You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં 15 મિનિટની પણ ચૂક મોટી વાત કેમ છે?
- લેેખક, ભૂમિકા રાય
- પદ, બીબીસી સંવાદદાતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામી મુદ્દે રાજકીય પક્ષો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે.
બુધવારે પંજાબના ફિરોઝપુરમાં પીએમ મોદીની રેલી યોજાવાની હતી, પરંતુ ગૃહ મંત્રાલયે કહ્યું કે સુરક્ષામાં ભારે ખામીને કારણે વડા પ્રધાન રેલીમાં ભાગ લઈ શક્યા નહીં.
બુધવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે, "ખરાબ હવામાનને કારણે ઍરપૉર્ટથી પીએમનો કાફલો રોડથી હુસૈનીવાલાસ્થિત રાષ્ટ્રીય શહીદસ્મારક માટે રવાના થયો હતો."
"જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો શહીદસ્મારકથી લગભગ 30 કિલોમીટર દૂર ફ્લાયઓવર પર પહોંચ્યો ત્યારે જાણવા મળ્યું કે કેટલાક પ્રદર્શનકારીઓએ રસ્તો રોકી દીધો હતો."
"વડા પ્રધાનનો કાફલો 15થી 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટકી પડ્યો હતો.
ભાજપે આક્રમક વલણ અપનાવતાં આ ઘટના પાછળ કૉંગ્રેસનો 'ખૂની ઈરાદો' જવાબદાર ગણાવ્યો છે.
બીજી તરફ કૉંગ્રેસે કહ્યું છે કે રેલીમાં ખુરશીઓ ખાલી હતી, તેથી વડા પ્રધાને સુરક્ષાના બહાના હેઠળ પાછા ફરવાનો નિર્ણય લીધો હતો.
ભાજપનું કહેવું છે કે પંજાબમાં કૉંગ્રેસની સરકાર છે અને વડા પ્રધાનની મુલાકાત વખતે સુરક્ષા કરવાની જવાબદારી તેમની હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પંજાબના મુખ્ય મંત્રી ચરણજિતસિંહ ચન્નીએ બુધવારે સાંજે એક પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે, "વડા પ્રધાનની સુરક્ષાને કોઈ ખતરો નહોતો. પંજાબ સરકારની આમાં કોઈ ભૂમિકા નહોતી.''
જોકે મુખ્ય મંત્રી ચન્નીએ તપાસના આદેશ પણ આપ્યા છે.
આ કેટલી મોટી ભૂલ હતી?
પૂર્વ આઈપીએસ અધિકારી યશોવર્ધન આઝાદનું માનવું છે કે વડા પ્રધાનનો કાફલો લગભગ 15 મિનિટ સુધી સરહદી વિસ્તારમાં અટવાય, એ સુરક્ષામાં મોટી ખામી ગણાય.
તેઓ કહે છે કે, "આ મોટી ભૂલ છે, કારણ કે સરહદી રાજ્યમાં જો વડા પ્રધાનનો કાફલો ઓવરબ્રિજ પર 15-20 મિનિટ સુધી કેદ થઈને રહે તો સુરક્ષાની દૃષ્ટિએ આ ગંભીર બાબત છે."
"પીએમ જ્યાં પણ જાય, ત્યાં તેમની સુરક્ષાની જવાબદારી એસપીજીની તો હોય જ, પરંતુ સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની હોય છે."
આ ભૂલ કેવી રીતે થઈ?
એક પૂર્વ વરિષ્ઠ પોલીસ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પોલીસની છે. પરંતુ જ્યારે પીએમની વાત આવે ત્યારે તેમની સુરક્ષામાં એસપીજી પણ તહેનાત હોય છે.
તેમના કહેવા પ્રમાણે, "પીએમની કોઈ પણ મુલાકાતમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા એસપીજીની ટીમો અગાઉથી જ પહોંચી જાય છે. સ્થાનિક ગુપ્તચર વિભાગના અધિકારીઓને મળે છે. કેવી વ્યવસ્થા રહેશે, રૂટ કયો રહેશે, તે બધું જ નક્કી કરે છે. પોલીસ બાહ્ય વર્તુળમાં સુરક્ષા પૂરી પાડે છે અને આંતરિક વર્તુળમાં એસપીજી."
તેમનું કહેવું છે કે પીએમની મુલાકાત પહેલાં રાજ્ય સરકારને જાણ કરવામાં આવે છે અને વડા પ્રધાનની સુરક્ષાના દૃષ્ટિકોણથી સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે.
તેઓ સ્વીકારે છે કે આ એક ભૂલ છે, પરંતુ સાથે જ તેઓ કહે છે કે તપાસનો રિપોર્ટ આવે ત્યાં સુધી રાહ જોવી જોઈએ.
સાથે જ યશોવર્ધન કહે છે કે, "ભટિંડાથી ફિરોઝપુરનું અંતર લગભગ 110 કિલોમીટર છે. ભટિંડા ઍરપૉર્ટ પહોંચ્યા પછી વડા પ્રધાને આગળ જવું હતું, પણ હવામાન ખરાબ હતું."
"ત્યાં થોડો સમય રોકાયા અને હવામાનમાં સુધારાની રાહ પણ જોઈ, પરંતુ ત્યારબાદ રોડથી જવાનું નક્કી કર્યું. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા આકસ્મિક તૈયારીઓ પણ કરવામાં આવે છે. આમ પણ વડા પ્રધાનની મુલાકાત માટે વૈકલ્પિક માર્ગો તૈયાર રાખવામાં આવે છે.''
યશોવર્ધન આઝાદ કહે છે, "રોડ દ્વારા જવાની મંજૂરી આપવામાં આવે તો એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે પોલીસે કહ્યું હશે કે તેઓ રૂટને ક્લિયર કરશે. જ્યારે પીએમનો કાફલો ચાલે, ત્યારે રાજ્ય પોલીસે આગળ ચાલવાનું જ હોય છે."
યશોવર્ધન એમ પણ માને છે કે 110 કિલોમીટર લાંબા રૂટ પર દરેક જગ્યાએ પોલીસ તહેનાત ન કરી શકાય, પરંતુ વડા પ્રધાનની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા હોય છે.
તેઓ કહે છે, "કેટલાક લોકોએ રસ્તો બ્લૉક કરી દીધો હતો. એનો અર્થ એ કે રસ્તે જઈ રહેલા વડા પ્રધાનના કાફલાની માહિતી લીક થઈ ગઈ હતી."
"ના, ભૂલ આ નથી. મોબાઇલયુગમાં તે પણ 110 કિલોમીટર લાંબા રૂટ પર પીએમના પસાર થવાની માહિતી લીક થાય, પણ ભૂલ એ હતી કે લોકો ત્યાં ભેગા થઈ ગયા."
"તેઓ ખેડૂત હતા અને તેમણે રસ્તો રોકી દીધો, પોલીસના ઍડ્વાન્સ યુનિટે પીએમની કારને પાછળ રાખી દીધી, તેઓ આગળ આવ્યા અને તેમની સાથે વાતચીત શરૂ કરી."
યશોવર્ધનનું માનવું છે કે તે દરમિયાન જે કંઈ થયું, પોલીસે જે પદ્ધતિ અપનાવી તે પીએમની સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ ખતરનાક હતી.
તેઓ કહે છે, "તમે સામાન્ય દિવસોમાં પ્રદર્શનકારીઓ સાથે વાત કરી શકો, પરંતુ પીએમના કાફલાના માર્ગમાં નહીં. બળપ્રયોગ કરીને પણ પોલીસે તરત જ રસ્તો ખુલ્લો કરવો જોઈતો હતો."
પોલીસબળનો ઉપયોગ ન કરવા પાછળ યશોવર્ધન તર્ક આપે છે કે આજકાલ જે કાર્યવાહી કરે છે, તેની જ સામે વળતી કાર્યવાહી કરવામાં આવે છે.
વડા પ્રધાનની સુરક્ષાનો પ્રોટોકૉલ કેવો હોય છે?
યશોવર્ધન કહે છે કે વડા પ્રધાનની મુલાકાત પહેલાં વ્યાપક સ્તરે તૈયારીઓ કરવામાં આવે છે.
તેમના મતે જો વડા પ્રધાન ચૂંટણી રેલીમાં જવાના હોય તો અલગ-અલગ તૈયારીઓ કરવામાં આવે છે. જો તેઓ કોઈ કાર્યક્રમમાં કે એમ જ જતા હોય તો તેની તૈયારી અલગ પ્રકારની હોય છે.
પીટીઆઈ-ભાષાના સંપાદક અને લાંબા સમય સુધી વડા પ્રધાન કાર્યાલયને કવર કરનારા નિર્મલ પાઠક કહે છે કે વડા પ્રધાનની સુરક્ષામાં થયેલી ખામી ઘણી મોટી છે.
તેમનું કહેવું છે કે પીએમની કોઈ પણ મુલાકાત પહેલાં એસપીજી જઈને પહેલાં રેકી કરે છે. એસપીજી ટુકડી તહેનાત કરવામાં આવે છે. આઈબી રાજ્યની સુરક્ષા એજન્સી સાથે સતત સંપર્કમાં રહે છે.
ઉત્તર પ્રદેશના પૂર્વ ડીજીપી વિક્રમસિંહ માને છે કે વડા પ્રધાનની સુરક્ષામાં ગંભીર ક્ષતિઓ રહી છે.
વિક્રમસિંહ કહે છે, "ઍડવાન્સ સિક્યૉરિટી લીજન (એએસએલ)ની બેઠક થાય છે, જેમાં એસપીજી સાથે સ્થાનિક પોલીસ અને તંત્રના અધિકારીઓ જોડાય છે. આ બેઠકમાં વડા પ્રધાનના કાર્યક્રમની દરેક મિનિટની સુરક્ષાનું વિશ્લેષણ થાય છે. સંભાવનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાષ્ટ્રવિરોધી તત્ત્વો દ્વારા જીવના જોખમનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે. "
"વડા પ્રધાનની હિલચાલની સંપૂર્ણ કવાયત કરવામાં આવે છે. તે કવાયતના આધારે જ વડા પ્રધાનની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે છે. દરેક વસ્તુનો એક વિકલ્પ હોય છે. રોકાણનો વિકલ્પ રાખવામાં આવ્યો છે, તેવી જ રીતે રૂટનો પણ વિકલ્પ રાખવામાં આવ્યો હોય છે. ઇમરજન્સી માટે સલામત ઠેકાણાં પણ તૈયાર રાખવામાં આવ્યાં હોય છે.
વિક્રમસિંહ કહે છે, "આ ભૂલ નહી, પરંતુ ઘોર બેદરકારી છે. વિરોધીઓ અચાનક એકઠા નથી થયા, તેમણે પણ તૈયારીઓ કરી હશે. તેમને રોકી શકાયા હોત પણ રોકવામાં ન આવ્યા. "
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો