ભારત ચીન સીમાવિવાદ : ચીન અરુણાચલ પ્રદેશની ઘણી જગ્યાઓનાં નામ કેમ બદલી રહ્યું છે?

ચીનના વિદેશ મંત્રાલયે ગત 30 ડિસેમ્બરે ભારતના રાજ્ય અરુણાચલ પ્રદેશનાં 15 સ્થળોનાં નામ બદલીને તેનાં 'નવાં' નામ બહાર પાડ્યાં હતાં.

ચીન હવે તેના સત્તાવાર દસ્તાવેજો અને નકશાઓમાં આ નામોનો ઉપયોગ કરશે, કારણ કે ચીન અરુણાચલ પ્રદેશને 'દક્ષિણ તિબેટ' માને છે.

ભારતે ચીનના આ પગલાની ટીકા કરી છે અને કહ્યું છે કે 'નવાં નામ શોધી કાઢવાથી જમીની હકીકતો બદલાશે નહીં અને અરુણાચલ પ્રદેશ હંમેશાં ભારતનું અભિન્ન અંગ રહ્યું છે અને હંમેશાં રહેશે.'

ચીને તેના નવા 'લૅન્ડ બૉર્ડર ઍક્ટ' હેઠળ આ નામોની યાદી જાહેર કરી છે. આ નવો કાયદો 1 જાન્યુઆરી, 2022થી અમલમાં આવ્યો છે અને તેને લઈને ભારતે ચિંતા પણ વ્યક્ત કરી હતી.

ચાઈનીઝ કૉમ્યુનિસ્ટ પાર્ટીનું મુખપત્ર ગણાતા અંગ્રેજી દૈનિક ગ્લોબલ ટાઇમ્સે ગુરુવારે આ સમાચાર પ્રકાશિત કર્યા હતા.

તેમાં કહેવામાં આવ્યું કે ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે બુધવારે જાહેરાત કરી છે કે તેણે ઝાંગનાન (અરુણાચલ પ્રદેશનું ચીની નામ)નાં 15 સ્થળોનાં નામ ચાઈનીઝ, તિબેટીયન અને રોમન ભાષામાં જાહેર કર્યાં છે.

ચીનનો હેતુ શો છે?

આ સમાચાર પર નિવેદન આપતાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે કહ્યું કે, "અમે આ સમાચાર જોયા છે. ચીને અરુણાચલ પ્રદેશનું નામ બદલવાનો પ્રયાસ કર્યો હોય એવું કંઈ આ પહેલી વાર નથી બન્યું. ચીને એપ્રિલ 2017માં પણ આવું જ કર્યું હતું.''

2017માં પ્રથમ વખત ચીનની સરકારે અરુણાચલ પ્રદેશનાં છ 'સત્તાવાર' નામો જારી કર્યાં હતાં. આ પગલાને તે સમયે દલાઈ લામાની અરુણાચલ રાજ્યની મુલાકાત પર ચીન દ્વારા વિરોધની પ્રતિક્રિયા તરીકે જોવામાં આવ્યું હતું.

જોકે, નવી યાદી પૂર્વેની યાદી કરતાં લાંબી છે અને તેમાં આઠ શહેરો, ચાર પર્વતો, બે નદીઓ અને એક પર્વતીય પાસ સહિત 15 સ્થળોનાં નામ પાડવામાં આવ્યાં છે. નવી યાદીમાં અરુણાચલના પશ્ચિમમાં તવાંગથી પૂર્વમાં અંજો સુધીના 11 જિલ્લાઓને સમાવવામાં આવ્યા છે.

ચીન અરુણાચલ પ્રદેશના 90,000 વર્ગ કિલોમીટરના વિસ્તાર પર પોતાનો દાવો કરી રહ્યું છે.

આ નામો જાહેર કર્યાં પછી, આ સ્થળોને ચીનના તમામ સત્તાવાર નકશાઓમાં આ જ નામ સાથે બતાવવામાં આવશે.

અલબત્ત, આ એક પ્રતીકાત્મક વલણ છે અને તે જમીનને અસર કરે તેવી શક્યતા નથી, તો પણ તે પ્રાદેશિક વિવાદમાં એક વ્યાપક નવા ચીની અભિગમને સૂચવે છે.

ચાઈનીઝ એકૅડેમી ઑફ સોશિયલ સાયન્સમાં સરહદી બાબતોના ચાઈનીઝ નિષ્ણાત ચાંગ યંગપંગે આ મુદ્દે મીડિયાને જણાવ્યું હતું કે 'ચીન સરકારે રાષ્ટ્રીય સંપ્રભુતાના રક્ષણ માટે આ મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે, જે રાષ્ટ્રીય સુરક્ષા સુધારવા અને ક્ષેત્રીય તણાવ વચ્ચે કાયદાકીય સ્તરે સરહદને લગતા મુદ્દાઓ માટે પણ મહત્ત્વપૂર્ણ છે, તેમાં ભારત સાથેનો સંઘર્ષ પણ સમાયેલો છે.'

આ તમામ બાબતોથી એ સ્પષ્ટ થાય છે કે ચીને ફરી એક વાર ભારતીય ક્ષેત્ર પર એકતરફી દાવાને રેખાંકિત કરવા માટે આ પ્રયાસ કર્યો છે. અરુણાચલ પ્રદેશમાં સ્થળોને ચાઈનીઝ નામ આપવું તે એ જ પ્રયાસનો એક ભાગ છે.

નવો કાયદો શું છે?

ભારત સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર મડાગાંઠ વચ્ચે ચીને માર્ચ 2021માં નવો સરહદ કાયદો બનાવ્યો હતો જે 1 જાન્યુઆરી, 2022થી અમલમાં આવ્યો છે.

આ કાયદામાં નાગરિક અને લશ્કરી સત્તાવાળાઓને 'રાષ્ટ્રીય સાર્વભૌમત્વનું રક્ષણ કરવા' માટે ઘણી જવાબદારીઓ આપવામાં આવી છે.

કાયદામાં સાત પ્રકરણોમાં 62 કલમો છે, જેમાં સરહદ રેખાંકનથી લઈને ઈમિગ્રેશનથી લઈને સરહદ સંરક્ષણ અને સરહદ વ્યવસ્થાપન અને વેપારને સમાવવામાં આવ્યા છે. નવું નામ બહાર પાડવું એ કલમ નંબર 7 સાથે જોડાયેલું છે, જેમાં સરકાર તમામ સ્તરે સરહદી શિક્ષણને પ્રોત્સાહન આપવાનું કહે છે.

કલમ 22 ચીનના સૈન્યને લશ્કરી અભ્યાસ કરવા માટે કહે છે જેથી કરીને કોઈ પણ "આક્રમણ, અતિક્રમણ અને ઉશ્કેરણી"ને દૃઢતાથી રોકી શકાય અને તેનો સામનો કરી શકાય."

ભારત-ચીન સરહદવિવાદ પર કેટલી અસર?

અંગ્રેજી અખબાર 'ધ હિન્દુ' લખે છે કે નવી દિલ્હીની નજરમાં ચીનના નવા સરહદી કાયદાનો હેતુ 2020માં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર કરવામાં આવેલા ચીનની સેનાના ઉલ્લંઘનને કાયદાકીય માન્યતા આપવાનો છે.

વર્ષ 2017માં ચીને સરહદ પર ગામડાંઓ બનાવવાની યોજના તૈયાર કરી હતી, જે અંતર્ગત ચીને ભારત, ભુતાન અને નેપાળના સરહદી વિસ્તારોમાં 'પહેલી હરોળ અને બીજી હરોળ'નાં 628 ગામડાં ઊભાં કર્યાં હતાં. તેમાં વસતીને રહેવા માટે પણ મોકલી રહ્યા છે, જે મોટા ભાગે પશુપાલકો છે.

નવેમ્બર 2021માં લેવાયેલી સેટેલાઇટ છબીઓ દર્શાવે છે કે ચીને, જેનો ભારત અરુણાચલ પ્રદેશના ભાગ તરીકે દાવો કરે છે તે વિસ્તારમાં 60 નવી ઇમારતો બનાવી છે. આ ઇમારતો 2020ના અંતમાં ઊભાં કરાયેલાં ગામની પૂર્વ દિશામાં 100 કિલોમીટરના અંતરે છે.

આ વિસ્તાર 1959થી ચીનના નિયંત્રણમાં છે અને ભૂતકાળમાં પણ ચીનનું સૈન્ય અહીં તેની ઇમારતો બનાવતું રહ્યું છે, પરંતુ નાગરિકો માટે અહીં બાંધકામ એટલે કરવામાં આવી રહ્યું છે કે જેથી ચીન પોતાનો દાવો વધુ મજબૂત રીતે રજૂ કરી શકે. જોકે, આ વિસ્તારને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને બંને પક્ષો તેને લઈને ચર્ચા કરતા રહ્યા છે.

ઑક્ટોબર 2021માં ભારતે નવા કાયદા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે 'કાયદો લાવવાના ચીનના એકપક્ષીય નિર્ણયથી સરહદ વ્યવસ્થાપન પર અમારી હાલની દ્વિપક્ષીય વ્યવસ્થા પર અસર પડી શકે છે, અમારા માટે આ ચિંતાનો વિષય છે.'

અરુણાચલ પ્રદેશ પર ચીનનો દાવો

ચીન ભૂતકાળમાં પણ અરુણાચલ પ્રદેશને લઈને સતત દાવા કરતું રહ્યું છે અને ભારત દર વખતે તેને સતત નકારતું આવ્યું છે.

ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો વિસ્તાર ગણાવી રહ્યું છે અને તેને દક્ષિણ તિબેટ કહે છે.

પોતાના દાવાને મજબૂત કરવા માટે ચીન ભારતના વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓની અરુણાચલ પ્રદેશની મુલાકાતો દરમિયાન વાંધો વ્યક્ત કરતો રહે છે.

ચીને ઑક્ટોબર 2021માં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની અરુણાચલ મુલાકાત સામે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે ભારતે એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી સરહદ વિવાદ વધે.

ચીનના આ વાંધાઓ પર ભારતે કહ્યું હતું કે ભારતીય નેતાઓની અરુણાચલ પ્રદેશની મુલાકાત સામે ચીનનો વાંધો ઉઠાવવાનો કોઈ તર્ક નથી.

અગાઉ ચીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણમંત્રી રાજનાથસિંહની 2019ની અરુણાચલની મુલાકાતનો પણ વિરોધ કર્યો હતો. ચીને ગૃહમંત્રી અમિત શાહની 2020ની અરુણાચલની મુલાકાત સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો