ઓમિક્રૉનનાં લક્ષણો : વહેતું નાક એ સામાન્ય શરદી છે કે ઓમિક્રૉનનું લક્ષણ?

    • લેેખક, મિશૅલ રૉબર્ટ્સ
    • પદ, હેલ્થ ઍડિટર, બીબીસી

તજજ્ઞોનું માનવું છે કે લોકોએ હાલમાં પણ કોરોનાનાં અગાઉ જે લક્ષણો હતાં, તેનું ધ્યાન રાખવું જોઈએ.

કોરોનાનાં આ લક્ષણોમાં જેમાં કફ, તાવ તેમજ સુગંધ અને સ્વાદ પારખવામાં અસહજતાનો સમાવેશ થાય છે.

જોકે, સંશોધકોનું માનવું છે કે કેટલાક કોરોનાગ્રસ્ત લોકો વધારે શરદીની સાથેસાથે માથાનો દુઃખાવો, ગળામાં ખરાશ અને વહેતા નાકની પણ ફરિયાદ કરે છે.

યુકેમાં 'ધ ઝોઇ કોવિડ સ્ટડી ઍપ્લિકેશન' દ્વારા હજારોની સંખ્યામાં લોકોને પોતાનાં લક્ષણો જણાવવા કહેવાયું હતું.

સંશોધકોએ ડેલ્ટા અને ઓમિક્રૉન એમ બન્ને વૅરિયન્ટથી ચેપગ્રસ્ત થયેલા લોકોનો ડેટા એકત્ર કર્યો હતો. સંશોધનમાં આ પાંચ લક્ષણો સૌથી વધુ જોવાં મળ્યાં હતાં.

  • વહેતું નાક
  • માથાનો દુઃખાવો
  • શારીરિક અશક્તિ
  • છીંક આવવી
  • ગળામાં ખરાશ

જો કોરોનાની આશંકા હોય તો કોરોના ટેસ્ટ કરાવવો અનિવાર્ય છે. ગંભીર માંદગી ન ધરાવતા લોકો પણ અન્યને સંક્રમિત કરી શકે છે.

શું તાવનો અર્થ એમ છે કે મને કોરોના છે?

100 ડિગ્રી ફૅરનહિટ કે તેથી વધુ બૉડી ટૅમ્પરેચર ત્યારે જ આવે છે જ્યારે શરીર કોઈ સંક્રમણ સામે લડી રહ્યું હોય.

આ સંક્રમણ માત્ર કોરોના વાઇરસનું જ હોય તેવું જરૂરી નથી.

તાવની ચકાસણી કરવા થર્મોમીટર એ સૌથી યોગ્ય સાધન છે. જો તમારી પાસે એ ન હોય તો તમારે ચકાસવું જોઈએ કે શું છાતી કે પીઠ પર અસહ્ય ગરમી તો નથી લાગી રહીને?

શું કફ એ કોરોનાની નિશાની છે?

કફ હોય તો એનો અર્થ એ નથી કે તમને કોરોના જ હોય. તમને ફ્લૂ કે પછી શરદી પણ હોઈ શકે છે.

ફ્લૂ એકાએક આવે છે અને તેનાં લક્ષણોમાં કફની સાથે સાથે સ્નાયુઓનો દુઃખાવો, ઠંડી લાગવી, માથાનો દુઃખાવો, અશક્તિ, ગળામાં ખરાશ અને વહેતું અથવા તો બંધ નાક હોવાનો સમાવેશ થાય છે.

જ્યારે શરદી ધીમેધીમે વધે છે ત્યારે ફ્લૂની સરખામણીએ ઓછી ઘાતકી હોય છે. તેનાં લક્ષણોમાં કફની સાથેસાથે ગળામાં ખરાશ અને વહેતું નાક જોવા મળે છે. તાવ, ઠંડી લાગવી, સ્નાયુઓનો દુઃખાવો અને માથાનો દુઃખાવો ભાગ્યે જ જોવા મળે છે.

કોરોના વાઇરસના કફનો અર્થ એ છે કે વ્યક્તિને સતત ખાંસી આવ્યા કરે છે. જે સામાન્ય કરતાં વધારે માત્રામાં જોવા મળે છે.

જો તમને કફની લાંબા સમયથી સમસ્યા હોય તો કોરોના સંક્રમણના કિસ્સામાં તે વધુ ખતરનાક થઈ શકે છે.

સ્વાદ અને સુગંધ પારખવામાં અસહજતા શું દર્શાવે છે?

જો તમે સ્વાદ અને સુગંધ પારખવાની શક્તિ ગુમાવી બેઠા હોવ તો તમારે સૌથી પહેલા ટેસ્ટ કરાવવો જોઈએ.

આ લક્ષણો શરદીમાં પણ જોવા મળે છે.

જો આ સિવાય તમે અન્ય કોઈ લક્ષણો ન ધરાવતા હોવ તો પણ અન્ય લોકોમાં સંક્રમણ પ્રસરતું અટકાવવા માટે તમારે સૌથી પહેલા ટેસ્ટ કરાવવો જોઈએ.

છીંક અને કોરોનાવાઇરસ વચ્ચે શું સંબંધ છે?

છીંક એ કોરોના વાઇરસનાં મુખ્ય લક્ષણોમાંનું એક નથી. તજજ્ઞો પ્રમાણે, જ્યાં સુધી તમને તાવ, શરદી, કફ સહિતના કોરોનાનાં મુખ્ય લક્ષણો ન હોય ત્યાં સુધી ટેસ્ટ કરાવવાની કોઈ જરૂર નથી.

જોકે, છીંક દ્વારા સંક્રમણ પ્રસરવાની શક્યતા રહેલી છે. જેથી છીંક આવે ત્યારે રૂમાલનો પ્રયોગ કરવો અને સમયાંતરે હાથ ધોવા જોઈએ.

કોરોના અને અન્ય બીમારીઓને પ્રસરતી અટકાવવા...

  • સમયાંતરે હાથ ધોવા જોઈએ
  • સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જોઈએ
  • માસ્ક પહેરી રાખવું જોઈએ

વહેતું નાક અને માથાનો દુઃખાવો કોરોનાને કારણે હોઈ શકે?

તજજ્ઞો પ્રમાણે વહેતું નાક, બંધ નાક કે પછી માથાનો દુઃખાવો એ કોરોનાનાં મુખ્ય લક્ષણોમાં સામેલ નથી.

જેથી જો માત્ર આ બે લક્ષણો હોય તો ટેસ્ટ કરાવવાની જરૂર નથી. પણ સંશોધનો પ્રમાણે કોરોનાનાં કેટલાક દર્દીઓમાં આ લક્ષણો પણ જોવા મળ્યાં છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો