You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટાપુઓનો એ નાનો દેશ, જેણે ભારતીય સૈનિકો સામે અભિયાન છેડી દીધું
માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ અબદુલ્લા યામિન ભારતવિરોધી અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમની માગ છે કે માલદીવમાંથી ભારતની હાજરી સમાપ્ત થઈ જવી જોઈએ.
માલદીવમાં ભારતવિરોધી અભિયાનને લઈને ત્યાંની સરકાર પણ ચિંતિત છે. 19 ડિસેમ્બરમાં માલદીવના વિદેશમંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે ભારત અંગે પ્રસરાવવામાં આવી રહેલાં જૂઠાણાં અને નફરતને લઈને સરકાર પણ ચિંતિત છે.
વિદેશમંત્રાલયે નિવેદનમાં કહ્યું કે ભારત સૌથી નજીકનું દ્વિપક્ષીય ભાગીદાર છે, પરંતુ કેટલાંક જૂથો અને નેતા પ્રૉપેગૅન્ડા ફેલાવવામાં લાગ્યા છે.
દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારત અને દુનિયાનાં સૌથી નવાં લોકતંત્રોમાંનું એક માલદીવ, આ બન્ને વચ્ચે સંબંધો સારા હોવા છતાં તે વણસે તેવી શક્યતાઓ છે. એક હજારથી વધુ દ્વીપો ધરાવતા માલદીવમાં વિપક્ષ સમર્થિત 'ઇન્ડિયા આઉટ'અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે.
માલદીવના સાંસદ અહમદ શિયામે 19 ડિસેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવની પત્રકારપરિષદનો એક વીડિયો ટ્વીટ કરીને લખ્યું કે,"ભારતની પ્રવર્તમાન સરકાર પાસેથી અમે ક્યારેય એવી આશા ન રાખી શકીએ કે તેઓ અમારા સંવિધાન અને આંતરિક મામલાઓનો આદર કરશે કારણ કે તેઓ પોતાના દેશના નાગરિકો અને કાયદાઓનું સન્માન નથી કરતા. તેમાં પણ ખાસ કરીને અલ્પસંખ્યકોનું. અમે અમારી આઝાદી ખોઈ નથી શકતા."
માલદીવ સુન્ની મુસ્લિમોની બહુમતી ધરાવતો દેશ છે. કહેવામાં આવે છે કે ભારતમાં મુસ્લિમોને લઈને જ્યારે પણ કંઇક થાય છે, ત્યારે તેનાંથી માલદીવના મુસ્લિમો પણ પ્રભાવિત થાય છે.
અહમદ શિયામ તેમના ટ્વીટથી એ તરફ જ ઈશારો કરી રહ્યા હતા. 'ઇન્ડિયા આઉટ કૅમ્પેન' પણ આ જ કારણથી આગળ વધી રહ્યું હોવાનું જાણવા મળે છે.
માલદીવમાં ભારતવિરોધી અભિયાન કેમ?
આ કૅમ્પેન માલદીવમાંથી ભારતનાં સૈન્યઅધિકારીઓ અને ઉપકરણોને હઠાવવા માટે વર્ષ 2018માં શરૂ કરવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે સમયે માલદીવનાં તત્કાલિન રાષ્ટ્રપતિ અબદુલ્લા યામીને ભારતને પોતાનાં બે હેલિકૉપ્ટર અને એક ડૉર્નિયર ઍરક્રાફ્ટ પરત લઈ જવા કહ્યું હતું.
આ હેલિકૉપ્ટર અને ઍરક્રાફ્ટ ભારતે માલદીવમાં સર્ચ ઍન્ડ રૅસ્ક્યૂ ઑપરેશન માટે રાખ્યાં હતાં.
માલદીવનું ત્યારે કહેવું હતું કે "જો ભારત અમને આ ઉપહાર તરીકે આપતું હોય તો તેના પર પાઇલટ માલદીવના હોવા જોઈએ, ભારતના નહીં."
આ મુદ્દો એટલો ચગ્યો કે વિરોધ કરવા માટે લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા.
આ વર્ષે પાંચ ડિસેમ્બરના રોજ 'આઇલૅન્ડ ઍવિએશન સર્વિસ લિમિટેડ'નાં પૂર્વ નિદેશનક મોહમ્મદ અમીને ટ્વીટ કરીને કહ્યું કે,"ભારત પાસેથી એક ડૉર્નિયર લેવું એ મુદ્દો નથી, પરંતુ તેના માટે ભારતીય સૈનિકો રાખવાનો અમે વિરોધ કરી રહ્યા છીએ. અમારી પાસે તેને ચલાવવા માટે પર્યાપ્ત અનુભવ છે. અમારી પાસે આ હેલિકૉપ્ટરોની રજિસ્ટ્રીમાં ફેરફારનો વિકલ્પ હોવો જોઈએ. અમારી પાસે એ પણ અધિકાર હોવો જોઈએ કે તેને પાછા આપી શકીએ."
આ પહેલા મોહમ્મદ અમીને 15 નવેમ્બરના રોજ લખ્યું હતું કે,"ડૉર્નિયર કોઈ રૉકેટ સાયન્સ નથી. ભારતીય સૈનિકોને રાખવા કે બજેટનો મુદ્દો બકવાસ છે. અમે લોકો પાંચ ડૉનિયર ચલાવી રહ્યા છે અને અમારી પાસે તેના સંચાલનનો પૂરતો અનુભવ પણ છે. માલદીવના લોકો તેને ચલાવી શકે છે અને માલદીવ નેશનલ ડિફેન્સ ફૉર્સની જરૂરિયાતો પૂરી કરી શકે છે. આપણી પાસે ગિફ્ટ લેવા કે પરત કરવાનો વિકલ્પ હોવો જોઈએ."
પ્રોગ્રેસિવ પાર્ટી ઑફ માલદીવ (પીપીએમ) અને તેની સાથે જોડાયેલી અન્ય પાર્ટીઓનું કહેવું છે કે ભારતીય સૈનિકોએ માલદીવથી ચાલ્યા જવું જોઈએ.
માલદીવના પૂર્વ મંત્રી લુબના ઝાહિરે 6 ડિસેમ્બરના રોજ ટ્વીટ કરીને કહ્યું કે,"હું ભારતીય વ્યંજનો, ઉત્પાદનો અને દવાઓને પસંદ કરું છું પણ અમારી જમીન પર ભારતીય સૈનિકોને નહીં."
અન્ય એક પૂર્વ મંત્રી અહમદ તૌફિકે 21 નવેમ્બરના રોજ ટ્વીટ કરીને કહ્યું કે, "માલદીવના લોકો ભારતીય સૈનિકો પ્રત્યે પોતાનો ગુસ્સો જાહેર કરી રહ્યા છે."
ભારતવિરોધી આ કૅમ્પેનને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનની પાર્ટી પીપીએમ પીઠબળ પૂરું પાડી રહી છે.
20 નવેમ્બરના રોજ પીપીએમના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું હતું કે "ભારતીય સૈનિકો ફુવાહ્મુલાહ શહેર છોડીને ચાલ્યા જાય"
આ શહેરમાં તે દિવસે પીપીએમના સમર્થકો રસ્તા પર ઊતરીને વિરોધપ્રદર્શનમાં જોડાયા હતા.
ચીનના પક્ષમાં અભિયાન?
સપ્ટેમ્બરમાં માલદીવની સત્તાધારી માલદીવ ડૅમોક્રેટિક પાર્ટીના એક વિરોધી જૂથે આ અંગે બાઇક રેલી યોજી હતી. યામીન પણ માલદીવમાંથી ભારતીય સૈનિકોની વાપસીની ખુલ્લેઆમ માગ કરી રહ્યા છે.
શ્રીલંકામાં ભારતને લઈને મુશકેલીઓ તો છે, પરંતુ ત્યાંની મુખ્ય સિંહાલા પાર્ટી ભારત અને ચીન બન્ને સાથે સંબંધો રાખવા માગે છે. જ્યારે માલદીવના કિસ્સામાં પીપીએમ ભારતના વિરોધમાં સંપૂર્ણ રીતે ચીન સાથે છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે યામીનની ફરિયાદ એટલી જ છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર્યા બાદ ભારતે તેમને ધરપકડથી બચાવ્યા ન હતા, પરંતુ જાણકારો કહી રહ્યા છે કે ભારત પાસે કોઈ કારણ ન હતું કે માલદીવની નવી સરકારને યામીનની ધરપકડ કરતા અટકાવે કારણ કે યામીને જ માલદીવમાં ચીનની હાજરીને મજબૂત કરી હતી.
2018માં ઇબ્રાહિમ સોલિહ માલદીવના રાષ્ટ્રપતિ બન્યા. તેમની નીતિ ભારતના પક્ષમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
કહેવામાં આવે છે કે સોલિહની નીતિ 'ઇન્ડિયા ફર્સ્ટ' ની છે, પરંતુ ભારતનું દબાણ રહ્યું છે કે તે 'ઇન્ડિયા ઑન્લી' રહે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોલિહના શપથગ્રહણ સમારોહમાં પણ હાજર રહ્યા હતા અને ઘણા કરાર પર હસ્તાક્ષર કરીને પરત ફર્યા હતા.
સોલિહની જેમ માલદીવના અન્ય લોકોને ખ્યાલ છે કે તેમનો દેશ નજીકના પાડોશી હોવાના કારણે જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે ભારત પર નિર્ભર છે. માલદીવના લોકો સારવાર માટે ભારત જ આવે છે.
ભારત સાથે માલદીવના વ્યાપારિક સંબંધો પણ છે. યામીનના શાસનકાળમાં નીતિઓ ચીનના સમર્થનમાં હોવાનું માનવામાં આવતું હતું.
ચીન વિરુદ્ધ ભારત અને માલદીવ
વર્ષ 2020ના અંતમાં ચીનના દેવાની ચુકવણીને લઈને સોલિહ સરકારમાં હલચલ થઈ હતી. માલદીવમાં તેને લઈને વારંવાર ચિંતા થતી રહે છે.
માલદીવનાં પૂર્વ રાષ્ટ્રપતિ અને હાલના સંસદના સ્પીકર મોહમ્મદ નશીદ અને માલદીવમાં ચીનના રાજદૂત ચાંગ લિચોંગ વચ્ચે ટ્વિટર પર વાકયુદ્ધ છેડાયું હતું.
નશીદે 11 ડિસેમ્બર 2020ના રોજ ટ્વીટ કર્યું હતું કે આગામી બે અઠવાડિયાંમાં માલદીવે ચીનની બૅંકોને બે હપ્તામાં મોટી રકમ ચૂકવવાની છે.
ચીનના રાજદૂતે તેમના દ્વારા કરવામાં આવેલા આ દાવાને ફગાવતા લખ્યું હતું કે માલદીવે રકમ તો ચૂકવવાની છે પણ રકમ એટલી મોટી નથી, જેટલી નશીદ દાવો કરી રહ્યા છે.
નશીદે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, "આગામી 14 દિવસમાં માલદીવે 1.5 કરોડ ડૉલર કોઈ પણ રીતે ચીનની બૅંકોને ચૂકવવાના છે. આ બૅંકો તરફથી કોઈ છૂટછાટ પણ આપવામાં આવી નથી. આ રકમ સરકારની કુલ આવકની 50 ટકા જેટલી છે. કોવિડ સંકટ માટે માલદીવ કોઇક રીતે બહાર આવવાનું પ્રયાસ કરી રહી છે."
કહેવામાં આવે છે કે સોલિહની સરકાર ભારત અને ચીનના કારણે ખૂબ દબાણમાં છે અને સરકાર માટે પોતાના લોકોને આશ્વસ્ત કરવા મુશકેલ થઈ ગયા છે કે પોતાની જમીન પર કોઈ પણ દેશની હાજરી નહીં રાખવામાં આવે, પરંતુ સોલિહની એવી કોઈ નીતિ નથી જેના દ્વારા ચીનને રોકી શકાય.
ભારતને સોલિહ સરકારે રક્ષાકરારોમાં પ્રાથમિકતા આપી છે પરંતુ વિકાસની ઘણી પરિયોજનોમાં ચીન હજુ પણ આગળ છે. માલદીવને ભારતે મોટા પાયે આર્થિક મદદ પણ કરી છે.
1988માં રાજીવ ગાંધીએ સેના મોકલીને મોમૂન અબ્દુલ ગયૂમની સરકારને બચાવી હતી. 2004માં જ્યારે સુનામી આવી ત્યારે સૌથી પહેલાં મદદ માટે ભારતનું જ પ્લેન પહોંચ્યું હતું.
પીપીએમની માગથી સરકાર પર દબાણ ઊભું થઈ રહ્યું છે પરંતુ દેશમાં તેને વ્યાપક જનસમર્થન ન મળી રહ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
માલદીવની સંસદના સ્પીકર અને પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે ભારતવિરોધી અભિયાન આઈએસઆઈએસ સેલ દ્વારા ચલાવવામાં આવતું હોવાનું કહ્યું હતું.
માલદીવ ભારત માટે મહત્ત્વપૂર્ણ કેમ?
ચીન માટે માલદીવ મહત્ત્વપૂર્ણ છે, રણનીતિ પ્રમાણે માલદીવ જે સમુદ્રમાં છે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
ચીનની માલદીવમાં હાજરી હિન્દ મહાસાગરમાં તેની રણનીતિનો ભાગ છે.
2016માં માલદીવે ચીનની એક કંપનીને એક દ્વીપ 50 વર્ષની લીઝ પર માત્ર 40 લાખ ડૉલરમાં આપી દીધો હતો.
આ તરફ ભારત માટે પણ માલદીવ મહત્ત્વપૂર્ણ છે. માલદીવ ભારતથી એકદમ નજીકમાં છે અને ત્યાં જો ચીન પગપેસારો કરે છે તો ભારત માટે તે જોખમી સાબિત થઈ શકે તેમ છે. ભારતના લક્ષદ્વીપથી માલદીવ અંદાજે 700 કિલોમીટર દૂર છે અને ભારતના મુખ્ય ભૂમિભાગથી માત્ર 1200 કિલોમીટર.
જો ત્યાં ચીન અડિંગો જમાવી દે તો માલદીવથી ભારત પર નજર રાખવી ચીન માટે સરળ થઈ જશે.
માલદીવે ચીન સાથે ફ્રી ટ્રેડ ઍગ્રિમેન્ટ કર્યો છે. જે ભારત માટે ચોંકાવનારી કરનારી બાબત છે.
તેના પરથી સાફ થાય થે કે માલદીવ ભારત માલદીવથી કેટલું દૂર થયું છે અને ચીનથી કેટલું નજીક.
(અહેવાલ - રજનીશ કુમાર)
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો