You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હરિદ્વારમાં હિંદુ ધર્મસંસદમાં મુસલમાનવિરોધી નિવેદનો આપવાની સમગ્ર ઘટના શું છે?
- લેેખક, વર્ષા સિંહ
- પદ, દેહરાદૂનથી બીબીસી ગુજરાતી માટે
હરિદ્વારમાં 17થી 19 ડિસેમ્બર દરમિયાન યોજવામાં આવેલી ધર્મસંસદમાં હિંદુત્વના મુદ્દે સાધુ-સંતોનાં વિવાદાસ્પદ નિવેદનોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
એ વીડિયોમાં ધર્મના રક્ષણ માટે શસ્ત્ર ઉઠાવવા, કોઈ મુસલમાનને વડા પ્રધાન ન બનવા દેવાના, મુસલમાનોની વસતી ન વધવા દેવા સહિતના ધર્મના નામે વિવાદાસ્પદ ભાષણ આપતાં સાધુ-સંતો જોવા મળે છે. તેમાં મહિલા સંત પણ શસ્ત્ર ઉઠાવવાની વાત કરતાં જોવા મળે છે.
પ્રસ્તુત કાર્યક્રમ સંબંધી વીડિયો વાયરલ થવાના ઘણા કલાકો પછી પણ પોલીસતંત્ર તરફથી કોઈ કાર્યવાહી નથી થઈ, તેના પરિણામે જિલ્લા વહીવટી તંત્ર સામે સવાલ કરવામાં આવ્યા હતા.
જોકે, ગુરુવારે દેહરાદૂનમાં વરિષ્ઠ પોલીસઅધિકારીઓની બેઠક યોજાઈ હતી અને તેમાં હરિદ્વારના પોલીસવડા ડૉ. યોગેન્દ્રસિંહ રાવત પણ સામેલ થયા હતા.
રાજ્યના પોલીસવડા અશોક કુમારે એ બેઠક પછી જણાવ્યું હતું કે તેમણે હરિદ્વારના પોલીસવડાને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો એ પછી ભારતીય દંડસંહિતાની કલમ ક્રમાંક 152એ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
મોડેથી ફરિયાદ નોંધવાના કારણો સંબંધે તેમણે કહ્યું હતું કે "આ ઘટના વિશે બપોરે માહિતી મળી હતી અને એ પછી કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી."
ઉત્તરાખંડના પોલીસ વડા અશોક કુમારે એમ પણ કહ્યું હતું કે "આ પ્રકારનાં ઉશ્કેરણીજનક નિવેદનો અયોગ્ય છે. તેથી અમે એ વીડિયોને સોશિયલ મીડિયા પર બ્લૉક કરવા પણ જણાવ્યું છે."
ઉત્તરાખંડ પોલીસે ટ્વિટર પર એક નિવેદનમાં જણાવ્યું હતું :
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ચોક્કસ ધર્મ વિરુદ્ધનાં ઉશ્કેરણીજનક નિવેદનો વિશેના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને ધ્યાનમાં લઈને વસીમ રિઝવી ઉર્ફે જિતેન્દ્ર નારાયણ ત્યાગી તથા અન્યો સામે હરિદ્વાર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડસંહિતાની કલમ ક્રમાંક 153એ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે."
ભારતમાં કટ્ટર હિન્દુત્વવાદી નેતાઓના મુસ્લિમવિરોધી અભિયાનની વિદેશી મીડિયામાં ઘણી ટીકા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોદી સરકારે મુસ્લિમવિરોધી નફરત પર મૌન વલણ અપનાવી લીધું છે.
બ્રિટનનાં સાંસદ નાઝ શાહે મુસ્લિમો વિરુદ્ધ નફરતનો હિંદુ યુવાવાહિનીના કાર્યક્રમનો વીડિયો ટ્વીટ કરીને લખ્યું છે કે, "આ 1941નું નાઝી જર્મની નથી. આ 2021નું ભારત છે. મુસ્લિમોને મારવાની અપીલ કરવામાં આવી રહી છે અને આ અત્યારે થઈ રહ્યું છે."
"જેઓ આને અતિવાદી સમૂહ કહે છે તેઓને ખબર હોવી જોઈએ કે હિટલરે પણ આ જ રીતે શરૂઆત કરી હતી. આ બાબતમાં વૈશ્વિક વિરોધ ક્યાં છે?"
'બાઇલાઇન ટાઇમ્સ'ના વિદેશી સંવાદદાતા સીજે વરલેમને ટ્વિટર પર હિન્દુ યુવાવાહિનીના દિલ્હીના એક કાર્યક્રમની વીડિયો ક્લિપ પોસ્ટ કરી છે. આ ક્લિપમાં કટ્ટર હિન્દુત્વવાદી નેતાઓનાં ભાષણોનો અંગ્રેજીમાં અનુવાદ પણ છે.
વરલેમનને વિડિયો ક્લિપમાંથી અંગ્રેજીમાં એક લાઇન લખી છે - હિન્દુ રાષ્ટ્ર માટે અમે લડવા અને મારવા તૈયાર છીએ.
ન્યૂજર્સીની રકર્સ યુનિવર્સિટીમાં દક્ષિણ એશિયાના ઇતિહાસના પ્રોફેસર ઑડ્રી ટ્રુશ્કેએ પણ આને લગતા સમાચારને ટ્વીટ કરીને લખ્યું છે, "જે સમાજ આવા નરસંહારને રોકવા માગે છે, એણે આવા કાર્યક્રમો અટકાવે. આ લોકોની ધરપકડ થવી જોઈએ.
તેમણે ઉમેર્યું, "મોદીના ભારતમાં? ભાજપના નેતાઓ આવા કાર્યક્રમોમાં ભાગ લે અને કોઈની ધરપકડ કરવામાં આવતી નથી.''
જાણીતા પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે હરિદ્વારની ઘટનાના વિડિયોની ક્લિપને રિટ્વીટ કરતાં લખ્યું, "આ મહિલા ભારતીય મુસ્લિમો વિરુદ્ધ હિંસાને ખુલ્લેઆમ ભડકાવી રહી છે. આ હિટલરનું મહિલા સંસ્કરણ છે, જે નજીકના ભવિષ્યમાં નરસંહારનું આયોજન કરી રહી છે.
આ મહિલા સાબિત કરી રહી છે કે મહમદઅલી ઝીણા સાવ સાચા હતા કે તેમણે મુસ્લિમો માટે અલગ પાકિસ્તાન બનાવ્યું. ઝીણાસાહેબનો આભાર.''
'ભગવું બંધારણ'
ધર્મસંસદમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અશ્વિની ઉપાધ્યાય, જૂના અખાડાના મહામંડલેશ્વર તથા ગાઝિયાબાદના સાધુ યતિ નરસિંહાનંદ સરસ્વતી, જૂના અખાડાના મહામંડલેશ્વર તથા જમણેરી સંગઠન હિંદુ રક્ષા સેનાના સ્વામી પ્રબોધાનંદ, નિરંજની અખાડાના મહામંડલેશ્વર સ્વામી પ્રબોધાનંદ, નિરંજની અખાડાનાં મહામંડલેશ્વર મા અન્નપૂર્ણા ઉપરાંત ધર્મસંસદના આયોજક પંડિત અધીર કૌશિક સહિત 1,000થી વધુ મહામંડલેશ્વરો તથા સાધુ-સંતો એકઠાં થયાં હતાં.
જૂના નિરંજની, મહાનિર્વાણી સહિતના હરિદ્વારના તમામ પ્રમુખ અખાડાના પ્રતિનિધિઓ પણ તેમાં ઉપસ્થિત હતા.
ધર્મસંસદમાં બીજેપીના નેતા અશ્વિની ઉપાધ્યાય 'ભગવું બંધારણ' લઈને આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે "હિંદુસ્તાનમાં, હિન્દમાં, ભગવા રંગમાં બંધારણ અમારે ખાસ બનાવવું પડે એ શરમજનક વાત છે."
જૂના અખાડાના મહામંડલેશ્વર પ્રબોધાનંદગિરિએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું :
"અફઘાનીસ્તાન પર તાલિબાને કબજ્ કર્યો છે. એવી અશાંતિ ભારતમાં પણ સર્જાઈ શકે છે. વિશ્વમાં અશાંતિ ન સર્જાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી હિંદુઓની છે."
"હિંદુઓ માટે તેમની ફરજ બજાવવાનો અવસર આજે આવી પહોંચ્યો છે."
પ્રબોધાનંદગિરિએ દાવો કર્યો હતો કે "હિંદુઓ પરના હુમલા વધી રહ્યા છે અને હરિદ્વારમાં મુસલમાનોની વસતીનો દબદબો વધી રહ્યો છે. હિંદુઓ પર કોઈ હુમલો થશે તો અમે આત્મરક્ષા માટે શસ્ત્રો ઉઠાવીશું."
જોકે, તેઓ પોતાના દાવાના સમર્થનમાં કોઈ નક્કર પૂરાવા આપી શક્યા નહોતા. તેમના દાવાની કોઈ વિશ્વસનિયતા પણ નથી.
ઉત્તરાખંડમાં આગામી વર્ષે ફેબ્રુઆરીથી માર્ચ સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કેટલાક જાણકારો માને છે કે આ બધું ચૂંટણી પહેલાંની વ્યૂહરચના છે.
અલબત, પ્રબોધાનંદે એવું કહ્યું હતું કે "અમારે ચૂંટણી સાથે કશું લાગતું-વળગતું નથી. 2017માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પછી અમે હિંદુઓના રક્ષણનું અભિયાન શરૂ કર્યું છે. હરિદ્વારમાંના તમામ મહાત્મા અમને ટેકો આપી રહ્યા છે."
હરિદ્વારમાં ધર્મસંસદના આયોજક અને પરશુરામ અખાડાના અધ્યક્ષ પંડિત અધીર કૌશિકે કહ્યું હતું, "ધર્મ સંસદનું આયોજન છેલ્લાં સાત વર્ષથી આ જ રીતે કરવામાં આવી રહ્યું છે."
"અગાઉ દિલ્હી અને ગાઝિયાબાદમાં પણ આવી ધર્મસંસદ યોજવામાં આવી હતી. ધર્મસંસદનો ઉદ્દેશ હિંદુ રાષ્ટ્રના નિર્માણની તૈયારી કરવાનો છે. એ માટે શસ્ત્રો ઉઠાવવાની જરૂર પડશે તો એ પણ ઉઠાવીશું."
તેમણે ઉમેર્યું હતું કે "જે હિંદુ યુવાનો ખોટી નીતિઓને કારણે ફસાઈ જાય છે તેમના પરિવારના રક્ષણ માટે તથા તેમને જામીન પર મુક્ત કરાવવા માટે શક્ય તેટલી તમામ મદદ કરવાની દરખાસ્ત ધર્મસંસદમાં રજૂ કરવામાં આવી હતી."
"હિંદુઓને બે જ બાળકો પેદા કરવાની સલાહ આપવામાં આવે છે અને બીજી કોમમાં 12-20-40 બાળકો હોય છે. વસતીનિયંત્રણ કાયદાનો કડકાઈપૂર્વક અમલ થવો જોઈએ."
આગામી ધર્મસંસદની તૈયારી
પંડિત અધીરના જણાવ્યા મુજબ, આગામી એપ્રિલ-મેમાં મથુરાના વૃંદાવનમાં ધર્મસંસદ યોજવાની તૈયારી ચાલી રહી છે.
ધર્મસંસદના સંકલ્પની જાહેરાત કરતાં મહામંડલેશ્વર યતિ નરસિંહાનંદગિરિ મહારાજે કહ્યું હતું કે "હવે દરેક હિંદુનું લક્ષ્ય માત્ર સનાતન વૈદિક રાષ્ટ્રની સ્થાપનાનું હોવું જોઈએ."
"આજે ખ્રિસ્તીઓના અંદાજે 100 દેશ છે. મુસલમાનોના 57 અને બૌદ્ધોના પણ આઠ દેશ છે. એટલું જ નહીં, માત્ર 90 લાખ યહુદીઓનો પણ પોતાનો દેશ ઇઝરાયલ છે."
"100 કરોડ હિંદુઓનું દુર્ભાગ્ય છે કે તેમની પાસે પોતાનો દેશ કહી શકાય એવી એક ઈંચ જગ્યા સુદ્ધાં નથી. હવે હિંદુઓએ પોતાના રાષ્ટ્ર માટે તનતોડ મહેનત કરવી પડશે."
હરિદ્વારના સ્થાનિક પત્રકાર ધર્મેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે અહીં આ પ્રકારના કાર્યક્રમો દર છ-આઠ મહિને યોજવામાં આવે છે અને આ પ્રકારની વાતો ચાલતી રહે છે, પરંતુ આ વખતે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ લોકોનું ધ્યાન આ તરફ ખેંચાયું છે.
તેમણે કહ્યું, "જૂના અખાડાના પ્રબોધાનંદગિરિ ચર્ચાનું કેન્દ્ર બનવા માટે આવી વાતો કરતા રહે છે, પરંતુ નરસિંહાનંદ અને અધીર કૌશિક આ કામ એક મિશન તરીકે કરી રહ્યા છે."
ઉશ્કેરણીજનક નિવેદન બાબતે કાર્યવાહીની માગ
કૉંગ્રેસનાં પ્રવક્તા શમા મોહમ્મદે આ નિવેદનો બાબતે ટ્વીટ કરીને જોરદાર વિરોધ વ્યક્ત કર્યો હતો.
તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું કે "મુનવ્વર ફારુકીને કથિત જોક બાબતે દંડવામાં આવ્યા, પરંતુ ધર્મસંસદના સભ્યો વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી."
ધર્મસંસદમાં કરવામાં આવેલાં ભાષણો બાબતે પ્રદેશ કૉંગ્રેસનાં પ્રવક્તા ગરિમા મેહરા દસૌનીએ કહ્યું હતું કે "યુવાનો માટે રોજગારની માગને મુદ્દે, મોંઘવારીના મુદ્દે ધર્મસંસદ યોજવાને બદલે આ મુઠ્ઠીભર લોકો જનતાને ભ્રમિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે."
"બરાબર ચૂંટણી પહેલાં જ હિંદુસ્તાન-પાકિસ્તાન-મુસલમાન એ જ તેમનો ઍજન્ડા હોય છે. કોવિડ મહામારી વખતે ગંગામાં મૃતદેહો તરતા હતા, તેમાં હિંદુ-મુસલમાનો બધા જ હતા. એ વખતે હિંદુ ધર્મના ઝંડાધારીઓ મૃતદેહોના દાહ સંસ્કાર માટે કેમ આવ્યા નહોતા. આ પ્રકારની માનસિકતાવાળા લોકો દેશને કઈ દિશામાં લઈ જવા ઈચ્છે છે."
ગરિમા મેહરા દસૈનીએ જણાવ્યું હતું કે જે નિવેદનો કરવામાં આવ્યાં એ ઉશ્કેરણીજનક હતાં અને અદાલતે તથા પોલીસે તેને જાતે ધ્યાનમાં લેવાં જોઈએ.
એ દિવસે હરિદ્વારમાં જ હતા જે. પી. નડ્ડા અને પુષ્કર ધામી
ધર્મસંસદનું આયોજન 17થી 19 ડિસેમ્બર સુધી કરવામાં આવ્યું હતું.
બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા 18 ડિસેમ્બરે હરિદ્વારમાં વિજયસંકલ્પ યાત્રાના પ્રારંભ માટે આવ્યા હતા.
તેમની સાથે મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામી અને બીજેપીના પ્રદેશપ્રમુખ મદન કૌશિક પણ એ કાર્યક્રમમાં હાજર હતા.
કૌશિક હરિદ્વારના વિધાનસભ્ય પણ છે. પોતે ધર્મસંસદના કાર્યક્રમથી અજાણ હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે "મને ખબર નથી એવી કઈ ધર્મસંસદનું આયોજન થયું હતું. તેની તપાસ હું કરીશ. સવારે પણ લોકોએ આ બાબતે મને ફોન કૉલ કર્યા હતા."
"18 ડિસેમ્બરે તો હરિદ્વારમાં કાર્યક્રમ માટે અમે બધા જે. પી. નડ્ડાજી સાથે હતા."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો