You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રીમતી કૌલ સાથે કેવા હતા અટલ બિહારી વાજપેયીના સંબંધ?
- લેેખક, નવીન નેગી
- પદ, બીબીસી સંવાદદાતા
પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર શુક્રવારે સાંજે કરવામાં આવ્યા. એક મહિલાએ તેમને મુખાગ્નિ આપ્યો. આ મહિલાનું નામ છે નમિતા ભટ્ટાચાર્ય.
નમિતા વાજપેયીનાં દત્તક પુત્રી છે. તેઓ રાજકુમારી કૌલ તથા પ્રોફેસર બી. એન કૌલનાં પુત્રી છે. વાજપેયીએ તેમને દત્તક લીધાં છે.
વાજપેયીના 'પરિવાર' વિશે કંઈક અને કંઈક ચર્ચા થતી પરંતુ ક્યારેય રાજકારણ પર તેની કોઈ અસર જોવા મળી ન હતી.
શ્રીમતિ કૌલ તથા તેમની દીકરીઓ વાજપેયીના ઘરમાં સાથે જ રહેતાં હતાં. વાજપેયીએ આ અંગે ક્યારેય ઔપચારિક રીતે કશું કહ્યું ન હતું.
રાજકુમારી કૌલ સાથે સંબંધ
વાજપેયી અને રાજકુમારી કૌલના સંબંધ અનેક વખત ચર્ચાના કેન્દ્રમાં રહ્યા.
બંને કૉલેજકાળથી મિત્રો હતાં. રાજકુમારી તથા અટલ બિહારી વાજપેયી ગ્વાલિયરની વિક્ટોરિયા કૉલેજ (રાણી લક્ષ્મીબાઈ કૉલેજ)માં એકસાથે ભણતાં.
શ્રીમતી કૌલે પાછળથી દિલ્હી યુનિવર્સિટીના પ્રાધ્યાપક બી. એન. કૌલ સાથે લગ્ન કર્યાં.
શ્રીમતી કૌલ ઉપરાંત તેમના પતિ પણ વાજપેયીના પરમ મિત્ર હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સમયની યાદોને વાગોળતા આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર પ્રોફેસર પુષ્પેશ પંત કહે છે, "50 વર્ષ અગાઉ મેં દિલ્હીની રામજસ કૉલેજમાં ભણાવવાનું શરૂ કર્યું."
"પ્રોફેસર કૌલ હૉસ્ટેલના વૉર્ડન હતા. તેમણે મને નાનો ભાઈ જાણીને મારું માર્ગદર્શન કર્યું હતું. શ્રીમતિ કૌલ પણ સ્નેહ વત્સલ હતાં."
"વાજપેયીજી કૌલ દંપતીના પારિવારિક મિત્ર હતા. જ્યારે વાજપેયી કૌલ પરિવાર સાથે હોય ત્યારે તેઓ નેતા ન હતા. વિદ્યાર્થીઓ માટે જે જમવાનું બનાવવામાં આવ્યું હોય તે સાથે મળીને જમતા અને હસી મજાક સાથે સમય પસાર થતો."
વાજપેયીના ઘરમાં શ્રીમતી કૌલ
પ્રોફેસર કૌલ અમેરિકા જતા રહ્યા. ત્યારબાદ શ્રીમતી કૌલ અટલ બિહારી વાજપેયીના નિવાસસ્થાને રહેવા લાગ્યાં.
વાજપેયી જ્યારે વડા પ્રધાન બન્યા ત્યારે શ્રીમતી કૌલનો પરિવાર પણ તેમની સાથે જ 7 રેસકોર્ષ રોડ (હવે જનકલ્યાણ માર્ગ) ખાતે રહેવા લાગ્યો. તેમને બે દીકરીઓ હતી.
વાજપેયીએ નાની દીકરી નમિતાને દત્તક લીધી હતી.
નમિતાએ આપ્યો મુખાગ્નિ
નમિતા કૌલના પતિ રંજન ભટ્ટાચાર્ય વાજપેયી સરકારના કાર્યકાળ દરમિયાન ઓફિસર સ્પેશિયલ ડ્યૂટી (ઓએસડી) હતા.
વરિષ્ઠ પત્રકાર વિનોદ મહેતાએ એક લેખમાં લખ્યું હતું કે વાજપેયી સરકારમાં રંજન ભટ્ટાચાર્ય, ત્રીજા ક્રમના મહત્ત્વપૂર્ણ વ્યક્તિ હતી.
મહેતાએ લખ્યું, અટલ તેમની પુત્રી તથા જમાઈ પર ખૂબ જ વિશ્વાસ રાખે છે. જ્યાં સુધી વાજપેયી વડા પ્રધાનપદે રહ્યા ત્યાં સુધી નમિતા તથા રંજનની મજબૂત પકડ રહી.
વાજપેયીનું અટલ મૌન
અટલ તથા કૌલે ક્યારેય તેમના સંબંધ વિશે કંઈ કહ્યું ન હતું.
સૈવી પત્રિકાને આપેલા એક ઇન્ટર્વ્યૂમાં શ્રીમતિ કૌલે કહ્યું હતું, "મને તથા વાજપેયીને ક્યારેય લાગ્યું ન હતું કે અમારે અમારા સંબંધ વિશે કોઈ સ્પષ્ટતા કરવી જોઈએ."
વાજપેયીના જીવન પર કૌલની કેટલી અસર હતી, તેનો ઉલ્લેખ કરન થાપરના તાજેતરમાં પ્રકાશિત પુસ્તક 'ડેવિલ્સ એડ્વોકેટ : ધ અનટોલ્ડ સ્ટોરી'માં જોવા મળે છે.
કરન લખે છે, "જ્યારે પણ મિસ્ટર વાજપેયીના ઇન્ટરવ્યૂ માટે અપૉઇન્ટમેન્ટ લેવી હોય તો શ્રીમતિ કૌલ સાથે વાત કરવી પડતી. એક વખત કૌલ જો ઇન્ટરવ્યૂ માટે હા પાડી દે તો અટલ ના ન પાડતા."
2014માં જ્યારે શ્રીમતી કૌલનું અવસાન થયું, ત્યારે ભાજપના અનેક વરિષ્ઠ નેતા તેમના અંતિમ સંસ્કાર માટે પહોંચ્યા હતા. જેમાં લાલ કૃષ્ણ અડવાણી, રાજનાથ સિંહ, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ તથા રવિશંકર પ્રસાદ પણ લોધી રોડ પહોંચ્યાં હતાં.
નજીકના મિત્રે કરી વાત
શ્રીમતી કૌલના નિધનના અમુક દિવસો બાદ બીબીસીએ શ્રીમતી કૌલના બહેનપણી તલક જમીર સાથે વાત કરી હતી.
તલતે અટલ તથા કૌલના સંબંધ વિશે આવું જણાવ્યું :
"રાજકુમારી સુંદર કાશ્મીરી મહિલા હતાં. ખૂબ જ ઠસ્સાદાર. ખૂબ જ મીઠું બોલતાં હતાં. તેઓ સુંદર ઉર્દૂ બોલતાં."
"હું જ્યારે પણ તેમને મળવા માટે વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને જતી, તો જોતી કે લોકો તેમને 'માતાજી' કહીને સંબોધતાં."
"અટલજીની ભોજનવ્યવસ્થાની સંપૂર્ણ જવાબદારી શ્રીમતી કૌલ પર હતી."
"તેમને ધારાવાહિકો જોવાનો ખૂબ જ શોખ હતો અને તેઓ દરેક ધારાવાહિક અંગે ચર્ચા કરતાં."
"રાજકુમારી કહેતાં કે જ્યારે વિખ્યાત ગીતકાર જાવેદ અખ્તરનો જન્મ થયો, ત્યારે હું તેમને જોવા માટે હૉસ્પિટલે ગઈ હતી."
"કારણ કે ગ્વાલિયરની વિક્ટોરિયા કૉલેજમાં જાવેદના પિતા જાનિસાર અખ્તર તેમને ભણાવતા હતા."
અવિવાહિત છું, બ્રહ્મચારી નહીં
અટલ બિહાનીનું રાજકીય જીવન હંમેશાં ખુલ્લી કિતાબ જેવું હતું, જેને વિરોધીઓ પ્રેમ તથા સન્માનભરી નજરે જોતા.
જોકે, અટલ બિહારીના અંગત જીવન માટે એવું ન હતું. અટલ બિહારી વાજપેયીએ લગ્ન કર્યાં ન હતાં.
જ્યારે તેમને લગ્ન અંગે પૂછવામાં આવતું તો તેઓ કહેતા, 'હું અવિવાહિત છું, બ્રહ્મચારી નહીં.
વાજપેયી તથા શ્રીમતી કૌલના સંબંધ અનામ રહ્યા, જેના કિસ્સાઓ રાજકીય વર્તુળો તથા પત્રકારોની નોટબુક્સમાં નોંધાયેલા છે.
વાજપેયીએ કૌલનાં બીજા પુત્રી નમિતાને દત્તક લીધાં પરંતુ શ્રીમતી કૌલ સાથેના સંબંધ અંગે હંમેશાં મૌન રહ્યા. કદાચ પોતાના સંબંધ અંગે તેઓ અમુક શબ્દોમાં કહી ગયા.
જન્મ-મરણ અવિરત ફેરા
જીવન બંજારો કા ડેરા
આજ યહાં, કલ કહાં કૂચ હૈ
કૌન જાનતા કિધર સવેરા
અંધિયારા આકાશ અસીમિત, પ્રાણો કે પંખો કો તૌલે!
અપને હી મન સે કુછ બોલેં !
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો