કોવિડ-19 : જ્યાંથી કોરોનાની શરૂઆત થઈ એ ચીન મહામારીને કઈ રીતે કાબૂમાં લઈ રહ્યું છે?

    • લેેખક, સ્ટીફન મૈકડોનેલ
    • પદ, બીબીસી ન્યૂઝ, બીજિંગ

અનેક લૉકડાઉન પછી દુનિયાભરમાં જનજીવન થાળે પડે તે માટે પ્રયાસ થઈ રહ્યા છે.

કોરોનાના રસીકરણ બાદ ઢીલ આપવામાં આવી રહી છે. આમ છતાં ચીનમાં કોરોના શરૂ થયો, ત્યારથી લઈને અત્યાર સુધી એકદમ કડક વલણ અપનાવવામાં આવ્યું છે.

મહામારીને નાથવા માટે નિયંત્રણ લાદનારો ચીન પ્રથમ દેશ હતો અને એવું લાગે છે કે આ પ્રતિબંધોને દૂર કરનારો છેલ્લો દેશ હશે. ચીન ગમે તે સંજોગોમાં 'ઝીરો-કોવિડ' સ્થિતિને ફરીથી હાંસલ કરવા માટે પ્રયાસરત્ છે.

એક વ્યક્તિ ફાઇવસ્ટારમાં કંઈક પૂછવા ગઈ, તો તેને 14 દિવસ માટે ક્વોરૅન્ટીન કરી દેવામાં આવી, કારણ કે એ હોટલમાં ઊતરનારી એક વ્યક્તિ કેટલાક કોરોના ચેપગ્રસ્તોના સંપર્કમાં આવી હતી.

એક હાઇસ્પીડ ટ્રેનના ડ્રાઇવિંગ ક્રૂની એક વ્યક્તિ કોરોના સંક્રમિતના સંપર્કમાં આવી હતી. આથી, ટ્રેનના તમામ મુસાફરોને સામૂહિક પરીક્ષણ માટે ક્વોરૅન્ટીન કરી દેવામાં આવ્યા.

શાંઘાઈ ખાતેના ડિઝની લૅન્ડમાં લગભગ 34 હજાર લોકોએ અચાનક જ કોરોનાનું પરીક્ષણ કરવામાં આવ્યું. કારણ કે આગલા દિવસે મનોરંજન પાર્કમાં એક વ્યક્તિ આવી હતી, જેને કોરોના હોવાનું બહાર આવ્યું હતું.

જો તમે ચીનના લોકો સાથે વાત કરશો તો વાઇરસને નાથવા માટે કરવામાં આવતા કડક ઉપાયો સામે તેમને કોઈ વાંધો નથી, કારણ કે તેમને સલામત રાખવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે.

કામ કરીને ઘરે પરત ફરી રહેલી અન્ય એક મહિલાના કહેવા પ્રમાણે, વાઇરસ અંગે હજુ સુધી પૂરેપૂરી માહિતી મળી શકી નથી અને વૅક્સિનમાં સુધાર લાવવાને અવકાશ છે. આ સંજોગોમાં મુક્ત વ્યવહારને અટકાવવો શ્રેષ્ઠ ઉપાય છે.

થોડા સમય પહેલાં સુધી સિંગાપોર, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ જેવા દેશો કોરોના વાઇરસના પ્રકોપ સામે ઝઝૂમી રહ્યા હતા. તેમણે સ્થાનિક પ્રસારને અટકાવવા માટે લૉકડાઉન જેવા ઉપાયો લાગુ કર્યા. જોકે, બે બાબતોને કારણે પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે.

ડેલ્ટાનું આગમન અને રસીકરણ

કોરોના વાઇરસના ડેલ્ટા વૅરિયન્ટનું આગમન થયું છે, જેને નિયંત્રિત કરવો મુશ્કેલ છે. બીજી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે મોટાપાયે રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

વ્યાપક રસીકરણનો મતલબ એ હતો કે લોકો વાઇરસના સંસર્ગમાં આવશે તો ખરા, પરંતુ ગંભીર સ્થિતિ ઊભી નહીં થાય અને તેમને હૉસ્પિટલમાં દાખલ નહીં કરવા પડે.

આને પગલે અનેક દેશોએ પોતાની સરહદો ખોલી નાખી છે અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધી રહ્યો છે. બીજી બાજુ, ચીનમાં વિદેશીઓનો પ્રવેશ હજુ પણ મુશ્કેલ છે. અને જે ચાઇનીઝ લોકોના પાસપૉર્ટની મુદ્દત સમાપ્ત થઈ ગઈ છે, તેને અપડેટ નથી કરાઈ રહ્યા.

અન્ય દેશોમાં લોકો 'વાઇરસની સાથે જીવવા'ની ટેવ પાડી રહ્યા છે, પરંતુ ચીનમાં એવું નથી. ત્યાં ડેલ્ટા વૅરિયન્ટને કારણે મહામારીની વધુ એક લહેર આવી છે.

જો સરકારી આંકડા ખરા હોય તો ઑક્ટોબર મહિનાથી લઈને નવેમ્બર મહિનાના મધ્યભાગ સુધીમાં લગભગ એક હજાર કેસ નોંધાયા છે.

આમ તો આ આંકડો મોટો ન લાગે, પરંતુ ચીનનાં 21 રાજ્યોમાં આ વાઇરસે જોવા મળ્યો છે. ચીન દ્વારા અમુક કેસ નોંધાયે પણ એવાં જ પગલાં લેવામાં આવી રહ્યાં છે, જેવાં અમુક સો કે હજાર કેસ નોંધાતાં લીધાં હોત.

પ્રસારનો સ્વીકાર નહીં

ચીનના અમુક વિજ્ઞાનીઓ પ્રસાર નહી થવા દેવાની નીતિ ઉપર વિચાર કરવાની ભલામણ કરે છે, પરંતુ તંત્રે હજુ સુધી તેમાં કોઈ ઢીલ આપી નથી.

હૉંગકૉંગ યુનિવર્સિટીના વાઇરૉલૉજિસ્ટ તથા સરકારના સલાહકાર પ્રોફેસર ગુઆન યીએ ન્યુક્લિક ઍસિડ ટેસ્ટ (જે ચેપ વિશે માહિતી આપે) તથા ઍન્ટિબૉડી ટેસ્ટ (જે રસીની અસરકારકતા સમજવામાં મદદ કરે) તરફ જવા માટે ભલામણ કરી છે.

ફિનિક્સ ટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં ગુઆન યીએ કહ્યું કે 'શૂન્ય પ્રસાર'ની નીતિ લાંબા સમય સુધી રોગના પ્રસારને અટકાવવામાં મદદ કરશે, તે વાતની કોઈ શક્યતા નથી. તેમણે કહ્યું :

"આ વાઇરસ કાયમી થઈ ગયો છે, જે ઇન્ફલ્યુએન્ઝાના વાઇરસ જેવો જ છે. જે લાંબા સમય સુધી લોકોમાં ફેલાતો રહેશે."

આ વિચાર અન્ય દેશો માટે સામાન્ય બની ગયો છે, પરંતુ ચીનની સરકાર જ્યારે-જ્યારે કેસોમાં ઉછાળ આવે છે, ત્યારે તેને શૂન્ય સુધી લઈ જવા માટે પ્રયાસ કરે છે. જેને બદલવી મુશ્કેલ છે.

વાઇરસ, વૅક્સિન અને વ્યાપ

જ્યારે પ્રો. ગુઆનને પૂછવામાં આવ્યું કે ચીનની વૅક્સિન મ્યુટન્ટ સ્ટ્રેન સામે કેટલી અસરકારક છે ? જેનો જવાબ આપતા પ્રો. ગુઆને કહ્યું કે આનો જવાબ વૅક્સિન ઉત્પાદકો જ આપી શકે.

માત્ર શિક્ષણવિદ્દો જ ચીનની સરકારની નીતિ ઉપર સવાલ નથી ઉઠાવી રહ્યા. ન્યૂ યૉર્કની કાઉન્સિલ ઑન ફૉરેન રિલેશન્સ ડૉ. હૌંગ યાનઝોંગના કહેવા પ્રમાણે, ચીનની સરકાર જે હાંસલ કરવા માગે છે, તે વૅક્સિનથી મળી શકે તેમ નથી.

તેમણે બીબીસીને જણાવ્યું, "તે (ચીન) વૅક્સિન દ્વારા રોગના ચેપનો પ્રસાર અટકાવવાની ક્ષમતા પ્રત્યે આશ્વસ્ત નથી. આવું એટલા માટે કે સારામાં સારી રસી પણ ચેપનો ફેલાવો અટકાવી ન શકે. પરંતુ પ્રસારને બિલકુલ સહન નહીં કરવાની નીતિ આ વાતનો સ્વીકાર કરવા તૈયાર નથી."

ડૉ. હૌંગના કહેવા પ્રમાણે, "ચેપનો ફેલાવો જરા પણ સહન ન કરવો એ રણનીતિ, તેમના સત્તાવાર નારૅટિવનો ભાગ છે. જેથી ચીનની રાજકીય વ્યવસ્થામાં ટોચ ઉપર બેઠેલા લોકો મહામારી સામે ઝઝૂમવા માટે તેમના મૉડલની સફળતાનો દાવો કરી શકે."

"જો આ વ્યૂહરચના છોડી દેવામાં આવે અને કેસ વધવા લાગે તો લોકો વધતા કેસ ઉપર સવાલ ઉઠાવવા લાગશે."

નિયંત્રણનાં કારણો

આવનારા સમયમાં બીજિંગ ખાતે અનેક મોટા કાર્યક્રમો યોજાવાના છે, અધિકારીઓ ઇચ્છે છે કે કોરોનાના ઓછાયા વગર તેનું આયોજન થાય.

ફેબ્રુઆરી મહિનામાં શિયાળુ ઑલિમ્પિક યોજાશે, હજુ તેની ટિકિટોનું વેચાણ શરૂ નથી થયું, પરંતુ દર્શકોને સ્ટેડિયમ સુધી લાવવાની યોજના છે. આવતા વર્ષે ઑક્ટોબર મહિનામાં ચીનનું કૉમ્યુનિસ્ટ અધિવેશન યોજાશે, જે દર પાંચ વર્ષે એક વખત યોજાય છે.

એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે કે આ અધિવેશન દરમિયાન જ શી જિનપિંગના ત્રીજા કાર્યકાળ ઉપર મંજૂરીની મહોર મારવામાં આવશે. આ સિવાય પણ બીજા અનેક કાર્યક્રમો યોજાતા રહેશે.

આ રણનીતિ અપનાવવા પાછળ બીજું એક કારણ પણ જવાબદાર માનવામાં આવે છે. શી જિનપિંગની સરકાર દેશની ઉપર વિદેશી અસરને ઘટાડવા માગે છે અને મહામારીએ આ લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ઉત્તમ બહાનું આપ્યું છે.

સોશિયલ મીડિયા ઉપર અનેક પોસ્ટમાં રાષ્ટ્રવાદીઓએ ચીનની કાર્યપદ્ધતિ ઉપર આંતરરાષ્ટ્રીય અસરની ટીકા કરી છે. સરકાર નિશ્ચિતપણે 'સુધાર અને મુક્તપણા'ને બદલે કૉમ્યુનિસ્ટ પાર્ટી તથા શી જિનપિંગને દરેક મુદ્દે કેન્દ્રમાં રાખી રહ્યા છે.

બીબીસીએ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિનને પૂછ્યું હતું કે અન્ય દેશ તેમની સરહદો ખોલી રહ્યા છે, ત્યારે ચીન ક્યારે ખોલશે. જેના જવાબમાં વેનબિને કહ્યું કે અન્ય દેશોના અનુભવોને જોઈને ચીન નવા વૅરિયન્ટ્સ વિશે વૈજ્ઞાનિક અભિપ્રાય લઈને પોતાનો નિર્ણય લેશે.

આમ, ચીનમાં સત્તામાં રહેલા લોકો હાલ તરત શૂન્ય-પ્રસારની નીતિને ત્યજવાના હાલ તો કોઈ અણસાર નથી આપી રહ્યા. અને જે સંકેત મળી રહ્યા છે, તે એનાથી તદ્દન વિપરીત જ છે.

નિયંત્રણો અને નિષેધો રહેશે

ડૉ. ઝોંગ નાનશાનને ચીનમાં આરોગ્યક્ષેત્રે રાષ્ટ્રીય હીરો તરીકે જોવામાં આવે છે. શ્વાસની બીમારીના આ નિષ્ણાતે વર્ષ 2003માં સરકારને પડકારીને દુનિયાભરમાં પ્રસિદ્ધિ મેળવી હતી. સરકારનું માનવું હતું કે સાર્સ ખાસ ગંભીર બીમારી નથી.

હવે લોકો અને અધિકારીઓ પણ તેમની વાતને ગંભીરતાથી લે છે અને તેમની અવગણના નથી કરતા. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે કોરોના વિરુદ્ધ ચીનનાં કડક પગલાં "લાંબા સમય સુધી યથાવત્" રહેશે.

તેમણે કહ્યું, "કોરોનાને કારણે બે ટકા મૃત્યુદર વૅક્સિનની ઉપલબ્ધતા છતાં ચીન માટે વધુ છે. ટૂંક સમયમાં બધું ખોલી નાખવું યોગ્ય નથી. અન્ય દેશોની "કોરોના સાથે જીવવાની નીતિ"ને ચીન ધ્યાનપૂર્વક જોઈ રહ્યું હશે."

એમ પણ માની શકાય કે ચીનના અધિકારીઓ તેમના વલણમાં રૂઢિવાદી વધુ હોય. શક્ય છે કે દેશને "ફરીથી ખોલવાની યોજના" ઉપર કામ કરી રહ્યા હોય, પરંતુ આને માટે ઉતાવળ ન હોય.

જો લોકો ચીન જવા માગતા હોય કે જવા માગતા હોય તેમને રાહ જોવી રહી. ચીનના મધ્યમ તથા ઉચ્ચ વર્ગના લોકો છૂટથી અવરજવર પરના પ્રતિબંધથી ખુશ ન હોય, પરંતુ સામાન્ય લોકો સ્વસ્થ રહેવા માટે સરકારના આ ચુકાદાને અનુમોદન આપે છે.

દરમિયાન વ્યાપક ટેસ્ટિંગ, અવરજવર પર નિયંત્રણ ક્વોરૅન્ટીન, વ્યાપક નિયંત્રણોની સાથે લૉકડાઉન વગેરે જેવી બાબતો ચીનના લોકોના જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો