કોરોના વાઇરસ : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સાત હજારથી વધુ કેસ, લગ્નમાં 150 લોકોને જ મંજૂરી

ગુજરાતમાં મંગળવારે કોવિડ-19ના 7,476 નવા કેસ અને 3 મૃત્યુ નોંધાયાં છે.

ગુજરાત પરિવાર કલ્યાણ અને સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, રાજ્યમાં સૌથી વધુ 2861 કેસ અમદાવાદમાં નોંધાયા હતા. સુરતમાં પણ 1988 નવા કેસ નોંધાયા હતા.

આ બંને શહેરોમાં રાજ્યના કુલ નવા કેસ પૈકીના 70 ટકા કરતા વધુ નોંધાયા હતા.

મંગળવારે ઑમિક્રોનનો એક પણ નવો કેસ નોંધાયો નથી. જ્યારે કોરોનાના 2,704 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, તેમજ ઑમિક્રોનના 2 દર્દીઓને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

રાજ્યમાં સોમવારે કોવિડ-19ના 6,097 નવા કેસ નોંધાયા હતા. આમ રાજ્યમાં એક દિવસમાં 1400 કેસનો ઉછાળો આવ્યો છે.

રાજ્યના ઓમિક્રૉનના શૂન્ય કેસ સંદર્ભે નિષ્ણાતોનું માનવું છે કે ઑમિક્રોનના ઓછા કેસ એ વાતની શંકા ઉપજાવે છે કે ક્યાંક ગાંધીનગર ખાતેની જીનોમ સિક્વન્સિંગ લૅબોરેટરીમાં તકનીકી ખામી થઈ હોવી જોઈએ.

તો મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો કે રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે.

બંધ સ્થળોએ યોજાતા સમારોહ જગ્યાની ક્ષમતાના 50% પણ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે.

તો લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

આ ફેરફારો આવતી કાલ એટલે કે તારીખ 12મી જાન્યુઆરી 2022થી અમલમાં આવશે અને 22મી જાન્યુઆરી 2022 સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં રહેશે.

ગાયિકા લતા મંગેશકર કોરોના વાઇરસથી સંક્રમિત, ICUમાં દાખલ કરાયાં

જાણીતાં ગાયિકા લતા મંગેશકર કોરોના વાઇરસથી સંક્રમિત થયાં છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

સમાચાર સંસ્થા એએનઆઈએ સાથેની વાતચીતમાં લતા મંગેશકરનાં ભત્રીજી રચનાએ આ અંગે ખરાઈ કરી હતી.

તેમનું કહેવું છે કે લતા મંગેશકરને કોરોના વાઇરસના સંક્રમણનાં હળવાં લક્ષણો જોવા મળ્યાં હતાં, અને હાલમાં તેમને હૉસ્પિટલના આઈસીયુ વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યાં છે.

લતા મંગેશકરનાં ભત્રીજી રચનાએ સ્પષ્ટતા પણ કરી છે કે, "તેઓ (લતા મંગેશકર) સ્વસ્થ છે; તેમની ઉંમરને ધ્યાને રાખીને તકેદારીના ભાગરૂપે જ તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યાં છે. અમારી અંગતતાનું માન રાખો."

કોરોનાનાં લક્ષણો ન હોય તો ટેસ્ટ કરાવવાની જરૂર નથી, ICMRની નવી માર્ગદર્શિકામાં શું છે?

કોરોના વાઇરસથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલી વ્યક્તિઓએ કોવિડ-19નો ટેસ્ટ કરાવવાની જરૂર નથી, જો વ્યક્તિ હઈ-રિસ્ક પર હોય તો જ ટેસ્ટ કરાવવો, એવું કેન્દ્ર સરકારની ટોચની મેડિકલ સંસ્થાએ નવી માર્ગદર્શિકામાં લખ્યું છે.

એનડીટીવીના અહેવાલ પ્રમાણે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ (ICMR) દ્વારા નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

જેના પ્રમાણે કોરોના સંક્રમણનાં લક્ષણો ન હોય, એવા લોકોએ ટેસ્ટ કરાવવાની જરૂર નથી.

આ સાથે જ નિયત સારવાર બાદ ડિસ્ચાર્જ થયેલા દર્દી, ઘરે જ આઇસોલેશનમાં રહેલા દર્દી અને ભારતના જ એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં પ્રવાસ કરતી વ્યક્તિના પણ કોરોના ટેસ્ટ કરવાની જરૂર રહેતી નથી.

માર્ગદર્શિકામાં એવું પણ કહ્યું છે કે કફ, તાવ, સ્વાદ અને ગંધની ક્ષમતા ગુમાવવી, આવાં લક્ષણો ધરાવતી વ્યક્તિઓએ કોરોનાના ટેસ્ટ કરાવવા જોઈએ.

પાંચથી દસ ટકા કોરોના દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે, પણ... – કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકારના આરોગ્ય મામલાના સચિવ રાજેશ ભૂષણે કહ્યું છે કે કોરોનાની બીજી લહેર વખતે ભારતમાં ઍક્ટિવ કેસો પૈકીના 20-23 ટકા દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતી હતી.

ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે તેમણે કહ્યું હતું કે આરોગ્ય મામલાના સચિવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં આ અંગે વાત કરી હતી.

સોમવારે તેમણે કહ્યું હતું કે હાલમાં ઍક્ટિવ કેસો પૈકી માત્ર પાંચથી દસ ટકા લોકોને જ હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી રહી છે, જોકે સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે.

તેમણે પત્રમાં એવી પણ સૂચના આપી છે કે હોમ આઇસોલેશન અને હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના સંક્રમિતોની સ્થિતિ પર પણ નજર રાખવામાં આવે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો