You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી : યુપીના ઉપમુખ્ય મંત્રી કેશવપ્રસાદ મૌર્ય કયા સવાલ પર ભડક્યા અને ઇન્ટરવ્યૂ અટકાવી દીધો?
ઉત્તરપ્રદેશના ઉપમુખ્ય મંત્રી કેશવપ્રસાદ મૌર્યએ બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે "લડ્યા પહેલાં જ હાર સ્વીકારી લીધી છે."
ઉત્તરપ્રદેશ માટે ચૂંટણીની તારીખોની જાહેરાત પછી બીબીસીના રિપોર્ટર અનંત ઝણાણેએ અનેક મુદ્દા પર ઉપમુખ્ય મંત્રી સાથે વાત કરી હતી.
થોડા દિવસો પહેલાં જ હરિદ્વારમાં યોજાયેલી ધર્મસંસદમાં મુસલમાનો વિરુદ્ધ કરાયેલાં નિવેદનો અંગે સવાલ પૂછવામાં આવ્યો તો કેશવપ્રસાદ મૌર્ય નારાજ થઈ ગયા અને ઇન્ટરવ્યૂ અટકાવી દીધો.
ઇન્ટરવ્યૂ અટકાવ્યા અને વીડિયો ડિલીટ કરવા બાબતે તમે આગળ વાંચો, જોકે થોડા સમય પછી ઉપમુખ્ય મંત્રીએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.
વિપક્ષ નિશાન પર
પહેલાં કેટલાક ખાસ પ્રશ્નોના એમના જવાબો…
ઇન્ટરવ્યૂની શરૂઆત એ સવાલ સાથે થઈ જેમાં કેપી મૌર્યને એમ પૂછવામાં આવ્યું કે, બીજી પાર્ટીઓ પાસે એટલા પૈસા નથી કે તે ભાજપની જેમ વર્ચુઅલી ચૂંટણી લડી શકે. સપા નેતા અખિલેશ યાદવે માગણી કરી છે કે ચૂંટણીપંચ એમને પૈસા આપે.
એના જવાબમાં મૌર્યએ કહ્યું, "મને લાગે છે કે અખિલેશ યાદવજીએ આજે સાહસનો પરિચય કરાવ્યો છે. 2017ની જેમ 2022માં સમાજવાદી પાર્ટીની હાર નિશ્ચિત છે. જનતા કોઈ પણ કિંમતે ગુંડારાજ, દંગારાજ, માફિયારાજ, ભ્રષ્ટાચાર કરનારાઓને સ્વીકારવા નથી ઇચ્છતી. હાર તો એમની નિશ્ચિત હતી. એમણે આજે સાહસ દેખાડ્યું છે કે આજે તારીખની જાહેરાત થતાં જ એમણે હાર સ્વીકારી લીધી છે, એ માટે હું એમને ધન્યવાદ આપું છું."
જ્યારે એમને એમ પૂછવામાં આવ્યું કે જ્યારે ભાજપ પોતાના પ્રચારમાં માફિયાવિરુદ્ધ કાર્યવાહી કરવાનો ઉલ્લેખ કરે છે તો એ માત્ર અતીક અહમદ, મુખ્તાર અન્સારી અને આઝમ ખાનનું જ નામ કેમ લે છે, અને વિકાસ દુબેનું નામ કેમ નથી લેતો?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પ્રશ્નના જવાબમાં કેશવપ્રસાદ મૌર્યએ કહ્યું, "જેના નામથી આમલોકો ડરતા હોય, એ વ્યક્તિ કોણ છે? જે અત્યારે રાજનીતિમાં અપરાધીકરણનું સાક્ષાત્ સ્વરૂપ છે, જેનું નામ તમે લો છો. પોલીસ સાથે ઍન્કાઉન્ટર થયું એમાં વિકાસ દુબે મરાયો. એ ઘટના હતી અને એનો જવાબ પોલીસે આપ્યો છે."
યોગી આદિત્યનાથ મથુરાથી ચૂંટણી લડવાના છે એવા અંદાજ કરાય છે, એ જોતાં ઉપમુખ્ય મંત્રી ક્યાંથી ચૂંટણીમાં ઊભા રહેશે? એ પ્રશ્નના ઉત્તરમાં એમણે કહ્યું,
"આદરણીય યોગીજી અમારા મુખ્ય મંત્રી છે અને એમના નેતૃત્વમાં અમે બધાએ ખૂબ શાનદાર કામ કર્યું છે, તેથી અમે સંપૂર્ણ વિપક્ષને વિકાસના ફીલ્ડ પર લાવવા ઇચ્છીએ છીએ, અને આ ફીલ્ડમાંથી પણ વિપક્ષ ભાગી રહ્યો છે. જનતાની સામે મોં દેખાડવાને લાયક નથી, જનતાને બધું યાદ છે. ભૂલવા પણ નહીં દઈએ."
ધર્મસંસદ સાથે સંકળાયેલો સવાલ અને નારાજગી
જ્યારે એમને એમ પુછાયું કે હરિદ્વાર ધર્મસંસદમાં મંચ પરથી કરાયેલાં હિંસા માટે ઉશ્કેરનારાં નિવેદનો પછી પ્રાંતના મુખ્યમં ત્રી ચૂપ છે, તો એવાં નિવેદનો કરનારાઓને પ્રોત્સાહન મળે છે અને એમનો ઉત્સાહ વધે છે; શું તમારે બધાએ નિવેદન કરીને લોકોને આશ્વાસન ન આપવું જોઈએ કે તમે કોઈ પણ ધર્મવિશેષના વિરોધી નથી?
કેશવપ્રસાદ મૌર્યએ આના જવાબમાં કહ્યું, "ભાજપે પ્રમાણપત્ર આપવાની જરૂર નથી. અમે સૌનો સાથ સૌનો વિકાસ કરવામાં માનીએ છીએ. ધર્માચાર્યોને પોતાના મંચ પરથી પોતાના વિચાર પ્રકટ કરવાનો અધિકાર હોય છે. તમે હિન્દુ ધર્માચાર્યોની જ વાત કેમ કરો છો? બાકીના ધર્માચાર્યોએ કેવાં કેવાં નિવેદનો કર્યાં છે, એ વિશે, એમની વાત કેમ નથી કરતા?"
"જમ્મુ-કાશ્મીરમાંથી 370 હઠાવ્યા પહેલાં કેટલા લોકોએ ત્યાંથી પલાયન કરવું પડ્યું એની વાત કેમ નથી કરતા? તમે જ્યારે સવાલ ઊભા કરો તો પછી સવાલ માત્ર એકતરફી ન હોવા જોઈએ. ધર્મસંસદ ભાજપની નથી, એ સંતોની હોય છે. સંતો પોતાની બેઠકોમાં શું કહે છે, શું નથી કહેતા, એ એમનો વિષય છે."
જ્યારે ઉપમુખ્ય મંત્રી મૌર્યને પૂછવામાં આવ્યું કે યતિ નરસિંહાનંદ ગાઝિયાબાદના છે, અન્નપૂર્ણા અલીગઢનાં છે, આ લોકો જેવો માહોલ ઊભો કરી રહ્યાં છે એ કારણે એમના પર કશી કાર્યવાહી કેમ નથી થતી?
એના જવાબમાં મૌર્યએ કહ્યું, "મોહાલ ઊભો કરવાની કોઈ કોશિશ નથી કરતા. જે વાત સાચી હોય છે, જે યોગ્ય વાત હોય છે, જે એમના પ્લૅટફૉર્મ પર એમને યોગ્ય લાગે છે, તેઓ કહેતા હશે. તમે એવા સવાલ લઈ આવો છો જે રાજનીતિના ક્ષેત્ર સાથે સંકળાયેલા નથી. આ બધી બાબતોને મેં જોઈ પણ નથી જે વિષય પર તમે મારી સાથે ચર્ચા કરો છો. પરંતુ જ્યારે ધર્માચાર્યોની વાત કરો, તો ધર્માચાર્ય માત્ર હિન્દુ ધર્માચાર્ય નથી હોતા, મુસ્લિમ ધર્માચાર્ય પણ હોય છે, ખ્રિસ્તી ધર્માચાર્ય પણ હોય છે. અને કોણ કોણ શી વાતો કરે છે એ ચારેય બાબતોને ભેગી કરીને સવાલ કરો. હું બધા પ્રશ્નોના જવાબ આપીશ. તમે વિષય પહેલેથી જણાવતા તો હું તૈયારી કરીને તમને જવાબ આપતો."
જ્યારે એમને ભારત-પાક ક્રિકેટ મૅચ જેવી બાબતમાં રાષ્ટ્રદ્રોહ લગાડ્યાનું ઉદાહરણ યાદ કરાવાયું તો એમણે સવાલ પૂરો થતાં પહેલાં જ કહ્યું, "રાષ્ટ્રદ્રોહ અલગ વિષય છે. તમે રાષ્ટ્રદ્રોહને અને લોકોનો જે મૌલિક અધિકાર છે એને ના જોડો. ભારતમાં રહીને જો કોઈ પાકિસ્તાન ઝિંદાબાદના સૂત્રોચ્ચાર કરશે તો સહન નહીં કરાય. એ નિશ્ચિત રૂપે દેશદ્રોહીની શ્રેણીમાં આવી જશે. એની વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આ જે ધર્મસંસદ થાય છે એ બધા ધર્માચાર્યોની થાય છે, બધા સંપ્રદાયની થાય છે, બધાની થાય છે. એમણે પોતાની જે કંઈ વાત કહેવી હોય, કહે છે."
લગભગ 10 મિનિટ સુધી સવાલ-જવાબ થયા પછી ઉપમુખ્ય મંત્રી કેશવપ્રસાદ મૌર્યએ બીબીસીના રિપોર્ટરને કહ્યું કે, માત્ર ચૂંટણી અંગેના સવાલો પૂછો.
બીબીસીના રિપોર્ટર અનંત ઝણાણેએ કહ્યું કે, આ બાબત ચૂંટણી સાથે સંકળાયેલી છે, એ સાંભળીને ઉપમુખ્ય મંત્રી ઉશ્કેરાઈ ગયા અને એમણે રિપોર્ટરને કહ્યું કે તમે પત્રકારની રીતે નહીં બલકે કોઈના 'એજન્ટ'ની જેમ વાત કરો છો. ત્યાર પછી એમણે પોતાનું જૅકેટ પર લગાડેલું માઇક કાઢી નાખ્યું. એમણે ત્યાં જ વાતચીત અટકાવી દીધી અને કૅમેરા બંધ કરવાનું કહ્યું. ત્યાર પછી એમણે બીબીસીના રિપોર્ટરનો કોવિડ માસ્ક ખેંચ્યો અને સુરક્ષા કર્મચારીઓને બોલાવીને જબરજસ્તીથી વીડિયો ડિલીટ કરાવી દીધો.
ડિલીટ કરી દેવાયેલો એ વીડિયો રિકવર કરવામાં કૅમેરામૅનને સફળતા મળી, કેમ કે, બંને કૅમેરામાંથી વીડિયો ડિલીટ થઈ ગયો છે એવી કેપી મૌર્યના સુરક્ષા કર્મચારીઓએ ખાતરી કરી લીધી હતી, પણ કૅમેરાની ચિપમાંથી વીડિયોને રિકવર કરી શકાય છે.
અહીં બીબીસીએ કેશવપ્રસાદ મૌર્ય સાથેની વાતચીતનો એડિટ કર્યા વિનાનો વીડિયો મૂક્યો છે, એટલે કે આ વીડિયોમાં પાછળથી કશી કાપકૂપ કે ઉમેરણ કરવામાં નથી આવ્યું. જે ઘટનાનો ઉપર ઉલ્લેખ કરાયો છે એ કૅમેરા બંધ કરાયા પછીનો બનાવ છે તેથી એની ફૂટેજ ઉપલબ્ધ નથી, તમે પોતે જોઈ શકો છો કે ઉપમુખ્ય મંત્રી પોતાના જૅકેટમાં લગાડેલું માઇક દૂર કરી રહ્યા છે, ત્યાર બાદ કૅમેરા બંધ થઈ ગયો હતો.
બીબીસીએ આ ઘટના અંગે ગંભીર ચિંતા પ્રગટ કરતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યના મુખ્ય મંત્રીને સત્તાવાર રીતે એક ફરિયાદ પણ કરી છે, પરંતુ આ લખાય છે ત્યાં સુધીમાં એમના તરફથી કોઈ પ્રતિક્રિયા કે પ્રત્યુત્તર મળ્યો નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો