You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગર્ભવતી મહિલાઓ હૉસ્પિટલમાં ગાળો અને માર સહન કરે છે
- લેેખક, કમલેશ
- પદ, બીબીસી સંવાદદાતા
28 વર્ષનાં સુમનની ગત મહિને પ્રસૂતિ થઈ, પરંતુ જ્યારે તેમને બીજા બાળક વિશે પૂછવામાં આવ્યું તો તેઓ ગભરાઈ ગયાં.
તેઓ બીજા બાળકના વિચારથી નહીં, પરંતુ પ્રસૂતિ દરમિયાન થયેલાં વર્તનથી ડરી ગયાં હતાં.
સુમનની પ્રસૂતિ દિલ્હીની સંજય ગાંધી હૉસ્પિટલમાં થઈ હતી.
પોતાનો અનુભવ વર્ણવતાં સુમન કહે છે, "મારું પહેલું બાળક હતું અને મને ખબર હતી કે પ્રસૂતિમાં શું થશે, જેથી હું પહેલાંથી જ ડરેલી હતી."
"મોટા રૂમમાં અન્ય મહિલાઓ પણ પ્રસૂતિ માટે આવેલી હતી. તેઓ દુખાવાના કારણે બૂમો પાડી રહી હતી."
"આ મહિલાઓને સહાનુભૂતિ આપવાના બદલે ઠપકો મળી રહ્યો હતો, જેનાં કારણે મારી અકળામણ વધી ગઈ હતી."
તમે આ વાંચ્યું કે નહીં?
સુમન કહે છે, "વૉર્ડમાં પંખા તો હતા, પરંતુ તે બંધ હતા. આવી ગરમીમાં ત્રણ મહિલાઓ માટે એક જ પથારી હતી. અમે ત્રણેય પ્રસવની પીડા સામે બાથ ભીડી રહ્યાં હતાં. અમારે સૂવું હતું, પરંતુ તે શક્ય નહોતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમે ત્રણેય સંકડાશમાં બેઠાં હતાં. અમને ત્યારે જ આરામ મળતો હતો જયારે ત્રણમાંથી એકાદ મહિલા પગ છૂટ્ટા કરવા નીકળે અથવા તો બાથરૂમ જાય."
"તેવામાં જ મારી નજીકનાં બેડ પર એક મહિલાને પ્રસવપીડા ઉપડી."
"તેઓ દુખાવાથી કણસી રહ્યાં હતાં. પરસેવાથી નિતરતા એ મહિલાનું મોઢું સુકાઈ રહ્યું હતું, પરંતુ તેમની સંભાળ લેનાર કોઈ નહોતું."
"જ્યારે તેઓ જોરજોરથી કણસવાં લાગ્યાં, ત્યારે નર્સ આવ્યાં અને તેમણે તપાસ દરમિયાન આ મહિલાને ઠપકો આપ્યો. તેમને કેટલીય વાર તેમને માર્યા પણ ખરા."
સરકારી હૉસ્પિટલોમાં પ્રસૂતિ દરમિયાન મહિલાઓ સાથે આ પ્રકારનો અસંવેદનશીલ વ્યવહાર થવો સામાન્ય બાબત છે.
કેટલીક સરકારી હૉસ્પિટલમાં સારવાર કરાવી રહેલી મહિલાઓ પણ આ પ્રકારના અનુભવો વર્ણવે છે.
કેન્દ્ર સરકારે પણ આ વાતનો સ્વીકાર કર્યો છે.
હૉસ્પિટલમાં થતા ખરાબ વ્યવહાર વિશે સરકાર દ્વારા વર્ષ 2017માં 'લક્ષ્ય દિશાનિર્દેશ' જાહેર કરાયો હતો.
રાજ્ય સરકારો દ્વારા તેને લાગુ કરાવવાનો પ્રયાસ કરાયો છે.
જ્યારે ચંડીગઢના 'પોસ્ટ-ગ્રૅજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ' અથવા પીજીઆઇએમઇઆર દ્વારા પ્રસૂતિ દરમિયાન સન્માનજનક વ્યવહાર અને સંભાળ અંગે એક સંશોધન કરાયું છે.
સંશોધનમાં શું છે?
આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે હૉસ્પિટલનો સ્ટાફ મહિલાઓ સાથે કડકાઈથી વર્તે છે અને તેમને ઠપકો આપે છે, એટલું જ નહીં મહિલાઓ ન માને તો તેમને ધમકાવે પણ છે.
પીજીઆઇએમઇઆરમાં કૉમ્યુનિટી મેડિસિનના પ્રૉફેસર અને આ રિપોર્ટના મુખ્ય સંશોધનકર્તા ડૉ. મનમીત કૌર કહે છે, "હકીકતમાં એવી ધારણા બંધાઈ ગઈ છે કે પ્રસૂતિ દરમિયાન ઠપકો આપવો જરૂરી છે."
"નર્સોનુ એવું પણ માનવું છે કે આવું કરવાથી પ્રસૂતિમાં મદદ મળે છે."
આ સંશોધનના કો-ઑર્ડિનેટર ઇનાયત સિંહ કક્કડ કહે છે, "હૉસ્પિટલમાં એક નર્સના ખભા પર અનેક જવાબદારી હોય છે, ત્યારે તેમનું ચિડાવું કદાચ સ્વાભાવિક છે."
"તેઓ તમામ દર્દીઓનું સારી રીતે ધ્યાન રાખી શકતાં નથી. અમને પણ ઘણી નર્સોએ આના વિશે જણાવ્યું છે. તેમ છતાં પ્રેમ અને સન્માનપૂર્વક વર્તવું અશક્ય નથી."
યોગ્ય ટ્રેનિંગની જરૂરિયાત
જ્યારે સંજય ગાંધી હૉસ્પિટલના સત્તાવાળાઓ સાથે આ વિષયમાં વાત થઈ તો તેમણે હૉસ્પિટલમાં કોઈની સાથે ખરાબ વ્યવહાર થયો હોવાની કોઈ ફરિયાદ મળી હોવાનો ઇન્કાર કર્યો હતો.
હૉસ્પિટલ દ્વારા એ બાબતનો સ્વીકાર કરવામાં આવ્યો કે સરકારી હૉસ્પિટલમાં આવું બને છે.
સંજય ગાંધી હૉસ્પિટલના ડેપ્યુટી મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉક્ટર એમએમ મનમોહન કહે છે,"દર્દીઓ સાથે પ્રેમભાવથી કેવી રીતે વર્તવું તેના વિશે અમે નર્સોનું અવારનવાર કાઉન્સિલિંગ કરતા રહીએ છે."
"આ વ્યક્તિગત બનાવ છે, બાકી અમારી પાસે આ પ્રકારની કોઈ ફરિયાદ આવી નથી કે કોઈ દર્દીને હેરાન કરવામાં આવ્યાં હોય."
જોકે, સરકારી હૉસ્પિટલમાં આ પ્રકારના બનાવો વિશે તેમણે કહ્યું, "આવું થવાનું એક કારણ એ પણ છે કે નર્સોને સોફ્ટ સ્કિલની ટ્રેનિંગ આપવા આવતી નથી."
"ખરેખર આ વિષય મેડિકલના અભ્યાસનો ભાગ હોવો જોઈએ, પરંતુ આ પ્રકારની ટ્રેનિંગ પહેલાંથી જ અપાતી નથી."
આ સાથે જ ડૉક્ટર મનમોહન સ્ટાફની અછતને પણ એક કારણ માને છે.
તેમણે કહ્યું કે પ્રત્યેક હૉસ્પિટલમાં નર્સ હોય કે ડૉક્ટર ઓછામાં ઓછી 15 થી 20 ટકા બેઠકો ખાલી હશે.
આવામાં હૉસ્પિટલમાં દર્દીની સંખ્યાની સરખામણીમાં ડૉક્ટર અને નર્સની સંખ્યા ઓછી હોય છે.
ત્યાં સુધી કે શેરીઓમાં ખુલતાં નાનાં સારવાર કેન્દ્રોમાં પણ હૉસ્પિટલનો જ સ્ટાફ સેવા આપે છે. ત્યાં અલગથી ભરતી કરવામાં આવતી નથી.
ડૉ. મનમોહન કહે છે કે હૉસ્પિટલના એક વૉર્ડમાં બે જ નર્સ હોય છે, જ્યારે તેમનાં પર 500-600 દર્દીઓનું ભારણ હોય છે.
તેઓ કહે છે, "જો આટલા દર્દીઓ નર્સને વારંવાર બોલાવે તો સ્વાભિક છે કે તે અકળાશે."
"તેમણે રૅકર્ડ પણ તૈયાર કરવાનો હોય છે, દવાઓ પણ આપવાની હોય છે."
"ઇન્જેક્ષશન આપવાનાં હોય છે અને દર્દીઓ બોલાવે તો તેમની પાસે પણ જવાનું હોય છે. તેમના માટે રજા લેવાનું પણ કઠિન થઈ જાય છે."
દિલ્હીના બાબુ જગજીવન હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. પ્રતિભા પણ હૉસ્પિટલમાં ડૉક્ટર અને નર્સોની અછતનો સ્વીકાર કરે છે. .
ડૉ. પ્રતિભાનું કહેવું છે, "આજે પણ ડૉક્ટરની અનેક જગ્યાઓ ખાલી પડી છે. સરકાર પાસે પૂરતા ડૉક્ટર જ નથી."
"ફક્ત દિલ્હી જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાં પણ હૉસ્પિટલોમાં સુધારો કરવાની જરૂરિયાત છે, જેથી દિલ્હીમાં અન્ય રાજ્યોના દર્દીનું ભારણ ઘટે."
તેઓ કહે છે કે બીજી જરૂરિયાત દર્દીઓ સાથે સહાનુભૂતિ રાખવાની પણ છે.
ગર્ભવતી મહિલાઓ સાથે સૌથી વધુ સંપર્કમાં નર્સો રહે છે. એવામાં તેમને જ યોગ્ય શિક્ષણ આપવું જોઈએ.
જ્યારે ઇનાયત સિંહ કહે છે, "દર્દી સાથે સહાનુભૂતિ અને વ્યક્તિગત વાતચીત મેડિકલ શિક્ષણનો ભાગ હોવો જોઈએ."
"આ પ્રકારનો અભ્યાસ સમયાંતરે થવો જોઈએ જેથી તેની આદત કેળવાયેલી રહે."
કાઉન્સેલિંગની જરૂરિયાત
મોટાભાગે આ પ્રકારના બનાવોમાં જોવા મળે છે કે મહિલાઓ ફરિયાદ કરવાં માટે આગળ આવતાં નથી અને એવું પણ કહે છે કે, મારી સાથે નહીં પરંતુ અન્ય મહિલા સાથે ખરાબ વ્યવહાર થયો હતો.
ત્યારે મહિલાઓને આંગણવાડી કે અન્ય કોઈ માધ્યમ દ્વારા હૉસ્પિટલની પ્રક્રિયા અને પ્રસૂતિની પીડા તથા સાવચેતી વિશે માહિતી આપીને કાઉન્સિલિંગની જરૂરિયાત છે.
સરકારે હૉસ્પિટલોમાં થતા ખરાબ વ્યવહાર વિશે 'લક્ષ્ય દિશાનિર્દેશ' બહાર પાડ્યો છે.
તેમાં સ્વીકારવામાં આવ્યું છે કે, પ્રસૂતિ દરમિયાન દર્દીની સારવાર સન્માનજનક રીતે થવી જોઈએ જેનો અભાવ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો