You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સત્યપાલ મલિક : અમિત શાહે કહ્યું હતું કે મોદીને એક દિવસ વાત સમજાશે
કેન્દ્ર સરકારના ત્રણ વિવાદિત કૃષિકાયદાને લઈને ટીકા કરતાં મેઘાલયના ગર્વનર સત્યપાલ મલિકે આ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી છે.
અંગ્રેજી અખબાર 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર ,મલિકે રવિવારે એક કાર્યક્રમમાં કહ્યું કે જ્યારે તેઓ આ કાયદાને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે તેઓ 'ઘમંડ'માં હતા.
હરિયાણાના દાદરીમાં એક સામાજિક કાર્યક્રમમાં ગર્વનર મલિકે કહ્યું, "હું જ્યારે ખેડૂતો મામલે વડા પ્રધાનને મળવા ગયો ત્યારે મારો તેમની સાથે પાંચ મિનિટમાં ઝઘડો થઈ ગયો. તેઓ બહુ ઘમંડમાં હતા. જ્યારે મેં તેમને કહ્યું કે અમારા 500 લોકો મરી ગયા, તો તેમણે કહ્યું- મારા માટે મર્યા છે?"
"મેં કહ્યું કે તમારા માટે જ તો મર્યા હતા, તમે તો રાજા બની ગયા છો, મારો ઝઘડો થઈ ગયો. તેમણે કહ્યું- તમે હવે અમિત શાહને મળી લો. હું અમિત શાહને મળ્યો."
બાદમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે કૃષિકાયદા પરત લેવા પર સરકારના નિર્ણય પર કહ્યું કે 'વડા પ્રધાને જે કહ્યું એના સિવાય એ બીજું શું કહી શકતા હતા. અમે (ખેડૂતો) અમારા પક્ષમાં નિર્ણય કરાવડાવ્યો.'
ખેડૂતોની પડતર માગો પર મલિકે કહ્યું, "અમને એમએસપી પર કાનૂની ગૅરંટી માટે તેમની મદદ જોઈએ, ન કે કંઈક એવું કરે, જેથી બધું ખરાબ થઈ જાય."
કૉંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ બાદમાં એક વીડિયો ટ્વીટ કર્યો હતો, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લોકો ભ્રમિત કરતાં હોવાનું સત્યપાલ મલિક બોલતાં સાંભળી શકાય છે.
વીડિયો ટ્વિટર પર બંધારણીય સત્તાઓ એકબીજા વિશે 'અપમાનજનક' વાતો કરતી હોવાની વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સત્યપાલ મલિકના સંબંધિત નિવેદન બાદ ભારે હોબાળો મચી ગયો હતો. કૉંગ્રેસે આ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ માફીની માગ કરી હતી.
કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકારો સમક્ષ કહ્યું, "વડા પ્રધાન અને ભારતીય જનતા પક્ષનો અસલ ચહેરો- ખેડૂતવિરોધી અને અસંવેદનશીલ. ભાજપની સરકાર ખરેખર ક્રૉની કૅપિટાલિસ્ટ મિત્રો માટે કામ કરે છે."
આ દરમિયાન ભાજપે આ મામલે કંઈ પણ કહેવાનં ટાળ્યું હતું. જોકે, આ તરફ સત્યપાલ મલિકનું નિવેદન વાઇરલ થયાના કલાકોની અંદર જ તેમણે આ મામલે સ્પષ્ટીકરણ કરવું પડ્યું હતું.
સત્યપાલ મલિકનું સ્પષ્ટીકરણ
વિવાદિત નિવેદન બાદ સત્યપાલ મલિકે પોતાના સ્પષ્ટીકરણમાં ગૃહમંત્રી અમિત શાહ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભારે સન્માન જાળવતા હોવાની વાત કરી.
એનડીટીવી સાથેની વાતચીતમાં મલિકે કહ્યું, "તેમણે (વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ) મને કહ્યું કે જાઓ અમિત શાહને મળો. હું અમિત શાહને મળ્યો, અમિત શાહ મોદીજીને બહુ માન આપે છે. તેમણે માત્ર એટલું કહ્યું કે કદાચ લોકો તેમને ગેરમાર્ગે દોરે છે. તમે મળતા રહો. કોઈ દિવસ વાત સમજાઈ જશે."
તેમણે ઉમેર્યું, "હું સ્પષ્ટ કરવા માગું છું કે અમિત શાહે એવું કંઈ પણ નથી કહ્યું કે જે વડા પ્રધાન વિરુદ્ધ દુર્ભાવના કે અસન્માન રાખતું હોય. એ બન્નેના બહુ સારા સંબંધો છે અને અમિત શાહ વડા પ્રધાનને બહુ માને છે."
મહત્ત્વપૂર્ણ છે કે સત્યપાલ મલિક કૃષિકાયદા મામલે ઘણી વાર કેન્દ્ર સરકારની ટીકા કરી ચૂક્યા છે.
નવેમ્બરમાં જયપુરમાં એક કાર્યક્રમમાં ખેડૂતોની માગનું સમર્થન કરતાં તેમણે કહ્યું હતું કે જ્યારે પણ તેઓ આ મામલે બોલે છે, તો તેમને આશંકા થાય છે કે દિલ્હીથી થોડા દિવસોમાં કહેણ આવી જશે.
નોંધનીય છે કે નવેમ્બર માસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માફી માગતાં રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું અને ત્રણેય કૃષિકાયદા પર લેવાની જાહેરાત કરી હતી.
જોકે, ટીકાકારોના મતે પાંચ રાજ્યોમાં આગામી સમયમાં યોજાઈ રહેલી ચૂંટણીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો હતો, કેમ કે કૃષિકાયદાનો વિરોધ છેક વર્ષ 2020થી થઈ રહ્યો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો