શું આપ જાણો છો કે ઉંમર વધવાની સાથે વિચારો પર શું અસર પડે?

    • લેેખક, ડેવિડ રૉબસન
    • પદ, બીબીસી ફ્યૂચર

ઉંમર સતત વધતી પ્રક્રિયા છે, પણ તમે મનથી માનો નહીં તો ક્યારેય મોટા થતા નથી.

કલ્પના કરો કે તમને તમારો જન્મદિવસ ખબર નથી. જન્મનો દાખલો, જન્મકુંડળી પણ નથી કે બીજા કોઈ દસ્તાવેજ પણ નથી કે જે તમારી સાચી ઉંમર જણાવી શકે.

ત્યારબાદ તમને જણાવવામાં આવે કે તમારી ઉંમર એટલી જ છે, જેનો તમને અહેસાસ થતો હોય.

તો પછી તમે ખુદને કેટલી ઉંમરના અનુભવશો?

તમારા પગરખાની સાઇઝ અને તમારી ઊંચાઈ એક ઉંમર પછી વધવાના બંધ થઈ જાય છે. તે પછી જિંદગીભર તેમાં ફેરફાર થતો નથી.

જોકે રોજબરોજનો અનુભવ એવું દર્શાવે છે કે આપણી ઉંમર જે ઝડપથી વધે છે તે ઝડપથી આપણને તેનો અહેસાસ થતો નથી.

કેટલાકને પોતે બૂઢા થઈ ગયા તેવું લાગે, જ્યારે કેટલાકને પોતે સદા જુવાન જ લાગ્યા કરે.

વિજ્ઞાનીઓ ઉંમર સાથે જોડાયેલી આ માનસિકતા પર સંશોધનો કરી રહ્યા છે. તેમાંથી કેટલાક રસપ્રદ તારણો નીકળ્યા છે.

તમે પોતાને કેટલી ઉંમરના સમજો છો તેના આધારે તમારું સારું કે ખરાબ પર્ફૉર્મન્સ નક્કી થતું હોય છે તેમ આ અભ્યાસ કહે છે.

તમારી તબિયત સાથે પણ તેને સીધો સંબંધ છે. વિજ્ઞાનીઓ હવે એ તપાસી રહ્યા છે કે તમે જે ઉંમરનો અહેસાસ કરી રહ્યા હો તેનાથી તમારી તબિયત પર કે તમારી કાર્યદક્ષતા પર કોઈ અસર પડે કે નહીં.

અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટીના બ્રાયસ નોસેક આ જ વિષય પર સંશોધન કરી રહ્યા છે.

તેઓ કહે છે, ''લોકો ખુદને અસલી ઉંમરથી કેટલા નાના સમજે છે, તેના આધારે તેમના નિર્ણયો પર અસર પડતી હોય છે.

"લોકો પોતાને વધારે યુવાન કે વધુ ઉંમરલાયક સમજતા હોય તે પ્રમાણે જિંદગીના નિર્ણયો લેતા હોય છે.''

ઉંમરના અહેસાસનું મહત્ત્વ આટલા પૂરતું મર્યાદિત નથી. તમે પોતાને જેટલી નાની ઉંમરના સમજશો એટલી અસર તમારી તબિયત પર પડશે. તેનો સંબંધ વ્યક્તિના મોત સાથે પણ જોડાયેલો છે.

તો શું તમે જેટલી અનુભવતા હો એટલી જ ઉંમરના તમે હો છો ખરા?

સંશોધનમાં મળેલા પ્રોત્સાહક પરિણામો પછી વિજ્ઞાનીઓ હવે એ જાણવા માટે કોશિશ કરી રહ્યા છે એવા કયા માનસશાસ્ત્રીય, સામાજિક અને જૈવિક કારણો છે, જેના કારણે વ્યક્તિ પોતાને વધારે યુવાન કે વધારે વૃદ્ધ સમજવા લાગે છે.

આ વાત સમજી શકાય તો તેના આધારે લાંબું જીવન અને સ્વાસ્થ્ય માટેના ઉપાયો પણ આપણે શોધી શકીએ.

સંશોધન નવું નથી

જોકે, ઉંમર વિશે થઈ રહેલા આ સંશોધનો નવા નથી. 1970 અને 1980ના દાયકાની વચ્ચે આવા ઘણા અભ્યાસો થયા હતા.

પરંતુ હાલના દાયકામાં ઉંમર વિશેના સંશોધનો વધુ વ્યાપક રીતે થવા લાગ્યા છે. હાલમાં થયેલા આવા એક અભ્યાસમાં જણાવાયું છે કે કઈ રીતે ઉંમર વિશેનો આપણો અભિગમ આપણા વ્યક્તિત્વ ઘડતર પર અસર કરે છે.

સૌને ખ્યાલ છે કે ઉંમર વધવા સાથે વ્યક્તિ શાંત થવા લાગે છે. નવા અખતરા કરવાનું બંધ થાય છે. તેની સામે યુવાનો હંમેશા વધારે જોખમ લેવા તૈયાર હોય છે.

નવા સ્થળે જવા, નવા પ્રયોગો કરવા માટે યુવાનો વધારે ઉત્સાહિત હોય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ અભ્યાસો એવું પણ જણાવે છે કે પોતાને યુવાન સમજતા લોકો પણ વધતી ઉંમર સાથે વધારે ઇનામદાર થતા જાય છે.

લાગણીઓ પર કાબૂ મેળવતા પણ શીખી જાય છે. ઉંમર વધવા સાથે આવા કેટલાક લક્ષણો આવી જ જાય છે. જીવનમાં થયેલા અનુભવો સાથે લોકો શાંત થવા લાગે છે.

કહેવાનો ભાવ એ છે કે દિલથી પોતાને જુવાન સમજતા મોટી ઉંમરના લોકો બાળકબુદ્ધિથી વિચારતા હોય તેવું નથી.

પરંતુ મોટી ઉંમરે પણ પોતાને યુવાન સમજતા લોકોમાં ડિપ્રેશન આવવાની શક્યતા ઓછી થઈ જાય છે.

તેમનું માનસિક સ્વાસ્થ્ય અન્ય લોકોની સરખામણીએ વધારે સારું હોય છે. ભૂલકણાપણું પણ જલદી આવતું નથી અને બીમાર પણ ઓછા પડે છે.

ફ્રાન્સની મૉન્ટપેલિયર યુનિવર્સિટીના યાન્નિક સ્ટિફને 17 હજારથી વધુ પ્રૌઢો અને વૃદ્ધો પર અભ્યાસ કર્યો હતો. તેમાંથી મોટાભાગના લોકો પોતાને અસલી ઉંમર કરતાં આઠેક વર્ષ નાના અનુભવતા હતા.

જોકે, કેટલાક એવા પણ હતા, જેમને પોતાની અસલી ઉંમરથી વધારે મોટા થઈ ગયાનું લાગતું હતું.

મોટા થઈ ગયાનો અહેસાસ હોય તેવા લોકોના જીવનમાં મુશ્કેલીઓ વધારે હતી. પોતાને 8થી 13 વર્ષ વધારે ઉંમરના અનુભવતા લોકોમાં મોતનો ભય 18થી 25 ટકા વધારે હતો.

બીજાની સરખામણીએ તેમની તબિયત પણ વધારે વાર ખરાબ થતી હતી.

સમય પહેલાં જ વૃદ્ધત્વ

આપણે પોતાને કેટલા મોટા સમજીએ છીએ તેની સાથે આપણી તબિયતની બાબત જોડાયેલી છે અને તેની પાછળ કેટલાક કારણો છે.

સૌથી મોટું કારણ એ છે કે વધતી ઉંમર સાથે લોકોમાં પ્રૌઢતા આવે છે અને જીવનશૈલીમાં ફેરફાર થાય છે. તેની સામે પોતે હજી પણ યુવાન છે એવું અનુભવતા લોકો હરવુંફરવું, નવા શોખ કેળવવા વગેરેમાં રત રહે છે.

મતલબ કે જે લોકો જુવાન હોવાનો અનુભવ કરે છે તે લોકો વધારે પ્રવૃત્તિમય રહે છે અને હરતાફરતા રહે છે. તેના કારણે તેમની તબિયત સારી રહે છે.

સ્થિતિની ઉલટી અસર પણ થાય છે.

કોઈ ડિપ્રેશનમાં હોય, મનમાં શાંતિ ના હોય, ચીજો ભૂલી જતા હોય, હરવાફરવાનું ઓછું થઈ ગયું હોય તે લોકો પોતાને હોય તેના કરતાં વધારે ઉંમરના અનુભવવા લાગે છે.

આવું થાય ત્યારે વ્યક્તિની તબિયત પર તેની ખરાબ અસર થાય છે. લોકો બહુ જલદી પોતાને વૃદ્ધ માની લે તેનાથી તબિયત ઉલટાની બગડે છે.

ટૂંકમાં તમે પોતાને કેટલી ઉંમરના અનુભવો છો તેના આધારે તમારા સ્વાસ્થ્યનો અંદાજ આવી શકે છે.

ઉંમરના અહેસાસના કારણો

માનસશાસ્ત્રીઓ હવે એ શોધવા માટે કોશિશ કરી રહ્યા છે કે આપણે કઈ રીતે ઉંમરનો અહેસાસ કરીએ છીએ અને તેની પાછળના કારણો શું છે.

વર્જિનિયા યુનિવર્સિટીના બ્રાયન નોસેક અને નિકોલ લિંડનરે અસલી ઉંમર અને ઉંમરના અહેસાસ વચ્ચેના ફરકને સમજવાની કોશિશ કરી છે.

આપણને બધાને ખબર છે કે બાળકો અને કિશોરો પોતે વધુ મોટા છે તેવું માનતા હોય છે.

પરંતુ 25 વર્ષની ઉંમરે પહોંચતા લોકોને ખ્યાલ આવે છે કે ઉંમર વધવાની પ્રક્રિયાથી પોતે આગળ નીકળી ગયા છે.

ત્રીસીમાં પ્રવેશ સાથે લોકોને પોતે ઉંમરના પ્રમાણમાં હજીય યુવાન હોવાનું લાગવા લાગે છે. લગભગ 70 ટકા લોકોને આવું લાગતું હોય છે.

નોસેક અને લિંડનર કહે છે, "એવું લાગે છે કે તેઓ જે ઉંમરનો અહેસાસ કરે છે તે મંગળ ગ્રહની હોય છે, કેમ કે પૃથ્વી પરનો એક દાયકો એટલે મંગળ ગ્રહના 5.3 વર્ષ જ થયા."

નોસેક અને લિંડનરે ઉંમર વિશેની લોકોની ધારણાઓને સમજવાની પણ કોશિશ કરી છે. અહીં પણ લોકો મંગળ ગ્રહ પ્રમાણે ગણતરી કરતા હોય તેવું લાગે છે.

મોટા ભાગના લોકો પોતાની ઉંમર હોય તેના કરતાં ઓછી ઉંમરના હોવાનો અહેસાસ કરવા માગે છે. જોકે અહીં પણ ઉંમરના જુદા-જુદા તબક્કે અલગ પ્રકારના વિચારો જોવા મળ્યા હતા.

જેમ કે, 20 વર્ષની ઉંમરના 60 ટકા લોકો વધુ ઉંમરના હોવાનો અહેસાસ કરવા માગે છે, જ્યારે 26 વર્ષના થયા પછી 70 ટકા લોકો પોતાને નાની ઉંમરના હોવાનો અહેસાસ કરવા માગે છે.

કેટલાક માનસશાસ્ત્રીઓ કહે છે કે પોતાની ઉંમરને ઓછી દેખાડીને વ્યક્તિ પોતાને વધારે સુરક્ષિત રાખવા માગે છે, કેમ કે વધતી ઉંમર સાથે કેટલીક નકારાત્મક બાબતો જોડાતી જાય છે.

જુદા-જુદા ક્ષેત્ર પ્રમાણે ઉંમર

જર્મનીની બિઅલફેલ્ડ યુનિવર્સિટીના એના કોર્નાટે આ વિશે સંશોધન કર્યું છે. એના કહે છે કે ઉંમરનો અહેસાસ જુદા જુદા ક્ષેત્રમાં જુદી જુદી રીતે થાય છે.

પ્રૉફેશનલ કરિયરમાં લોકો પોતાને વધારે મોટા અને અનુભવી દેખાડવા માગે છે, જેથી સિનિયર હોવાનો ફાયદો મળે. સ્વાસ્થ્ય અને આરોગ્યની બાબતમાં પણ આવું જ જોવા મળ્યું છે.

તેની સામે સામાજિક જીવનમાં લોકો પોતાને ઓછી ઉંમરના દેખાડવા માગે છે. એનાના રિસર્ચમાં એવું પણ જોવા મળ્યું કે પોતાને અસલી ઉંમર કરતાં જુવાન અનુભવતા લોકો પોતાના ભવિષ્ય વિશે વધારે આશાવાદી હોય છે.

ટૂંકમાં એનાના સંશોધન પરથી ખ્યાલ આવે છે કે લોકો યુવાન હોવાનો અહેસાસ કરીને સમાજમાં વૃદ્ધો માટે જે નકારાત્મકતા છે તેનાથી બચવા માગે છે.

ઓછી ઉંમરનો અહેસાસ કરવાથી તબિયતમાં પણ ફાયદો થાય છે.

જોકે, વિજ્ઞાનમાં પ્રગતિ છતાં માનસશાસ્ત્રની આ નાજુક બાબતો હજી પણ મનુષ્યની સમજથી દૂર છે.

એ દિવસ બહુ દૂર નથી, જ્યારે આપણે વિજ્ઞાનની મદદથી પોતાને વધારે યુવાન હોવાનો અહેસાસ કરાવી શકીશું અને વધતી ઉંમર સાથે આવતી મુશ્કેલીઓને લાંબો સમય ટાળી પણ શકીશું.

આ સંશોધનોના આધારે યાન્નિક સ્ટિફન ડૉક્ટરોને સલાહ આપે છે કે તમારે દર્દીઓને તેમની અસલી ઉંમર પૂછવાના બદલે કેટલી ઉંમરના અનુભવો છો તેવું પૂછવું જોઈએ.

દર્દી પોતાને યુવાન કે વૃદ્ધ શું સમજે છે તેના આધારે ડૉક્ટર તે વ્યક્તિને ભવિષ્યમાં થનારી બીમારી વિશે અનુમાન લગાવી શકશે.

વાતનો સાર એ છે કે તમારી અસલી ઉંમર ભલે ગમે તે હોય, તમે કેટલી ઉંમરનો અહેસાસ કરો છો તે મહત્ત્વનું છે. તમે પોતાને વધારે યુવાન સમજશો તો તમારું જીવન પણ તેવું જ હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો