You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત અને ચીન સરહદે તંગદિલી પણ વેપાર વધીને 100 અબજ ડૉલરને પાર
ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ઉતારચઢાવ છતાં એક એવી માહિતી જાણવા મળી છે જે એવું દર્શાવે છે કે આ એક ક્ષેત્રમાં બંને દેશનો સંબંધ વધારે ગાઢ બનતો જાય છે.
ચાલુ વર્ષે (2021) ભારત અને ચીન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 100 અબજ ડૉલરના જંગી આંકડાને વટાવી ગયો છે, પરંતુ બંને તરફ આ વિશે વધારે કશી ચર્ચા નથી થતી. કારણ સ્પષ્ટ છે.
પૂર્વીય લદ્દાખમાં સૈન્ય ચહલપહલ પછીથી જ બંને દેશ વચ્ચેના સંબંધો નાજુક દોરમાં પ્રવેશ્યા છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, વર્ષ 2001માં 1.83 અબજ અમેરિકન ડૉલરથી શરૂ થયેલો દ્વિપક્ષીય વેપાર ચાલુ વર્ષે 11 મહિનાના ગાળામાં જ 100 અબજ ડૉલરનો થઈ ગયો છે.
આ બાબત બંને દેશના વેપાર માટે મોટી તક સમાન છે, કેમ કે બંને દેશે પોતપોતાના વેપાર માટે આંતરિક સંબંધોને સુધાર્યા છે.
કેટલો થયો વેપાર?
ચીનના જનરલ ઍડ્મિનિસ્ટ્રેશન ઑફ કસ્ટમ્સ (GAC)ના ગયા મહિનાના આંકડા અનુસાર, ભારત-ચીન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 114.263 અબજ ડૉલર થયો છે, જે દર વર્ષે 38.5 ટકાના દરે વધ્યો છે.
બીજી તરફ, ભારતમાં ચીનની આયાત 87.905 અબજ ડૉલરની થઈ છે, જે 49 ટકા જેટલી વધી છે.
એક બાજુ દ્વિપક્ષીય વેપાર 100 અબજ ડૉલરના આંકડાને પાર કરી ગયો છે, તો બીજી બાજુ આ જ 11 મહિનામાં ભારતની વેપારી ખાધ પણ ઝડપથી વધી છે. વેપારી ખાધ એટલે કે ભારતે ચીનને જેટલો સામાન વેચ્યો છે, એનાથી વધારે ખરીદ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વેપારી ખાધ ભારત માટે મોટી ચિંતાનો વિષય છે, કારણ કે આ ખાધ હવે 61.547 અબજ જેટલી થઈ ગઈ છે અને ચાલુ વર્ષે તે 53.49 ટકા વધી છે.
ભારતની વેપારી ખાધ અંગેની ચિંતા છતાં વર્ચ્યુઅલી આ રેકૉર્ડ નોંધાયો છે. જોકે, આ મુદ્દે કોઈ ઉત્સવ મનાવવામાં નથી આવ્યો, કેમ કે પૂર્વીય લદ્દાખમાં લશ્કરી મડાગાંઠ સર્જાયેલી છે અને એ કારણે બંને દેશ વચ્ચેના સંબંધો પહેલાં કરતાં થોડા વધુ તંગ થયા છે.
રેકૉર્ડ વેપારના લીધે સવાલો અને નાજુક સંબંધો
સુરક્ષા વિશ્લેષક બ્રહ્મા ચેલાનીએ વધતા જતા વેપાર સામે પ્રશ્નભર્યું ટ્વીટ કર્યું છે.
પોતાના ટ્વીટમાં ચેલાનીએ કહ્યું છે, "ચીને ભારતીય સીમામાં અતિક્રમણ કર્યું એદરમિયાન મોદી સરકાર 2021ના વર્ષમાં ચીન સાથેના વેપારમાં 50 ટકાનો વધારો થયો એને યોગ્ય કઈ રીતે ગણાવે છે? જેમાં જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં 61.5 અબજ ડૉલરની સરપ્લસ ચીનના ખાતે છે અને એ ભારતના ચાલુ નાણાકીય વર્ષના લગભગ કુલ સુરક્ષાખર્ચ જેટલો છે."
ગયા વર્ષે પાંચમી મેના રોજથી ભારત અને ચીન વચ્ચે લશ્કરી મડાગાંઠ સર્જાવી શરૂ થઈ હતી, ત્યાર પછી જ પૅંગોંગ લેક વિસ્તારમાં બંને દેશ વચ્ચે હિંસક અથડામણો થઈ અને બંને દેશના ઘણા લશ્કરી જવાનો મરાયા.
ધીમે ધીમે બંને દેશે પોતપોતાના વિસ્તારોમાં હજારો સૈનિકો અને મારક હથિયારોનો ખડકલો કરી દીધો.
અનેક લશ્કરી અને રાજદ્વારી વાટાઘાટ બાદ બંને દેશોએ ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં પૅંગોંગ લેકના ઉત્તર અને દક્ષિણ ક્ષેત્રમાંથી અને ઑગસ્ટમાં ગોગરા વિસ્તારમાંથી સૈનિકો હઠાવવાનું શરૂ કર્યું હતું.
31 જુલાઈ સુધીમાં બંને પક્ષો વચ્ચે બાર રાઉન્ડની વાટાઘાટ થઈ હતી. થોડા દિવસ પછી ગોગરામાં બંને સેનાઓએ પોતપોતાની ડિસએંગેજમેન્ટની પ્રક્રિયા પૂરી કરી હતી.
આ પ્રક્રિયાને આ ક્ષેત્રમાં શાંતિ અને સંયમને ફરીથી સ્થાપિત કરવાની દિશાનું મહત્ત્વપૂર્ણ પગલું મનાઈ હતી.
સરહદ પરના આ પહાડી ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીક બંને દેશે 50થી 60 હજાર સૈનિકો તહેનાત કરી દીધા છે.
સંઘર્ષની આવી નાજુક સ્થિતિમાં પરામર્શ અને સમન્વય માટેનું કાર્યતંત્ર (WMCC) જ આશાનું કિરણ રહ્યું, જેના અંતર્ગત બંને દેશના વિદેશમંત્રી અને વરિષ્ઠ સૈન્ય કમાન્ડર્સ એકબીજાના સંપર્કમાં રહ્યા અને તંગદિલીને નિયંત્રિત કરી.
લદ્દાખમાંની સૈન્ય ગતિવિધિઓએ માત્ર વેપારને બાદ કરતાં બાકીના બધા સંબંધોને ન જેવા કરી દીધા હતા.
બંને દેશના મત-વિચાર
ચાલુ વર્ષના નવેમ્બરમાં સિંગાપુરમાં એક પૅનલ ડિસ્કશનમાં વિદેશમંત્રી એસ. જયશંકરે કહેલું કે ભારત અને ચીન પારસ્પરિક સંબંધની બાબતમાં 'ખાસ કરીને બગડેલા સમયગાળા'માંથી પસાર થઈ રહ્યા છે, કેમ કે બીજિંગે સમજૂતીઓનો ભંગ કર્યો હોય એવી ઘણી કાર્યવાહીઓ કરી છે, જેનો કોઈ 'નક્કર જવાબ' એની પાસે આજ સુધીમાં નથી.
લદ્દાખ સરહદની મડાગાંઠનો સ્પષ્ટ સંદર્ભ આપતાં એમણે કહેલું કે, "આપણે આપણા સંબંધોમાં ખાસ કરીને એક ખરાબ ગાળામાંથી પસાર થઈ રહ્યા છીએ, કેમ કે એમણે એવી ઘણી કાર્યવાહીઓ કરી છે જેનાથી સમજૂતીઓનું ઉલ્લંઘન થયું છે અને એમની પાસે આજે પણ એના માટેના નક્કર જવાબ નથી. અને એ એવો સંકેત કરે છે કે કંઈક વિચારવાની જરૂર છે કે તેઓ આપણા સંબંધને કઈ દિશામાં લઈ જાય છે. પણ એ જવાબ એમણે આપવાનો છે."
ચીનમાંના ભારતના પૂર્વ રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. છઠ્ઠી ડિસેમ્બરે એમના વર્ચ્યુઅલ વિદાય કાર્યક્રમ દરમિયાન ચીનના વિદેશમંત્રી વાંગ યી સમક્ષ મિસ્રીએ કહેલું કે પડકારોના કારણે ભારત-ચીન સંબંધો સુધરવાની મોટી સંભાવના ખતમ થઈ ગઈ છે.
લદ્દાખની મડાગાંઠનો ઉલ્લેખ કરીને મિસ્રીએ વાંગને કહેલું કે, "આપણા સંબંધોમાં પડકારો અને સંભાવનાઓનો સમાવેશ થાય છે અને એ એટલે સુધી કે ગયા વર્ષે એવા કેટલાક પડકારોનો સામનો કરવો પડ્યો જેણે સંબંધો માટેની સંભાવનાઓને પોતાના સકંજામાં લઈ લીધી હતી."
જાન્યુઆરી 2019માં મિસ્રીએ ભારતના રાજદૂત તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. આ જવાબદારી એમને મળી ત્યારે રાજદ્વારી પ્રયત્નો દ્વારા બંને દેશ 2017ની ડોકલામ મડાગાંઠને ઉકેલી ચૂક્યા હતા.
વર્ષ 2018માં વુહાન ખાતે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાયેલા પહેલાં અનૌપચારિક શિખર સંમેલન અને 2019માં ચેન્નાઈ ખાતે યોજાયેલા બીજા શિખર સંમેલનમાં થયેલા લાંબા વિકાસ એજન્ડા પછી આ વિખવાદનું શમન થયું હતું. જોકે પછી પૂર્વીય લદ્દાખમાં મડાગાંઠ સર્જાવી શરૂ થઈ ગઈ.
નવી દિલ્લી પાછા ફરતાં પહેલાં મિસ્રીએ મીડિયા સાથે કરેલી અનૌપચારિક વાતચીતમાં યાદ કર્યું હતું કે કઈ રીતે મોદી અને જિનપિંગે ચેન્નાઈ સંમેલન વખતે બે મહત્ત્વપૂર્ણ એજન્ડા માટે આશા વ્યક્ત કરી હતી અને એને અમલમાં લાવવા સબબ સંમતિ દર્શાવી હતી.
બંને દેશોએ હાઈ લેવલ ઇકૉનૉમિક ઍન્ડ ટ્રેડ ડાયલૉગ (HETD) તંત્ર સ્થાપવાનો નિર્ણય કર્યો હતો, જેના અધ્યક્ષ ચીનના ઉપવડા પ્રધાન અને ભારતના વિદેશમંત્રી બનવાના હતા.
આ દ્વિપક્ષીય વેપાર અને વેપારી ભાગીદારી સહિત ભારતની વેપારી ખાધ જેવી બાબતો પણ ધ્યાનમાં લેત.
ચીને આ પ્રકારનું ઉચ્ચસ્તરીય તંત્ર કેવળ અમેરિકા સાથેના સંબંધો સુધારવા માટે જ રચ્યું હતું.
એની સાથે જ બંને દેશના નેતાઓએ વર્ષ 2020ને ઇન્ડિયા-ચાઇના કલ્ચરલ પીપલ ટૂ પીપલ ઍક્સ્ચેન્જ વર્ષ તરીકે જાહેર કરવાનો પણ નિર્ણય કર્યો હતો, જેના અનુસાર, બંને દેશ વચ્ચે વિભિન્ન સ્તરો પર આદાન-પ્રદાન માટે 70 કાર્યક્રમોનું આયોજન થાત. એમાં એકબીજાનાં ધારાસભા, રાજકીય દળો, સાંસ્કૃતિક અને યુવા સંગઠનો અને સેનાઓને સમજવાનાં હતાં.
દુર્ભાગ્યે પૂર્વીય લદ્દાખની મડાગાંઠ ઊભી થયા બાદ બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર અસર પડી અને બંને એજન્ડા નિષ્ફળ થયા.
બંને દેશના સંબંધો વિશે ચીન શું માને છે?, એ વિષય પર વાંગે મિસ્રી સાથેની બેઠકમાં કહેલું કે પારસ્પરિક સંબંધો વગર બંને પક્ષોને એકસાથે રાખવા ખૂબ કઠિન છે, એટલે સુધી કે બંને વચ્ચે કોઈ પહાડ ન હોય તોપણ.
એમણે કહેલું, એકબીજા માટે જોખમી બનવા કરતાં "ચીન અને ભારતે એકબીજાના ભાગીદાર અને મિત્ર બનવું જોઈએ".
નિરીક્ષકો માને છે કે ડોકલામ અને લદ્દાખ મડાગાંઠ ભારત-ચીન સંબંધોને મૌલિકરૂપે ફરીથી સ્થિર કરવાની એક ચેતવણી સમાન છે, જેમાં સંબંધોને ફરી એક વાર એક નવા મૉડલરૂપે અને વ્યૂહાત્મક માળખાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે.
બીજી બાજુ, નવેમ્બરમાં ઘરેલુ સ્તરે ચીનમાં સત્તારૂઢ કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇના (CPC)ની એક હાઈ પ્રોફાઇલ સભા મળી હતી, જેમાં પાછલાં 100 વર્ષોમાં પાર્ટીની મોટી મોટી સિદ્ધિઓ વિશે એક 'ઐતિહાસિક પ્રસ્તાવ' પાસ કરાયો છે.
એમાં રાષ્ટ્રપતિ જિનપિંગને રેકૉર્ડરૂપે ત્રીજી વાર રાષ્ટ્રપતિ બનાવવાનો માર્ગ પણ મોકળો કરાયો હતો.
પાર્ટીનાં 100 વર્ષના ઇતિહાસમાં આગવી રીતનો એ ત્રીજો 'ઐતિહાસિક પ્રસ્તાવ' હતો. પહેલાંના પ્રસ્તાવો પાર્ટીના સંસ્થાપક માઓત્સે તુંગ અને એમના ઉત્તરાધિકારી ડેંગ સિયોપિંગના નેતૃત્વમાં રજૂ થયા હતા.
CPCની 19મી કેન્દ્રીય કમિટીના છઠ્ઠા પૂર્ણ સત્રમાં આ પ્રસ્તાવની સમીક્ષા કરવામાં આવી હતી અને એને સ્વીકારવામાં આવ્યો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો