જ્યારે કિશોરી વહેલી પુખ્ત થઈ જાય ત્યારે કેવી મુશ્કેલીઓ પડે

    • લેેખક, સિન્ડી લેમોથે
    • પદ, બીબીસી માટે

પહેલીવાર એક અજાણ્યો પુરુષ મારા ખુલ્લા પગને તાકીને જોતો રહ્યો હતો તે ઘટના મને બરાબર યાદ રહી ગઈ છે.

હું 11 વર્ષની પણ નહોતી થઈ તે પહેલાંનો એ ઉનાળો હતો.

અમારા ઘરની નજીકના સ્ટોરમાં અમે ખરીદી માટે ગયાં હતાં.

તે ચેકઆઉટ માટેની લાઇનમાં મારી અને મારી માતાની પાછળ ઊભો હતો.

તે મને ઉપરથી નીચે ટીકી-ટીકીને જોઈ રહ્યો હતો.

તેની ઉંમર મારા પિતા જેવડી હશે પણ તેની આંખોમાં મને કોઈ સૌહાર્દ જેવું દેખાયું નહોતું.

ઝડપથી પુખ્ત થઈ રહેલી અને ઉંમર કરતાં મોટી દેખાવા લાગેલી કિશોરી તરીકે હું મુંઝાવા લાગી હતી.

મારા શરીરમાં થઈ રહેલા ફેરફારોને સમજવા માટે મારા મનમાં મથામણ થવા લાગી હતી.

મોટી ઉંમરના પુરુષોની નજરોને કારણે હું અકળાવા લાગી હતી અને ગભરાવા પણ લાગી હતી.

હું જતી હોઉં અને અજાણી વ્યક્તિ મને જોઈને બૂચકારો બોલાવે ત્યારે મારું હૃદય ધડકવા લાગતું હતું અને મોં સૂકાઈ જતું હતું.

હું મારી આંખો બંધ કરી દઉં તો પણ બાજુમાંથી પસાર થતા વાહનોમાંથી જોરથી બોલાયેલા અશ્લિલ શબ્દો મારા કાનમાં પડતા હતા.

તેના કારણે હવે મને જાહેરમાં શોર્ટ્સ પહેરવાનો ડર લાગવા લાગ્યો હતો.

અન્ય પ્રકારની જાતીય હિંસાની સામે આ પ્રકારની તાકીને જોતી નજરો કે ખરાબ લાગતા સિસકારા પ્રમાણમાં સામાન્ય લાગશે.

જોકે, અભ્યાસોમાં જણાયું છે કે કિશોરીઓ માટે તે પણ બહુ વિચલિત કરનારા હોઈ શકે છે.

તેના કારણે ઊભી થતી સાયકોલૉજિકલ સમસ્યાઓ જીવનભર તેમને સતાવી શકે છે.

#MeToo જેવી ઝુંબેશ ચાલી તેના કારણે પણ કામની જગ્યાએ થતી જાતીય સતામણી કેટલી વ્યાપક છે તેનો ખ્યાલ આવ્યો છે.

જોકે, કિશોરીઓની થતી જાતીય સતામણીની એટલી ચર્ચા થતી નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

હકીકતમાં ધીમે ધીમે તે એટલી વધી રહી છે તેના પર તાકીદે ચર્ચા કરવી પડે તેમ છે.

સાથેસાથે દુનિયાભરમાં પુખ્ત થવાની ઉંમર પણ નાની થઈ રહી છે તેમ લાગે છે.

અમેરિકામાં 1970ના દાયકામાં કિશોરીની પુખ્ત થવાની ઉંમર 12 વર્ષની ગણાતી હતી.

2011 સુધીમાં તે ઉંમર ઘટીને 9 વર્ષની થઈ ગઈ છે.

એક અભ્યાસમાં જણાયું છે કે શ્વેત કિશોરીઓમાં 18%, હિસ્પેનિકમાં 31% અને નોન-હિસ્પેનિક અશ્વેતમાં 43% કિશોરીઓ નવ વર્ષની ઉંમરે જ પુખ્ત થઈ જાય છે.

તેની પાછળના કારણો સંશોધકો હજી ચકાસી રહ્યા છે.

આ સ્થિતિને કારણે છથી આઠ વર્ષની નાની કિશોરીઓ સામે પણ જાતીય સતામણીનું જોખમ વધી રહ્યું છે.

સરખી ઉંમરની છોકરીઓમાં વધારે પુખ્ત દેખાતી છોકરીની સતામણી થવાની શક્યતા વધારે હોય છે.

છોકરીના પોતાના જાતીય વર્તનથી પણ આવું થઈ શકે તેવું સંશોધકો માને છે પણ આવા કિસ્સાઓમાં છોકરીઓનું પોતાનું વર્તન જાતીય હોય કે ના હોય તો પણ સતામણી વધારે થાય છે.

છોકરો અને છોકરી બંને ઉંમર કરતાં વહેલાં મોટાં થઈ જાય ત્યારે તેમના સહાધ્યાયીઓ તેમની જાતીય સતામણી કરતા હોય છે.

યૂકેમાં હાલમાં જ બીબીસીએ કરેલી એક તપાસમાં જણાયું હતું કે ટ્રેનની અંદર કે સ્ટેશન પર છ વર્ષની ઉંમરનાં બાળકો પર જાતીય હુમલાના બનાવો બન્યા હતા.

ઓરેગોનમાં રહેતી 26 વર્ષની કેરી જર્જેન્સને આજે પણ તે 11 વર્ષની હતી ત્યારે વૉટર પાર્કમાં થયેલો અનુભવ યાદ છે.

તે પરિવાર સાથે ગઈ હતી ત્યારે એક મોટી ઉંમરનો માણસ તેની પાછળ પાછળ હોટ ટબમાં આવ્યો હતો.

તેની પાછળના ભાગે હાથ મૂકીને વાતો કરવા લાગ્યો હતો કે તું કઈ સ્કૂલમાં ભણે છે અને કેવડી ઉંમરની છો.

કરી કહે છે, "હું વૉટર પાર્કના બીજા હિસ્સામાં દોડીને જતી રહી તો ત્યાં પણ તે પાછળ આવ્યો હતો અને મારી સાથે અટકચાળા કરવા લાગ્યો હતો."

"મને ખ્યાલ નહોતો આવતો કે મારે તેને કેમ અટકાવવો કેમ કે છોકરીઓને બધા સાથે સારું વર્તન કરવાનું શીખવવામાં આવે છે,"

પોતે શું વિચારતી હતી તે યાદ કરતા કેરી કહે છે: "મને થયું કે મહિલા થવું એટલે આવું બધું? તો મારે તે બનવું જ નથી."

બધાં જ બાળકો માટે પુખ્ત થવાની બાબત પડકાર સમાન હોય છે પણ પોતાની સખીઓ કરતાં ઝડપથી મોટી થઈ જતી કિશોરી માટે મુશ્કેલી વધારે હોય છે.

હાલમાં જ થયેલા એક અભ્યાસમાં 7,000 સ્ત્રીઓનો 14 વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવ્યો હતો.

તેમાં ખ્યાલ આવ્યો હતો કે વહેલું અને પ્રથમવાર માસિક આવે તેની પાછળ જવાબદાર પરિબળોમાં ડિપ્રેશનમાં વધારો, અસમતોલ આહાર અને પુખ્તતા વખતના અસામાજિક વર્તનનો સમાવેશ થાય છે.

આ અભ્યાસનાં સહલેખક જેન મેન્ડલ કહે છે, "વહેલા પુખ્ત થઈ જવાના કારણે ઊભી થતી સાયકોલૉજિકલ સ્વાસ્થ્યની સમસ્યા દુનિયાભરમાં જોવા મળી રહી છે,"

તેઓ કોર્નેલ યુનિવર્સિટી ખાતે સાયકોલૉજીના પ્રોફેસર છે.

એક કારણ એ પણ છે કે વહેલી મોટી થઈ જતી છોકરી સૌનું વધારે પડતું ધ્યાન ખેંચે છે.

મોટા છોકરાઓ તથા પુરુષો તરફથી તેના શરીર વિશે કમેન્ટ્સ વધારે થાય છે.

એમ મેન્ડલ કહે છે, "પુખ્તતામાં સૌથી અગત્યની બાબત એ છે કે તે બીજાને તરત દેખાઈ આવે છે,"

જોકે, ઉરોજના વિકાસ પછીય કિશોરી હજી બાળક જ હોય છે.

તેની જ ઉંમરની, ઉરોજનો વિકાસ ના થયો હોય તેની સરખામણી તે કંઈ સ્થિતિને સંભાળવા વધારે સક્ષમ થઈ ગઈ હોતી નથી.

10 વર્ષની ઉંમરે મને હજીય બાર્બી લઈને રમવાનું અને નાના ભાઈ સાથે ડિઝની ચેનલ જોવાનું જ ગમતું હતું. પુરુષોની નજરોને સમજવા માટેની મારી ઉંમર હજી થઈ નહોતી.

જે સમાજોમાં પુખ્ત થવા સાથે જ કિશોરીને લગ્નલાયક સમજી લેવાય છે ત્યાં કિશોરીઓના જાતીયકરણની સમસ્યા વધારે કપરી છે.

બાળકો માટે કામ કરતી યુનિસેફ સંસ્થાના અનુમાન પ્રમાણે આજે પણ દર ત્રણમાંથી એક કિશોરીને (લગભગ 25 કરોડ છોકરીઓને) પંદર વર્ષની થાય તે પહેલાં પરણાવી દેવાય છે.

માત્ર વિકાસશીલ દેશોમાં આવું થાય છે તેવું નથી.

મોટા ભાગના અમેરિકન રાજ્યોમાં પણ અમુક સંજોગોમાં 13 વર્ષની આસપાસની ઉંમરના સગીરોને લગ્ન માટે મંજૂરી આપવામાં આવે છે.

જબરદસ્તીથી લગ્નમાંથી કિશોરીઓ અને યુવતીઓને બચાવવા માટેનું કામ કરતી સંસ્થા અનચેઇન્ડ એટ એ ગ્લાન્સના અંદાજ અનુસાર અમેરિકામાં 2000થી 2010 સુધીમાં 12 વર્ષની નાના 2,48,000 સગીરોનાં લગ્ન કરાવી દેવાયાં હતાં.

નાની ઉંમરે લગ્નને કારણે ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે. મોટા ભાગના કિસ્સામાં છોકરી ભણી શકતી નથી. તેના આરોગ્યની પણ ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે.

બાંગ્લાદેશના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં છોકરી પહેલીવાર માસિકમાં આવે કે તરત જ તેનાં લગ્ન કરી દેવામાં આવે છે.

નાની ઉંમરે જ છોકરી ગર્ભવતી બને ત્યારે સુવાવડ વખતે જ મૃત્યુની શક્યતા 110માં એકની હોય છે.

20થી 24 વર્ષની ઉંમર સુવાવડ કરતાં આ જોખમ પાંચગણું વધારે હોય છે.

બાળવયે લગ્નથી ઊભી થતી માનસિક સ્વાસ્થ્યની સમસ્યામાં પણ વધુ સંશોધનની જરૂર છે.

ઇથિયોપિયામાં થયેલા આવા અભ્યાસમાં ખ્યાલ આવ્યો કે 10 વર્ષની નાની ઉંમરે લગ્ન થઈ જવાના કિસ્સામાં યુવતીઓમાં આપઘાતનું જોખમ વધી જાય છે.

આ સમસ્યાનું એક કારણ એ છે કે છોકરીનો શારીરિક વિકાસ થવા લાગે ત્યારે કુટુંબને ચિંતા પેઠે છે કે તે જાતીય રીતે સક્રિય ના થઈ જાય.

અથવા તેની સાથે ન થવાનું થશે તેવો ભય હોય છે.

તેથી નાની ઉંમરે લગ્ન એ છોકરીની 'સલામતી' માટે છે એમ માની લેવામાં આવે છે.

નિદલ કરિમ કહે છે, "પરિવારો અને સમાજના આવા ભયને કારણે છોકરી મોટી થવા લાગે તે સાથે તેની દુનિયા સિમિત થવા લાગે છે. છોકરીઓને બહુ બહાર જવા સામે મનાઈ કરી દેવામાં આવે છે."

આંતરરાષ્ટ્રીય સ્વંયસેવી સંસ્થા કેર સાથે સંકળાયેલા નિદલ કરિમ નેપાળ તથા બાંગલાદેશમાં કામ કરે છે, કેમ કે આ દેશોમાં બાળલગ્નોની સમસ્યા વધારે વ્યાપક છે.

કરિમ કહે છે, "છોકરીની જાતીયતા એ તેના સિવાય બીજા પણ માટે ચિંતાનો વિષય બને છે. આમ છતાં છોકરીઓને તેના વિશે ભાગ્યે જ કોઈ જાણકારી આપવામાં આવે છે. તેમના પોતાના શરીર વિશે, પુખ્તતા વિશે અને પ્રજોત્પતિ વિશે તેમને તૈયાર કરવામાં કે સુરક્ષિત કરવા પર ધ્યાન અપાતું નથી."

બાળલગ્નો ઓછાં થતાં હોય તેવા દેશોમાં પણ વહેલી આવી જતી પુખ્તતા સમસ્યા ઊભી કરી શકે છે.

મિનેસોટામાં રહેતાં ફ્રિલાન્સ લેખક પૌલિન કેમ્પોસ કહે છે કે કિશોરી તરીકે તેની સાથે જાતીય રીતે વ્યવહાર થતો હતો ત્યારે તે અકળાઈ જતી હતી.

તે યાદ કરતાં કહે છે કે આઠ જ વર્ષની ઉંમરે તેણે બી-કેપ પહેરવાનું અને બેગી શર્ટ તથા મોટી સાઇઝના ટ્યુનિક્સ પહેરીને પોતાના અંગોને ઢાંકવાની કોશિશ કરવી પડતી હતી.

"મને અંદર બહુ વિચિત્ર લાગતું હતું કેમ કે તે ઉંમરે મારા વધતા શરીર સાથે મારું મગજ તાલ મિલાવી રહ્યું નહોતું," એમ તેઓ કહે છે.

કેમ્પોસ માને છે કે મોટા થયા પછી આજે પણ તે અનુભવોને કારણે પોતે બોડી ડિસ્મોર્ફિયા (પોતાના દેખાવ વિશે નકારાત્મક લાગણી) અનુભવે છે.

તેઓ કહે છે, "મને કાયમ એમ લાગ્યા કરે કે હું માંડ માંડ શારીરિક મુશ્કેલીમાંથી બહાર આવેલી છું."

"હકીકતમાં એવું છે નહીં અને મેં છેલ્લાં કેટલાંય વર્ષોમાં વધુ પડતો આહાર અને તે પછી વધુ પડતું ડાયેટિંગ એવું કશું કર્યું નથી. મનમાં એકવાર વાત ઘર કરી જાય પછી જતી નથી,"

"એવું ઘણીવાર થઈ જાય કે મને લાગે કે હું જાડી થઈ રહી છું અને હું અરિસામાં જોઈને વિચાર્યા કરું કે હું વધારે ભરાવદાર થઈ રહી છું.''

અભ્યાસોમાં એવું જણાયું છે કે નાની વયે જાતીય સતામણી થઈ હોય તેના કારણે નારીમાં શરીર વિશેની માન્યતાઓ ઘર કરી જાય છે.

સાયકોલૉજિસ્ટ તેને ઑબ્જેક્ટિફાઇડ બૉડી કોન્શ્યસનેસ તરીકે ઓળખે છે, જેમાં વ્યક્તિ એવું માનતી થઈ જાય છે કે શરીર એ જોવાની ચીજ છે અને તેના આધારે ધારણાઓ બાંધવાની હોય છે.

નાની ઉંમરે જાતીયતાની સભાનતાને કારણે લાંબા ગાળે કેવું નુકસાન થાય છે, તે ચિંતાને અનુમોદન આપતા વધુ ને વધુ અભ્યાસો થવા લાગ્યા છે.

2016માં એક અભ્યાસમાં જણાયું છે કે જાતીય સતામણીના કારણે શરીર વિશે નકારાત્મક માન્યતાઓ ઘર કરી જાય છે.

તેના કારણે જ એ બાબતમાં નવાઈ નથી કે 11થી 13 વર્ષની ઉંમરની કિશોરીઓ વધારે સેલ્ફ-ઑબ્જેક્ટિફિકેશન દાખવતી હોય છે.

છોકરાઓ કરતાં છોકરીઓમાં આ ઉંમરે શરીરની વધારે સભાનતા, ડિપ્રેશન વગેરે જોવા મળે છે.

તેમને વધારે સંકોચ થાય છે, ચિંતિત રહે છે અને આપઘાતના પણ વધારે વિચારો આવે છે.

વહેલી પુખ્ત થઈ જતી છોકરીઓને આહારમાં અનિયમિતતા, આળસ અને ભણવામાં પાછળ પડવા જેવી સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.

સિલિયા રોબર્ટ્સ કહે છે કે પુખ્ત તરીકે ગણતરી થવા લાગે તેના કારણે છોકરીઓ પોતાને કઈ રીતે જોવામાં આવે છે. જાણવામાં આવે છે તેને અલગ રીતે જોતી થઈ જાય છે.

લેન્કેસ્ટર યુનિવર્સિટીના જેન્ડર એન્ડ સાયન્સ સ્ટડીઝના પ્રોફેસર અને સાયકોલૉજિસ્ટ સિલિયા કહે છે, "બાળક હોઈએ તેમાંથી મોટા થવાની વાત એ મોટું પરિવર્તન છે."

"તમે પોતાને વધારે મહત્ત્વના અને વ્યક્તિ તરીકે વધારે સજાગ માનવા લાગો છો."

"આવી સ્થિતિમાં જાતીય સતામણી થાય ત્યારે તમને લાગે કે તમે એક સ્વતંત્ર વ્યક્તિ નથી પણ અન્ય વ્યક્તિ માટે એક ઑબ્જેક્ટ છો. જેનો ઉપયોગ કરી શકાય અને પ્રભુત્વ જમાવી શકાય".

શાળા જેવા 'સલામત મનાતા સ્થળ' પર પણ છોકરીઓની જાતીય સતામણી થતી હોય છે.

અમેરિકામાં થયેલા એક રાષ્ટ્રીય સર્વે અનુસાર 56 ટકા કિશોરીઓએ અને 40 ટકા કિશોરોએ જાતીય સતામણી થયાનું જણાવ્યું હતું.

બાળકો 11થી 12 વર્ષનાં હોય તેવા છઠ્ઠા ધોરણમાં પણ ત્રીજા ભાગની વિદ્યાર્થિનીઓની છોકરાઓએ સતામણી કરી હોવાનું જણાયું હતું.

મેન્ડલ કહે છે કે ઘણીવાર છોકરીના શરીરમાં પરિવર્તનથી અન્ય બાળકને જિજ્ઞાસા થતી હશે કે જરા વિચિત્ર લાગતું હશે, પણ સાથોસાથ તેઓ દુષ્ટતા પણ કરી શકે છે.

પુખ્ત થવાની પ્રારંભિક અવસ્થામાં આ વધારે મુશ્કેલ બનતું હોય છે, કેમ કે તે વખતે પોતાને કઈ રીતે અભિવ્યક્ત કરવા તે હજી બાળકો સમજી રહ્યાં હોય છે.

ખાસ કરીને એ છોકરીઓ જેને છોકરી જેવા દેખાવાનો કોઈ મોહ ના હોય. તેના આવા 'સ્ત્રૈણ' લક્ષણો બહુ અકળાવનારાં લાગતાં હોય છે.

આ ઉપરાંત સ્ત્રી કે પુરુષ બેમાંથી એક પણ વલણ ના ધરાવતા બાળક માટે સ્થિતિ વધારે કપરી બને છે.

એક અભ્યાસમાં જણાવ્યા અનુસાર 81% ટકા ટ્રાન્સેજેન્ડર યુવકો અને 72% લેસ્બિયન યુવતીઓને જાતિય સતામણીનો સામનો કરવો પડ્યો હતો.

તેની સામે જન્મ અનુસાર જ જાતી અનુભવના કિસ્સામાં 43% છોકરીઓ અને 23% છોકરાઓની જ સતામણી થઈ હતી.

અશ્વેત છોકરીઓને રંગભેદનો પણ સામનો કરવો પડતો હોય છે એટલે તેના માટે આવી સતામણી વધારે આકરી હોય છે.

કેલિફોર્નિયામાં સાયકોલૉજિસ્ટ તરીકે કામ કરતી એક એશિયન અમેરિકન મહિલાએ પોતાનું નામ આપ્યા સિવાય વાત કરી હતી.

પોતાની અંગત વાત કુટુંબીઓ જાણે એવી તેની ઇચ્છા નહોતી.

તેણે કહ્યું કે પોતે 12 વર્ષની હતી ત્યારે પોતાના શરીર વિશે બહુ ખરાબ કમેન્ટ તેણે સાંભળી હતી.

"મને યાદ છે કે મારા ક્લાસના એક છોકરાએ તો મને કહી દીધું હતું કે હું તારી સાથે સેક્સ કરવાનો જ છું."

આવી જાતીય સતામણી સાથે રંગભેદી ટીપ્પણીઓ પણ સાંભળવી પડતી હતી એવું તેને યાદ છે, જેમ કે "તને બહુ બધા વાળ ઉગ્યા છે ખરા? કેમ કે મેં એવું સાંભળ્યું છે કે એશિયનોને બહુ વાળ ઉગતા નથી."

વહેલી પુખ્તતાને કારણે માનસિક સ્વાસ્થ્યની સમસ્યા જોડાયેલી હોવા છતાં, ગોથેનબર્ગ યુનિવર્સિટીના સાયકોલૉજીના પ્રોફેસર થેરેસ સ્કૂગને એવું પણ જોવા મળ્યું છે કે આવી કિશોરીઓ માનસિક રીતે પણ વધારે પુખ્ત હોય છે અને સારી રીતે પોતાને સંભાળી પણ લેતી હોય છે.

મારા માટે નાની વયે આવા અનુભવોને કારણે મોટી ઉંમરે વધારે સહાનુભૂતિ અને લાગણી જન્મ્યા હતા, ખાસ કરીને મારા જેવા જ અનુભવો ધરાવતી વ્યક્તિઓ સાથે.

સંશોધકો એ વાતે પણ સહમત થાય છે કે નાની વયે જાતીય રીતે પુખ્ત થઈ જવાની બાબતને કોઈ મોટી આપત્તિ તરીકે જોવાની પણ જરૂર નથી.

સમસ્યા એ નથી કે કિશોરીનું શરીર ઝડપથી વધી રહ્યું છે, સમસ્યા એ સમાજમાં તેને કઈ રીતે લેવામાં આવે છે તેની છે.

તેથી જ સંશોધકો કહે છે કે આપણે આવી કિશોરીઓને અને તેના કુટુંબને કઈ રીતે મદદરૂપ થવું તેના પર ભાર મૂકવાની જરૂર છે.

સાથોસાથ રોબર્ટ્સ કહે છે તે પ્રમાણે, "પુખ્તતાને ખરાબ રીતે જોનારા સેક્સિસ્ટ કલ્ચરનો પણ આપણે વિરોધ કરવો રહ્યો".

સ્કૂગ માને છે કે સામાજિક અને માનસિક રીતે આ બાબતમાં જાગૃત્તિ ફેલાવતા તાલીમ વર્ગો પર ધ્યાન આપવું જોઈએ.

જાતીય બાબતોની માહિતી, સામાજિક સભાનતા, સહાનુભૂતિ અને વૃત્તિને કાબૂમાં રાખવા જેવી બાબતો આવી તાલીમમાં આવરી લેવા જોઈએ એમ તેઓ માને છે.

નાની કિશોરીઓ સાથે થતી જાતીય સતામણી સહિત, દરેક પ્રકારની સતામણીનો સામનો કરી શકાય તેવી નીતિના ઘડતરમાં આ બધી બાબતોનો સમાવેશ કરવો જોઈએ.

આપણે એ સમજવાની જરૂર છે કે આપણે સામાજિક રીતે વધારે સભાન વર્તન શીખવાની જરૂર છે. આપણે એ સમજવાની જરૂર છે કે કિશોરીમાં પુખ્તતાના ચિહ્નો કે વર્તન દેખાય તેનો અર્થ નથી કે તે સેક્સુયલ બાબતો માટે તૈયાર હોય.

આવી બાબતમાં ઝીરો ટોલરન્સ (જરાય ના ચલાવી લેવાનું) વાતાવરણ ઊભું કરવું રહ્યું.

તો જ આપણે કિશોરાવસ્થામાં થતી સતામણી સહિતની દરેક પ્રકારની જાતીય સતામણીની વિરુદ્ધમાં મજબૂત અભિપ્રાય ઊભો કરી શકીશું.

-તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો