તાનું પોષણ મળ્યું. આ સમયે સંઘે પોતાના મૂળિયા મજબૂત કર્યા.

સંઘ પાસે એક તરફ ઉગ્ર અડવાણી હતા, તો બીજી તરફ સ્થાયીત્વ આપનાર અને ગઠબંધન ધર્મનો હવાલો આપીને હલચલોને રોકનાર વાજપેયી.

આજે સંઘ નરેન્દ્ર મોદી, સાક્ષી મહારાજ અને ગિરિરાજ સિંહ પાસેથી અડવાણી જેવું કામ કરાવી લે છે. તેમને બે ચહેરાઓની જરૂરિયાત રહી નથી.

વાજપેયી એ મોહરા હતા જેમની જરૂરિયાત સંઘને નથી, પરંતુ જ્યારે હતી ત્યારે તેઓ ખૂબ જ કામ આવ્યા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો