You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્વામી વિવેકાનંદે જ્યારે ગૌરક્ષકને પૂછ્યા વેધક સવાલ
- લેેખક, નાસિરુદ્દીન
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
આ વાત 1897ની છે. કોલકાતાનો બાગ બજાર વિસ્તાર. સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસના એક ભક્ત પ્રિયનાથના ઘરે બેઠા હતા. રામકૃષ્ણ પરમહંસના અનેક ભક્તો તેમને મળવા આવ્યા હતા અને વિવિધ મુદ્દે ચર્ચા ચાલી રહી હતી.
એ વખતે ત્યાં એક ગૌરક્ષા પ્રચારક જઈ પહોંચ્યા હતા અને સ્વામી વિવેકાનંદ સાથે વાત કરવા લાગ્યા હતા.
સ્વામી વિવેકાનંદ અને ગૌરક્ષા પ્રચારક સંન્યાસી વચ્ચે દિલચસ્પ સંવાદ થયો હતો. એ સંવાદને શરતચંદ્ર ચક્રવર્તીએ બાંગ્લા ભાષામાં કલમબદ્ધ કર્યો હતો.
એ સંવાદ સ્વામી વિવેકાનંદના વિચારોના સત્તાવાર સંપાદનનો હિસ્સો પણ બન્યો હતો.
સ્વામી વિવેકાનંદ અમેરિકાના શિકાગોમાં 1893માં વિશ્વ ધર્મ સંસદમાં હિંદુ ધર્મનો ધ્વજ લહેરાવીને પાછા ફર્યા હતા.
જરા વિચારો, સ્વામી વિવેકાનંદે ગૌરક્ષાના પ્રચારનું કામ કરતા સન્યાસીને શું કહ્યું હશે?
ભગવા વસ્ત્રો પહેરતા સ્વામી વિવેકાનંદે ગૌરક્ષકને જે કહ્યું હતું તેની કલ્પના કરવાનું તમારા માટે આસાન નહીં હોય.
વિવેકાનંદ-ગૌરક્ષક સંવાદ
ગૌરક્ષકે પણ સાધુ-સન્યાસીઓ જેવાં વસ્ત્રો પહેર્યાં હતાં. તેમના માથા પર ગેરુઆ રંગની પાઘડી હતી. તેઓ બંગાળ બહારથી, હિન્દીભાષી વિસ્તારમાંથી આવ્યા હોય તેવા લાગતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્વામી વિવેકાનંદ ગૌરક્ષક સન્યાસીને મળવા ઓરડામાંથી બહાર આવ્યા હતા. અભિવાદન બાદ ગૌરક્ષા પ્રચારકે સ્વામી વિવેકાનંદને ગાયની એક તસ્વીર આપી હતી.
એ પછી ગૌરક્ષક સન્યાસી અને સ્વામીજી વાતો કરવા લાગ્યા હતા. એ વાતચીતનું બયાન કરવાને બદલે તે 'કમ્પ્લીટ વર્ક્સ ઑફ વિવેકાનંદ'માં જે રીતે નોંધાયેલી એ રીતે વાચવામાં વધારે મજા પડશે.
વિવેકાનંદઃ આપ લોકોની સભાનો ઉદ્દેશ શું છે?
પ્રચારકઃ અમે દેશની ગૌમાતાઓને કસાઈઓના હાથમાંથી બચાવીએ છીએ. વિવિધ જગાઓ પર ગૌશાળા સ્થાપવામાં આવી છે. તેમાં બીમાર, કમજોર અને કસાઈઓથી બચાવવામાં આવેલી ગૌમાતાનું પાલન કરવામાં આવે છે.
વિવેકાનંદઃ આ તો બહુ સારી વાત છે. સભાની આવકનો સ્રોત શું છે?
પ્રચારકઃ આપના જેવા મહાપુરુષોની કૃપાથી જે કંઈ મળે છે તેમાંથી સભાનું કામકાજ ચાલે છે.
વિવેકાનંદઃ તમારી પાસે જમા પૂંજી કેટલી છે?
પ્રચારકઃ મારવાડી વૈશ્ય સમાજ આ કામમાં વધુ સહાય કરે છે. તેમણે સત્કાર્ય માટે ઘણા પૈસા આપ્યા છે.
વિવેકાનંદઃ મધ્ય ભારતમાં અત્યારે ભયાનક દુષ્કાળ પડ્યો છે. ભારત સરકારે જણાવ્યું છે કે નવ લાખ લોકો અન્ન ન મળવાને કારણે મૃત્યુ પામ્યા છે.
તમારી સભા દુષ્કાળના આ સમયમાં કોઈને સહાય આપવાનું કામ કરી રહી છે?
પ્રચારકઃ અમે દુષ્કાળ વગેરેમાં કોઈ સહાય કરતા નથી. આ સભાની સ્થાપના તો માત્ર ગૌમાતાની રક્ષાના હેતુસર જ કરવામાં આવી છે.
વિવેકાનંદઃ તમારી નજર સામે જોતજોતામાં દુષ્કાળમાં લાખો લોકો મોતના મોંમાં સમાઈ ગયા છે. તમારી પાસે બહુ પૈસા હોવા છતાં આ ભયાનક દુષ્કાળમાં એક મુઠ્ઠી અન્ન આપીને તમે એ લોકોની મદદ કરવાના કામને તમારી ફરજ નથી ગણ્યું?
પ્રચારકઃ નહીં. એ લોકોના કર્મોનું ફળ છે. પાપના કારણે દુષ્કાળ પડ્યો છે. જેવું કર્મ હોય તેવું જ ફળ મળતું હોય છે.
ગૌરક્ષકની આવી વાતો સાંભળીને સ્વામી વિવેકાનંદની મોટી-મોટી આંખોમાં જાણે કે જ્વાળા ભડકી ઉઠી હતી. તેમનું મોં ગુસ્સાને લીધે રાતુંચોળ થઈ ગયું હતું, પણ તેમણે તેમની લાગણીને કોઈક રીતે અંકુશમાં રાખી હતી.
એ પછી સ્વામી વિવેકાનંદે ગૌરક્ષા પ્રચારકને કહ્યું હતું, "જે સભા-સમિતિને માણસો પ્રત્યે સહાનુભૂતિ નથી. પોતાના ભાઈઓનો મરતા નિહાળવા છતાં તેમના પ્રાણની રક્ષા માટે એક મુઠ્ઠી અનાજ નથી આપી શકતી, પણ પશુ-પક્ષીઓ માટે મોટા પાયે અન્ન વિતરણ કરે છે. એ સભા-સમિતિ પ્રત્યે મને જરા પણ સહાનુભૂતિ નથી. તેમના જેવાથી સમાજનું ભલું થતું હશે કે કેમ તેની મને ખાતરી નથી."
કર્મફળના તર્ક સંબંધે વાત કરતાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું:
"પોતાના કર્મોના ફળને કારણે જ માણસો મૃત્યુ પામે છે, એવું કહીને કર્મની દુહાઈ આપવાથી જગતમાં કોઈ પણ કામ માટે પ્રયાસ કરવાનું એકદમ નિરર્થક સાબિત થશે."
"પશુ-પક્ષીઓ માટેનું તમારું કામ પણ તેની હેઠળ આવી જશે.આ કામ વિશે પણ એવું કહી શકાય કે ગૌમાતાઓ તેમના કર્મને કારણે કસાઈઓના હાથમાં પહોંચી જાય છે અને તેમને મારી નાખવામાં આવે છે. તેથી તેમની રક્ષાના પ્રયાસો કરવા વ્યર્થ છે."
સ્વામી વિવેકાનંદે કર્યો વ્યંગ
સ્વામી વિવેકાનંદની આ વાત સાંભળીને ગૌરક્ષા પ્રચારક ઝંખવાઈ ગયા હતા. તેમણે કહ્યું, "હા, આપ જે કહી રહ્યા છો એ સાચું છે, પણ શાસ્ત્ર કહે છે કે ગાય આપણી માતા છે."
એ સાંભળીને સ્વામી વિવેકાનંદ હસી પડ્યા હતા. તેમણે હસતાં-હસતાં કહ્યું હતું, "જી, ગાય આપણી માતા છે એ હું સારી રીતે સમજું છું. એવું ન હોય તો આવા વિલક્ષણ સંતાનને બીજું કોણ જન્મ આપી શકે."
આ મુદ્દે ગૌરક્ષકે કશું કહ્યું ન હતું. કદાચ તેઓ સ્વામી વિવેકાનંદના વ્યંગને સમજી નહીં શક્યા હોય.
ગૌરક્ષકે કહ્યું હતું, "આ સમિતિ તરફથી તમારી પાસે થોડી ભિક્ષા મેળવવા માટે હું આવ્યો છું."
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, "હું તો સન્યાસી ફકીર છું. મારી પાસે પૈસા ક્યાં છે કે હું આપને મદદ કરું? સાથે એ પણ કહી દઉં કે મારી પાસે ક્યારેય પૈસા હશે તો પણ હું સૌથી પહેલાં એ માણસની સેવા માટે ખર્ચીશ.
"સૌથી પહેલાં માણસને બચાવવો પડશે. અન્નદાન, વિદ્યાદાન, ધર્મદાન કરવું પડશે. એ પછી પૈસા બચશે તો તમારી સમિતિને કંઈ આપી શકીશ."
સ્વામી વિવેકાનંદનો આ જવાબ સાંભળીને ગૌરક્ષા પ્રચારક ત્યાંથી ચાલ્યા ગયા હતા.
'માનવતા સૌથી મોટો ધર્મ'
એ વખતે રામકૃષ્ણ પરમહંસના શિષ્ય શરતચંદ્ર ત્યાં ઉપસ્થિત હતા.
શરતચંદ્રના જણાવ્યા મુજબ, "એ પછી સ્વામી વિવેકાનંદ અમને કહેવા લાગ્યા હતા કે શું વાત કરી? શું કહ્યું-પોતાનાં કર્મોના ફળને કારણે લોકો મૃત્યુ પામી રહ્યા છે. તેથી તેમના પ્રત્યે દયા દેખાડવાથી શું થશે?
"આપણા દેશના પતનનું આ જીવતું જાગતું પ્રમાણ છે? તમારા હિંદુ ધર્મનો કર્મવાદ ક્યાં જઈ પહોંચ્યો છે. માણસ થઈને બીજા માણસ માટે જેને પીડા ન થાય એ માણસ છે?"
આટલું બોલતાં સ્વામી વિવેકાનંદનું આખા શરીરમાં ક્ષોભ, દુઃખ અને બેચેની વ્યાપી ગઈ હતી.
આ આખો સંવાદ 121 વર્ષ પહેલાંનો છે, પણ આ સંવાદનો આજના સમય માટે કોઈ અર્થ છે ખરો?
આ સંવાદથી તો એવું જ લાગે છે કે સ્વામી વિવેકાનંદ માટે માણસ અને માનવતાની સેવા જ સૌથી મોટો ધર્મ છે, પણ સ્વામી વિવેકાનંદનું નામ લેતી વખતે આપણા પૈકીનું કોણ તેમના આ સ્વરૂપને યાદ રાખે છે?
થોડું વધુ વિચારો
ગુણીજનો કહે છે કે મગજનો ઉપયોગ કરવાથી મગજ વધુ ધારદાર થાય છે. આ સંદર્ભમાં એ વિચારીએ કે સ્વામી વિવેકાનંદ આજે આપણી વચ્ચે હોત તો અહીં જે ઘટનાઓની વાત છે એ વિશે તેમણે શું કહ્યું હોત?
• ઝારખંડની સંતોષી, મીના મુસહર, સાવિત્રી દેવી, રાજેન્દ્ર બિરહોર અને દિલ્હીની ત્રણ બહેનો-શિખા, માનસી તથા પારુલ જેવાં લોકોના ભૂખને કારણે મૃત્યુ.
• અખલાક, અલીમુદ્દીન, પહલૂ ખાન, કાસિમ અને રકબર જેવા લોકોની ગાયની ચોરીના આરોપસર હત્યા.
• ગુજરાત, આંધ્ર પ્રદેશ જેવી જગ્યાઓએ ગૌરક્ષાના નામે દલિતોને માર મારવાની ઘટનાઓ.
• આ હત્યાઓ અને માર મારવા જેવા બીજા હિંસાચારને વાજબી ઠરાવવાના પ્રયાસ.
• ગૌશાળાઓમાં ગાયોનાં મોત.
• પાકનો નાશ થવાથી કરજમાં ડૂબેલા હજ્જારો ખેડૂતોનાં મોત.
સ્વામી વિવેકાનંદના ગૌરક્ષક સાથેના ઉપરોક્ત સંવાદને વાંચ્યા બાદ સ્વામીજીએ આ ઘટનાઓ વિશે શું કહ્યું હોત તેનો અંદાજ આસાનીથી લગાવી શકીએ. ખરુંને?
અલબત, આજના સમયમાં સ્વામી વિવેકાનંદ હોત અને કોઈ ગૌરક્ષક સાથે તેમણે આવો જ સંવાદ કર્યો હોત તો તેમનું શું થયું હોત એવો સવાલ કરવાનું નિરર્થક છે.
(આ લેખ 2018માં પ્રકાશિત થયો હતો જેને ફરીથી સંપાદિત કરવામાં આવ્યો છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો