You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકના મામલે તપાસ થશે, અત્યાર સુધી શું-શું થયું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિના મામલે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ શુક્રવારે સુનાવણી કરશે.
બુધવારે પંજાબના ફિરોઝપુરમાં રેલીને સંબોધવા ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને 10-15 મિનિટ માટે રસ્તામાં રોકાવું પડ્યું હતું.
ગૃહ મંત્રાલયનું કહેવું છે કે સુરક્ષામાં ક્ષતિના કારણે વડા પ્રધાન રેલીમાં ભાગ લઈ શક્યા ન હતા.
જો કે પંજાબના મુખ્ય મંત્રી ચરણજિતસિંહ ચન્નીએ કહ્યું કે પીએમની સુરક્ષામાં કોઈ ક્ષતિ રહી નથી અને જે સમસ્યા ઊભી થઈ છે તે તેમના કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ થયેલા ફેરફારને કારણે થઈ છે.
પંજાબના મુખ્ય મંત્રી ચન્નીએ આ મામલે તપાસ કરાવવાની બાંયધરી આપી છે.
સિનિયર ઍડ્વોકેટ મનીન્દરસિંહે માગ કરી છે કે સુપ્રીમ કોર્ટ આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરે.
તેમની માગ છે કે આ મામલાની તપાસ થવી જોઈએ, જેથી આવું ફરી ન બને.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો આરોપ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ મામલે આરોપ લગાવ્યો છે, "વડા પ્રધાનનો જીવ જોખમમાં મૂકવામાં આવ્યો અને પંજાબ પોલીસ મૂકદર્શક બનીને બેસી રહી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્મૃતિ ઈરાનીએ વધુમાં કહ્યું, "કૉંગ્રેસના ખૂની ઈરાદા નિષ્ફળ થયા. અમે ઘણી વખત કહ્યું છે કે કૉંગ્રેસને મોદીથી નફરત છે. તેનો હિસાબ દેશના વડા પ્રધાન સાથે ન કરવો જોઈએ. કૉંગ્રેસે આજે જવાબ આપવો પડશે."
કેન્દ્રીય ગૃહમંત્રાલયના કહેવા પ્રમાણે, "હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદસ્મારકથી લગભગ 30 કિલોમીટર દૂર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો એક ફ્લાયઓવર પર પહોંચ્યો, ત્યારે માલૂમ પડ્યું હતું કે કેટલાક પ્રદર્શનકારીઓએ રસ્તો જામ કરી દીધો છે. "
"આને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15-20 મિનિટ સુધી અટવાઈ ગયા હતા. તેમની સુરક્ષામાં આ મોટી ચૂક હતી."
સમગ્ર ઘટનાક્રમના પગલે વડા પ્રધાનના સુરક્ષાકાફલાએ ભટિંડા ઍરપૉર્ટ પરત ફરવાનો નિર્ણય લીધો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી છે અને આ મુદ્દે પંજાબ સરકાર પાસેથી જવાબ માગ્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયના કહેવા પ્રમાણે, વડા પ્રધાનનો કાર્યક્રમ તથા તેની સમયસારણી અગાઉથી જ પંજાબ સરકારને મોકલી દેવામાં આવ્યાં હતાં.
આપાતકાલીન યોજના મુજબ રોડ ઉપર પણ સુરક્ષાવ્યવસ્થા ગોઠવવાની રહે છે, જે ગોઠવવામાં આવી ન હતી. આ ચૂકને કારણે મુલાકાતને રદ કરવામાં આવી હતી.
ભટિંડા ઍરપૉર્ટના અધિકારીઓને ટાંકતાં ન્યૂઝ એજન્સી એએનઆઈ લખે છે કે ઍરપૉર્ટ પર પહોંચ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઍરપૉર્ટ પરથી પરત ફરતી વેળાએ અધિકારીઓને કહ્યું હતું, "તમારા મુખ્ય મંત્રીને થેન્ક યુ કહેજો કે હું ભટિંડા ઍરપૉર્ટ સુધી જીવતો પહોંચી શક્યો."
રેલીમાં શું થયું ?
કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા અગાઉથી જ ફિરોઝપુર ખાતે મંચ ઉપર હાજર હતા અને તેમણે જ વડા પ્રધાનની મુલાકાત રદ થવાની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું હતું, "કેટલાંક કારણોસર વડા પ્રધાન આપણી વચ્ચે હાજર નથી થઈ રહ્યા, પરંતુ વડા પ્રધાને કહ્યું છે કે આપણે આ કાર્યક્રમને 'રદ' નથી કરી રહ્યા, પરંતુ મોકૂફ કરી રહ્યા છીએ. તેમણે આવનારા દિવસોમાં ફરી આવવાની ઇચ્છા વ્યક્ત કરી છે."
આ બેઠકને પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદરસિંહ, પંજાબ ભાજપના અધ્યક્ષ અશ્વિની શર્મા તથા હંસરાજ હંસે સંબોધિત કરી હતી.
શર્માએ આરોપ મૂક્યો હતો કે ભાજપના કાર્યકરો તથા સમર્થકોને રેલીના સ્થળે આવતા અટકાવવામાં આવ્યા હતા.
બીબીસીના પ્રતિનિધિ સુરિન્દર માનના કહેવા પ્રમાણે રેલીના સ્થળથી પાંચ-છ કિલોમીટર દૂર ભાજપના કાર્યકરો તથા ખેડૂતોની વચ્ચે અથડામણ થઈ હતી.
ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા પંજાબની સરકાર ઉપર આરોપ મૂક્યો છે.
નડ્ડાનું કહેવું છે કે ચૂંટણીમાં પરાજયના ભયથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરકાર્યક્રમોમાં અવરોધ ઊભા કરવામાં આવી રહ્યા છે.
નડ્ડાએ દાવો કર્યો હતો કે મુખ્ય સચિવ તથા ડીજીપીએ (ડાયરેક્ટર જનરલ પોલીસ) એસપીજીને (વડા પ્રધાનની સુરક્ષા માટે જવાબદાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ) ખાતરી આપી હતી કે વડા પ્રધાનની સુરક્ષામાં કોઈ અવરોધ નહીં આવે. છતાં પ્રદર્શનકારીઓ રસ્તા પર આવી ગયા હતા. વડા પ્રધાનની સુરક્ષામાં આ બહુ મોટી ચૂક હતી.
નડ્ડાના કહેવા પ્રમાણે, પંજાબના મુખ્યમંત્રી ચરણજિતસિંહ ચન્નીએ આ મુદ્દે વાત પણ કરી નહોતી. સાથે જ તેમણે આરોપ મૂક્યો કે વડા પ્રધાનની જાહેરરેલી ન થાય તે માટે પોલીસને સૂચના આપવામાં આવી હતી.
કૉંગ્રેસે આ અંગે શું કહ્યું?
પંજાબના મુખ્ય મંત્રીએ એક સમાચાર-ચેનલ સાથેની વાતચીતમાં આ આરોપોને નકારી કાઢ્યા છે.
તેમણે કહ્યું હતું, "વડા પ્રધાનનો કાર્યક્રમ હવાઈમાર્ગે થવાનો હતો. તેઓ ભટિંડા પહોંચ્યા, ત્યારે અચાનક જ કાર્યક્રમ બદલી નાખ્યો હતો. પંજાબ સરકારને આના વિશે જાણ ન હતી."
તેમણે દાવો કર્યો હતો કે રેલીમાં 70 હજાર લોકો માટે બેઠકવ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, પરંતુ 700 લોકો પણ પહોચ્યા નહોતા, એટલે આ પ્રકારનાં બહાનાં કાઢવાંમાં આવી રહ્યાં છે.
એક પછી એક ચાર ટ્વીટ કરીને કૉંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ નડ્ડાના આરોપોનો જવાબ આપ્યો હતો. તેમણે લખ્યું :
"આદરણીય નડ્ડાજી, સાનભાન ન ગુમાવો. કૃપા કરીને યાદ રાખો :
1) રેલીસ્થળે 10 હજાર સુરક્ષાકર્મીઓને તહેનાત કરાયા હતા.
2) એસપીજી તથા અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરીને સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
3) રાજસ્થાન અને હરિયાણાથી આવી રહેલા ભાજપના કાર્યકરોની બસોને પણ માર્ગ કરી આપવામાં આવ્યો હતો.
4) વડા પ્રધાને જમીનમાર્ગે હુસૈનીવાલા જવાનું નક્કી કર્યુ. જે અગાઉના કાર્યક્રમ મુજબ નિર્ધારિત નહોતું.
5) કિસાન-મજદૂર સંઘર્ષસમિતિ (KMSC) વડા પ્રધાનની મુલાકાતનો વિરોધ કરી રહી છે અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતે તેમની સાથે બે તબક્કામાં વાટાઘાટ પણ કરી હતી."
તેમણે ઉમેર્યું હતું, "શું તમે જાણો છો કે KMSC દ્વારા શા માટે વડા પ્રધાનની મુલાકાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે?
6) તેમની માગો છે : રાજ્યકક્ષાના ગૃહમંત્રી અજય મિશ્રા ટેનીને હઠાવો; હરિયાણા, દિલ્હી તથા યુપીમાં ખેડૂતો સામેના કેસો પાછા ખેંચો, મૃત્યુ પામેલાં 700 ખેડૂતોના પરિવારજનોને વળતર આપો, એમએસપી (મિનિમમ સપૉર્ટ પ્રાઇસ, ટેકાના ભાવો)અંગે સમિતિ નિમવામાં આવે તથા તત્કાળ કોઈ નિર્ણય લેવામાં આવે."
7) ખેડૂતોના આંદોલન પછી મોદી સરકારે આ વચનોની સદંતર ઉપેક્ષા કરી છે. 8. છેલ્લે, મોદીજીને સાંભળવા માટે લોકો આવ્યા જ નહોતા. આરોપબાજી બંધ કરો તથા ભાજપના ખેડૂતવિરોધી વલણ માટે આત્મમંથન કરો. રેલીઓ આયોજિત કરો, પણ પહેલાં ખેડૂતોને સાંભળો."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો