ગુજરાતનાં ગામડાંઓમાં આઝાદીનાં આટલાં વરસો પછી શું બદલાવ આવ્યો?

    • લેેખક, હિંમત કાતરિયા
    • પદ, બીબીસી ગુજરાતી

તાજેતરમાં ગુજરાતમાં ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઈ ગઈ. ગામલોકોએ તેમના સરપંચ ચૂંટ્યા અને તેમની પાસે કેટલીક અપેક્ષાઓ પણ રાખી.

ચૂંટણીઓ દરમિયાન ફરી વાર ગ્રામીણ સમસ્યાઓની ચર્ચા શરૂ થઈ. ગામનો સરપંચ કેવો હોવો જોઈએ, તેણે કેવાં કામો કરવા જોઈએ તેની પણ સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ હતી.

ત્યારે બીબીસી ગુજરાતીએ ગુજરાતનાં ગામોમાં શું સ્થિતિ છે એ અંગે નિષ્ણાતો સાથે વાત કરી અને જાણવાની કોશિશ કરી કે હાલ ગામડાંઓની હાલત શું છે અને આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ શું કરવાનું બાકી છે?

જેને સરળતાથી નિવારી શકાઈ હોત પણ હજુ યથાવત્ છે તેવી ગામડાંઓની સમસ્યાઓ અંગે વાત કરતાં કૃષિવિદ્ પ્રોફેસર અનિલ ગુપ્તા કહે છે, "તળાવ, ચબૂતરા, ડ્રેનેજ જેવી સામુદાયિક મિલકતોની દેખરેખમાં અત્યંત બેદરકારી જોવા મળે છે. જે આખરે બીમારીના પ્રસારનું કારણ બને છે."

ગામડાંઓની મુખ્ય સમસ્યાઓ વિશે વાત કરતાં ગ્રામજીવનના તજજ્ઞ મણિલાલ પટેલ કહે છે કે ગુજરાતમાં એવાં ઘણાં ગામડાં છે જેનો ચોમાસામાં સંપર્ક તૂટી જાય છે.

"એક સામાન્ય કોઝ-વે બનાવીને આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય પરંતુ આઝાદીનાં 75 વર્ષ પછી આજે પણ થોડો વધુ વરસાદ પડે એટલે ગામડાંઓ સંપર્કવિહોણાં થઈ જાય છે. ગળે સુધી આવતાં પાણીમાં બાળકો શાળાએ જતાં હોય એવાં દૃશ્યો આજે પણ જોવા મળે છે."

ગામડાંઓમાં આરોગ્યની સમસ્યા અંગે મણિલાલે કહ્યું, "ગામડાંઓનાં આરોગ્યકેન્દ્રોની નબળાઈઓ કોરોનામાં સામે આવી, કાં તો ડૉક્ટરો ન હોય, કાં દવા ન હોય. કંઈક આવી સ્થિતિ હોય છે ગામડાંઓનાં આરોગ્યકેન્દ્રોની."

"ચોમાસામાં તો આરોગ્યકેન્દ્રોમાં ઘાસ ઊગી નીકળેલ જોવા મળે. એક્સ-રે હોય તો એક્સ-રે મૅન ન હોય. લૅબોરેટરી હોય પણ ટેકનિશિયન ન હોય."

ગામમાં ગેરકાયદે દબાણની સમસ્યા

ગેરકાયદે દબાણ એ શહેર કરતાં ગામડાંઓમાં વધારે મોટી સમસ્યા છે એમ કહેતાં મણિલાલ કહે છે, "ગામડાંઓમાં ઉત્તરોત્તર ગૌચર ઘટતાં જાય છે. બીજું કે આપણે શહેરોનાં અનધિકૃત દબાણની વાત કરીએ છીએ, પરંતુ ગામડાંઓમાં પારાવાર અનધિકૃત કબજાની સમસ્યા છે."

"ગૌચર લૂંટાયાની બહુ બૂમો એટલે નથી પડાતી કે ગૌચર પંચાયત હસ્તક હોય છે અને પંચાયત ઠરાવ કરીને ગૌચર કોઈ ઉદ્યોગને કે અન્યત્ર સુવિધા માટે ફાળવી દે છે."

ગામડાંઓમાં શાળાઓની સ્થિતિ અંગે વાત કરતાં પ્રોફેસર ગુપ્તા કહે છે કે ગુજરાતનાં ગામડાંઓમાં શિક્ષણમાં ઘણા સુધારાનો અવકાશ છે.

"ગામડાંઓની શાળામાં સમૃદ્ધ પુસ્તકાલયો નથી હોતાં. ગામડાંઓમાં ખૂલી જગ્યા ઘણી હોવા છતાં દુર્ભાગ્યે ગામડાંઓની શાળાઓમાં સુવિધાવાળાં રમતનાં મેદાનો નથી હોતાં. ગામડાંઓની શાળાઓમાં પ્રયોગશાળાઓની વ્યવસ્થા અંગે વિચારવામાં નથી આવ્યું. ગામડાંની શાળાઓ આ બધી સુવિધાથી સમૃદ્ધ હોવી જોઈતી હતી પણ એમ નથી થયું."

તેઓ કહે છે, "આજથી સો વર્ષ પહેલાં 1898માં ગોંડલના મહારાજાએ આ બધું વિચાર્યું હતું અને કન્યાકેળવણીને ફરજિયાત કરી હતી અને દીકરીને નહીં ભણાવનાર માથે એક આનાનો દંડની જોગવાઈ કરી હતી."

કૃષિક્ષેત્રનો સંબંધ મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારો સાથે જ છે. પ્રોફેસર ગુપ્તા કહે છે કે, "નવી સૂઝબૂઝ ખેતીમાં અમલમાં મુકાવી જોઈએ જે દિશામાં હજુ ગામડાંઓમાં કામ થયું નથી."

"અમે અમરેલીમાં શોધયાત્રા કરી હતી તેમાં પાંચ દિવસમાં કૃષિક્ષેત્રે 26 નવી શોધો જોવા મળી હતી. આમ ગામડાંઓમાં નવીન વિચારોની સંભાવનાઓ છે પરંતુ વ્યાપક અમલીકરણ નથી. ગામમાં બધા સાથે મળીને અધ્યયન કરી શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ."

ગામડાંઓમાં એક એ સમસ્યા ઊભી થઈ છે કે ગૌચર બહુ ઓછાં રહ્યાં છે. ગૌચરની જમીનો પર એક યા બીજા સ્વરૂપે વિકાસકાર્યો થઈ ગયા છે.

નિષ્ણાતોનું કહેવું છે કે પશુઓને ચારો ચરવાની અને હરવાફરવા માટેની જગ્યા નથી રહી. પશુઓને એકધારાં ખીલે બાંધીને ચારો ખવડાવાય છે. પશુઓની આરોગ્ય અને સુખાકારીની આપણે ચિંતા કરવી જોઈએ.

પ્રોફેસર ગુપ્તા કહે છે કે "ખેડૂતોની ઊપજની મૂલ્યવૃદ્ધિ માટે નવા પ્રયોગો થવા જોઈએ. ગુજરાતમાં એક ટકા ગામડાંઓ એવાં હશે જેમાં મૂલ્યવર્ધિત ઉત્પાદનો તૈયાર થાય છે. આ દિશામાં કામ થાય તો ખેડૂતોની આવક વધશે."

"માત્ર સીધું ખેતઉત્પાદન વેચવાથી ખેડૂતોને બહુ લાભ થવાનો નથી. ગામડાંઓમાં મૂલ્યવૃદ્ધિના અવસરો ઊભા થાય એ દિશામાં કામ થવું જોઈએ. એમ થાય તો ગામડાંઓમાં વધુ રોજગાર પેદા થશે."

પ્રોફેસર ગુપ્તાએ અનેક રાજ્યોનાં ગામડાંઓમાં મહિનાઓની પગપાળા અને શોધયાત્રાઓનું આયોજન કર્યું છે.

શોધયાત્રાના અનુભવના આધારે ગુજરાતનાં ગામડાંઓમાં શું ખૂટે છે જે અન્ય રાજ્યોનાં ગામડાંઓમાં તમને જોવા મળ્યું છે?

આ પ્રશ્નના જવાબમાં પ્રોફેસર ગુપ્તા કહે છે, "અમે ગુજરાત બહાર શોધયાત્રા દરમિયાન એવા પાંચ જિલ્લા જોયા જ્યાં બાળકોમાં કુપોષણ નહોતું. એનું કારણ અમે એ જોયું કે એ ગામડાંઓમાં માતા બેથી ચાર વર્ષ સુધી બાળકને સ્તનપાન કરાવતી હતી."

"ગુજરાતમાં ગરીબી બહુ નથી એટલે કુપોષણ તો સ્વાભાવિક હોવું જ ન જોઈએ. તેમ છતાં કુપોષણ કેમ જોવા મળે છે? એનું એક કારણ એ હોઈ શકે કે મા પોતાના નવજાત બાળકને બહુ સમય સુધી સ્તનપાન નથી કરાવતી. છ-આઠ મહિના પછી સ્તનપાન છોડાવી દે છે."

"કુપોષણનું બીજું કારણ એ છે કે આપણે જુવાર, બાજરો જેવાં ખડધાનને આપણા ખાનપાનમાંથી દૂર કરી દીધાં છે. આપણે ત્યાં પેદા થતાં ખડધાનને આપણે ત્યજી દીધાં જે નહોતું થવું જોઈતું. એ દિશામાં ધ્યાન આપવાની જરૂર છે."

"કાશ્મીર સહિતનાં ઘણાં રાજ્યોમાં અમે જોયું કે મોટાં ભાગનાં ખેતરોમાં જમીનનો અમુક ટુકડો શાકભાજી ઉગાડવા માટે અનામત રાખવામાં આવે છે. આ વ્યવસ્થા ગુજરાતમાં મને ક્યાંય જોવા નથી મળી."

"પોષણ પ્રત્યે ગુજરાતનાં ગામોએ ધ્યાન આપવાની જરૂર છે. દરેક ગામડામાં મધ્યાહ્ન ભોજનની યોજના ચાલે છે. આંગણવાડીઓમાં બાળકોને એલ્યુમિનિયમના વાસણમાં રાંધેલો ખોરાક ખવડાવવામાં આવે છે, લોખંડના વાસણમાં રાંધવામાં નથી આવતું."

"સાઠ ટકા મહિલા એનેમિક છે, તેઓમાં લોહતત્ત્વની ખામી છે. શા માટે આ યોજનાઓમાં લોખંડના વાસણમાં રાંધવાનું ફરજિયાત બનાવવામાં નથી આવતું? આમ ગામડાંઓમાં એવી નાનીનાની ઘણી સમસ્યાઓ છે જેના નિરાકરણ માટે ભારે સંસાધનોની જરૂર નથી, પરંતુ એ દિશામાં ધ્યાન નથી અપાતું."

"ગુજરાતમાં ઘણાં ગામડાંઓ એવાં છે જ્યાં ભૂગર્ભમાં હજાર ફૂટ ઊંડેથી પાણી ખેંચવામાં આવે છે, 60-60 હૉર્સપાવરના એન્જિનથી પાણી ખેંચવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં આવનારી પેઢી માટે પાણી ક્યાંથી બચશે. પાણી વિશે ગામડાંઓ ભવિષ્યની પેઢીઓ અંગે વિચારે તે જરૂરી છે. નર્મદાથી કંઈ બધી સમસ્યાનું નથી થઈ જવાનું."

ગ્રામીણ પરંપરાઓના જતન અંગે ચિંતા વ્યક્ત કરતાં પ્રોફેસર ગુપ્તા કહે છે, "હાલનાં વર્ષોમાં પર્યાવરણીય અસંતુલન જોવા મળી રહ્યું છે તેની સામે લડવા માટે આપણે વડીલોના જ્ઞાનને એકત્ર કરવું જોઈએ. અત્યારે કોઈ ગામમાં એવી વ્યવસ્થા નથી જેમાં જીવનનો સમૃદ્ધ અનુભવ ધરાવતા વૃદ્ધો, ગુણીજનો પાસેથી જ્ઞાનને એકત્ર કરવામાં આવતું હોય."

"માણસાની ગંગાબહેને 1898માં હુન્નર નામનું પુસ્તક લખ્યુ હતું. એ વિધવાબાઈએ આ પુસ્તકમાં વૃદ્ધોનો અનુભવ એકત્ર કર્યો હતો."

"કેટલીક ઉત્તમ બાબતો ગામડાંઓમાં જોવા મળે છે જેને આગળ લઈ જવા જેવી છે, જેમ કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં અનેક ગામોમાં ચબૂતરા છે. જ્યાં હજારો મણ ચણ પક્ષીઓને ખવડાવવામાં આવે છે. પર્યાવરણીય સંતુલન જળવાઈ રહેવું જોઈએ."

ગ્રામપંચાયતોમાં રાજકારણ ચિંતાજનક?

ગ્રામપંચાયતોમાં ઘૂસેલા રાજકારણને લઈને મણિલાલ ચિંતા વ્યક્ત કરે છે.

તેઓ કહે છે, "પંચાયતીરાજના કાયદા મુજબ, ગ્રામપંચાયતોને રાજકારણથી મુક્ત રાખવાનું છે. તેમાં કોઈ ઉમેદવાર પક્ષના પ્રતીક ઉપર લડી શકતો નથી. તેમ છતાં ગ્રામપંચાયતોની ચૂંટણી પક્ષીય રાજકારણથી વેગળી નથી."

"શિક્ષણનું પ્રમાણ વધ્યું એટલે દરેક સમાજમાં ગામડાંઓમાંથી સ્થળાંતર થયું છે. આ કારણે ખેતમજૂરો મળતા નથી. માત્ર ખેતી ઉપર નભતા પરિવાર માટે ગામડાંમાં રહેવું અત્યારે અઘરું છે. ખેતી અને પશુપાલન ઓછું થયું છે."

"તલાટીની અપૂરતી હાજરી ગામડાંઓની મુખ્ય સમસ્યાઓ પૈકીની એક છે. ઘણાં ગામડાંઓમાં તલાટી અઠવાડિયે એક-બે દિવસ આવતા હોય છે."

નિષ્ણાતોના મતે ગોકુળગ્રામ, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ આ બધી યોજનાઓનું શું? તે તપાસનો વિષય છે. આવી યોજનાઓથી ગામડાંઓની તાસીરમાં ભાગ્યે જ બદલાવ આવ્યો છે તેમ તેમનું માનવું છે.

"વડા પ્રધાન મોદીએ શરૂ કરેલો ગ્રામસભાઓનો વિચાર ઉમદા છે. પરંતુ એનું ખરાબ અમલીકરણ તેનો હાર્દ મારી નાખે છે. ગાંધીનગરથી અધિકારીએ નક્કી કરેલી તારીખે ગ્રામસભા મળે એનો શું મતલબ? એ તો પંચાયતીરાજના કાયદા મુજબ, સરપંચ અને સભ્યોએ નક્કી કરવાનું હોય."

"ગ્રામસભામાં રજૂ થયેલા પ્રશ્નો ઉકેલાતા નથી એટલે ગ્રામસભાઓ ઉપરથી લોકોનો રસ જ ઊઠી ગયો છે અને એનું કારણ આપણી ગ્રામસભાઓ પાસે કોઈ સત્તા નથી. એ તો માત્ર સલાહકારી માળખા જેવું છે."

ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં સુધારા અંગે વાત કરતાં પ્રોફેસર ગુપ્તા કહે છે, "ગામમાં સભામાં સરપંચના દરેક ઉમેદવારોએ પોતાનું વિઝન રજૂ કરવું જોઈએ. ગામને આગળ લઈ જવા માટે તે માટે તેમની પાસે કઈ કઈ યોજનાઓ છે તે તેમણે રજૂ કરવું જોઈએ. લોકો ઉમેદવારના વિઝનને આધારે તેમની પસંદગી કરે."

"રાજ્યનાં તમામ 18,000 ગામમાં એક દિવસ આવી ચર્ચા માટે ફાળવવો જોઈએ. માત્ર બે-ચાર તળાવ બનાવી નાખવાથી કે થોડા રસ્તા સુધારી નાખવાથી ગામડાંઓનો વિકાસ થવાનો નથી."

ગ્રામીણ સમસ્યાઓ

એક આરટીઆઈના જવાબમાં ભારતના મહિલા અને બાળકલ્યાણ વિભાગના આંકડા પ્રમાણે, ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા 3,20,465 છે અને ગુજરાત સમગ્ર દેશનાં 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મહારાષ્ટ્ર (6,16,772 બાળકો) અને બિહાર (4,75,824) બાદ ત્રીજા ક્રમે છે.

એક તરફ સરકાર ગાય આધારિત કૃષિને ઉત્તેજન આપી રહી છે. પરંતુ માર્ચ 2021માં કૉંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યના તત્કાલીન મહેસૂલમંત્રીએ કબૂલ્યું હતું કે આજે 2,754 ગામડાંઓ પાસે કોઈ ગૌચરની જમીન નથી રહી.

તે સમયે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે બે વર્ષ પહેલાં ગુજરાત સરકારે વિધાનસભામાં કહ્યું હતું કે 2,625 ગામડાંઓ પાસે ગૌચરની જમીન નથી. મતલબ કે બે વર્ષમાં વધુ 129 ગામડાંઓ ગૌચરની જમીનવિહોણાં થઈ ગયાં.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, 2015માં ગુજરાત વિધાનસભામાં સરકારે માહિતી આપી હતી કે સરકારી શાળામાં 8,388 ઓરડાની ઘટ છે. જે 2018માં વધીને 16,008 ઓરડા અને 2020માં 18,537 ઓરડા થઈ હતી.

માર્ચ 2021માં વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નના જવાબમાં તત્કાલીન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કબૂલાત કરતાં કહ્યું હતું કે રાજ્યની શાળાઓમાં સિમેન્ટની છતવાળા 1,523 ઓરડા વાપરી શકાય તેવી અને 5,722 ઓરડા વાપરી ન શકાય તેવી જર્જરિત હાલતમાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો