લખીમપુર ખીરી કેસમાં 5000 પાનાંની ચાર્જશીટ, કેન્દ્રીય મંત્રીના દીકરા મુખ્ય આરોપી - BBC TOP NEWS

લખીમપુર ખીરીના તિકુનિયામાં ગાડીઓથી કચડીને ખેડૂતોની હત્યા કરવાના મામલામાં ઉત્તર પ્રદેશ પોલીસની એસઆઈટીએ સોમવારે ચાર્જશીટ દાખલ કરી છે.

પાંચ હજાર પાનાંની ચાર્જશીટને સ્ટીલના બૉક્સમાં મૂકીને લખીમપુર કચેરીના પરિસરમાં લવાઈ હતી અને સીજેએમ કોર્ટમાં રજૂ કરાઈ હતી.

વરિષ્ઠ અધિકારી એસ. પી. યાદવે આ અંગે કહ્યું કે, "5000 પાનાંની ચાર્જશીટ દાખલ કરાઈ છે અને એમાં વધુ એક આરોપી વીરેન્દ્ર શુક્લનું નામ ઉમેરવામાં આવ્યું છે."

હવે આ કેસમાં આરોપીઓની સંખ્યા 14 થઈ ગઈ છે. આ કેસમાં કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્ર ટેનીના પુત્ર આશિષ મિશ્ર મુખ્ય આરોપી છે. સાથે જ પૂર્વ કેન્દ્રીય મંત્રી અખિલેશ દાસના ભત્રીજા અંકિત દાસનું પણ નામ છે.

ભારતમાં 24 કલાકમાં કોરોનાના નવા 33 હજાર કેસ, ઓમિક્રૉનના કેસ 1700ને પાર

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 33,750 કેસ નોંધાયા છે. જ્યારે 10,486 દર્દીઓ સ્વસ્થ થયા છે અને 123 દર્દીઓનાં સારવાર દરમિયાન મૃત્યુ થયાં છે.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે હાલમાં ભારતમાં કોરોનાના ઍક્ટિવ કેસોની સંખ્યા 1.45 લાખના આંકને વટાવી ચૂકી છે. 3.42 કરોડથી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે અને 4.81 લાખ જેટલાં મૃત્યુ નોંધાયાં છે.

આરોગ્યવિભાગના આંકડા મુજબ ઓમિક્રૉન વૅરિયન્ટના 510 કેસ સાથે મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે છે, જ્યારે 351 કેસ સાથે દિલ્હી બીજા ક્રમે છે.

કેરળ, ગુજરાત અને તામિલનાડ અનુક્રમે 156, 136 અને 121 કેસ સાથે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે છે.

ગુજરાતમાં રવિવારે કોરોનાના 968 નવા કેસ

ગુજરાતમાં રવિવારે કોરોના વાઇરસના 968 નવા કેસ નોંધાયા છે.,આ સિવાય 141 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

જ્યારે રાજ્યમાં રવિવારે ઓમિક્રૉન વૅરિયન્ટનો એક પણ કેસ ન નોંધાતા કુલ કેસની સંખ્યા 136 પર સ્થિર છે.

રવિવારે નોંધાયેલા નવા કેસો બાદ ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ કેસોની સંખ્યા 8,33,769 થઈ છે. જેમાંથી 8,18,896 લોકો સાજા થયા છે.

હાલમાં રાજ્યભરમાં 4,753 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે, જ્યારે 10,120 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.

સુદાનમાં ભારે વિરોધ બાદ વડા પ્રધાન હમદોકે આપ્યું રાજીનામું

સુદાનના વડા પ્રધાન અબદુલ્લા હમદોકે સેના સાથે એક વિવાદાસ્પદ સમજૂતી કર્યા બાદ રાજીનામાની ઘોષણા કરી છે.

સુદાનની સેનાએ ગત ઑક્ટોબરમાં સત્તા પર કબજો કર્યો હતો અને હમદોકને નજરકેદમાં રાખ્યા હતા, પરંતુ સત્તા આંચકી લેવાયા બાદ હમદોક અને સેના વચ્ચે સત્તાની વહેંચણીને લઈને સમજૂતી થઈ હતી, જે બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

આ સમજૂતી અને સેનાની દરમિયાનગીરીને લઈને વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે.

એક ટેલિવિઝન સંબોધનમાં હમદોકે કહ્યું કે, “સુદાન એક એવા ખતરનાક વળાંક પર હતું, જ્યાં તેના અસ્તિત્વ પર ખતરો હતો.”

તેમણે કહ્યું કે, “મેં દેશન બરબાદી તરફ જતાં અટકાવવા પૂરતા પ્રયાસો કર્યા, પરંતુ તેમ ન થઈ શક્યું. જેથી હું વડા પ્રધાન પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લઈ રહ્યો છું અને અન્ય કોઈ પણ પુરુષ અથવા મહિલાને આ દેશ ચલાવવા માટે તક આપી રહ્યો છું. સત્તાના હસ્તાંતરણમાં મને સહયોગ આપો.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો