નજરે નિહાળેલું : પટનાનાં આશ્રયગૃહોનું 'બિહામણું' સત્ય

    • લેેખક, નિવેદિતા
    • પદ, પટનાથી, બીબીસી ગુજરાતી માટે

બપોરના 12 વાગ્યા છે અને અમે પટનાના આશ્રયગૃહ( શેલ્ટર હોમ)માં પહોંચ્યા. બહાર પોલીસ અને મીડિયાની ભીડ હતી. આશ્રયગૃહના બહારના દરવાજે લોખંડની જાળી લગાડવામાં આવી છે. તડકો આકરો છે અને દરવાજા બંધ છે.

બારીઓના કાચ તડકામાં ચમકી રહ્યાં હતાં. અમે ચોકી કરતા પોલીસ અધિકારીને કહ્યું કે અમે તપાસ ટુકડીના સભ્યો છીએ એટલે અમને અંદર જવાની મંજૂરી આપવામાં આવે.

દરવાજાની તિરાડમાંથી ઘણા લોકો અમને જોઈ રહ્યા હતા પરંતુ કોઈ બહાર ના આવ્યું અને કોઈએ દરવાજો પણ ખોલ્યો નહીં.

પોલીસવાળાએ કહ્યું કે અમને કોઈને પણ અંદર જવા દેવાની મંજૂરી આપવામાં આવી નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

ઘણી મથામણને અંતે આશ્રયગૃહનાં નવા પ્રભારી ડેઝી કુમારીએ અમને અંદર આવવા દીધા.

અંદર બાળકીઓ, યુવતીઓ અને મહિલાઓ હતી. મને લાગતું હતું કે હું કોઈ કબ્રસ્તાનમાં છું અને જાણે હમણાં જ કબરમાંથી બેઠી થઈ છું.

ઊંડી ઊતરી ગયેલી આંખો, સૂકાઈ ગયેલો બાંધો કે જાણે શરીરની બધી જ ચરબી ઓગળી ગઈ હોય. માત્ર હાડપિંજર ફરતાં હોય એવું લાગતું હતું.

અંદરનું દ્રશ્ય જાણે કોઈ યાતનાગૃહ જેવું

વેરણછેરણ પથારી પર ઊંધી પડી રહેલી કેટલીક છોકરીઓ પડી હતી જેમને આ દુનિયા સાથે કોઈ લેવાદેવા જ ન હોય.

કોઈ આંખો પહોળી કરી જોઈ રહી હતી, તો કોઈ નીચે જમીન પર મૌન ધારણ કરીને બેઠી હતી.

તેમને જોઈને લાગતું હતું કે આ બાળકીઓ પ્રથમ તબક્કાની વેદના વેઠી ચૂકી છે.

તેમણે એમની બીમારી સામે આત્મસમર્પણ કરી દીધું છે. માત્ર એક નાનકડી બાળકી જ તાકાતથી લડત આપી રહી છે.

આશ્રયગૃહ શહેરથી ઘણું દૂર આવેલું છે. ત્યાં જવા માટે વાહનો સરળતાથી મળતાં નથી.

વરસાદનાં પાણીમાં આ વિસ્તાર જળબંબાકાર રહેતો હોય છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડા જોવા મળે છે.

આશ્રયગૃહમાં વિવિધ ઉંમરની કુલ 75 મહિલાઓ છે. બે મહિલાઓ દવાખાનામાં મોત સામે ઝઝૂમી રહી છે જેમાંથી એકની ઉંમર 17 વર્ષ છે અને બીજીની ઉંમર 55 વર્ષની છે.

થોડા સમય પહેલાં બે મહિલાઓનાં રહસ્યમય રીતે મૃત્યુ પણ થઈ ચૂક્યાં છે.

ત્રણ માળ પર અલગ-અલગ ઓરડા છે. આમાંથી મોટાભાગની માનસિક રોગી છે. કોઈ વધુ બીમાર છે તો કોઈ ઓછી.

માનસિક રોગ સામે ઝઝૂમી રહેલી આ મહિલાઓની દેખરેખ માટે કોઈ સગવડ પણ નથી કે કોઈ ડૉક્ટર પણ નથી.

બિહામણું દ્રશ્ય

ત્રીજા માળે કેટલીક બાળકીઓ છે. એક નાનકડી બાળકીની આંખોમાં ચમક રહી નથી. એની ઉંમર પાંચ કે છ વર્ષની હશે.

એક બાળકી નીચે જમીન પર પડેલી છે. અન્ય બાળકીના શરીર પર ઈજાનાં નિશાન દેખાઈ આવે છે. એની આંખો બંધ છે.

પક્ષીના નખની જેમ એની નાનકડી આંગળીઓ વડે તે પથારીના બન્ને છેડા ખોતરી રહી છે.

એનો નાનકડો ચહેરો ભૂખરી માટીના ટુકડાની જેમ આકરો બની ગયો છે. ધીમે ધીમે એના હોઠ ખુલ્યા અને એને એક લાંબી ચીસ પાડી.

બાળકીનું મોં હજી પણ ખુલ્લું જ છે. માખીઓ બણબણે છે પણ તે એટલી નબળી છે કે પોતાના ચહેરા પરથી માખીઓને ઉડાડી પણ શકતી નથી.

હવે તે ચૂપ થઈ ગઈ છે. એમનું નાનકડું સંકોચાયેલું શરીર વેરણછેરણ ચાદર પર પડ્યું છે અને ગાલ આંસુથી ભીંજાયેલા છે.

આ બિહામણું દ્રશ્ય છે. જે દેશમાં આપણે તંદુરસ્ત બાળકીઓને મારી નાંખીએ છીએ, સળગાવી દઈએ છીએ અથવા તો જીવતે જીવ દફનાવી દઈએ છીએ એ દેશમાં માનસિક રોગથી પીડિત અનાથ બાળકીઓ અને મહિલાઓ માટે ક્યાં જગ્યા છે.

આશ્રયગૃહ પાસે કોઈ રેકોર્ડ નથી

રિયા, રૂની, મીરા, ગુડિયા, લીલી જેવી તમામ 75 મહિલાઓ અને બાળકીઓને અહીંયા કેમ લાવવામાં આવી?

ક્યારે લાવવામાં આવી? ક્યાંથી લાવવામાં આવી? એમને કઈ બીમારી છે? એમની શું સારવાર ચાલી રહી છે? આશ્રયગૃહ પાસે આ અંગે કોઈ રેકોર્ડ નથી.

અમે બધાની ફાઇલ મંગાવી. બધી જ ફાઇલ અધૂરી હતી. આ ફાઇલોમાં કોઈ અંગે સંપૂર્ણ જાણકારી મળતી નથી.

22 વર્ષનાં મીરા દેવી બોલી નથી શકતાં પરંતુ તેમની માનસિક હાલત સારી છે.

જ્યારે તેઓ આશ્રયગૃહમાં આવ્યાં હતાં, ત્યારે અવંતિકા નામની દોઢ વર્ષની બાળકી તેમની સાથ હતી.

આ બાળકીનું થોડા દિવસો પહેલાં જ મૃત્યુ થઈ ગયું હતું.

આ બાળકીનું મૃત્યુ કેવી રીતે થયું એ અંગે આશ્રયગૃહ પાસે કોઈ રૅકર્ડ નથી?

જે બે મહિલાઓને પટના મેડિકલ કૉલેજ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી અને ડૉક્ટરે જેમને મૃત જાહેર કરી હતી એમની ફાઈલ પણ ત્યાં હાજર નહોતી.

16 એપ્રિલ 2018. આ દિવસે આશ્રયગૃહ અને સમાજ કલ્યાણ વિભાગ વચ્ચે થયેલા કરાર બાદ ત્યાં મહિલાઓ અને બાળકીઓને રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ કરાર 11 મહિના માટે જ હતો. આશ્રયગૃહને આ માટે આખા વર્ષના 68 લાખ રૂપિયા મળવાના હતા.

કોઈ પણ તપાસ કર્યા વગર જ પૈસા આપી દેવામાં આવ્યા. સમાજ કલ્યાણ વિભાગ કે જિલ્લા વહીવટીતંત્ર તરફથી આ ચાર મહિનામાં કોઈ અધિકારી દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું નહોતું.

માનસિક રીતે બીમાર 75 મહિલાઓની દેખરેખ માટે જે બે ડૉક્ટરોને રાખવામાં આવ્યા હતા તેમાંથી ડૉક્ટર રાકેશ છેલ્લા કેટલાક મહિનાથી આવતા નહોતા.

ડૉક્ટર અંશુમાન પણ રૂટિન ચેકઅપ માટે આવતા નથી. જરૂર પડે ત્યારે તેમને બોલાવવામાં આવતા હતા. તેઓ પણ ફરાર હતા.

ત્યાં રહેતી તમામ મહિલાઓ અને બાળકીઓ લોહીની ઉણપથી પીડાતી હતી. તે ગંભીર માનસિક બીમારીનો ભોગ બનેલી હતી.

કેટલીક બાળકીઓ તંદુરસ્ત છે તો એમની સારસંભાળ માટે કોઈ અલગ વ્યવસ્થા નથી.

રાત દિવસ આ લોકોની વચ્ચે રહીને તેઓ પણ બીમાર પડી રહી છે.

કદાચ આમાંથી છુટકારો મેળવવા જ તેમણે 9 ઑગસ્ટની રાત્રે ત્યાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો.

આ આરોપ માટે પોલીસે આશ્રયગૃહની બાજુમાં રહેતા બનારસના રહેવાસીની ધરપકડ કરી છે.

ગંભીર સવાલ

બનારસીની દીકરીનું કહેવું છે કે તેમને ફસાવવામાં આવ્યા છે.

જો આ છોકરીઓને ભગાડવામાં તેમનો હાથ હોત તો તેઓ પોલીસને શા માટે આ અંગે માહિતી આપે?

રાજીવનગર પોલીસ સ્ટેશને પણ એ વાતની પુષ્ટિ કરી છે કે તેમને આ અંગે જાણકારી બનારસીએ આપી હતી.

બનારસીનાં ઘરની છત અને આશ્રયગૃહના ત્રીજા માળે રહેતી છોકરીઓના ઓરડાની બારી વચ્ચે ઘણું ઓછું અંતર છે.

છતાં પણ સપૉર્ટ વગર ત્યાંથી બહાર નીકળવું સરળ નથી. બનારસીએ ભગાડી કે છોકરીઓએ જાતે ભાગવાનો પ્રયાસ કર્યો તે સવાલ પોલીસ માટે પણ એક કોયડા સમાન છે.

એ વાત સાચી છે કે બીમાર અને અનાથ બાળકીઓ માટે આ આશ્રયગૃહ કોઈ યાતના ગૃહ જેવું જ છે.

ફરક માત્ર એટલો જ છે કે હજી સુધી અહીંયા કોઈ યૌન હિંસાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો નથી.

હજુ ઘણા સવાલો બાકી છે જેના પર પડદો પડેલો છે. આ આશ્રયગૃહનાં ખજાનચી મનીષા દયાલ અને ચિરંતન પર ફંદો કસવામાં આવી રહ્યો છે.

જોકે, સમાજ કલ્યાણ વિભાગ કે જિલ્લા વહીવટીતંત્રએ પોતાની જવાબદારી નિભાવી નથી, તો આ માટે કોણ જવાબદાર?

જે જગ્યાએ 75 મહિલાઓ અને બાળકીઓ માનસિક રીતે બીમાર હોય ત્યાં કોઈ ડૉક્ટરની સગવડ વગર શેલ્ટર ચલાવવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી?

આવા ઘણા સવાલોના જવાબ સરકાર અને સમાજે આપવા પડશે.

જે સમાજ બાળકો અને મહિલાઓ પ્રત્યે આટલો હિંસક અને અમાનવીય હોય એ સમાજમાં ગાંડા, વિક્ષિપ્ત અને બીમાર મહિલાઓની જગ્યા ક્યાં છે?

અમે આશ્રયગૃહની બહાર આવી ગયા છીએ. નીકળતા પહેલાં બાળકીઓ અમને વળગી પડી.

અમને અહીંથી બહાર કાઢો. ખુલ્લી હવામાં શ્વાસ લેવા દો. બારીમાંથી વિંધતી આંખો અમને જોઈ રહી છે.

બંધ દરવાજામાંથી ચીસો સંભળાય છે. આ ખૂબ જ કપરો સમય છે.

ખબર નથી પડતી કે આપણે બધા ક્યાં સુધી આવી નિર્દોષ બાળકીઓ અને મહિલાઓને આ રીતે તડપતાં જોતાં રહીશું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો